12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગીરના ગૌરવને કોણ બચાવશે?

રાજીવ પંડિતગુજરાતનું ગૌરવ ગણાતા સિંહોના કારણે અત્યારે આખું ગુજરાત ચિંતામાં છે. ગીરના જંગલમાં દલખાણીયા અને જાશાધર રેન્જમાં ટપોટપ સિંહો મરી રહ્યા છે ને એક મહિનાના ગાળામાં ૨૩ સિંહનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું એ જોતાં આ ચિંતા વાજબી પણ છે. શરૂઆતમાં ગુજરાત સરકારે આ વાતને દબાવી રાખેલી પણ વાત વાયરે ચડી ને આખી દુનિયાને ખબર પડી ગઈ. એ પછીય ગુજરાત સરકારે બધું ખાનગી રાખવા ભારે ધમપછાડા કરેલા. સિંહોનાં મોત ભેદી વાઈરસના કારણે થયાં છે એ પહેલાં જ બહાર આવી ગયેલું પણ સરકારને ન જાણે શું રસ કે તેણે એ વાતને પણ દબાવવાની કોશિશ કરી.

ગુજરાત સરકારે પોતાના વન વિભાગના અધિકારીઓને મોકલીને તપાસનું નાટક કરાવ્યું ને જાહેર કર્યું કે, ભેદી વાઈરસની વાત સાવ ગપ્પું છે ને સિંહોનાં મોત માટે અંદરોઅંદરની લડાઈ જવાબદાર છે. સિંહણ સિંહને સંવનન ના કરવા દે ત્યારે સિંહ સિંહણનાં બચ્ચાંને મારી નાખતો હોય છે. ગીરમાં મરી ગયેલા સિંહોમાંથી અડધોઅડધ સિંહ બાળ સિંહ હતાં તેથી સરકારે આ ગપ્પું ચલાવી દીધું.

સરકારે કેટલાક માંદા સિંહોને કેર સેન્ટરમાં રાખેલા. તેમાંથી મોટા ભાગના મરી ગયા પછી ગુજરાત સરકારના માથે માછલાં ધોવાવા માંડ્યાં એટલે નાછૂટકે કેન્દ્ર સરકારે વચ્ચે પડવું પડ્યું. કેન્દ્રની ટીમ આવી ને તેણે લીધેલા નમૂનામાં સ્પષ્ટ થયું કે, ગુજરાત સરકાર અત્યાર લગી પોતાનામાં સિંહોને સાચવવાનો વેતો નથી એવું ના લાગે એટલે ખોટું બોલતી હતી. બાકી સિંહોનાં મોત વાઈરસના કારણે જ થયાં છે. દરમિયાનમાં આ મામલો હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટ લગી પહોંચી ગયેલો. એ પછી ગુજરાત સરકારનો સાચી વાત કબૂલ્યા વિના છૂટકો નહોતો. તેમણે કબૂલવું પડ્યું કે, સિંહોનાં મોત વાઈરસના કારણે જ થયાં છે.

આ વાયરસ પણ જેવોતેવો નથી. કેનાઈન ડિસ્ટેમ્પર તેનું નામ. આ વાયરસે કેન્યામાં સિંહોની આખી પ્રજાતિનું ધનોતપનોત કાઢી નાખ્યું. તાન્ઝાનિયામાં ૧૦૦૦ સિંહ તેના ખપ્પરમાં હોમાઈ ગયેલા. આફ્રિકાના તાન્ઝાનિયાના સેરેગીટી નેશનલ પાર્કમાં ૧૯૯૪માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના કારણે હજારથી વધુ સિંહોના મોત થયેલાં. નેશનલ પાર્કની આસપાસ કૂતરાં મોટા પ્રમાણમાં હતાં. તેમની લાળના કારણે આ વાઇરસ ફેલાયો હતો. સિંહ શિકાર કર્યા બાદ ચાલ્યો જાય પછી કૂતરા, શિયાળ વિગેરે શિકાર આરોગવા પહોંચી જાય. સિંહ એ મારણ પાછો આવીને ખાય તેથી સિંહમાં ઇન્ફેક્શન ફેલાય છે. તાન્ઝાનિયામાં એ જ થયેલું ને તેમાં સિંહો ટપોટપ મરવા માંડેલા.

