18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
-તોે ખેડૂતો ખુશ થઈ શકશે!

કવર સ્ટોરી-મનોહર મનોજબીજી ઑક્ટબર, દોઢસોમી ગાંધી જયંતીનો દિવસ. એ દિવસે ખેડૂતોએ હરિદ્વારથી નવી દિલ્હીમાં રાજઘાટ સુધીની ‘લાંબી કૂચ’ આદરી હતી, સરકાર પાસે લોનમાફીની માગણીનું નિમિત્ત હતું. ખેડૂતો લોનમાફી માગી રહ્યા છે. હજારો ચળવળકારી ખેડૂતોને રાષ્ટ્રના પાટનગરમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવ્યા અને ભડકો થયો. ખેડૂતો અને પોલીસો વચ્ચે જણે ઘોર યુદ્ધ થયું અને વિરોધ પક્ષોને દોડવાનો ઢાળ મળ્યો, તે તમામે ખેડૂતો સાથે પોતાની એકતા જાહેર કરી! ખરેખર ખેડૂતોને માત્ર લોન માફી જોઈએ છે? તેમને બજાર ભાવમાં કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી-લઘુતમ ટેકાના ભાવ)માં વધારો જોઈએ છે. ટૂંકમાં ખેડૂતો ખુશ નથી, ખેડૂત ખુશ નહીં હોય તો સરકારના પગ તળેની જમીન નક્કર ક્યાંથી હોવાની? આ સંદર્ભે જોઈએ ખેડૂતો ખુશ કેમ કરીને થાય!

મોદી સરકારે થોડા સમય અગાઉ લઘુતમ ટેકાના ભાવ-મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એટલે કે એમ.એસ.પી.ના દાયરામાં આવનારાં કૃષિ ઉત્પાદનોના ભાવમાં ધરખમ વધારાની ઘોષણા કરી હતી. આ એક એવો અભૂતપૂર્વ ફેંસલો હતો જે પાછલા ૭૦ વર્ષમાં કરાયો નથી! એનો અર્થ એવો થયો કે ભારતમાં ખેતીનો ધંધો જીવનનિર્વાહના ધંધા તરીકે ખોટનો ધંધો બની રહેવાનો અભિશાપ ધરાવતો હતો. આ ફેંસલા બાદ ખેતીનો ધંધો આંશિક રીતે લાભકારી પેશામાં પરિણમવાની સંભાવના ચોક્કસ જ જાગી હતી, પણ સાવધાન, આ નિર્ણય અત્યારે તો સૈદ્ધાંતિક રીતે જ ઐતિહાસિક છે. વ્યવહારમાં એનું શું સ્વરૂપ તૈયાર થશે એ તો થાય ત્યારે જ જોવા મળશે. આમ માનવાના કેટલાંક કારણો છે. સૌથી પહેલા તો સરકારની તરફથી એમ કહેવામાં આવ્યું છે કે, આ વધારો જે તે પાક માટેના કુલ ખર્ચમાં પચાસ ટકા નફો ઉમેરીને નિર્ધારિત કરવામાં આવ્યો છે.

