21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઘર, ઘરૌંદા, ફ્લેટ, એપાર્ટમેંટ: સ્ક્વેરફીટથી સંવેદના સુધી!

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: બીજાની કિતાબ સતત પર લખનારા મૌલિકતાની દુહાઇ આપે ત્યારે હસવું આવે (છેલવાણી)

ઘર એટલે આસ્થાનું આંગણું, એમાં પોતીકાનાં પગલાં, ઉંબરામાં ઉમળકાનો ઉત્સવ .ભીંતોમાં રહેનારાંઓનાં સંબંધોની ફ્રેમ, એમાં હૈયાની હૂંફ ‘હેમખેમ’ ઘર વિશે આવું બધું ટીપીકલ હું નહીં કહું! સરકાર કહે છે કે સરકારી યોજના મુજબ ભારતમાં બધે જ ઘર આપવાની સ્કીમ સુપર હીટ છે! ઓકે હશે ઘર વિશે થોડી વાત કરીયે પહેલા..

એક મકાનમાં નીચે મલયાલી,પહેલે માળે બંગાળી, ઉપર ગુજરાતી ફેમિલી રહેતાં હતાં. એકવાર પતિ અને બાળકો બહાર ગયેલાં અને મકાનમાં આગ લાગી. મલયાલમ, બંગાળીની પત્નીઓ આગમાં બળી ગઈ પણ ગુજરાતી સ્ત્રી બચી ગઈ. કારણ કે આગ લાગી ત્યારે મલયાલી સ્ત્રી નોવેલ વાંચવામાં મશગુલ હતી તો સ્વાહા થઈ ગઈ. બંગાળી બાઈ, પેઈન્ટિંગ બનાવતી હતી અને ખાખ થઈ ગઈ. પણ આપણી ગુજરાતી સ્ત્રી અગાશી પર ગોળ કેરી સૂકવતી હતી, આગ ત્યાં સુધી પહોંચી જ નહીં અને બચી ગઈ. ટૂંકમાં કળા અને સાહિત્ય જાન લે છે પણ અથાણાં બચાવે છે!

યારો, મને સાહિત્ય-કળા તરફ હંમેશાં ફરિયાદ રહી છે કે લેખકો-કવિઓ ઘરને લઈને બહુ ઇમોશનલ થતાં હોય છે. ક્ધયાવિદાયના ગીતોમાં જે ડૂસકાં બચી ગયાં હશે, એ બધાં ઘરની વાતોમાં ભભરાવવામાં આવે છે. સ્પેશ્યલી, ગામનાં ઘરનું આંગણું, ડેલી, ફળિયું, તળાવ, પીપળો વગેરે વિષે વાતો કરીને. પણ આવું લખનાર લેખક સાલો પોતે દસ વર્ષમાં માંડ એકવાર ગામ જતો હશે અને જાય ત્યારે પણ ‘ઓહ નો...હજી અહીંયા રસ્તા ડેવલપ નથી થયાં’એમ મિનરલ વોટરની બોટલ લઈને હાથમાં લઈને બોલે! હાય, જાણે ગામનું પાણી પીને એઈડ્સ થઈ જશે!

વળી ઘણાં લેખકે લખે કે: ‘આજે મારાં ખેતરને બદલે ત્યાં એપાર્ટમેંટ છે, મોટું મકાન છે, બંગલો છે-મને એ હરિયાળું ખેતર યાદ આવે છે’ (અચ્છા એમ?સાલાં ખોટારડાં, તે દિનરાત ભાઈભાંડુઓ સાથે બાઝીને પૈસાં રોકડાં કર્યાં ત્યારે તને ખેતર યાદ ના આવ્યું?) સ્કેવર ફીટનો ભાવ મળી ગયો તો હવે ભાવના જાગે છે! અને લેખિકાઓ જ્યારે જ્યારે ઘર વિશે લખે છેને ત્યારે ધ્રુજારી છૂટે કે જેવી ચોપડી ખોલશું કે અંદરથી વઘારની વાસ આવશે! (માત્ર કરૂણ કિચન-કથાઓ લખીને અનેક લેખિકાઓએ પોતાની કરીયર બનાવી છે!) અને ઘણાં કવિઓ તો રોદણાં રડે કે, ‘ઘરમાં ફર્નિચર, કૂકિંગ-રેંજ, ટીવી, ફ્રિજ...વગેરે બધું તો છે પણ આ બધામાં હું ક્યાં છું?’વાહ રે મારાં બેટાં, તું જ્યારે કલાકો ઝઘડીને ભાવતાલ કરીને આ ખરીદી લાવ્યો ત્યારે વિચાર ના આવ્યો? જેમ પંદરમી ઓગસ્ટે નેતાઓને અચાનક તીરંગો ઝંડો યાદ આવે છે એમ કવિઓને ઘર વિશે અચાનક અસ્તિત્વની ફિલોસોફીઓ સૂઝે છે!