સુપ્રીમ કોર્ટે આ વાતને ગંભીરતાથી લઈને ખખડાવી પછી ગુજરાત સરકાર સફાળી જાગી છે. સરકારે ગીરના ૫ જિલ્લાના ૧૧૦ ગામોમાં કૂતરા તથા અન્ય પશુઓનું રસીકરણ શરૂ કર્યું છે. માંદલા સિંહોને તાત્કાલિક કેર સેન્ટરમાં ખસેડવા માંડ્યા છે. અમેરિકાથી રસીના ૩૦૦ શોટ્સ મંગાવ્યા છે ને જેમને ચેપ લાગ્યો હશે એ સિંહોને આ રસી અપાશે.

ગુજરાત સરકારના આ પ્રયત્નો ફળે ને સિંહોનાં મોત અટકે એ જરૂરી છે કેમ કે ગુજરાતીઓએ બહુ મહેનત કરીને આ સિંહોનું જતન કર્યું છે. આખી દુનિયામાં દક્ષિણ આફ્રિકામાં અને ગુજરાતના ગીરના જંગલમાં જ હવે સિંહો રહ્યા છે. તેના કારણે સિંહો સાવ નેસ્તનાબૂદ ના થઈ જાય એ ચિંતા થયા જ કરે છે.

જોકે પહેલાં આ સ્થિતિ નહોતી. એક જમાનામાં પૃથ્વી પર સિંહોની ત્રણ પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી. આ પૈકી બે પ્રજાતિના સિંહ આફ્રિકામાં સહરાના રણ વિસ્તારના ઉત્તર અને દક્ષિણમાં જોવા મળતા જ્યારે ત્રીજી પ્રજાતિના સિંહ મધ્યપૂર્વ એશિયાથી લઈને ભારત સુધી મળી આવતા. આ સિંહો ‘એશિયાટિક લાયન્સ’ કહેવાય છે. આ એશિયન સિંહો ઈરાન, ઈરાક ને બલૂચિસ્તાનમાં પણ હતા. ભારતમાં પણ ઉત્તર પ્રદેશના રામપુરનાં જંગલોમાં, બંગાળમાં, સિંધમાં, રોહિલખંડનાં જંગલોમાં ને દક્ષિણમાં નેર્બુદાનાં જંગલોમાં સિંહ હતા જ. બંગાળી લેખક સુદિપ્ત મિત્રાએ ગીરના સિંહો વિશે ‘ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન’ નામે પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે એશિયાટિક લાયન્સનો ઈતિહાસ આલેખ્યો છે.

આ ઈતિહાસ પ્રમાણે, મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થયું ને સિંહોનું નિકંદન નીકળવા માંડ્યું. મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા ને સિંહના શિકારમાં મર્દાનગી સમજતા તેમાં સિંહો મરવા માંડ્યા. તેના કારણે દેશમાં બીજે બધે સિંહો ખતમ થવા માંડયા ને સોળમી સદીમાં મોગલો આવ્યા સુધીમાં સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા જ સીમિત રહી ગયેલા. બાકી હતું તે અંગ્રેજોએ પૂરું કર્યું. મુસ્લિમ શાસકો તલવાર વડે શિકાર કરતા જ્યારે અંગ્રેજો બંદૂકો વાપરતા ને તેમાં સિંહો વધારે મરવા લાગ્યા. તલવારથી તો સિંહ ઘાયલ થાય ને ભાગી જવામાં સફળ થાય તો બચવાના ચાન્સ પણ રહેતા. બંદૂકની ગોળી વાગે પછી તો રામ બોલો ભાઈ રામ.

અંગ્રેજોના શાસનમાં બ્રિટિશ અધિકારીઓ અને આપણા રાજા પણ સિંહના શિકારને મરદની નિશાની માનતા. સિંહના શિકાર માટે ઈનામ જાહેર કરવામાં આવતાં તેથી બધાંને સિંહને મારવાનું શૂરાતન ચડતું. આ વધતા શિકારના કારણે ૧૮૮૪માં ગીરના જંગલમાં માત્ર ૧૨ સિંહ રહી ગયેલા એવું ‘કાઠિયાવાડ ગેઝેટિયર’માં લખાયેલું છે.