સરકારનું આમ કહેવું પૂર્ણપણે ખોટું છે, કારણ કે ખેતીનો વાસ્તવિક ખર્ચના હિસાબે એનાં ઉત્પાદનોની કિંમતની ચુકવણી કરવી અસંભવ છે, ખાસ કરીને અનાજની ફસલોના મામલામાં! પરંતુ મોદી સરકારે જે અનાજ, કઠોળ અને તેલીબિયાંના પાક માટે જે વધારો ઘોષિત કર્યો છે તે બાબત જો સાકાર સ્વરૂપ લે છે તો ભરોસો કરજો કે એનાથી ખેડૂતોને બહુ મોટી રાહત મળશે, પણ એના માર્ગમાં બહુ મોટો પ્રશ્ર્નાર્થ ખડો છે. એ પ્રશ્ર્નાર્થને હટાવવામાં મોદી સરકાર જો સફ્ળ થઈ ગઈ તો આ મંોટા લક્ષ્યની પ્રાપ્ત કરવાની સામે ઊભેલા પ્રશ્ર્ન-પ્રતીકને આશ્ર્ચર્ય-પ્રતીક લગાવાની હકદાર બનશે. જોકે પ્રશ્ર્નચિહ્ન અને આશ્ર્ચર્યચિહ્ન વચ્ચેનો જે ફાસલો છે એ જ તો આપણો મોટો સવાલ છે અને એ દેશની સિસ્ટમ સાથે જોડાયેલો છે. આપણે તો જાણીએ જ છીએ કે મોટાભાગના કૃષિકીય ઉત્પાદનોની કિંમત સીઝનમાં ઓવર સપ્લાયને કારણે મોટા પ્રમાણમાં નીચી ઊતરી જાય છે. એમ.એસ.પી.ની અસલ કલ્પના એવી છે કે એને ઠેરવ્યાથી દેશના ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવતાં ઉત્પાદનોની કિંમત જે-તે પાકની સીઝનમાં એની નિર્ધારિત એમ. એસ. પી. કિંમતથી ઓછી ન થવી જોઈએ, એનાથી વધારે ભલે હોય! આવી સ્થિતિ ઊભી કરવા માટે સરકારની એજન્સીઓ સીઝનમાં આ ઉત્પાદનોની ખરીદી કરતી હોય છે જેથી ખુલ્લા બજારમાં કિંમતો એમ.એસ.પી. કરતાં વધવાની સંભાવના ઘડાય છે, જે ખેડૂતો માટે એક આદર્શ સ્થિતિ હોય છે..., પણ શું આવું સંભવિત છે?

એમ જોવા જઈએ તો એમ.એસ.પી.ની સમૂળગી પ્રણાલી સંબંધે એક નહીં અનેક સવાલો છે, જે આજના નથી... કેટલાય સમયથી ચાલી આવે છે. પહેલી વાત તો એ છે કે છેલ્લા ૭૦ વર્ષથી લઘુતમ ટેકાના ભાવ અતિશય ઓછા રાખવામાં આવ્યા અને એમાં વાર્ષિક રીતે મામૂલી વધારાની ફક્ત રિવાજની પતાવટ કરાતી રહી. આ રીતે જોતાં મોદી સરકારે કરેલો વધારો લોકોમાં ચોક્કસ જ એક મનોરમ અનુભવ આપી ગયો. હવે સવાલ એવો પણ છે કે, જો મોદી સરકાર પોતાની પીઠ પર જાતે જ આ અભૂતપૂર્વ ફેંસલા સબબ ‘ઈમાનદાર’ની મહોર માગવા માગતી હતી તો એણે પોતાના કાર્યકાળના પહેલા વર્ષમાં જ શા માટે આવી મહોર ન મારી? હવે બીજો સવાલ કે દેશભરના બધા જ અંતરિયાળ ગામોમાં ભારત સરકારની એફસીઆઈ (ફુડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા)નું અનાજ ખરીદીનું નેટવર્ક છે ખરું? આ તમામ ખરીદી-કેન્દ્રોમાં ખેડૂતોના ઉત્પાદનોની ત્વરિત ખરીદી કરી કિંમતની ત્વરિત ચૂકવણી કરવામાં આવે છે?

આ સવાલોના જવાબની હકીકત એવી છે કે એફસીઆઈનું ખરીદ-નેટવર્ક દેશવ્યાપી સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. પંજાબ-હરિયાણા જેવા રાજ્યોમાં દરેક ઈલાકા અનાજ મંડીના નેટવર્ક સાથે જોડાયેલાં છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પેક્સ એટલે કે પ્રાઈમરી એગ્રિક્લચરલ ક્રેડિટ સોસાયટીઝ દ્વારા ક્યાંક બજાર સમિતિઓ તો ક્યાંક રજિસ્ટર્ડ ન હોય, નોંધાયેલી ન હોય એવી અનાજ મંડીઓ દ્વારા ખેડૂતોના ઉત્પાદનોની નામ પૂરતી ખરીદી કરવામાં આવે છે આમાં પેક્સ દ્વારા કરાતી અનાજ ખરીદીમાં પ્રતિ ક્વિન્ટલ તગડું કમિશન લેવામાં આવે છે, ભાવની ચૂકવણી તરત કરવામાં નથી આવતી. હવે સવાલ એવો છે કે આ પરિસ્થિતિમાં એમ. એસ. પી.નો શો અર્થ છે? આ કારણોને લીધે પાકની સીઝનમાં ખુલ્લા બજારમાં કૃષિ ઉત્પાદનો એમ. એસ. પી.થી પણ ઓછી કિંમતે બેધડક વેચાતાં જોવા મળે છે.

