19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણા એક સૈનિક સામે દસ પાકિસ્તાનીઓનાં ડોકાં ક્યારે વઢાવાનાં છે?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતભાજપના નેતાઓ થૂંક ઉડાડવામાં શૂરા છે ને ખરેખર મર્દાનગી બતાવવાની વાત આવે ત્યારે એ સાવ નપાણિયા સાબિત થાય છે એ એક કરતાં વધારે વાર સાબિત થયેલું છે ને પાકિસ્તાનના મામલે

એ લોકો અત્યારે જે રીતે વર્તી રહ્યા છે તેના કારણે ફરી આ વાત સાબિત થઈ છે. પાકિસ્તાનના નવાસવા વડા પ્રધાન બનેલા ઈમરાન ખાને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કાગળ મોકલીને ભારત-પાકિસ્તાન વચ્ચેની મંત્રણા ફરી શરૂ કરવા લખેલું. આ મહિને યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી મળવાની છે. તેમાં ભારત વતી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ને પાકિસ્તાન વતી મહમૂદ કુરેશી હાજરી આપવાના છે. ઈમરાને મમરો મૂકેલો કે, એ વખતે બંને વિદેશ પ્રધાનો મળે તો સારું.

ઈમરાનના કાગળ પર શું કરવું તે અંગે સરકારમાં ઘમ્મરવલોણું ચાલુ હશે ત્યાં બુધવારે સમાચાર આવ્યા કે, પાકિસ્તાનના લશ્કરે ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના એક જવાનનું માથું કાપી નિર્દયી રીતે હત્યા કરી નાંખી છે. મંગળવારે રામગઢ સેક્ટર પાસે આવેલા મેદાનમાં બીએસએફની પાર્ટી ઘાસ કાપવા માટે ગઇ હતી કે જેથી પાકિસ્તાનથી ઘૂસણખોરો આપણી સરહદમાં ઘૂસી ન જાય.

આપણા જવાનો ઘાસ કાપી રહ્યા હતા એ જ વખતે પાકિસ્તાનના લશ્કરે હુમલો કરી દીધો તેમાં નરેન્દ્રસિંહને ગોળી વાગી ગઈ. આપણા બીજા જવાનો પાકિસ્તાની લશ્કરને જવાબ આપવામાં વ્યસ્ત હતા તેનો લાભ લઈને પાકિસ્તાનના હલકટ સૈનિકો નરેન્દ્રસિંહને ખેંચી ગયા. તેને કલાકો લગી ટોર્ચર કર્યો, પછી ઢગલો ગોળીઓ તેના શરીરમાં ધરબી ને આટલી વિકૃત્તિ પછી પણ સંતોષ નહીં થયો હોય એટલે તેનું ગળું કાપી નાંખ્યું. પછી નરેન્દ્રસિંહના મૃતદેહને સરહદ પર જ ફેંકીને પાકિસ્તાની ભાગી ગયા.

પાકિસ્તાને જે કંઈ કર્યું એ હલકટાઈની ચરમસીમા છે ને આ જોઈને કોઈ પણ ભારતીયનું લોહી ઉકળી ઉઠે પણ ભાજપવાળા એટલા બાયલા છે કે તેમને કંઈ થતું જ નથી. આપણા વડા પ્રધાન સૈનિકોનાં બલિદાનની ને એ બધી પત્તરો ખાંડ્યા કરે છે પણ પાકિસ્તાનીઓએ આ રીતે આપણા જવાનની હત્યા કરી નાંખી એ મામલે બે શબ્દો બોલવાનો તેમની પાસે સમય નથી. રાજનાથસિંહ ગૃહ પ્રધાન છે ને એ ભાગી શકે એમ નથી તેથી એ આ મુદ્દે બોલવા હાજર થયા પણ સાવ સરકારી ઢબે વાતનો વીંટો વાળીને ઊભા થઈ ગયા. રાજનાથે વરસોથી આપણે સાંભળીએ છીએ એ રેકર્ડ વગાડી દીધી કે, આતંકવાદ અને મંત્રણા એક સાથે ના થઈ શકે. ભાજપ સરકારનું વલણ સંવેદનહીનતા અને બાયલાપણાનો નાદાર નમૂનો કહેવાય પણ રાજનાથની વાત સાંભળીને એટલી આશા જરૂર ઉભી થઈ કે, કમ સે કમ આ ઘટના પછી આપણે પાકિસ્તાન સાથે મંત્રણાનું નાટક તો નહીં જ કરીએ.

