21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘અનક્રાઉન્ડ કિંગ’ રજની પટેલ

પ્રાસંગિક-સતીશ વ્યાસએવી કેટલીયે મહાન પ્રતિભાઓ થઈ ગઈ છે જેમણે આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમી દીધું - કારકિર્દી સુધ્ધાંને આઝાદી આવ્યા પછી પોતાના ધ્યેયને લગતું કામ શોધી લીધું. નવા બદલાયેલા વાતાવરણ અને સંજોગોમાં પણ દેશભક્તિ ન છોડી. માત્ર તેની દિશા બદલી. વિગ્રહ અને ક્રાંતિના બદલે હવે સુધારા અને વિકાસ પર ભાર આપ્યો. શ્રી રજની પટેલ આમાંના એક હતા. સત્યાગ્રહ, જેલવાસ અને સહકારી પ્રવૃત્તિ આઝાદી પહેલા કરી. આઝાદી આવ્યા પછી પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી પાર્ટી (પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટી ને પછી કૉંગ્રેસ)માં જોડાયા. ટ્રેડ યુનિયન એક્ટિવિટી ચલાવી બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરી. અને એક દસકો મુંબઈ કૉંગ્રેસમાં સર્વેસર્વા બની રહ્યા. કોઈ હોદ્દો લેવાની ખેવના ના રાખી પણ લોકોએ એમને ‘અનક્રાઉન્ડ કિંગ’ અને ‘કિંગમેકર’ની ઉપમા આપી. રાજકારણમાં સંજય ગાંધી સાથે મતભેદ થતાં દૂર થતા ગયા અને પોતાના પ્રેરણાસ્ત્રોત સમા આદર્શ નહેરુનાં સપનાંને સાકાર કરતું નહેરુ સેન્ટર વિકસાવ્યું અને ભવ્ય અંજલિ આપી. રાહત કાર્યો માટે રાહત ભંડોળો ઉઘરાવ્યાં. અનેક સંસ્થાઓ - અખબારોને મદદ કરી, અને મુંબઈ શહેરને ગરિમા બક્ષી. આવા અનોખા ગુજરાતી, નખશિખ ગુજરાતી રજનીભાઈ (શ્રી રજની પટેલ)ના વ્યક્તિત્વ અને કાર્યોનો ખ્યાલ આપતું એક અનોખું પુસ્તક ‘રિમેમ્બરિંગ રજની’ હમણાં પ્રગટ થયું છે. એનાથી આપણને પરિચય થાય છે કે રજનીભાઈ માત્ર ગુજરાતી કે ગુજરાત પૂરતા જ સીમિત નહોતા પણ એમની પ્રતિભા રાષ્ટ્રીય કક્ષાની હતી. અને રાષ્ટ્રીયસ્તરે એમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આ પુસ્તક ગુજરાતીમાં પણ આવવું જોઈએ. ૨૧૨ પૃષ્ઠમાં અનેક ચિત્રો સાથે આર્ટ પેપરમાં એ-૪ સાઈઝમાં પ્રગટ થયેલ આ પુસ્તક ખરેખર એક સંદર્ભ ગ્રંથ બની શકે એટલી ઈયત્તા ધરાવે છે.

રિમેમ્બરીંગ રજની / રજની પટેલ

૯ જાન્યુ. ૧૯૧૫ - ૩મે ૧૯૮૨

- બકુલ પટેલ

મુંબઈના ભૂતપૂર્વ શેરીફ અને નહેરુ સેન્ટરનાં સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી બકુલ પટેલે એમના પતિ અને જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક, રાજકારણી અને બેરિસ્ટર શ્રી રજની પટેલ વિશેનું પુસ્તક ‘રિમેમ્બરિંગ રજની’ પ્રસ્તુત કર્યું છે. આમાં શ્રી રજની પટેલના મિત્રો, રાજકીય નેતાઓ, પત્રકારો, ડૉકટરો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકોએ રજનીભાઈ સાથેના પોતાનાં સંસ્મરણો રજૂ કર્યાં છે તો જાણીતા ચિત્રકાર એમ. એફ. હુસેન અને આર. કે. લક્ષ્મણનાં ચિત્રો રજૂ થયાં છે. આ પુસ્તકના ‘ઈન્ટ્રોડક્ષન’માં શ્રીમતી બકુલ પટેલ લખે છે કે તેમનો ઈરાદો આ પુસ્તક દ્વારા એ સમયને જીવંત કરવાનો છે. જેમાં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી અને ભારતનું એના નેતાઓએ ઘડતર કર્યું તથા આજના ભારતનું સર્જન થયું. આ પુસ્તક રજનીનું તેમજ એ સમયનું પોર્ટ્રેઈટ છે.

રિમેમ્બરિંગ રજની’ની પ્રસ્તાવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ લખી છે તેમાં રજનીભાઈની સ્વાતંત્ર્ય સૈનિક, રાજકારણી, સમાજસેવક અને નહેરુ સેન્ટરના સ્વપ્નદૃષ્ટા તરીકે ઉચિત મૂલવણી કરી છે.

શ્રી શરદ પવારે અંજલિ આપતાં કહ્યું છે કે રજનીભાઈએ "કયારેય સરકારમાં હોદ્દો મેળવ્યો નહીં કે પ્રયત્ન પણ ન કર્યો છતાં એ બધા માટે ઘણું બધું હતા.

