21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફાંકા ફોજદારી

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીહુંનાનો હતો ત્યારે મારા પપ્પા કોઈ ગેસ્ટ હાજર હોય ત્યારે મારા વખાણ કરતા અને કહેતા કે ‘અમારો મિલન પ્લેન ઉડાડે એટલે તમે જોતા રહી જાવ’ હું રાજી થતો પણ પપ્પા સાથે સાથે ઉમેરતા કે ‘એ પ્લેન ઉડાડે પણ ટાઢા પહોરે’. આ ટાઢો પોર શું કહેવાય એની ખબર ઉમર થયા પછી પડી પણ ત્યાં સુધીમાં તો ટાઢા પહોરે હાંકવાની એવી તો ફાવટ આવી ગઈ કે ગમે ત્યાં ફેંકવા લાગ્યો. આજે વટથી કહી શકું છું કે મારા જેવી ફેંકવાની કોઈ પહોંચી જ શકે નહીં અને આ વાત તમારે વડા પ્રધાનને પણ પૂછવાની છૂટ.

તમે જે કહો તે પણ તમને આ ફેંકવાની ટ્રેઇનિંગ બચપણથી જ આપવામાં આવે છે અને તમે ત્યાંથી જ શીખો છો. હું નાનો હતો ત્યારે અમને નિબંધના વિષયો આપવામાં આવતા, જેમ કે ‘જો હું મુખ્યમંત્રી હોત તો’, ‘જો હું વડા પ્રધાન હોઉં તો’, ‘જો હું શિક્ષક હોઉં તો’ હું સમજદાર ખરો એટલે એ સમયે પણ જો વિષયની પસંદગી કરવાની હોય તો હું મારી કક્ષા મુજબનો જ વિષય પસંદ કરતો. મારી પસંદગી હું શિક્ષક હોઉં તો પર જ ઉતરતી. આમ તો નિબંધ એટલે પોતાની પ્રતિભા, વિચારશક્તિ અને લેખનશક્તિનો સુભગ સમન્વય પણ મારા પપ્પાએ મને સલાહ આપેલી કે કલ્પનાશક્તિના ઘોડા દોડાવવાને બદલે જે નજર સામે હોય અને સત્યની નજીક હોય એવું જ લખવું જેથી લોકોના હૃદય સુધી પહોંચી શકાય. હું ભોળો એટલે એમને એમ આખી વાતને સ્વીકારી લીધી. મેં આ વિષય પર નિબંધ લખ્યો અને એના મુખ્ય મુદ્દાઓ આ મુજબ હતા. ‘જો હું શિક્ષક હોઉં તો બાળકોને પાંચ મિનિટમાં લેશન આપી બાકીની ચાલીસ મિનિટ સુધી ઊંઘતો રહું, જે વિદ્યાર્થી મારા ઘરનું કામ કરી દે એને લેશનમાંથી મુક્તિ આપું, મારા ટ્યૂશનમાં આવે તેને સારા માર્ક આપું, હાથમાં કાયમ ફૂટપટ્ટી રાખી કડક હોવાની છાપ ઊભી કરું, મારી સામું બોલે અને સાચું બોલે એને કોપી કેસમાં અટવાવી દઉં’ આ તમામ લખતા સાથે મને લાગ્યું કે મેં સત્યને ન્યાય આપ્યો, મારા પપ્પાના શબ્દોનું પાલન કર્યું એવા આનંદના ભાવ સાથે પેપર સાહેબને આપીને બહાર નીકળ્યો પણ જેવા પેપર જોવાયા એટલે મારો અવાજ સાહેબના હૃદય સુધી પહોંચી ગયો અને ગાંધીમાંથી ગોડસે બની ગયા! મને એવો તો માર્યો છે કે આજની તારીખે પણ મારી પત્ની છાતી પરના કાળા ડાઘા વિશે સત્તર વાર ના પાડવા છતાં પૂછે છે અને હું લાખુ છે કહીને ચલાવી લઉં છું. હવે તમે જ કહો કે આમાં સમજદાર માણસ ફાંકા મારતા શીખે કે નહીં???

અમુક વ્યક્તિઓના જીવનમાં ફાંકા ફોજદારી એટલી સરસ રીતે ઘૂસી ગઈ હોય કે જો એ ફેંકે નહીં તો જીવી શકે નહીં. હમણાં જ એક સ્થળે એક મિત્રના મિત્ર સાથે મુલાકાત થઈ સાથે જ એમણે પોતાની વાત કરવાની શરૂઆત કરી ‘મારે તો શું છે ૨૦૦ વિઘા જમીન નવા રીંગ રોડ પર પડી છે. ભાવ લાખ રૂપિયે વાર થઈ ગયો છે પણ વેચીને રૂપિયા ક્યાં નાખવા? બાકી બે ફેક્ટરી છે હમણાં જ ચાર અમેરિકાના કોન્ટ્રાક્ટ મળ્યા છે. દર મહિને ૨૦ ખોખાની સપ્લાયનો અગ્રીમેન્ટ કર્યો. મારી ઇચ્છા છે કે એકાદ નોખો બિઝનેસ કરવો છે. પાંચ ખોખા પડ્યા છે અને બૅંકો ૨૦ ખોખા માટે પાછળ પડી છે’. ત્યાં જ અમારો ત્રીજો મિત્ર આવ્યો અને ભાઈએ એમને પૂછયું કે ‘તમે શું કરો છો?’ મારા મિત્રએ ભાઈને જણાવ્યું કે એ રિલાયન્સમાં મેનેજર છે. આટલું સાંભળતા જ ભાઈ તરત જ બોલ્યા ‘યાર, રિલાયન્સમાં કોઈ સારી નોકરી હોય તો જોજો ને’ આટલું સાંભળતા જ આપણે શીખી લીધું કે ભલે નોકરી શોધતા હોઇએ પણ વાત તો કરોડોની જ કરવાની. ફાંકા મારવાથી એ ભાઈએ એટલીસ્ટ નાસ્તો તો અમારો મફત કરી જ લીધો!