જો કે જૂનાગઢના નવાબોના કારણે સિંહોની સંખ્યા વધવા માંડેલી. ૧૯૨૦માં જૂનાગઢની ગાદી પર આવેલા મહાબતખાન ત્રીજાએ તો સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડી સિંહને ’રાજ્યાશ્રય’ આપ્યો, સિંહનો શિકાર બંધ કરાવ્યો. તેમના શાસન દરમિયાન ૧૩ વર્ષમાં એક વખત જ સિંહનો શિકાર થયો. જો કે જૂનાગઢ પાસેનાં બીજાં રજવાડાંમાં બેરોકટોક સિંહનો શિકાર થતો હતો. મહાબતખાને અંગ્રેજો સામે ફરિયાદ કરતાં અંગ્રેજોએ આ રજવાડાંને દબડાવીને સિંહનો શિકાર બંધ કરાવ્યો. પરિણામે સિંહોની વસતી વધવા લાગી અને આઝાદી સમયે સિંહોની સંખ્યા ૧૫૦નો આંકડો પાર કરી ગઈ.

ભારતને આઝાદી મળી ત્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું તેમાં તેમણે ભારત છોડીને ભાગવું પડ્યું. મહાબતખાન પાકિસ્તાન જતા રહ્યા એટલે સિંહોનો શિકાર પાછો શરૂ થયો. તેના કારણે સિંહોની વસતી જે પ્રમાણમાં વધવી જોઈએ તે પ્રમાણમાં ના વધી.

ભારત સરકારે ૧૯૫૨માં ‘ઇન્ડિયન બોર્ડ ઑફ વાઇલ્ડ લાઇફ’ની રચના કરીને વન્ય પ્રાણીઓ અને વન્ય સંપત્તિને બચાવવાના કાયદા અમલી બનાવ્યા. એ વખતે સિંહો વિશે સભાનતા નહોતી તેથી સિંહોના શિકાર પર પ્રતિબંધનો કોઈને વિચાર ના આવ્યો. તેના કારણે ૧૯૬૯ લગી સિંહોનો શિકાર થતો રહ્યો. ૧૯૬૮માં ગુજરાતમાં ૧૬૮ સિંહ હતા. મતલબ કે, ૨૧ વર્ષમાં માત્ર વીસેક સિંહ વધેલા.

ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં પછી તેમને અચાનક સિંહોમાં રસ પડ્યો. ૯ જુલાઈ, ૧૯૬૯ના રોજ ભારત સરકારે સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરતાં સિંહોને બચાવવાના પ્રયત્નો શરૂ થયા. આ પ્રયત્નોના કારણે ૧૮ નવેમ્બર ૧૯૭૨ના રોજ વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયું ત્યાં લગીમાં સિંહને બચાવવા વિશે ખાસી સભાનતા આવી ગઈ હતી. ગીરનાં લોકો પોતે સિંહોને સાચવવા સક્રિય થઈ ગયેલા ને શિકારીઓને ભગાડતા તેથી સિંહોની સંખ્યા વધવા લાગી. ૧૯૭૯માં તો સિંહો ૨૦૦નો આંકડો પાર કરીને ૨૦૫ પર પહોંચી ગયેલા.

ગુજરાતીઓએ તેના માટે બહુ ભોગ આપ્યો છે. સિંહો માલધારીઓનાં ઢોર ઉઠાવી જાય કે બીજું નુકસાન કરે તો પણ એ લોકો ફરિયાદ કરતા નથી. તેના કારણે સિંહો બચ્યા અને ગુજરાતમાં જ રહ્યા. જો કે ગુજરાતમાં સિંહો પર આવેલી આફત પછી તેમને બચાવવા માટે શું કરવું તેની ચિંતા પણ શરૂ થઈ છે. આ ચિંતા વાજબી પણ છે ને તેમાં એક વિકલ્પ સિંહોને બીજે વસાવવાનો છે. બીજે ઠેકાણે ધીરે ધીરે સિંહોની વસતિ લુપ્ત થઈ તેનાં કારણ અલગ અલગ છે પણ એક કારણ રોગચાળો પણ હોઈ શકે. અત્યારે જે સ્થિતિ છે ને ટપોટપ સિંહો મરી રહ્યા છે એ જોતાં હવે સાચે જ એવો ડર લાગવા માંડ્યો છે કે, એવું ગુજરાતમાં પણ બની શકે. કોઈ રોગચાળો ફાટી નીકળે કે જંગલમાં મોટી આગ લાગે ને બધા સિંહો પર એકસાથે ખતરો આવી જાય એ શક્યતા છે જ.

