21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગમ કી બારિશને ભી તેરે નક્શ કો ધોયા નહીં, તૂને મુઝ કો ખો દિયા, મૈં ને તુઝે ખોયા નહીં

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીમાણસોની ચિક્કાર ભીડમાં એકલતા અનુભવતા માણસની લાચારી, જિંદગીની ભાગદોડમાં પોતે પાછળ રહી જશે એ વાતનો સતાવતો કાલ્પનિક ભય, અકળાવી મુકનારી જીવનની પરિસ્થિતિ, ભૂતકાળના અનુભવોને લીધે ડરાવી મૂકતું ભવિષ્ય, મુશ્કેલીઓનો સામનો કરવામાં થતી પીછેહઠ, ઉદાસી, વ્યથા અને જીવન-સંઘર્ષની પ્રતીતિ આ બધાનો સરવાળો મુનીર નિયાઝીની ગઝલોમાં શેરિયત સમેત ઠલવાતો જોવા મળે છે.

આ શાયરનું મૂળ નામ મુહમ્મદ મુનીર ખાન હતું. પંજાબના હોશિયારપુરમાં ૧૯૨૩ની સાલમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવીને પાકિસ્તાનના ટેલીવિઝનમાં નોકરી કરી હતી. ત્યારબાદ ત્યાંથી છૂટ્ટા થઇને તેમણે સ્વતંત્ર લેખનકાર્ય કર્યું હતું. આ શાયરે મોન્ટેગીરીથી ‘સાત રંગ’ નામનું અઠવાડિક શરૂ કર્યું હતું. આમ આ શાયર પત્રકારત્વ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા હતા.

તેજ હવા ઔર તન્હા ફૂલ, જંગલ મેં ધનક, દુશ્મનોં કે દરમિયાન શામ, માહે મુનીર, છે રંગ દરવાજે, આગાઝે-મસ્તા મેં દુબારા, સાઅતે-સય્યાર, પહલી બાર હી આખરી થી, એક દુવા જો મૈં ભૂલ ગયા થા, સફેદ દિન કી હવા, સિયાહ શબ કા સમન્દર જેવાં પુસ્તકોમાં તેમની ગઝલો, નઝમો, રૂબાઇઓ અને ગીતો માણવા મળે છે. તેમની સમગ્ર રચનાઓ ‘કુલ્લીયાતે મુનીર’માં ગ્રંથસ્થ થયેલ છે.

ભાષાની સરળતા અને સાહજિકતાને લીધે મુનીરની શાયરી ભાવકોનાં ભીતરને તુરત સ્પર્શી જાય છે. જિંદગીની કટુતાને મીઠાશથી અભિવ્યક્ત કરવાની કુદરતી ક્ષમતા આ શાયરને વરી હતી. ગઝલની કોમળતા અને સૂક્ષ્મતો બરકરાર રાખવા આ શાયરે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સદ્ગત શાયરના કેટલાક ચુનંદા શે’રનું રસદર્શન કરીએ.

* મેરી સદા હવા મેં બહુત દૂર તક ગઇ,

પર મૈં બુલા રહા થા જિસે, બેખબર રહા.

મારો અવાજ તો ખૂબ દૂર સુધી પહોંચ્યો હતો. પરંતુ હું જેને બોલાવી રહ્યો હતો તે તો તેનાથી અજાણ રહ્યો. (શું તેણે જાણી જોઇને આવું વર્તન કર્યું હશે?)

* દિલ કી ખલિશ તો સાથ રહેગી તમામ ઉમ્ર,

દરિયા-એ-ગમ કે પાર ઉતર જાયે હમ તો ક્યા?

વેદનાનો દરિયો (નદી) અમે પાર કરી નાખીએ તો પણ શું અને પાર ન પણ કરીએ તો પણ શું? કેમ કે હદયમાં જે ચુભન છે તે તો આખી જિંદગી અમારી સાથે જ રહેવાની છે. (તેનો કોઇ આરોવારો નથી.)

* ખ્વાબ હોતે હૈં દેખને કે લિયે,

ઉન મેં જા કર મગર રહા ન કરો.

સ્વપ્નું માત્ર જોવા-માણવા માટે હોય છે. કેમ કે સ્વપ્નું તો ફટકિયાં મોતીની જેમ ક્ષણિક હોય છે. સ્વપ્નની સૃષ્ટિમાં હંમેશ માટે ન રહેવાની શાયરે અહીં સલાહ આપી છે.

* ઘટા દેખ કર ખુશ હુઇ લડકિયાં,

છતોં પર ખીલે ફૂલ બરસાત કે.

ઘટા જોઇને છોકરીઓ આનંદથી ઝૂમવા-નાચવા લાગી. હજુ તો માત્ર વાદળો ઘેરાયાં છે. ત્યાં જ છત પર વરસાદનાં ફૂલો ખીલી ઉઠ્યાં. અહીં શાયરે રંગીન નઝારો કેવો ઊભો કરી દીધો છે.