૧૯૭૦થી ૭૭ સુધી રજનીભાઈ મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના સર્વેસર્વા હતા અને કિંગમેકર કહેવાતા. શ્રી શરદ પવારની કારકિર્દીની શરૂઆતમાં તેમને રજનીભાઈનું માર્ગદર્શન મળી રહેતું.

અહીં બીજા રાજકારણીઓમાં સુરેશ પ્રભુ, એ. કે. એન્ટોની, ફારુખ અબ્દુલ્લા, કે. શંકર નારાયણ, માર્ગારેટ અલ્વા, સુભાષિણી અલી, નાના ચુડાસમા, એસ. આર. કુલકર્ણી વગેરેએ રજનીભાઈ સાથેનાં સંસ્મરણો રજૂ કર્યા છે.

પી. એન. હક્સર અને રામ પ્રધાન જેવા બ્યુરોક્રેટસ અને વાઈસ એડમિરલ જેટીજી પરેરાની અંજલિઓ અહીં રજૂ થઈ છે. વાઈસ એડમિરલ જેટીજી પરેરા, કાવસ નાણાવટીના મિત્ર હતા - જે પ્રખ્યાત નાણાવટી ખૂન કેસનું પાત્ર હતું - આ કેસથી રજનીભાઈના સંપર્કમાં આવેલા અને આ કેસથી જ રજનીભાઈ ક્રિમિનલ લોયર તરીકે અતિ પ્રસિદ્ધિ પામેલા.

અહીં ફિલ્મી ગીતકાર - કવિ પ્રેમ ધવને રજનીભાઈને અંજલિ આપતું ગીત રજૂ થયું છે. પ્રેમ ધવન લખે છે કે - રજની રાતકો કહેતે હૈ લેકિન તૂ એક સવેરા થા, સુખ કે દિયે જલાયે તૂને દુ:ખકા જહાં અંધેરા થા, તુજકો મેરા સલામ એ રજની, તેરી યાદોંકો ભી સલામ.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે રજનીભાઈને સારો ઘરોબો હતો. તેમણે દુષ્કાળ અને પૂર વખતે રાહત ભંડોળ ઊભું કરવા ફિલ્મ ઉદ્યોગની રેલી આયોજિત કરેલી તેમાં મોટા મોટા કલાકારો ભાગ લેતા. તેમના સામ્યવાદી ઝુકાવને લીધે બલરાજ સહાની, કૈફી આઝમી, સાહિર વગેરે મિત્રો હતા તો દિલીપકુમાર ફેમિલી ફ્રેન્ડ હતા. રજનીભાઈની એક હાકલે ફિલ્મ ઉદ્યોગ રાહત ફંડ માટે રેલી કરવા તૈયાર રહેતો.

‘રિમેમ્બરિંગ રજની’માં જાણીતા પત્રકારો ઈન્દર મલ્હોત્રા, કુમાર કેતકર, બહેરામ કોન્ટ્રાકટર - બીઝીબી, વિભૂતિ પટેલ, મિન્હાઝ મર્ચંટ, માલવિકા સંઘવી, માણેક દાવર વગેરેએ રજનીભાઈને અંજલિ આપી છે. રજનીભાઈ હસતે મોંએ સૌને સહાય કરવા આતુર રહેતા.

સિદ્ધાર્થ ભાટિયા લખે છે કે રજનીભાઈની ઑફિસ એવી જગ્યા હતી જ્યાં ઘણા ન્યાય મેળવવા આવતા.

વીર સંઘવી રજનીભાઈને તેમના જનરેશનના શાઈનિંગ સ્ટાર તરીકે ઓળખાવે છે તો કુમાર કેતકર લખે છે કે રજની પટેલ સાયન્સ, સોશિયાલિઝમ અને સોશિયલ સર્વિસના તેમના ક્ધવીકશનને લીધે એક અસરકારક પરિબળ બની રહ્યા.

બીઝીબીએ રજનીભાઈમાં રહેલી સહૃદયતાને યાદ કરી છે કે કોઈના પણ મુશ્કેલ સમયમાં રજનીભાઈ એની સાથે ઊભા રહેતા. ઈન્દર મલ્હોત્રા લખે છે કે પંડિતજી (જવાહરલાલ નહેરુ)એ રજનીને ‘ઈન્ટેલિજન્ટ’ અને લાઈકેબલ યંગમેન તરીકે ઓળખાવેલા.

આ પુસ્તકમાં પંડિતજીએ રજની પટેલ વિશે મહાત્મા ગાંધીને લખેલો પત્ર, મુંબઈ આવતાવેંત રજનીભાઈની ધરપકડ થઈ ત્યારે લખેલો નેશનલ હેરાલ્ડમાંનો લેખ (સ્ટ્રેન્જ હોમકમિંગ) અને રજનીભાઈને જેલમાં લખેલ પત્ર રજૂ થયા છે.

અહીં ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ સિમલાથી લખેલા બે પત્રો રજૂ થયા છે ત્યારે શ્રીમતી ગાંધીની ઉંમર ૨૨ વર્ષની છે અને રજનીભાઈની ૨૪ વર્ષની છે. રજનીભાઈએ ૧૯૭૦માં રાજકીય ચર્ચા કરતો પત્ર લખેલો, એ પણ અહીં જોવા મળે છે.