જે ખેડૂતોના ઘરમાં ખેતી સિવાય આવકના અન્ય સ્રોત ઉપલબ્ધ હોય છે તેઓ તો પોતાના કૃષિ ઉત્પાદનોનો સીઝનમાં જ સહેલાઈથી સંઘરો કરી તેનો ભાવ વધવાની રાહ જુએ છે, પણ જે ખેડૂત પાસે આવી અનુકૂળતા નથી એ મજબૂરપણે પોતાનું ઉત્પાદન મળે એ ભાવે ફટકાવી દે છે. આવી સ્થિતિમાં તો એમ. એસ. પી.ની વ્યવસ્થાનો આશય જ અવિચારી બની જાય છે. આવામાં મોદી સરકાર એમ. એસ. પી.ના વધારાને પોતાના અસાધારણ નિર્ણયોમાં સમાવિષ્ટ કરવા ઈચ્છતી હોય તો સરકાર સૌથી પહેલા બજારમાં કૃષિ ઉત્પાદનોની એમ. એસ. પી. ભાવ કરતાં ઓછા ભાવમાં ખરીદીને ગેરકાનૂની જાહેર કરે અને આવું કરનારાઓ વિરુદ્ધ ભારે દંડની જોગવાઈ કરે.

એમ. એસ. પી સંબંધે એક સવાલ એવો પણ છે કે એના દાયરામાં કહેવા માટે બે ડઝન કૃષિ ઉત્પાદનો સામેલ છે, પણ હકીકતમાં સરકાર એમ. એસ. પી. હેઠળ ફક્ત ઘઉં અને ચોખા જેવા અનાજની જ ખરીદી કરે છે. હા, જ્યારે દેશમાં જુદી જુદી દાળની તંગીથી એના ભાવમાં ભડકો થયો ત્યારે સરકારે એમ. એસ.પી ભાવોમાં ખાસ્સો વધારો કરીને પહેલી વાર એની વ્યાપક ખરીદી પણ કરી હતી. સવાલ એવો છે કે અનાજ સિવાય પણ અનેક એવા કૃષિ ઉત્પાદનો છે, જેના લઘુતમ ટેકાના ભાવ (એમ. એસ. પી.) સરકારો નકકી કરે છે, પણ સીઝનમાં એની ખરીદીનું ન તો કોઈ ખરીદી-નેટવર્ક હોય છે કે નથી હોતી એનો સંગ્રહ કરવાની વ્યવસ્થા. હવે આવા ઉત્પાદનો માટે બજારમાં જે લાગુ નથી કરી શકાતા એવા એમ. એસ. પી. જાહેર કરવાનો અર્થ શો?

ત્રીજી વાત એવી છે કે, શાકભાજીઓ અને ફળોને મામલે આ દેશમાં એમ. એસ. પી.ની કોઈ જ વ્યવસ્થા, કોઈ પણ મિકેેનિઝમ નથી ચાલતું. અહીં તો એના ભાવ સીઝનમાં જમીનને સ્પર્શે અને ઑફ સીઝનમાં ભાવ આસમાને પહોંચી જાય. સીઝનમાં આ ઉત્પાદનોનો ઉત્પાદક એટલે કે ખેડૂત માર્યો જાય છે અને ઑફ સીઝનમાં એનો ઉપભોકતા એટલે કે ઘરાક માર્યો જાય છે અને એ બે વચ્ચે રહેલો વેપારી માલામાલ થાય છે. આમ તો બધાને જ ખબર છે કે, બટાકા, ટામેટાં અને કાંદાના ભાવ સીઝનમાં એક રૂપિયા કિલોનો અને ઑફ સીઝનમાં ૫૦ રૂપિયાથી માંડીને ૧૦૦ રૂપિયા સુધીનો થઈ જાય છે.

