26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાચી રીતે ગરબા રમીને ‘શક્તિ’નો અનુભવ કરો

સમજણ-મુકેશ પંડ્યાનવરાત્રિને આપણે શક્તિના તહેવાર તરીકે ઉજવીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ. પણ સામાન્ય સંજોગોમાં એમ પ્રશ્ર્ન થાય કે રોજ રાત્રે યુવાનો અને મહિલાઓ ગરબા રમે છે તો શક્તિ ખર્ચાય જાય કે શક્તિ પ્રાપ્ત થાય? ગરબા આમ તો કોઇ પણ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ ત્યારે ‘શક્તિ’નો વ્યય થતો હોય છે. પણ જો ગરબા યોગ્ય રીતે રમવામાં આવે તો ખરેખર શક્તિ મેળવી શકાય છે. પણ એ માટે કેટલાક નિયમ પાળવા જરૂરી છે.

ચાલો વિસ્તારપૂર્વક જોઇએ.

૧) જો તમે સમગ્ર સૃષ્ટિ અને તેમાં રહેલા પદાર્થોનું બારીકીથી નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવશે કે બ્રહ્માંડમાં બધે જ ગરબા રમાય છે. પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જેવા કે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પ્લુટો, યુરેનસ વિગેરે તમામ સૂર્યની આસપાસ ગરબા જ રમે છે. આ ગ્રહો પોતે પોતાની ધરી પર પણ ગોળ ગોળ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ગોળાકારે પ્રદક્ષિણા ફરે છે. વિરાટકાય ગ્રહોની જેમ પદાર્થના નાના અણુઓમાં પણ તમને ગરબા રમાતા જોવા મળશે. અહીં ઇલેકટ્રોન નામના કણો- પ્રોટોન તેમ જ ન્યૂટ્રોનથી ભરેલા કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા ફરે છે અને પોતાની ધરી પર પણ ગોળ ગોળ ફરે છે. જો પૃથ્વી સૂર્યની આસપાસ ગરબા રમીને સમય તેમ જ ઋતુ પરિવર્તનની શક્તિ મેળવતી હોય, જો ઇલેકટ્રોન ગરબા રમીને ‘ઇલેકટ્રોનિક’ શક્તિ મેળવી શકતાં હોય જેના પરિણામે આપણે આજે ટી.વી., મોબાઇલ વાપરી શકીએ છીએ, તો આ કાળા માથાનો માનવી ‘ઊર્જા’ની આસપાસ ગરબા રમીને શક્તિ કેમ ન મેળવી શકે? અફકોર્સ મેળવી શકે. બસ, તમારે ગરબાના નિયમ પ્રમાણે રમવાનું છે એટલે કે ખુદ તો ગોળ ગોળ ફરવાનું સાથે કોઇ દીવો કે માતાજીની છબી કે માટીના પ્રજવલિત ગરબાની આસપાસ પ્રદક્ષિણા પણ ફરવાની છે.

ગરબા સ્વરૂપ શક્તિને કેન્દ્રમાં રાખીને ગોળ ગોળ ફરવાથી આપણા શરીરના તમામ અંગોને આ કેન્દ્રમાંથી ઊર્જા મળે છે. સાથે સાથે ખુદ ગોળ ગોળ ફરીએ ત્યારે જેમ વોશિંગ મશીનમાં રહેલાં કપડાં ગોળ ફરે અને તેમાં રહેલા ‘મેલ’ બહાર ફેંકાય જાય તેમ આપણા શરીરમાં ભેગો થયેલો ભાદરવાનો પિત્ત અને વિષદ્રવ્યો પરસેવા દ્વારા બહાર ફેંકાય જાય છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં અચૂક વધારો થાય છે. આમ ગરબા એ એવી કસરત છે જે યોગ્ય રીતે રમવામાં આવે તો ‘શક્તિ’ મેળવી શકાય છે.