રજનીભાઈને બ્રિટનમાં આઈસીએસની પરીક્ષામાં જ ન બેસવા દીધા અને નહેરુના કહેવાથી તેઓ બેરિસ્ટર બન્યા. ભારતમાં આવ્યા પછી ૧૯૪૬-૪૭થી લઈને મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી અને બંધારણના નિષ્ણાત તેમજ લેબર લો અને પછી ક્રિમિનલ લોયર તરીકે જાણીતા થયા. સરોજબાળા કેસ અને નાણાવટી ખૂન કેસથી પ્રખ્યાત થઈ ગયા. પછી ૬૯થી કૉંગ્રેસ અને બીપીસીસીમાં જોડાયા. આ ગાળાનાં સંસ્મરણો તેમના સાથીઓએ રજૂ કર્યાં છે. તેમાં રામ જેઠમલાની, સોલી સોરાબજી, જસ્ટિસ કૃષ્ણા ઐયર, સુજાતા મનોહર, સામ ભરુચા, ઈકબાલ ચાગલા, જસ્ટિસ માઈકલ સાલ્દાન્હા, એમ. ડી. નલપત, મઝીદ મેમણ, વાય. પી. ત્રિવેદી જેવા જાણીતા ન્યાયાધીશો અને વકીલોએ રજનીભાઈને અંજલિ આપી છે.

સોલી સોરાબજીએ રજની પટેલ સેન્ટેનરી મેમોરિયલ લેકચર ૨૦૧૫માં આપેલું તે અહીં રજૂ થયું છે. તેમાં સોલી સોરાબજી રજનીભાઈને ‘છાતીવાળો માણસ’ તરીકે ઓળખાવે છે અને કહે છે કે રજની હંમેશાં સિદ્ધાંતોમાં માનતો અને કોઈથી ડરતો નહીં. એનામાં હિંમત હતી તે બીજે ભાગ્યે જ જોવા મળે.

રામ જેઠમલાની રજનીભાઈ વિશે લખે છે કે પ્રામાણિકતા, હિંમત, સહાનુભૂતિ, ધીરજ અને લાગણીઓનું સમતોલન હંમેશાં તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં જોવા મળતું.

આ પુસ્તકમાં રજનીભાઈએ લખેલો અંતિમ લેખ, જે ‘જેન્ટલમેન’ મેગેઝિનમાં પ્રગટ થયેલો તે આપ્યો છે એનું શીર્ષક છે - ‘હાઉ ફ્રી ઈઝ ફ્રી સ્પીચ?’ એમની કોલમનું નામ હતું - લૉ એન્ડ લિબર્ટી. રજનીભાઈ ફંડ રેઈઝિંગ માટે જાણીતા હતા તેમણે ઘણી સંસ્થાઓને નાણાં ભંડોળ અપાવેલાં. રાહત ફંડો ઊભા કરવા તેમના માટે રમતવાત હતી. અહીં તેમના ઉદ્યોગપતિ મિત્રોએ અંજલિ આપી છે તેમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કમલ મોરારકા, લોર્ડ સ્વરાજ પોલ, ડૉ. અશોક ગાંગુલી અને ડૉ. મોહનભાઈ પટેલના લેખો મળે છે.

ડૉ. મોહનભાઈ પટેલ લખે છે કે રજનીભાઈ એટલા જાણીતા અને માનવંતા હતા કે ઘણા મોટા નેતાઓ અને જાહેર સંસ્થાઓના અધ્યક્ષો તેમના માર્ગદર્શન અને સલાહ માટે તેમની પાસે આવતા હતા. મુકેશ અંબાણી અંજલિ આપતાં લખે છે કે બેરિસ્ટર રજની પટેલ અગ્રણી સિટીમેકર હતા. તેઓ મુંબઈના રાજકારણ અને જાહેર જીવનમાં ૧૯૬૦થી લઈને મે ૧૯૮૨માં વિદાય લીધી ત્યાં સુધી અગ્રણી સ્થાન ભોગવતા હતા.

અહીં ચાર્લ્સ કોરિયા અને આઈ. એમ. કાદરી જેવા સ્થપતિઓએ અંજલિ આપી છે. આઈ. એમ. કાદરીએ નહેરુ સેન્ટરની ડિઝાઈન કરેલી.

નહેરુ સેન્ટર બનાવવા ટાણે રજનીભાઈ ઘણા વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવેલા. નહેરુજીના વૈજ્ઞાનિક અભિગમને લોકો સુધી કેવી રીતે પહોંચાડવો એ રજનીભાઈની મુખ્ય ચિંતાનો વિષય હતો. અહીં જયંત નારલીકર, કુમાર ચિત્રે, ડૉ. પુષ્પ ભાર્ગવ જેવા સન્માનીય વૈજ્ઞાનિકોએ રજનીભાઈને અંજલિ આપી છે.

તો રજનીભાઈની બીમારીમાં સારવાર કરનાર જાણીતા ડૉકટર્સ - ડૉ. ઉદવાડિયા, ડૉ. અશ્ર્વિન મહેતા, ડૉ. પ્રફુલા દેસાઈ, ડૉ. નૌશિર વાડિયાની અંજલિ ઉપલબ્ધ છે.

આ પુસ્તક ઘણીબધી રીતે આગવું બની રહ્યું છે. પહેલે પાને રજનીભાઈનું આર. કે. લક્ષ્મણે બનાવેલું ચિત્ર છે તો બીજે પાને એમ. એફ. હુસેન જેવા જગવિખ્યાત ચિત્રકારે બનાવેલું રજનીભાઈનું પોર્ટ્રેઈટ છે.