સાવ સાદી વાત કે ‘ઘર’ ‘ઘર’ છે. એમાં આટલું શું ઇમોશનલ થવાનું? ઘણાં ચિંતકો લખે કે ‘ઘર તો એ જ્યાં આપણે જેવા છીએ એવાં બિન્દાસ, મન મૂકીને જીવી શકીએ’ પણ એજ લખનારનાં ઘરની ભીંત પર આપણો જરાક પગ અડી જાય તો એવી રીતે ચોંકે જાણે એની વાઈફની છેડતી કરી હોય! ફૂલ જેવું નાનું છોકરું, ઘરમાં જરાક દોડાદોડી કરે કે સેંસરબોર્ડની જેમ આંખ કાઢે કે એય ફૂલદાની તૂટી જશે!

મારી દૃષ્ટિએ ઘર બે પ્રકારનાં હોય છે :કલાત્મક-આર્ટી અને કમર્શિયલ-ચટાકેદાર! અમુક ઘર ‘કમર્શિયલ ફિલ્મ’ જેવા રંગીન હોય છે. મોટાંમોટાં ફોટાં, આખી ટાઈટેનિક શિપ ડૂબી જાય એવાં મોટાં સોફાં અને શો-કેસમાં ચકચકિત કપ-રકાબીઓ! (આ ક્રોકરીનું પ્રદર્શન કરીને ઘરનો માલિક શું કહેવા માંગતો હશે? કે પછી, ઉંમર ખય્યામને એની માશૂકા ખોળામાં સૂવડાવીને સુરાહીથી શરાબ પીવડાવે છે એમ આ ઘરનાં પતિ-પત્ની, કપ-રકાબીથી એકબીજાને ચા પીવડાવતાં હશે?)

અને હા, અમુક ઘરોમાં વેલકમ કે ‘ભલે પધાર્યાં’નાં મોતીનાં તોરણ લટકતાં હોય! જેમ હુસૈન કે પીકાસોનાં મોડર્ન આર્ટનાં ચિત્રોમાંથી અર્થો શોધવા પડે એમ આ તોરણમાંથી સાચા અક્ષર શોધવાં પડે! ઘણાં ઘરોમાં મરી ગયેલા માઁ-બાપની એટલી જૂની-ઝાંખી તસવીર લટકતી હોય છે કે પૂછવાનું મન થાય કે ‘એકસક્યુઝ મી, આ ફોટામાં એકઝેટલી તમારાં ‘બા’ છે કે ‘બાપુજી’?’ઘણાં લોકો ભીંત પર પોતાનાં લગ્નનાં ફોટાં છડેચોક, બિનધાસ્ત મૂકે છે! (કેટલાં નિખાલસ લોકો!! તુલસીદાસ કહે છે ને ‘નીંદક નીયરે રાખીઓ’ એમ આ લોકો પોતે કરેલી ભૂલો નજરની સામે રાખે છે!)

અમુક ઘરો બહુ આર્ટી હોય છે. ખાદીનાં કે હેંડલૂમનાં પર્દાઓ, વાંસનું ફર્નિચર, માટીનાં કુંડાઓ અને ચટાઈ...દૂરથી એકદમ આર્ટીસ્ટિક લાગે પણ એક્ચ્યુઅલી તો ફર્નિચરનું બજેટ ના હોય એટલે આ બધું ભેગું કર્યું હોય! આવાં ઘરોની બુકશેલ્ફમાં અમૃતા પ્રિતમ, ટાગોર, જિબ્રાન જેવા ઇજ્જતદાર નામોની બુક્સ અચૂક હોય (અને ખૂણાંમાં સિડની શેલડન કે હરકિસન મહેતા શરમાઈને છુપાઈને બેઠાં હોય)અને હા, ત્યાં એક મેલી એન્ટિક મૂર્તિ ચોક્કસ હોય! પણ એ બુદ્ધ છે કે ક્રાઈસ્ટ એના પર જુગાર રમાઈ શકે. આવાં આર્ટીઓથી આપણને આર્ટ ફિલ્મ જેટલો ડર લાગે!

ઇન્ટરવલ:

કોઈ પૂછે કે ઘર તારું કેવડું?

મારા વાલમજી બાથ ભરે એવડું (રમેશ પારેખ)

ફિલ્મોમાં જેવો કોઈ હીરો નવા ઘરમાં શીફ્ટ થાય કે સામેની બાલ્કનીમાં બિપાશા બસુ જેવી વાળ સૂકવતી સેક્સી હિરોઈન જોવા મળે! પણ આપણાં ઘરોમાં જો ભૂલથીયે સામેવાળી સ્ત્રી પર નજર જાય કે એ તરત જ પડદો બંધ કરી દે અને એની નજરમાં એવી કમ્પલેઈન હોય કે હમણાં પોલીસને બોલાવીશ! એને કહેવાનું મન થાય કે, ‘હે ચરબીશ્ર્વરી, તારી સામે હું શું કામ જોઉં? તારો વર પણ તારી સામે જોવે છે કે?’ અમુક થ્રીલરમાં હીરોનાં બાજુમાં અચાનક જ સેક્સી હિરોઈન રહેવા આવે અને પછી બેઉ વચ્ચે તરત હોટ-સીન થવા માંડે!