ખરેખર મૂળ ગરબા તો આ રીતે જ રમાય અને અગાઉ શેરી ગરબા આ રીતે રમાતા હતા પરંતુ અત્યારે પ્રોફેશનલ ગરબા રમાય છે. એમાં છોકરાઓ ગોળ ગોળ તો ફરે છે પણ વચ્ચે કોઇ ઊર્જાનો સ્ત્રોત હોવાને બદલે ચપ્પલનો ઢગલો થયેલો હોય છે. જેમ દેશનાં રાજ્યો ‘કેન્દ્ર’ પાસેથી આર્થિક સહાય રૂપી શક્તિ મેળવે છે. તેમ આપણે પણ પ્રજવલિત દીવા કે ગરબા પાસેથી ઉષ્મા શક્તિ તો મેળવી શકીએ છીએ સાથે સાથે અગર ગાયના ઘીનો દીવો હોય તો એ આસપાસના વિસ્તારોમાં ‘પ્રાણવાયુ’ પૂરો પાડે છે. હૉસ્પિટલમાં બીમાર થઇને જઇએ ત્યારે ‘ઓક્સિજન’ લેવાના પૈસા આપવા પડે છે. અહીં દીવા કે ગરબાની આસપાસ ફરવાથી શરીરના દરેક અંગોને ‘પ્રાણ’ શક્તિ મળે છે. આનો અર્થ એ થયો કે તમારે મિત્રો જોડે પ્રોફેશનલ ગરબા-રમવા જાવું હોય તો માત્ર મોજમજા જ મળશે પણ પ્રકાશ અને ઉષ્માશક્તિ ધરાવતા ગરબાની આસપાસ રમશો તો ‘શક્તિ’ અવશ્ય પ્રાપ્ત થશે.

એક બીજી વાત એ છે કે આ રાત્રિઓ દરમ્યાન ખાણી પીણી શુદ્ધ હોવી જોઇએ. ઘણા લોકો તો ઉપવાસ કરીને તન-મનને શુદ્ધ કરતાં હોય છે.

જો તમે ઉપવાસ ન કરી શકો તો કમ સે કમ ઠંડક અને ‘તાત્કાલિક શક્તિ’ પૂરી પાડતા-દૂધ, ખીર કે દૂધપૌંઆ ખાવા જોઇએ. હજુ પચાસ વર્ષ પહેલાં દક્ષિણ મુંબઇમાં ઘણી ગલીઓમાં ગરબા રમાતા તેમ ગરબા ગવાયા પછી લોકોને પ્રસાદમાં કઢિયલ દૂધ અપાતું. જ્યારે આજના છોકરાઓ નિયમ વગરના ગરબા રમે, જંકફૂડ ખાય, ઉપવાસ ન કરે- તો પછી શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? પ્રોફેશનલ ગરબા સ્થળોએ રમવા જતી વખતે એક કામ થઇ શકે, ચપ્પલ-બૂટ પહેર્યા વગર જ જવું. વચ્ચે આવા અશુદ્ધ ચપ્પલ-બૂટ મૂકીને રમવા જવાનો કોઇ અર્થ નથી. જૈનો ચપ્પલ પહેર્યા વગર મંદિરમાં જાય છે. વડોદરામાં ઘણે ઠેકાણે ગરબા રમતી વખતે ચપ્પલ-બૂટ મેદાનની અંદર લઇ જવાની મનાઇ છે. મુંબઇમાં તો ચપ્પલ બૂટ પહેરીને ગરબા રમવાવાળા પણ તમને મળી આવશે. આ રીતના ગરબાનો કોઇ અર્થ નથી.

ખુલ્લા પગે ગરબા રમવાથી એક્યુપ્રેશરનો લાભ પણ લઇ શકાય છે. કારણ કે આખા શરીરને ઊર્જા પૂરી પાડતા -ચાર્જ બટન-બે હાથની હથેળી અને પગની પાનીઓમાં હોય છે. એટલે જ ગરબામાં તાળી ગરબાનું ખૂબ મહત્ત્વ છે. આ રીતે ચપ્પલ પહેર્યા વગર હાથની તાળી અને પગના ‘ઠેકા’ દઇને એક્યુપ્રેશર કે એક્યુપંકચરથી થતા લાભો અને ‘શક્તિ’ મળે છે. તો બસ, આટલું યાદ રાખો.

૧) ખુદ ગોળ ગોળ ફરો અને શક્તિના સ્ત્રોત સમા દીપકની આસપાસ પ્રદક્ષિણા કરો.

૨) તાળી ગરબા અને ચપ્પલ વગર ગરબા રમો.

૩) શક્તિ દાયક, ઇન્સ્ટન્ટ એનર્જી આપતા અને પ્રકૃતિમાં ઠંડા તેમ જ સાત્વિક મધુર હોય તેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

C05fut
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com