એમ. એફ. હુસેને દોરેલાં ચિત્રો ખાસ ધ્યાન ખેંચે છે. એમાંનું એક ચિત્ર ‘કવીન્સ મેડિકલ સેન્ટર (હવાઈ)માં બનાવેલું છે. તેમાં રજનીભાઈ દરદી તરીકે ખુરશીમાં બેઠેલા છે તો બીજા એક ચિત્રમાં રજનીભાઈની ચિરવિદાય પછી બકુલ પટેલની મનોદશા વર્ણવતું ચિત્ર છે. ચિત્રકાર આશ્ર્વાસન પણ ચિત્ર દોરીને જ આપેને!

આર. કે. લક્ષ્મણના બે પત્રો તેમના જ હસ્તાક્ષરમાં પ્રગટ થયા છે. રજની પટેલ મેમોરિયલ ગાર્ડન, વરલીમાં આવેલા રજની પટેલના સ્ટેચ્યુનો ફોટોગ્રાફ છે. એના એપિટાફમાં રજની પટેલને ફ્રીડમ ફાઈટર, આઉટસ્ટેન્ડિંગ જ્યુરિસ્ટ અને હ્યુમનિસ્ટ તરીકે ઓળખાવ્યા છે. આ પ્રતિમાનું અનાવરણ ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી ચંદ્રશેખરના હસ્તે ૯મી જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે થયેલું.

અહીં રજનીભાઈએ આપેલાં કેટલાંક ભાષણો અને લેખો પણ રજૂ થયાં છે જે એમની ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિઓના નમૂનારૂપ છે. અહીં એક અહેવાલ તા. ૬ ડિસે. ૧૯૩૯ના ન્યૂયોર્કના અખબાર વસ્સાર મિસેલેની ન્યૂઝનો છે તેમાં રજની પટેલે ત્યાં આપેલી સ્પીચ અને તેમનાં કાર્યોનો ઉલ્લેખ છે. બકુલ પટેલના ‘ઈન્ટ્રોડક્ષન’માં અને રજનીભાઈની સિદ્ધિઓ વિશેના લેખોમાં રજનીભાઈની સમગ્ર કારકિર્દીનો ખ્યાલ મળી રહે છે જો કે અહીં ક્યાંય તેમના પરિવાર વિશે માહિતી આપવાનો સભાન પ્રયત્ન થયો નથી.

આમ આ પુસ્તકમાં ચિત્રો, અસંખ્ય ફોટોગ્રાફસ, લેખો, પત્રો, કાર્ટૂન્સ અને અંજલિ લેખો દ્વારા રજનીભાઈને જીવંત કરવામાં આવ્યા છે. પુસ્તકનું નિર્માણ એટલું નયનરમ્ય છે કે હાથમાં લીધા પછી નીચે મૂકવાનું મન ના થાય. આપણને ગર્વ થાય કે એક ગરવા ગુજરાતીએ મુંબઈને દિલ ભરીને ચાહ્યું અને એના વિકાસમાં - રાજકારણમાં, સમાજકારણમાં અદ્ભુત ફાળો આપ્યો અને નહેરુ સેન્ટર જેવી એક બેનમૂન સંસ્થા આપી. આજે રાજકીય ક્ષેત્રે મુંબઈમાં ગુજરાતીઓનો કોઈ અવાજ નથી ત્યારે રજનીભાઈ મુંબઈના ‘કિંગમેકર’ કહેવાતા એ જાણી ગૌરવની લાગણી થાય એ સ્વાભાવિક છે.

----------------------------

રજની પટેલ: એક પરિચય

રજનીભાઈનો જન્મ તા. ૯મી જાન્યુઆરી, ૧૯૧૫માં સારસા ગામે (તા. આણંદ, જિ. ખેડા) થયેલો. જે તારીખે મહાત્મા ગાંધીએ મુંબઈમાં પગ મૂક્યો એ તારીખે રજનીભાઈનો જન્મ થયો. નાનપણમાં શાળાએ જવાનું ના થયું. એકવાર શિક્ષક છગનભાઈ પટેલને આંગણે રમતા હતા ત્યારે છગનભાઈએ પૂછયું કે ઈંગ્લિશ શીખવું છે? રજનીભાઈએ હા પાડી અને ત્રણ મહિનામાં તો છઠ્ઠા અને સાતમાની પરીક્ષામાં બેઠા ને પછી મેટ્રિક પાસ કરી એનાથી એમના પિતા પર સારી છાપ પડી અને રજનીભાઈને ભણવા વિદેશ મોકલવા તૈયાર થયા.

આ દરમ્યાન બીજો એવો પ્રસંગ બન્યો જેનાથી રજનીભાઈનો જિંદગી પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. તેમણે મહાત્મા ગાંધીની જાહેરસભા જે રાસ (નડિયાદ પાસે) ખાતે યોજાઈ હતી, તેમાં હાજરી આપી. એ વખતે એમની ઉંમર લગભગ ચૌદેક વર્ષની હશે. ગાંધીજીએ વિદેશી કાપડનો બહિષ્કાર કરી ભારતની આઝાદી માટે હાકલ કરી. રજનીભાઈ ઘરે ગયા અને પોતાના સાથીઓને નમક સત્યાગ્રહ માટે તૈયાર કર્યા. તેમણે પિતાની પરવાનગી માગી. પિતાએ પરવાનગી ના આપી, પણ ધમકાવ્યા. રજનીભાઈ પર એની અસર થઈ એ બીજા બાળકો સાથે ઘર છોડીને ભાગી ગયા.