બપોર પછી એ ભરમનો પણ ભાંગીને ભુક્કો થઈ ગયો ને ભાજપ સરકારની નપુંસકતાની ચરમસીમા જોવા મળી. પાકિસ્તાને આપણા એક સૈનિકનું માથું વાઢી નાંખ્યું ને તેના શરીરને સાવ વિકૃત્ત કરી નાંખ્યો તેની સામે કશું કરવાના બદલે આપણી સરકાર પાકિસ્તાનના પગોમાં આળોટી જ ગઈ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જાહેર કર્યું કે, ન્યૂ યોર્કમાં આ મહિને જ સુષમા સ્વરાજ ને કુરેશી મળશે એ વાત સાચી છે. આ પાણી વિનાની સરકારના ઈશારે રવિશ કુમારે એવી ચોખવટ કરી કે, આ માત્ર બેઠક છે ને તેને કારણે આપણે મંત્રણા માટે તૈયાર થયા છીએ તેવો ગૂંચવાડો ઊભો કરવાની જરૂર નથી. તેમના કહેવાનો અર્થ એ કે, સુષમા ને કુરેશી મળવાનાં જ છે પણ કોઈ મંત્રણા કરવાનાં નથી. ભલા માણસ, બેઠક ને મંત્રણામાં ફરક શો ? ને સુષમા ને કુરેશી ન્યૂ યોર્કમાં ભેગાં થઈને મંત્રણા નથી કરવાનાં તો શું સત્સંગ કરવાનાં છે ? કે પછી બીજું કશું કરવાનાં છે ? જરાક તો શરમ કરો.

મોદી સરકારે લીધેલો નિર્ણય એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં સત્તા પર ગમે તે હોય, બધા પાણી વિનાના છે ને તેમનામાં દેશાભિમાન નથી, આ દેશ માટે પોતાના જાનની બાજી લગાવનારા સૈનિકોના જીવની કે તેમના બલિદાનની કોઈ કિંમત તેમને નથી. આ દેશની રક્ષા કાજે સરહદ પર ઊભા રહેલા એક જવાનની પાકિસ્તાને નિર્દયી રીતે હત્યા કરી છે. તેના મોતનો બદલો લેવા માટે તમે કશું કરો એવી આશા તો આ દેશનાં લોકો બહુ પહેલાં જ છોડી ચૂક્યાં છે પણ કમ સે કમ તેના મોતનો મલાજો જળવાય એ ખાતર તમે પાકિસ્તાનના સત્તાધીશોને મળવાનું તો છોડો. આ કરોડરજ્જુ વિનાના લોકોથી એ પણ થતું નથી.

આ ઘટનાક્રમ ભાજપના નેતાઓનાં બેવડાં ધોરણો અને બાયલાગીરી બંનેનો વધુ એક પુરાવો છે. જે લોકોએ આપણા જૂના શાસકોની નામર્દાનગીની વાતો કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરી અને મત ઉસેટ્યા એ લોકો જ હવે નામર્દ બનીને રહી ગયા છે. દિલ્હીના પાણીમાં જ ખોટ લાગે છે કે એ ભલભલા ભડવીરોને પણ નપુંસક બનાવી દે છે ને તેમની ખસી કરી નંખાઈ હોય એવી હાલત કરી નાંખે છે. ભાજપે આ મુદ્દે લોકોની લાગણીઓને ઉશ્કેરીને મત લીધા ને હવે એ સાવ પાણી વિનાનો પુરવાર થઈ રહ્યો છે.