* તેરી તલાશ મેં યૂં તો કહાં કહાં ન ગયે,

જહાં પે જાના થા હમ કો મગર વહાં ન ગયે.

તારી (પ્રિયતમા-ઇશ્ર્વર)શોધમાં અમે ક્યાં ક્યાં ગયા તેની તને ખબર હશે. પણ અમારે જ્યાં જવાનું હતું ત્યાં જ અમે ગયા નહીં. માટે તો અમારી મુલાકાત તારી સાથે થઇ શકી નહીં તેનો અમને વસવસો છે.

‘મુનીર’ આજ ફિર ઉસ સે મિલતે ચલેં,

ઝલક ઉસ કી ફિર દેખ આયેં જરા.

‘મુનીર’! તું ચાલ, આજે ફરીથી તેની મુલાકાત કરી લઇએ.

કમ સે કમ તેની એક ઝલક તો આપણને જોવા મળશે ને!

* જાનતા હૂં એક ઐસે શખ્સ કો મૈં ભી ‘મુનીર’,

ગમ સે પત્થર હો ગયા લેકિન કભી રોયા નહીં.

હું એકએવા માણસને ઓળખું છું કે જેણે અનેક દુ:ખો વેઠ્યાં છે. દુ:ખો વેઠી વેઠીને તે માણસ સાવ પથ્થર થઇ ગયો છે, પરંતુ તે કદી રડ્યો નથી. (શું તેનું હદય પણ પથ્થર જેવું થઇ ગયું હશે!)

* યહ અજનબી સી મંઝિલે ઔર રફતગાં કી યાદ,

તન્હાઇયોં કા ઝહર હૈ ઔર હમ હૈં દોસ્તો.

આ અજાણી-અપરિચિત મંઝિલો અને વીતેલા દિવસોની યાદો મારી એકલતાની માત્રામાં વધારો કરી દે છે. અરે ઓ મિત્રો! એકાન્તોનું ઝેર છે અને તેની વચ્ચે હું ઘેરાયેલી અવસ્થામાં છું. (મારાથી આ સહન થઇ શકતું નથી.)

* ગમ કી બારિશને ભી તેરે નક્શ કો ધોયા નહીં,

તૂને મુઝ કો ખો દિયા, મૈં ને તુઝે ખોયા નહીં.

તારા વિરહમાં દિવસ-રાત વહાવેલાં અશ્રુઓ તારી છબીને ભૂંસી શક્યા નથી. તું મને ભૂલી ગઇ લાગે છે પણ હું તને ભૂલ્યો નથી.

* વાપસ ન જા વહાં કિ તેરે શહર મેં મુનીર’,

જો જિસ જગહ પે થા, વહ વહાં પર નહીં રહા.

એ ‘મુનીર’ ! તું હવે તારા નગરમાં પાછો ફરજે નહીં. તું જેની શોધમાં ગયો છે તે વ્યક્તિ હવે તે સ્થળે મોજૂદ નથી.

* ચાહતા હૂં મૈં ‘મુનીર’ ઇસ ઉમ્ર કે અંજામ પર,

એક ઐસી ઝિન્દગ જો ઇસ તરહ મુશ્કિલ ન હો.

એ ‘મુનીર’ ! હું મારા જીવનના અંત કાળે એવી ક્ષણોને ઝંખું છું-ઇચ્છું છું કે તે સરળ-સુગમ હોય. આવી ક્ષણો મારી જિંદગીની જેમ મુશ્કેલ ન હોય તો સરું.

* કિસી કો અપને અમલ કા હિસાબ કયા દેતે,

સવાલ સારે ગલત થે, જવાબ કયા દેતે?

અમે જે કર્મો કર્યા છે તેનો હિસાબ અમારે કેવી રીતે આપવો? કેમ કે તેના બધા જ પ્રશ્ર્નો ખોટા હતા. તો પછી અમારે તેનો સાચો હિસાબ કેવી રીતે આપવો?

* સારે મંઝર એક જૈસે, સારી બાતેં એક સી,

સારે દિન હૈ એક જૈસે, સારી રાતેં એક સી.

બધાં દ્રશ્યો, બધી વાતચીતો, સઘળા દિવસો અને સઘળી રાતો મને તો એક સરખાં લાગે છે. (તેમાં કયાંય નવીનતા-અલગપણું નથી) આવા ચીલાચાલુ જીવતરથી હું કંટાળી ગયો છું.

* જબ સફર સે લૌટ કર આયે તો કિતના દુ:ખ હુવા,

ઇસ પુરાને બામ પર વો સુરતે ઝેબા ન થી.

હું જ્યારે પ્રવાસ પૂરો કરી મારા નિવાસસ્થાને પાછો ફર્યો ત્યારે મને ઘણું દુ:ખ થયું. કારણ કે જૂની-પુરાણી છત પર મને પેલો ખૂબસૂરત ચહેરો જોવા મળ્યો નહીં.

* હમ ભી ઘર સે ‘મુનીર’ તબ નિકલે,

બાત અપનોં કી જબ સહી ન ગઇ.