નડિયાદની ડિસ્ટ્રીક્ટ કૉંગ્રેસ ઑફિસમાં તેમને કહેવામાં આવ્યું કે તમે બધા બહુ નાના છો, પણ આણંદમાં તેમનો સ્વયંસેવક તરીકે સ્વીકાર થયો. બીજે દિવસે બધાં બાળકોનાં મા-બાપ આવીને તેમને લઈ ગયા. રજનીભાઈ સૂતા રહ્યા. કોઈએ તેમને જગાડયા પણ નહીં. રજનીભાઈએ કાર્યકર તરીકે કામ ચાલુ રાખ્યું. ઘરે ગયા પણ પિતાએ ઘરમાં આવવા ના દીધા. રજનીભાઈએ શરાબની દુકાનો પર પિકેટિંગનું કામ અને વિદેશી કાપડના બહિષ્કારનું કામ જારી રાખ્યું. તેમની ધરપકડ થઈ અને ૧૪ મહિનાની કેદની સજા થઈ. આમ ભારતના સૌથી યુવાન રાજકીય કેદી બનવાનું બહુમાન મળ્યું.

‘ના-કર’ પ્રચારમાં રજનીભાઈ ગામડે ગામડે ઘૂમ્યા અને ટેક્સ ના આપી બ્રિટીશ રાજને હંફાવવા લોકોને સલાહ આપી. પછી ધરાસણા જઈ સરોજિની નાયડુના નેતૃત્વમાં નમક સત્યાગ્રહમાં જોડાયા. પછી વડોદરા ગયા અને કૉંગ્રેસની પત્રિકાઓને સાયક્લોસ્ટાઈલ કરવામાં મદદ કરી. ફરીથી તેમની ધરપકડ થઈ, કારણ કે તેમણે મામલતદારની ખુરશી પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, પણ એ દરમ્યાન ગાંધી-ઈર્વિન કરાર થયા અને બધા રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. રજનીભાઈ જેલમાંથી છૂટીને પણ સ્કૂલમાં ગયા.

મેટ્રિક્યુલેશન કરીને રજનીભાઈ પૂનાની ફરગ્યુસન કૉલેજમાં ૩ મહિનાનો લેટિનનો કોર્સ કરવા ગયા. ત્યાંથી ઈંગ્લેન્ડ ગયા અને ૩ માસમાં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી. ક્રિસ્ટા પ્રેમ સેવા સંઘની મદદથી તેમને ટર્મની અધવચ્ચે કેમ્બ્રિજમાં એડ્મિશન મળી ગયું કેમ કે એક સિંહાલી વિદ્યાર્થી અભ્યાસ અધૂરો છોડીને પાછો દેશ ભેગો થઈ ગયો હતો.

૧૮ વર્ષની ઉંમરે રજનીભાઈ કેમ્બ્રિજમાં ઈન્ડિયન મજલિસના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયન સ્ટુડન્ટસ ફેડરેશનની સ્થાપનામાં ભાગ લીધો અને એજ વર્ષે ઈન્ડિયા લીગની એક્ઝિકયુટીવ કમિટીમાં એકમાત્ર વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે સ્થાન પામ્યા.

૧૯૩૬માં એકવીસ વર્ષની ઉંમરે ‘વર્લ્ડ સ્ટુડન્ટસ ડેલિગેશન’ના સભ્ય તરીકે સિવિલ વૉર દરમ્યાન સ્પેનની મુલાકાત લીધી. એજ વર્ષે તેમણે પેરિસમાં ભરાયેલ વર્લ્ડ સ્ટુડન્ટ્સ કોન્ફરન્સનું સંચાલન કર્યું. તેમાં ૫૦ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

એ જ વર્ષે રજનીભાઈને તેમની રાજકીય વિચારધારા અને પ્રવૃત્તિઓના લીધે આઈસીએસની એકઝામમાં બેસવા ના મળ્યું. આઈસીએસમાં પ્રવેશ ના મળવાથી તેઓ હતાશ થઈ ગયા. એ અરસામાં જ ત્યાં આવેલા જવાહરલાલ નહેેરુને મળવાનું થયું. નહેરુને મળવા રજનીભાઈ હોટેલમાં સવારે સાત વાગે ગયા. ત્યારે નહેરુ યોગાસન કરતા હતા. તેમણે બેસવાનું કહ્યું. અહીંથી રજનીભાઈને નહેરુનું માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા મળતાં રહ્યાં અને નહેરુજીએ તેમને સલાહ આપી કે ‘કાયદાનો અભ્યાસ કરો’. રાજકીય કારકિર્દીમાં અહીંની કોઈપણ ડિગ્રી હશે તો કામ આવશે.

નહેરુ રજનીભાઈના વિચારો અને સંનિષ્ઠાથી પ્રભાવિત થયા અને એક નવો સંબંધ શરૂ થયો. રજનીભાઈમાં તીવ્ર બુદ્ધિ, ફોટાગ્રાફિક મેમરી અને ન્યાય પ્રત્યેનો લગાવ હતો.

