14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેટ્રો-થ્રીને મળ્યો ‘બુસ્ટરડોઝ’: ૨૪૮ કૉચ પૂરા પાડવા માટે અપાયો વિદેશી કંપનીને કોન્ટ્રાકટ
બે વર્ષમાં કૉચની મળશે ડિલિવરી

મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર થ્રી માટે મેટ્રોના ૨૪૮ કૉચ પૂરા પાડવાનો અંદાજે ૩૧૫ મિલ્યન યરરોનો કોન્ટ્રાકટ ફ્રેન્ચ મલ્ટિનેશનલ અલસ્ટોમને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)એ ફાળવ્યો છે, તેથી મેટ્રો થ્રીના કામને વધુ વેગ મળી શકે છે. આગામી બે વર્ષમાં મેટ્રોના કૉચની ડિલિવરી મળે એવી શકયતા હોવાનું એમએમઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું.

૩૩.૫ કિ.મી. લાંબી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન થ્રી મુંબઈના સૌથી વ્યસ્ત અને ગીચતાવાળા વિસ્તારને જોડતી લાઇન છે. ૨૬ સ્ટેશનનો સમાવેશ કરતી આ લાઇન દક્ષિણ મુંબઈમાં આવેલા કફ પરેડ બિઝનેસ ડિસ્ટ્રિકટને ઉત્તર મધ્યમાં આવેલા સીપ્ઝને જોડશે. મેટ્રો-થ્રી માત્ર મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો નહીં, પરંતુ દેશની સૌથી લાંબી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો હશે.

આઠ કૉચ ધરાવતી ૩૧ મેટ્રો ટ્રેનની ડિઝાઇન, ડિલિવરી અને તેને શરૂ કરવાની જવાબદારી અલસ્ટોમ કંપનીની હશે. એટલું જ નહીં, મેટ્રો લાઇન થ્રીની સિસ્ટમનું ઑપરેશન અને મેઇન્ટેનન્સ માટે સ્ટાફને ટ્રેનિંગ આપવાની જવાબદારી પણ કંપનીની જ રહેશે.

કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ વચ્ચે દોડનાર મેટ્રો ટ્રેન આધુનિક ટેક્નોલોજીથી સજજ્ હશે. કેન્દ્ર સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના હેઠળ મેટ્રોના કૉચ તૈયાર કરવાનું કામ કંપનીના ચેન્નઇમાં આવેલા મેન્યુફેકચરિંગ યુનિટમાં હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મેટ્રો-થ્રી માટે ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ અને પાવર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ પણ અલસ્ટોમ કંપનીએ મેળવ્યો હતો. હાલમાં આ કંપની ચેન્નઇ, કોચી અને લખનૌ સહિત અન્ય શહેરમાં ચાલતા મેટ્રો પ્રોજેકટ માટે કૉચ સપ્લાય કરશે.

અંદાજે ૨૩,૧૩૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર મેટ્રો-થ્રી કોરિડોરમાં કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સએસએમટી મેટ્રો, ગ્રાન્ટ રોડ, કાલબાદેવી, ગિરગાંવ, સેન્ટ્રલ મેટ્રો, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, વરલી, આચાર્ય અત્રે ચૌક, સિદ્ધિવિનાયક, દાદર, શીતળાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગરી, સાંતાક્રુઝ, ડોમેસ્ટિક ઍરપોર્ટ, સહાર ઍરપોર્ટ, ઇન્ટરનેશનલ ઍરપોર્ટ, મરોલ નાકા, એમઆઇડીસી, સીપ્ઝ અને આરે ડેપોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં હાઇ કોર્ટે રાત્રે ૧૦થી સવારે છ વાગ્યા દરમિયાન પણ મેટ્રોના કામને ચાલુ રાખવાની મંજૂરી આપતા યોજનાને ગતિ મળશે. ગયા વર્ષે મેટ્રોના કામને કારણે ધ્વનિ પ્રદૂષણ અંગેની સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા રાત્રી દરમિયાન ચાલતા મેટ્રોના કામ પર સ્ટે મૂકવામાં આવ્યો હતો, પરિણામે એમએમઆરસીએલને અંદાજે ૬,૧૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હતો.

કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો કોરિડોર માટે ૫૦૦૦ મીટરથી વધુનું ટનલનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ૩૩ કિ.મી. લાંબા અન્ડરગ્રાઉન્ડ કોરિડોર માટે વિવિધ જગ્યાએ ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલ ખોદવાનું કામ ચાલુ છે. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં મેટ્રો-થ્રીનું કામ પૂરું થવાની શકયતા છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

46qtV376
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com