જે મારા પોતાના હતા તેઓની વાતો મારાથી સહન થઇ શકી નહીં. તેથી તો હું ઘરની બહાર નીકળી ગયો.

* ઉસ સિમ્ત ચલો તુમ ભી અય ભટકે હુવે લોગોં,

જિસ સિમ્ત યે વીરાં ચૂપચાપ સડક જાયે.

રસ્તો ભૂલી જઇને રઝળપાટ કરી રહેલા એ લોકો! જ્યાં નિર્જન માર્ગ હોય તે તરફ હવે તમે આગળ વધો. (ત્યાં જવાથી તમને તમારો અસલ રસ્તો કદાચ મળી જાય.)

* રાહબર મેરા બના ગુમરાહ કરને કે લિયે,

મુઝકો સીધે રાસ્તે સે દર-બ-દર કિસને કિયા.

જે જણ અમારો માર્ગદર્શક બન્યો હતો. પણ તે તો મને (સૌને) ગેરમાર્ગે દોરતો હતો. સીધા રસ્તા પર લઇ જવાને બદલે તે મને આમતેમ લઇ જઇને ઠોકરો ખવડાવતો હતો.

* ઇસ આખિરી નઝર મેં અજબ દર્દ થા ‘મુનીર’,

જાને કા ઉસ કે રંજ મુઝે ઉમ્રભરરહા.

એ ‘મુનીર’! તે યાર-દોસ્ત તો મને અલવિદા કરીને ચાલ્યો ગયો. તેની નજરમાં અજબ વેદના હતી. આ હકીકતનો રંજ મને આખી જિંદગી રહ્યા કર્યો. (તેને હં કેમ ભૂલું?)

* આદત સી બના લી હૈ તુમને તો ‘મુનીર’ અપની,

જિસ શહર મેં ભી રહના, ઉકતાયે હુવે રહના.

અરે ભાઇ ‘મુનીર’! આ તને શું થઇ ગયું છે! તું જ્યાં જાય ત્યાં ગભરાયેલો-કંટાળેલો કેમ રહે છે? શું તને કોઇ આવી તેવી આદત તો નથી પડી ગઇ ને!

* અબ કૌન મુન્તઝિર હૈ હમારે લિયે વહાં?

શામ આ ગઇ હૈ લૌટ કે ઘર જાયે હમ તો ક્યા!

અમારી પ્રતીક્ષા કરે એવું કોઇ પાત્ર હવે રહ્યું છે ક્યાં? હવે સાંજ પડી ગઇ છે ત્યારે અમે અમારા ઘેર પાછા ફરીએ કે ન ફરીએ તેનાથી કશો ફરક પડતો નથી.

* ઇતને ખામોશ ભી રહા ન કરો,

ગમ જુદાઇ મેં યૂં કિયા ન કરો.

તમે આમ આટલા ગુમસુમ-મૌન શા માટે રહો છો? વિયોગનું દુ:ખ તમે આ રીતે કેમ જાહેર કરો છો ? (તમારી આ વાત મને સમજાતી - જચતી નથી.)

* હસ્તી હી અપની કયા હૈ ઝમાને કે સામને

ઇક ખ્વાબ હૈં જહાં મેં બિખર જાયે હમ તો કયા?

આ જમાના સામે મારા અસ્તિત્વ (જીવન)ની કશી કિંમત નથી. હું તો આ દુનિયાનું એક સ્વપ્ન માત્ર છુ. જો હું છિન્નભિન્ન થઇ જાઉં તો તેનાથી શું ? ઇન્સાનની હયાતીનું કોઇ મૂલ્ય નથી તે વાત અહીં નિરાળા અંદાજમાં કહેવાઇ છે.

* ખ્વાહિશોં કો બહુત હવા દેના,

વસ્ફ હમને યે યાર મેં દેખા.

ઇચ્છાઓ-તમન્નાઓને હવા નાખવાનો ગુણ તો મને યારમાં જોવા મળ્યો. શાયરે શબ્દોના લાઘવ દ્વારા કેટલી મોટી વાત આ શે’રમાં રજૂ કરી દીધી છે.

* નીંદ કા હલ્કા ગુલાબી સા ખૂમાર આંખોં મેં થા,

યૂં લગા જૈસે વહ શબ કો દેર તક સોયા નહીં.

તેમનાં નયનોમાં ઊંઘનો હળવો ગુલાબી નશો હતો. કદાચ તે મોડી રાત સુધી ઊંઘી શક્યા નહોતા તે વાત તેમના ચહેરા પર પ્રગટ થતી હતી.

* દિલ જલ રહા થા ગમ સે મગર નગ્મગર રહા

જબ તક રહા મૈં, સાથ મેરે યે હુનર રહા.

વેદનાથી મારું હદય બળતું હતું છતાં હું તો ગીત ગાતો રહ્યો. હું જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી આ કળા મારી સાથે રહી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3867Y8N6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com