૧૯૩૯માં રજનીભાઈ મિડલ ટેમ્પલમાંથી બેરિસ્ટર બન્યા અને રશિયા ગયા, પણ વિશ્ર્વયુદ્ધ શરૂ થતાં પાછી આવી ગયા. તેમને અમેરિકન યુથ કૉંગ્રેસનું આમંત્રણ મળતાં તક ઝડપી લીધી અને અમેરિકા ગયા. જોકે, આ મુલાકાત એકાદ મહિના માટેની હતી, પણ એ આખું વરસ રોકાયા. અમેરિકાની ટૂર કરી અને ભારત અને તેની આઝાદી વિશે ભાષણો આપ્યા. આ પ્રવાસ દરમ્યાન જ તેમણે ‘બ્રધર ઈન્ડિયા’ પેમ્પ્લેટ લખ્યું એની પ્રસ્તાવના પોલ રોબસને લખી હતી. અમેરિકામાં રજનીભાઈ એટલા જાણીતા થયા કે લેડી સુઝવેલ્ટે તેમને ચા પીવા નિમંત્રણ આપ્યું.

અમેરિકાથી રજનીભાઈ જાપાન અને શાંઘાઈ ગયા. ત્યાં ચાઈનીઝ ગેરીલાઓએ તેમને ચાઈનીઝ કમ્યુનિસ્ટ રિવોલ્યુશનના કેન્દ્ર યેનાનની મુલાકાત લેવાની ઓફર આપી ત્યાં માઓત્સેતુંગ, ચાઉ-તેર અને ચાઉએનલાઈ જેવા નેતાઓ હતા. રજનીભાઈ જવા નીકળ્યા પણ હૉંગકૉંગમાં તેમને ઊતરવા ના દીધા. બ્રિટિશર્સે તેમને પકડીને મુંબઈ મોકલી આપ્યા. અભ્યાસ દરમ્યાન જ રજનીભાઈ ડાબેરી વિચારધારા તરફ આકર્ષાયા.

મુંબઈ ઊતરતાંવેંત તેમની ધરપકડ થઈ અને નાશિક જેલમાં મોકલી આપ્યા. જવાહરલાલ નહેરુએ ‘નેશનલ હેરાલ્ડ’ અખબારમાં વિચિત્ર ઘરવાપસી (સ્ટ્રેન્જ હોમકમિંગ) નામે લેખ લખ્યો. મહાત્મા ગાંધીને પણ આ વિશે જણાવતો પત્ર લખ્યો. નહેરુએ રજનીભાઈનો ઈન્ટરવ્યૂ કરવાની તૈયારી બતાવી, પણ સરકારે તેમને પરવાનગી ના આપી. (નહેરુના આ ત્રણે પત્રો આ પુસ્તકમાં પ્રસ્તુત થયા છે.) નહેરુએ રજનીભાઈને પણ પત્રો લખ્યા. નાશિકથી રજનીભાઈને દેવલાલી લઈ જવાયા. ત્યાંની જેલ સૌથી ખરાબ ગણાતી. અહીં તેમને જયપ્રકાશ નારાયણ, એસ. એ. ડાંગે, બી. ટી. રણદીવે, અજય ઘોષ, એસ. એસ. મીરજકર, સોલી બાટલીવાલા જેવા અનેક સાથીઓ મળ્યા. રજનીભાઈ સામ્યવાદી હોવા છતાં સામ્યવાદી પક્ષના મુખ્ય નેતાઓ એમનો ભરોસો નહોતા કરતા, કારણ કે નહેરુનો રજનીભાઈ પર અઢળક પ્રેમ હતો.

જેલની હાલત એટલી ખરાબ હતી કે બધા જ કેદીઓએ આમરણ ઉપવાસ કર્યા. ૧૪ દિવસની ભૂખ હડતાળ પછી એન. એમ. જોશીની મધ્યસ્થીથી બધાને મુક્ત કરવામાં આવ્યા. જેલમાંથી છૂટીને રજનીભાઈ સરદાર પટેલને મળ્યા. તેમણે કૉંગ્રેસમાં જોડાવાની સલાહ આપી. રજનીભાઈ એમ ના કરતાં પોતાને ગામ ચાલ્યા ગયા અને ત્યાં કિસાન પ્રવૃત્તિ શરૂ કરી. ઘણી બધી સહકારી સંસ્થાઓ શરૂ કરી, ખરીદ- વેચાણનું યુનિયન બનાવ્યું, ખેડૂતોના લાભાર્થે.

તેમણે ખેડામાં અને ગુજરાતના બીજા ભાગોમાં કિશાન સભા શરૂ કરી. ૧૯૪૨થી ૪૪ દરમ્યાન તેમણે કરેલી સહકારી પ્રવૃત્તિઓ તરફ દેશ આખાનું ધ્યાન ખેંચાયું. એ વખતે એમના સાથીઓ હતા- ઈન્દુલાલ યાજ્ઞિક અને સહજાનંદ સરસ્વતી. તેમણે મળીને શોષણ અટકાવવા સંખ્યાબંધ સહકારી સંસ્થાઓ બનાવી. ખેડા દૂધ ખરીદ-વેચાણ સંધી (અમૂલ) એમાંનું એક છે. ખેડાની સહકારી પ્રવૃત્તિના પાયામાં રજનીભાઈનું પ્રદાન છે.