ખેડૂતો પાસેથી બગીચાઓમાંથી સફરજનો પાંચ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ખરીદી લેવાય છે અને એ માર્કેટમાં પહોંચતા સુધીમાં સો રૂપિયા પ્રતિ કિલોગ્રામના થઈ જાય છે. હા એટલું ખરું કે શેરડી, કપાસ અને ડેરી પેદાશોના મામલે ખેડૂતોને મળતાં ભાવ લાભકારી જરૂર છે, પણ એનું શ્રેય એ ઉત્પાદનો માટેના સંગઠનોની વ્યવસ્થાને જાય છે. શેરડી માટે સાકર ઉદ્યોગમાંથી અને દૂધને સહકારી ડેરી સંસ્થાઓ તરફથી જે ભાવો આપવામાં આવે છે તે ખરેખર બહેતર હોય છે. જોકે, શેરડી બાબતે કેટલાક અરસાથી ચાલી આવતી એક સમસ્યા છે તે એ કે તેની ચૂકવણી સમયસર થતી નથી. મોદી સરકાર તેના આ અસાધારણ નિર્ણયને ખરા અર્થમાં અસાધારણ બનાવવા માગતી હોય તો સરકારે રોકડીયા ફસલોની ચૂકવણીને પણ એક સપ્તાહમાં ફરજિયાત કરી દેવાનો કાનૂની રંગ ચડાવવો પડશે. વળી, નિર્ધારિત સમયમાં ચૂકવણી ન થાય તો વ્યાજ આપવાની જોગવાઈ પણ રાખવી પડશે!

અંતમાં સરકારે આ મામલા સાથે સંકળાયેલી બે અને મહત્ત્વની બાબતોનો ફેંસલો ચોક્કસ જ કરવો પડશે. પહેલું તે એ કે, દેશમાં તમામ પ્રકારના કૃષિ પેદાશોના સંગ્રહ માટે પાયાનું માળખાના વ્યાપક જાળ (નેટવર્ક) ઊભું કરે, જેથી તમામ કૃષિ ઉત્પાદનો માટે એમ. એસ. પી. પ્રથાનું યોગ્ય વ્યવસ્થાપન સંભવિત બને. બીજું, કૃષિજન્ય તમામ પેદાશોના લઘુતમ ભાવની સાથે એના મહત્તમ ભાવ પણ નિર્ધારિત કરવામાં આવે. લઘુત્તમ ભાવ ઉત્પાદકોને ધંધાકીય સલામતી અપાવશે તો મહત્તમ ભાવ વપરાશકારોને મૂલ્ય-સલામતી આપશે. ત્રીજું, મોદી સરકાર જો ખરેખર ખેડૂતોની આવક બમણી કરવા માગતી હોય તો સરકારે કૃષિ ઉત્પાદકોને બજાર દ્વારા બહેતર ભાવ મળે એ માટેની તમામ અનુકૂળ સ્થિતિ ઊભી કરવી પડશે. એ માટે ફૂડ સિક્યૂરિટી પોલિસીમાં બદલાવ લાવવાની જરૂર છે. આ નીતિ લગભગ દોઢ કરોડ રૂપિયાની સબસિડીથી પોષિત છે તથા ભયાનક ભ્રષ્ટાચારથી ગ્રસિત છે. આને બદલે આપણે ઠેકાણે ઠેકાણે જરૂરતમંદ લોકો માટે તૈયાર ભોજનની વ્યવસ્થા તથા સસ્તા અનાજને બદલે રોકડ ખોરાક ભથ્થાની પ્રથા શરૂ કરવી જોઈએ. આ એક એવી વ્યવસ્થા હશે જે ખેડૂતોને એમના ધંધા માટે ખરેખર બહેતર બજાર સલામતી પ્રદાન કરશે અને તો ખેડૂતો ખુશ થશે! (લેખક વરિષ્ઠ આર્થિક પત્રકાર અને એક આર્થિક પત્રિકાના સંપાદક છે.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1fpE0w78
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com