આપણી લાઈફમાં તો ૭૦ વર્ષનાં ખડ્ડૂસ કાકા રહેતાં હોય, જે ગાડીનું પાર્કીંગ બરાબર થાય તે માટે એ રીતે વઢે જાણે આપણે પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરી હોય! આપણને પેલી સુંદર પડોશણની એવી ફેસિલિટી ક્યારેય નથી મળતી, જે ફિલ્મમાં કે નોવેલોમાં હોય છે! વળી વાર્તાઓમાં પાડોશીનું બાળક હંમેશાં ક્યૂટ જ હોય! એ બાળક, સદાયે કાવ્યાત્મક સવાલો પૂછે કે ‘આન્ટી, તમે આવતા જન્મે મારી મમ્મી બનશો?’ (હવે આ છ-સાત વર્ષનાં બાળકને આવતા જન્મનાં વિચાર કેમ આવતા હશે? સાલાં, હજી તારો આ જન્મ બરાબર શરૂ નથી થયો ને આવતાં જન્મની માંડે છે?) પણ રિયલ લાઈફમાં તો પડોશનાં બાળકો ભરબપોરે ઘરની ડોરબેલ વગાડીને ભાગી જાય, આપણે ખૂબ ટેન્શનમાં જતા હોઈયે ત્યારે જ અચાનક ‘હાઉક’કરીને મિનિ-હાર્ટએટક આપે! મારે ત્યાં તો એક ટાબરિયો જરાંક બોલતાં શીખ્યો કે મેણું માર્યુ, ‘શું અંકલ, આવડાં ઢાંઢા થયાં ને હજી આવી સ્ટુપિડ ફિલ્મો લખો છો? શર્માતા નથી?’ અને પછી સલાહ આપી, ‘તમેય આશુતોષ ગોવારીકર જેવી ફિલ્મ બનાવો, ‘જોધા અકબર’ કે મોહેંજો દડો જેવી. ફિલ્મની ફિલ્મ પણ જોવાઈ જાય અને ઇતિહાસનું હોમવર્ક પણ થઈ જાય!’

પણ ગમે તે કહો, ફિલ્મોનું અને ઘરનું એક કનેક્શન છે, ઘરનું આંગણું એટલે ‘ટાઈટલ્સ’...ડ્રોઈંગ રૂમ એટલે ડ્રામા, જ્યાં ચર્ચા-ઝઘડાં થાય કે ‘નપાવટો, લાઈટનું બીલ

બહુ આવ્યું છે, જરાં સુધરો!’ કે પછી ‘હવે આપણી ચંપાને કહો કે ન્યાતમાં છોકરાંઓનાં ફોટાં જોવાનું શરૂ કરે, આખો દાડો જોન ઇબ્રાહીમના ફોટાં જુએ છે તે!’ અને બેડરૂમ એટલે રોમાન્સ! લવસીન વિનાની ફિલ્મ કે ઘર એટલે મીઠાં વિનાનું ભોજન! કિચન એટલે તીખા ખાટાં તૂરા, કડવા મસાલાંની જગ્યા, ઘરમાં કે ફિલ્મમાં મસાલા ઇઝ મસ્ટ! અગાસી કે બાલ્કની એટલી ‘આઉટડોર લોકેશન’! બહારનાં દ્રશ્યો વિના ફિલ્મમાં ઘુટન આવી જાય અને ઝરૂખા કે બારી વિનાં ઘરમાં. અને બાથરૂમ એટલે આઈટમ સોંગ! ગમે ત્યારે એની જરૂરત પડે! જીવનમાં બાથરૂમ પણ ક્યારે લાગે કહેવાય નહીં અને ફિલ્મમાં પણ આઈટમ સોન્ગ ક્યારે આવી ટપકે કહેવાય નહીં...હીરોને નોકરીમાંથી લાત પડે, ઉદાસ હોય તો અને બારમાં જાય કે રાખી સાવંત નાચવાની શરૂ! ઘરમાંય એવું જ, સાદડી હોય કે સેલેબ્રેશન - ગમે ત્યારે બાથરૂમ લાગી શકે!રહી. ઇન શોર્ટ. ઘર : ઇમોશનલ આર્ટ ફિલ્મ, કમીની કમર્શીયલ ફિલ્મ બેઉનું કલરફૂલ કોંબિનેશન છે!

એન્ડ ટાઇટલ્સ:

ઇવ: આપણાં ઘરમાં કપડાં બદલવા માટે પડદો પણ નથી.

આદમ: તારા મારા સિવાય છે કોણ છે કે તને જુએ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ev8ych8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com