બેરિસ્ટર હોવા છતાં રજનીભાઈએ આ સમય દરમ્યાન ખેડૂતો સાથે રહીને તેમના જેવું સાદું જીવન જીવ્યા. પછી તેઓ ખેડાથી અમદાવાદ આવ્યા અને સહકારી પ્રવૃત્તિમાંથી ટ્રેડ યુનિયન તરફ વળ્યા. ૧૯૪૪થી ૪૬ની વચ્ચે (ત્રીસેક વર્ષની ઉંમરે) અમદાવાદના મિલમજદૂરોની હડતાળની આગેવાની લીધી અને હરિજનો સાથે કામ કર્યું. આ સમય દરમ્યાન તેઓ મિલ કામદાર યુનિયનના જોઈન્ટ સેક્રેટરી હતા.

૧૯૪૬માં ૩૧ વર્ષની ઉંમરે રજનીભાઈ મુંબઈ આવ્યા અને છેક સુધી મુંબઈગરા થઈને જીવ્યા. અહીં આવીને તેમણે વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. અને પહેલા જ કેસથી તેઓ પ્રખ્યાત થઈ ગયા અને મોટું નામ થયું. કેસ ડાંગે-નૂરી ઈલેકશન પિટિશનનો હતો. એ એસઆર ચારીને બહાર જવું પડે તેમ હતું. તેમણે કેસ રજનીભાઈને સોંપ્યો. સામે વકીલ તરીકે પ્રખ્યાત કનૈયાલાલ મુનશીજી હતા. મુનશીજીની કારકિર્દી એ સમયે ટોચ પર હતી.

એ પછી રજનીભાઈએ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટ કેસીસ લેવા માંડ્યા અને લેબર કેસીસ અને ડિટેનશન અપીલના એક્સ્પર્ટ તરીકે જાણીતા થયા. ૧૯૪૮થી ૫૦ દરમ્યાન યુનિયન પ્રવૃત્તિને લીધે ધરપકડ ટાળવા ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું. ૧૯૫૧માં રજનીભાઈએ કમ્યુનિષ્ટ પાર્ટીનો તેલંગણમાંની ભૂમિકાથી નિરાશ થઈને છેડો ફાડ્યો. વકીલ તરીકે તેઓ બંધારણીય નિષ્ણાત ને પછી ક્રિમિનલ લોયર તરીકે પ્રખ્યાત થયા અને ઘણા કેસોમાં વિજય મેળવ્યો. ૧૯૫૭માં રાજકોટના સરોજબાળા કેસમાં અને નાણાવટી ખૂનકેસમાં સફળતા મેળવ્યા પછી મુંબઈના નંબર વન ક્રિમિનલ લોયર તરીકે જાણીતા થયા.

૧૯૫૫માં ચાલીસ વર્ષની ઉંમરે ઈન્ડોસોવિયેત કલ્ચરલ સોસાયટીના પ્રમુખ બન્યા ને જીવનના અંત સુધી રહ્યા. ઓલ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ એમ્પ્લોઈઝ એસોશિયેશનના પ્રમુખપદેથી વીસથી વધુ વર્ષો તેમણે સેવા આપી. ઈન્ડિયન ઑઈલ ઓફિસર્સ એસોસિયેશનના પણ પ્રમુખ બન્યા. ૧૯૪૭માં રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘના પ્રમુખ બન્યા. (તેમની સ્પીચના એક એક નમૂના પુસ્તકમાં આપ્યા છે.)

ટ્રેડ યુનિયનીસ્ટ તરીકે તેેમણે કામગારોના હક્ક અને હિતોની રખેવાળી કરી અને ક્યારેય તેમાં સમાધાન ના કર્યું.

૧૯૫૨ અને ૫૭માં તેમણે ડૉ. એ. વી. બાલીગા સાથે મળીને વી. કે. કૃષ્ણમેનનના ચૂંટણી પ્રચારક તરીકે કામ કર્યું.

કૉંગ્રેસમાં ૧૯૬૯માં ભંગાણ પડ્યા પછી રજનીભાઈએ બોમ્બે સિટીઝન્સ ક્ધવેશનનું આયોજન કર્યું. તેમાં મુંબઈના વકીલો, ડૉકટરો, ટૅકનોક્રેટસ, લેખકો, ઉદ્યોગપતિઓ જોડાયા. ત્યાંથી લઈને ૧૯૭૭ સુધી બુદ્ધિજીવીઓનો મોટો વર્ગ કૉંગ્રેસ સાથે જોડાયો અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યો.

રજનીભાઈનાં પહેલા લગ્ન સુશીલા પટેલ સાથે થયેલા અને છૂટાછેડા થયેલા. અભિનેત્રી અમીષા પટેલના પિતા અમિત પટેલ રજનીભાઈના પહેલા સંતાન છે.

૧૯૭૦માં બકુલબેન સાથે ઓળખાણ થઈ અને ૧૯૭૫માં તેમની સાથે લગ્ન કર્યાં. બકુલબેનનું પણ આ બીજું લગ્ન હતું.

ઈંદિરાજી રજનીભાઈની આયોજન શક્તિથી પરિચિત હતા. (આ પુસ્તકમાં બે પત્રો છે જે ઈંદિરાજીએ ૨૨ વર્ષની ઉંમરે રજનીભાઈને લખ્યા છે. એમાં મૈત્રીભાવ દેખાય છે) ઈંદિરાજીએ તેમને બોમ્બે પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા. રજનીભાઈએ પોતાની કુશળતા સિદ્ધ કરી બતાવી ને ૧૯૭૧ની લોકસભાની ચૂંટણી અને ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયો મેળવ્યા. બોમ્બે પ્રદેશ કૉંગ્રેસ કમિટી આખા દેશ માટે એક આદર્શ બની રહી.

સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળને લીધે મુંબઈ મહાનગરપાલિકામાં બીજા પક્ષોનું રાજ હતું તે પણ રજનીભાઈએ કૉંગ્રેસને પાછું અપાવ્યું. તેમણે સંખ્યાબંધ વ્યવસાયિકો, બુદ્ધિજીવીઓ અને આદર્શવાદીઓને કૉંગ્રેસ સાથે જોડ્યા. એમના સમય દરમ્યાન બીબીસીસીએ સંખ્યાબંધ પરિપત્રો અને સામયિક ‘ગેટ વે’ પ્રસિદ્ધ કર્યાં. તેમણે ઘણા સેમિનાર્સ, જૂથ ચર્ચાઓ અને વ્યાખ્યાનમાળાઓ યોજીને સામાન્ય માણસો, કોર્પોરેટરો અને કાયદાધીશોને એકબીજાની સમસ્યાઓથી અવગત કરાવ્યા.

રજનીભાઈ દેશના મહત્ત્વના રાજકીય નેતા બની રહ્યા. આ દરમ્યાન તેમની ક્ષમતા અઢળક હતી અને રાજકીય નેેતાઓ, જાહેર સંસ્થાઓ અને બીજા તેમની સલાહ લેવા આતુર રહેતા.

આ દરમ્યાન તેમના મનમાં પોતાના આદર્શ નાયક જવાહરલાલ નહેરુુનું રાષ્ટ્રીય સ્મારક બનાવવાનો વિચાર આવ્યો. તેમણે દસ લાખનું બજેટ બનાવી પ્રોજેકેટ શરૂ કર્યો જે અંતે દસ કરોડનો પ્રોજેક્ટ બન્યો અને ભવ્ય નહેરુ સેન્ટરે આકાર લીધો. રજનીભાઈએ આ પ્રોજેકટ પોતાના મિત્રો, બુદ્ધિજીવીઓ, વિશેષજ્ઞો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ટાઉન પ્લાનર્સ, સ્થપતિઓ અને મ્યુઝિયમ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને બનાવ્યો અને વિકસાવ્યો.

૧૯૭૨થી ૧૯૭૮ સુધીમાં તેમણે પાંચ કરોડ ઊભા કર્યા અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી રૂા. ચાર કરોડની ગ્રાન્ટ મેળવી.

પ્રોજેકેટના પહેલા ભાગ તરીકે નહેરુ પ્લેનેટોરિયમનું અને ડિસ્કવરી ઑફ ઈન્ડિયાનું ભવ્ય ઉદ્ઘાટન થયું. દેશનું રાજકીય વાતાવરણ બદલાતાં ૧૯૮૧માં તેમણે જનરલ સેક્રેટરીનું પદ છોડવું પડ્યું. રજનીભાઈનું રાજકીય મહત્ત્વ અને લોકો પરની પકડ કુદરતી આફતોના સમયે ખૂબ કામમાં આવતી. સિટીઝન્સ ફલડ ઍન્ડ ફેમિન કમિટીના જનરલ સેક્રેટરી તરીકે ૧૯૭૨માં જમશેદપુરની કમિટીમાં ૧૯૭૭માં સેવા આપી. મરાઠવાડાનો દુકાળ, બિહાર- ઓરિસ્સા- કેરાલા- તમિળનાડુનાં પૂર અને જમશેદપુરમાં કોમી રમખાણોના ભોગ બનેલાઓ માટે મોટા રાહતફંડોનું તેમણે આયોજન કરેલું. ૧૯૭૯માં મોરબી તથા ગુજરાતના બીજા ભાગોમાં આવેલા પૂર અને વિદર્ભના પૂરમાં પણ તેમણે મહેનત લઈને રાહત કાર્યોનું આયોજન અને માર્ગદર્શન કરેલું.

તેમની મદદ લઈને ઘણી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ ભંડોળ એકઠું કરતી. તેમણે ૧૯૭૬માં નેશનલ હેરાલ્ડ અખબારને, ૧૯૮૦માં તિલક મહારાજ સ્થાપિત કેસરી અખબારને અને ૧૯૮૧માં ‘પેટ્રીઓટ’ને વિશાળ ભંડોળ એકઠું કરી આપી કટોકટીમાંથી ઉગારેલાં. તેઓ નેશનલ હેરાલ્ડ અને ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના ૧૯૭૦થી ૭૬ દરમ્યાન બોર્ડ ઑફ ડિરેકટર્સના સભ્ય હતા.

૧૯૬૯થી ૧૯૭૯- એક દસકા સુધી રજનીભાઈએ મુંબઈમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાજ કર્યું.

૧૯૮૦થી તેમની તબિયત બગડવા માંડી (ઉંમર વર્ષ ૬૫) તેમને કોલોનનું કૅન્સર થયેલું જણાયું. ઘણાં ઓપરેશન્સ છતાં તેમને ના બચાવી શકાયા. ત્રીજી મે, ૧૯૮૨ના રોજ જસલોક હૉસ્પિટલમાં તેમણે દેહ છોડયો. વિદેશની સારવાર પણ કામમાં ના આવી. એમની સ્મશાનયાત્રામાં શહેરના અગ્રણી નાગરિકો, મિત્રો અને દેશભરના ચાહકોએ ભાગ લીધો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

320l237
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com