2013માં પાકિસ્તાને આપણા બે સૈનિકોનાં માથાં વાઢ્યાં ત્યારે પાકિસ્તાનની આ નાપાક હરકત સામે આખા દેશમાં આક્રોશ ફાટી નિકળેલો. ભાજપ એ વખતે વિરોધ પક્ષમાં હતો ને સુષમા સ્વરાજે ગાજી ગાજીને કહેલું કે પાકિસ્તાનીઓ આપણા એક સૈનિકનું માથું વાઢી જાય તો સામે આપણે દસ પાકિસ્તાનીઓનાં માથાં વાઢી લાવવાં જોઈએ. સુષમાએ કહેલું કે ભાજપ સત્તામાં આવશે તો આ બધા સામે તાબોટા પાડીને બેસી નહીં રહે પણ એવો જવાબ આપશે કે પાકિસ્તાન ખો ભૂલી જશે. આજે પાકિસ્તાને ફરી એ એક સૈનિકનું માથું વાઢી નાંખ્યું છે ને સુષમા એ જ પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળવા જવાનાં છે. સુષમા મેડમ, આ બધું કહેલું એ યાદ છે કે પછી એ પણ ભૂલી ગયાં ? તમારામાં સ્વાભિમાનનો છાંટો પણ હોય તો તમારે કુરેશીને મળવાની ઘસીને ના પાડવી જોઈએ. સરકારે જે નિર્ણય લીધો એ લીધો પણ તમારે તો આ મર્દાનગી બતાવવી જોઈતી હતી. કમ સે કમ એટલું આશ્વાસન તો રહેત કે, આ દેશમાં મહિલા તો મહિલા પણ એક મરદ તો છે. સાલુ, હવે એ આશ્ર્વાસન પણ ના રહ્યું.

ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને ચગાવેલો ને નરેન્દ્ર મોદીએ જાહેર કરેલું કે પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ રહેશે તો અમારી સરકાર કંઈ તેમને લવલેટર નહીં લખે પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપશે. આજે ઈમરાન ખાન મોદીને લવલેટર લખે છે ને મોદી પાણી પાણી થઈ જાય છે. ઈમરાનના પહેલા લવ લેટરમાં તો મોદી બધું ભૂલી ગયા ને સુષમાને પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળવાનું ફરમાન પણ કરી નાંખ્યું. મોદી વડા પ્રધાન બન્યા ને ભાજપની સરકાર રચી પછી પાકિસ્તાનીઓએ જંગાલિયતનું પ્રદર્શન કરીને આપણા સૈનિકોનાં માથાં વાઢ્યાં હોય એવી આ આઠમી ઘટના છે ને બધાં સાવ ચૂપ છે. મોદી તો આવી ઘટના બને ત્યારે પ્રતિક્રિયા આપવાની તસદી પણ નથી લેતા ને અત્યારે પણ એવું જ થયું છે.

ઈમરાન ખાન પાકિસ્તાનનો વડા પ્રધાન બન્યો ત્યારે નવજોત સિધ્ધુ તેની શપથવિધિમાં ગયેલો. એ વખતે સિધ્ધુ પાકિસ્તાનના લશ્કરી વડા બાજવાને ગળે મળ્યો તેમાં તો ભાજપે કકળાટ કરી નાંખેલો. સિધ્ધુ પર દેશદ્રોહીનું લેબલ લગાડી દીધેલું. આ જ સુષમાએ એવું કહેલું કે, પાકિસ્તાન જવાની છૂટ અપાઈ તેનો સિધ્ધુએ ગેરલાભ લીધો. હવે સુષમા પોતે પાકિસ્તાનના વિદેશ મંત્રીને મળવાનાં છે ત્યારે શું કહેવું ? સિધ્ધુએ જે કર્યું એ ખોટું હતું ને તમે કરો છો એ પણ ખોટું જ છે.

આજે દેશના દરેક નાગરિકના મનમાં સવાલ છે કે હજુ આપણે કેટલા જવાનોનાં આ રીતે માથાં વઢાતાં જોવાનાં છે? પાકિસ્તાન આપણા શહીદોના મૃતદેહોનાં શરીર સાથે ચેડાં કરીને વિકૃત્તિનું પ્રદર્શન કરે ને આપણે હીજડાની જેમ કશું ના કરી શકીએ એ સ્થિતિ ક્યાં સુધી રહેવાની છે ? પાકિસ્તાન આપણા જવાનોનાં ડોકાં કાપે ને આપણે કશું ના કરી શકીએ તેવી નામર્દાનગી આપણે કેમ છોડી શકતા નથી ?

આ બધી વાતોનો અર્થ પણ છે કે કેમ એવો સવાલ હવે તો થાય છે. મર્દાનગીનાં ઈજેક્શન ના હોય એવું આપણે સાંભળતા, ભાજપવાળા એ વાતને સાબિત કરી રહ્યા છે. બાકી આટલા સૈનિકોનાં ડોકાં કપાયાં પછી પણ ગમે તેને શૂરાતન ચડે કે ના ચડે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70A3856
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com