19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગાંધીજી: ૧૫૦: ધ્યાનમાં ઉતારવા જેવી એક વાત

ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશીગાંધીજીનું ૧૫૦મું જન્મજયંતી વર્ષ આપણે ઊજવી રહ્યા છીએ. આ આખું વરસ ભાષણબાજીનો ધોધ વરસતો રહેશે અને ગાંધીના જીવનમાંથી કશું જ જાણ્યા કે સમજ્યા વિના આપણે શું કરવું જોઈએ એની વાત એક દિવસ પૂરતા ખાદીધારીઓ અને રાષ્ટ્રનેતાઓ કર્યા કરશે. ગાંધીના જીવનમાંથી જો એક જ વાત શીખવી હોય તો એ વાતનું નામ સહિષ્ણુતા છે. ગાંધી ઝીણા સાથે અને આંબેડકર સાથે એટલી જ ધીરજતાથી વાત કરી શકતા કે જેવી વાત સરદાર કે જવાહરલાલ સાથે કરતાં. ગાંધીજીના જીવનમાંથી શીખી ન શકાય એવી વાતો પણ ઘણી છે પણ આપણે એ વાત નથી કરવી. સહિષ્ણુતા એ ગાંધીજીનો એક સદ્ગુણ પણ આ સદ્ગુણ ખાદી પહેરવાથી આત્મસાત્ નથી થતો. એના માટે તપ કરવું પડે છે અને આ તપ પણ મર્યાદાની રેખા ઓળંગી જાય એવું તો ન જ હોવું જોઈએ. આવું કરનારાઓ ભલે પોતાને ગાંધીવાદી કહેવડાવે પણ એમને વિનંતી કરવાની કે તમારો ગાંધીવાદ મોહનદાસ નામના માણસ સાથે સંકળાયેલો નથી. આજકાલ દેશમાં બીજા ઘણા ગાંધી છે. તમે કોઈપણ ગાંધી સાથે તમારા વાદને સાંકળી શકશો, મોહનદાસ સાથે નહિ.

આજકાલ - કદાચ હવે આખું વરસ આ મોહનદાસ સાથે કોમવાદ, સેક્યુલરિઝમ અને ક્યારેક રેશનલિઝમ, પણ આ બધા શબ્દો વળગાડની જેમ સંભળાયા કરશે. શબ્દો સમજવા જેવા છે. કોઈને કોમવાદી કહેવો એ ગાળ બની ગઈ છે અને પોતાને સેક્યુલરિસ્ટ કહેવડાવવું એ જાણે કે પદ્મશ્રી કે પદ્મભૂષણ એવું સન્માન માની લીધું છે. સહુપ્રથમ આપણે કોમવાદને સમજીએ.

ભારતીય સંસ્કૃતિ ગ્રામ્ય સંસ્કૃતિ છે. આપણે એક ગામડાની કલ્પના કરીએ. આ ગામમાં સો, અંકે પૂરા એકસો માણસની વસતિ છે. આ એકસોમાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ વસે છે. ગામમાં એકેય ધર્મસ્થાનક નથી. મંદિર નથી, મસ્જિદ નથી, ચર્ચ નથી, ગુરુદ્વારા નથી, કશું જ નથી. સરકાર માઈબાપ પ્રસન્ન થઈને આ ગામને ધર્મસ્થાનક બાંધવા એક પ્લોટ ફાળવે છે. હવે આ પ્લોટમાં એક જ ધર્મસ્થાનક થઈ શકે એમ છે. ગામમાં હિંદુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો ઈત્યાદિ ઈત્યાદિ બધી કોમો વસે છે. ગામના સોમાંથી એંસી માણસો હિંદુઓ છે. બાર મુસલમાનો છે, બે ખ્રિસ્તી છે અને એક શીખ પણ છે. હવે આપણે નક્કી કરવાનું છે કે જો એક જ ધર્મસ્થાનક બાંધવાનું હોય તો આ પ્લોટ ઉપર હિંદુ ધર્મસ્થાનક બંધાવું જોઈએ એમ કહેવું કોમવાદી કહેવાય કે લોકશાહી કહેવાય? આ મુદ્દે હું તો કોમવાદી હોવાની ગાળ સહન કરીને એમ જ કહીશ કે આ એકમાત્ર પ્લોટ ઉપર હિંદુ મંદિર જ બને પણ સરકાર જો બીજો પ્લોટ ફાળવે તો બીજું હિંદુ મંદિર બનાવવાનો હું મુદ્દલ આગ્રહ નહિ કરું પણ એ બીજા પ્લોટ ઉપર મસ્જિદ કે ચર્ચ બનાવવામાં સહયોગ આપીશ.