સગાઓ ફેંકવામાં સૌથી વધારે હોશિયાર હોય છે. સાત પેઢીએ થોડુંક લાગતુંવળગતું હોય ત્યાં તો મુખ્યમંત્રીના ભાઈ, ભત્રીજા, ભાણિયા બની જવામાં જરા પણ વાંધો ન હોય. આ કહેવાતા ભાઇ, ભત્રીજા, ભાણિયાએ કોઈ દિવસ રૂબરૂ મુલાકાત થઈ ન હોય પણ કહે ત્યારે એમ જ રજૂ કરે કે ‘કાલે જ જમવામાં બધા સાથે હતાં’ પબ્લિક મીટિંગમાં ગમે તેમ ઘુસ મારીને એકાદ હસ્તી સાથે સેલ્ફી લઈ લીધી હોય અને આ ફાંકો આખી જિંદગી ચલાવી લે! મેં આવા એક સગાને એક નાનકડું કામ સોંપેલું પણ છેલ્લે એમણે ફોન ઉપાડવાના બંધ કરી દીધાં. એમા એક દિવસ મેં કંટાળીને ઘેર ફોન કરી લીધો તો ભાઈએ જ ઉપાડ્યો અને મને કહે ‘બસ જો ગાંધીનગર પહોંચવામાં જ છું. વાત કરીને તરત ફોન કરુ છું’ મેં એમને ખુલાસો આપ્યો કે મેં એમને લેન્ડલાઇન પર ફોન કર્યો છે!!! અમારા ચૂનિયાના ભત્રીજાનું અમે ઘણા સમયથી શોધતા હતા. ચૂનિયો ખૂબ ફેંકતો પણ ગોઠવાતું નહોતું. એક જગ્યાએ મને પણ સાથે લઈ ગયો અને ચૂનિયાએ ફેંકી કે ‘ઘણા સમયથી બે ભાઈનું થોડું નોખું કરવું હતું એટલે બન્નેને એક એક પંપ લઈ દીધો. ખોટી માથાઝીંક જોઈએ જ નહીં. નવો બંગલો બને છે પણ ત્યાં સુધી ભાડાના મકાનમાં રહેવાનું રાખ્યું છે’ મને હતું કે કદાચ સામેવાળા પામી જશે અને કહેશે કે ‘અમને છોકરો પસંદ નથી’ તો મારે જવાબ આપવો હતો કે પસંદ તો અમને પણ નથી પણ ઘેરથી કાઢી થોડો નંખાય છે પણ એ મોકો ન મળ્યો અને એ લોકોએ સારું ખાનદાન જાણીને તાત્કાલિક લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. લગ્ન કરીને ઘેર ગયા એટલે ચૂનિયાએ પહેલા જ ઘરની બહાર ખીંટીએ લગાવેલા સાઇકલમાં હવા ભરવાના બે પંપ દેખાડી દીધાં અને કહી દીધું કે ‘આ મોટાનો પંપ અને આ નાનાનો પંપ’. બન્નેની સાઇકલ નોખી. આપણે શું પ્રોપર્ટીના પહેલેથી ભાગ પાડી દીધાં હોય તો કોઈ ઝઘડો જ ન રહે’ બંગલાની વાત આવી તો ખુલાસો કર્યો કે ‘પ્રધાનમંત્રી આવાસમાં રહેવા જવાનું છે’ પણ યોજનાનો ખુલાસો એણે કર્યો જ નહીં!!!

તમારે જો પ્રોગ્રેસ કરવો હોય અને દેશના સર્વોચ્ચ સ્થાન પર પહોંચવું હોય તો પહેલી શરત એ છે કે ફેંકવામાં પીએચ.ડી. કરી લો. પહેલા પોલિટિક્સમાં પોલિટિકલ સાયન્સ નામનો વિષય હતો જ્યારે હવે ફેંકોલોજીમાં માસ્ટર ન થાવ તો તમે ક્યારેય નેતા નહીં બની શકો એવો નિયમ આવવાનો છે. બાકી જો હું વડા પ્રધાન હોઉં તો પેટ્રોલ ૪૦ રૂપિયે લિટર અને ડીઝલ ૩૫ રૂપિયે લિટર બજારમાં છૂટથી મળતું થઈ જાય. લોકો ૩૦ લિટરની ટાંકીમાં ૬૦ લિટર ભરાવતા થઈ જાય પણ શું છે કે મારે હાસ્યના કાર્યક્રમો સારા ચાલે છે અને ફાંકાનો અભરખો ત્યાં જ પૂરો થઈ જાય છે. બાકી મેં સાંભળ્યું છે કે ૨૦૧૪ પહેલાના રાજકીય નેતાઓના ભાષણોના વિડિયો યુટ્યૂબમાંથી ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેથી કરીને તેનો દુરુપયોગ ન થાય. બાય ધ વે તમે આ લેખ વાંચતા વાંચતા તમારા ભૂતકાળમાં સરીને કેવા કેવા ફાંકા માર્યા છે એ યાદ કરશો તો તમને પણ મોજ જ આવશે. એવું ન કહેતાં કે મેં ક્યારેય ફાંકા નથી માર્યા કેમ કે આવું કહેશો તો એ પણ એક ફાંકો જ ગણાશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1llp3P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com