આ ચિંતા વરસોથી કરાય છે ને તેના કારણે સિંહોને એક જ ઠેકાણે વસાવવાના બદલે અલગ અલગ જગાએ વસાવવા જોઈએ એવો વિચાર વહેતો મુકાયેલો. આ વિચારના ભાગરૂપે ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યમાં લઈ જવા તેવી દરખાસ્ત મુકાયેલી. ગુજરાત સિંહોને પોતાનું ગૌરવ માને છે તેથી ગુજરાતે તેનો વિરોધ કરેલો. આ મામલે લાંબો વિવાદ ચાલેલો ને ભારે કાનૂની દાવપેચ ખેલાયેલા. છેવટે દેશની સુપ્રીમ કોર્ટે ૨૦૧૩ની ૧૫ એપ્રિલે ફરમાન કરેલું કે ગીરના સિંહોને ગુજરાત બહાર એટલે કે મધ્ય પ્રદેશમાં ખસેડવા. સુપ્રીમના આ આદેશ સામે ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન કરેલી ને સુપ્રીમ કોર્ટે ગુજરાતની રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી એ સાથે જ ગુજરાતની છેક ૨૦૦૬થી ચાલતી કાનૂની લડતનો લગભગ અંત આવી ગયેલો.

સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે નિષ્ણાતોની સમિતિના રિપોર્ટના આધારે આપ્યો હતો ને તેમાં સિંહોને અલગ અલગ ઠેકાણે રાખવાથી તેમના અસ્તિત્વ પરનો ખતરો ઘટશે એ જ વાત હતી. અત્યાર લગી આ ચુકાદાનો અમલ નહોતો થયો પણ અત્યારે જે હાલત છે તે જોતાં તેનો અમલ કરવો હિતાવહ લાગે છે. ગુજરાતીઓ માટે સિંહ ગૌરવનો વિષય છે પણ આ ગૌરવ જળવાય તેને ખાતર પણ હવે સિંહોને બહાર વસાવવા જરૂરી થઈ ગયા છે.

---------------------------

જૂનાગઢના નવાબોના કારણે સિંહો બચી ગયા

સિંહોને બચાવવા જોઈએ એવો વિચાર સૌથી પહેલા જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાને ૧૮૭૦ની આસપાસ આવેલો. હતા. નવાબે બૉમ્બેના ગવર્નર સર સેયમૌર ફિત્ઝગેરાલ્ડને ગીરના જંગલમાં શિકાર માટે નોતરેલા. ભારે રઝળપાટ પછી પણ સિંહ દેખાયા નહીં ત્યારે નવાબને અહેસાસ થયો કે, ગીરના જંગલમાં સિંહ ઘટી રહ્યા છે. મહાબતખાને ત્યારે જ જિંદગીમાં કદી સિંહનો શિકાર નહીં કરવાનું નક્કી કર્યું.

મહાબતખાનના પુત્ર રસૂલખાને પણ ક્યારેય સિંહનો શિકાર ન કર્યો. એમના પુત્ર મહાબતખાન બીજા પણ સિંહના શિકારથી દૂર રહ્યા. ૧૯૦૦માં લોર્ડ કર્ઝન ગીરમાં શિકાર માટે આવેલા ત્યારે મહાબતખાને સિંહના અસ્તિત્વ પર ખતરા અંગે તેમને કહ્યું. લોર્ડ કર્ઝને તેમની વાત માનીને સિંહના શિકારથી દૂર રહ્યા. ‘બર્મા ગેમ પ્રિઝર્વેશન અસોસિયેશન’માં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું કે, ‘સિંહોને બચાવવામાં આપણે નિષ્ફળ રહ્યા તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.’ અંગ્રેજોએ સિંહોની ચિંતા શરૂ કરી પછી રાજાઓ પણ સિંહના શિકારથી દૂર રહેવા લાગ્યા. લોર્ડ કર્ઝનનું વલણ જોઈને નવાબ મહાબતખાન બીજાએ એજન્સી નોટિફિકેશનમાં સિંહનો શિકાર ના કરવાની ભલામણ કરી. કર્ઝનેએ મની વાત માનીને સિંહના શિકાર બંધ કરાવ્યા તેથી સિંહોની સંખ્યા વધીને ૧૯૨૦માં ગીરમાં ૫૦ સિંહ થઈ ગયેલા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3Xpw3B
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com