હવે બીજી વાત ધ્યાનથી સાંભળો (એટલે કે વાંચો.) સરકાર બીજો પ્લોટ ફાળવે એવી માગણી કરનારાઓનો હું વિરોધ નહિ કરું, પણ ફાળવાઈ ચૂકેલા પહેલા પ્લોટમાં મંદિરને બદલે મસ્જિદ કે ચર્ચ બનાવવાની જો કોઈ માગણી કરશે તો હું એવો સેક્યુલરિસ્ટ નહિ થઈ શકું. હવે અહીં સેક્યુલરિઝમ અને કોમવાદ ક્યાં એકઠાં થાય છે અને ક્યાં જુદાં પડે છે એ સમજદારીને રેશનલિઝમ કહે છે. હવે તમે જ નક્કી કરો કે તમે પોતે કોમવાદી છો કે સેક્યુલરિસ્ટ?

અહીં આ છો અને નથી આ બેય વિભાવના પણ સમજવા જેવી છે. એકના એક પ્લોટ ઉપર ૮૦ ટકા વસતિના ભોગે બે, પાંચ કે દશ ટકા વસતિનો ઝંડો લઈને નેતા બનવાના અભરખા રાખનારાઓ ભલે પોતાને સેક્યુલરિસ્ટ કહેવડાવે. આવું કરવાથી આ છો અને નથીનો સંઘર્ષ પેદા થાય છે. ફાળવાયેલો પ્લોટ કશા જ બાંધકામ વિના આંદોલન કે કોર્ટ કેસની મદદથી પડતર રાખી શકાય ખરો.

આ વાત તમે સમજી શકો છો ખરા? જો સમજી શકો તો તમે રેશનલિસ્ટ કહેવાઓ. રેશનલિસ્ટ એટલે એ જે એવું માને છે કે દુનિયામાં જે બને છે એ બધું જ બુદ્ધિથી સમજી શકાય. થોડા સમય પહેલાં આપણે પૃથ્વીને સપાટ માનતા હતા. એટલું જ નહિ, દરિયામાં ભરતી-ઓટ કેમ થાય છે એ આપણને બુદ્ધિથી સમજાતું નહિ. સૂર્ય અને ચંદ્રગ્રહણ થાય ત્યારે આપણે ભયભીત થઈ જતા, પણ પછી વખત જતાં આ બધું બુદ્ધિથી સમજાયું. આજે પણ એવી સંખ્યાબંધ ઘટનાઓ છે જે બુદ્ધિથી સમજાતી નથી. બુદ્ધિને એની પોતાની એક મર્યાદા હોય છે. મારી બુદ્ધિની અને તમારી બુદ્ધિની મર્યાદા જુદી જુદી હોય છે. હું જેટલું સમજી શકું એના કરતાં તમે થોડુંક વધુ સમજી શકો તો એનેય બુદ્ધિપૂર્વકની સમજણ જ કહેવાય, પણ આવા વખતે જો હું એમ કહું કે તમારી સમજણ ખોટી છે અને મારી સમજણ જ સાચી છે તો એ બુદ્ધિનિષ્ઠા ન કહેવાય, પણ બુદ્ધિહીનતા કહેવાય.

આજેય આપણને ભગવાન સમજાતા નથી. ભગવાન દેખાતા નથી માટે નથી. એ જ રીતે ભૂત પણ દેખાતું નથી માટે ભૂત પણ નથી. આ ઈતિ સિદ્ધમ્ બુદ્ધિપૂર્વકનું માનશો ખરા? જે સમજાતું નથી અથવા જે દેખાતું નથી એ નથી એમ જો કહીશું તો ભારે બખડજંતર થઈ જશે. અમુક ચોક્કસ માતાપિતાને પેટે આપણે કેમ જન્મ્યા એનું કારણ આપણે જાણતા નથી, પણ આમ બન્યું છે એ તથ્યનો ઈનકાર કઈ રીતે થાય?

ખરી વાત એ છે કે કોમવાદી હોવું, સેક્યુલરિસ્ટ હોવું કે રેશનલિસ્ટ હોવું આ બધું જ એક માણસમાં એકસાથે જ હોય છે. માણસ એટલે માત્ર એના બે હાથ નથી, બે પગ નથી, બે આંખ નથી, એક પેટ છે, એક છાતી છે, એક મોઢું છે એમ પણ બને. આ બધું સાથે મળીને એક માણસ થાય છે. પોતાને સેક્યુલરિસ્ટ કહેવડાવતો માણસ મુઠ્ઠી ભીડવાની પળે ન્યાયના નામે કેવું કોમવાદી વલણ કરે છે એનાં ઉદાહરણો ઓછાં નથી. પોતાને ઋશતિિં ઈંક્ષમશફક્ષ કહેવડાવતા મહંમદ અલી ઝીણા ઋશતિિં ખીતહશળ બની ગયા હતા અને પોતાને રાજ્યભક્ત કહેવડાવતા ગાંધી રાજદ્રોહી બની ગયા હતા. આમ છો અને નથી બંને સાથે જ હોય છે અને એની અભિવ્યક્તિ એ વિવેકબુદ્ધિ છે.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને ટાંકણે આ થોડીક વિચારણા એટલા માટે કરી છે કે ગાંધીજીએ પોતે કહ્યું છે કે પોતે એક વ્યક્તિ નથી પણ વિચાર છે. પોરબંદરના કબા ગાંધીનો આઠ વરસનો દીકરો મોનિયો ‘સત્યવાદી હરિશ્ર્ચન્દ્ર’ નાટક જોઈને એમ કહે કે બધા જ હરિશ્ર્ચન્દ્ર કાં ન થાય? તો એ વિચાર માત્ર મોનિયાને જ આવે. આપણે બહુ બહુ તો એમ કહીએ કે હું પણ હરિશ્ર્ચન્દ્ર જેવો સત્યવાદી થઈશ. મોનિયો આખી દુનિયાને હરિશ્ર્ચન્દ્ર બનાવવાનો વિચાર કરે. આમ કરવાથી જ એ મોનિયામાંથી મહાત્મા બન્યા, પણ મહાત્મા બનેલા આ મોનિયાની વાત અદ્ભુત હોવા છતાં મોહનદાસથી આગળ વધી શકી નહિ, કેમ કે જો બધા જ હરિશ્ર્ચન્દ્ર બની જાય તો પછી હરિશ્ર્ચન્દ્રનું નાટક ભજવાયું જ ન હોત. મોનિયો આ નાટક જોયા પછી પોતે મહાત્મા બની શકે પણ આખી દુનિયાને મહાત્મા બનાવી શકે નહિ. આ પાયાનું સત્ય ભુલાઈ ગયું. સત્યના શોધક સાથે પણ સત્ય પકડદાવ રમતું હોય છે.

આ આખું વરસ સત્ય શબ્દ પણ ભારે ફેશનેબલ બની જશે. ગાંધીના આત્મવિલોપન પછી ગાંધી શબ્દ આપણે અકબંધ રાખ્યો છે. ગાંધી વિચારને બને ત્યાં સુધી રૂડારૂપાળા શબ્દોમાં મઢીને આપણે સહુ પરસ્પરને છેતરવાની રમત રમ્યા કર્યા છીએ. ગાંધીને જો ચલણી નોટમાં છાપ્યા ન હોત તો એમનું સ્થાન આજે આપણી વચ્ચે જે છે એ કદાચ ન પણ હોત. ગાંધીએ આજીવન સત્યની શોધ કરી. સત્ય એમને ઉપલબ્ધ થયું હતું કે નહિ એ આપણે કોઈ જાણતા નથી પણ ગાંધીનું સ્મરણ કરવું હોય તો સત્ય શબ્દ પણ બોલવો જોઈએ એવું આપણે બધા જાણીએ છીએ. ગાંધી વિચારનું સહેજ પણ આચરણ કર્યા વિના આપણે આ સત્યને રૂપાળો શબ્દ બનાવી દીધો છે.

ગાંધીના સત્યાચરણને જોઈને હિંદી વજીર મિસ્ટર બેને એક વાર ગાંધી સમક્ષ કહી દીધું હતું - ‘મિસ્ટર ગાંધી, તમે રાજકારણી જેવા નથી લાગતા. તમે એક સંતપુરુષ જેવા લાગો છો. તમારું આચરણ જોઈને અમે મૂંઝાઈ જઈએ છીએ. તમારી સાથે કેવો વ્યવહાર કરવો એ જ સમજાતું નથી.’

આના જવાબમાં ગાંધીએ કહેલું: ‘તમારી વાત સાચી છે. હું રાજકારણી છું જ નહિ. હું તો સત્યનો શોધક એક યાત્રી છું. મારા આ યાત્રા માર્ગમાં રાજકારણ આવ્યું એટલે રાજકારણમાં પણ મેં સત્યની મારી શોધ આગળ ધપાવી છે.’

મિસ્ટર બેને આનો શું જવાબ વાળ્યો એ આપણે જાણતા નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Vc01bu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com