21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈશ્ર્વિક વેપારની ચિંતા વચ્ચે સેન્સેક્સ વધુ 509 પૉઈન્ટના કડાકા સાથે એક મહિનાની નીચી સપાટીએ: નિફ્ટીએ 11,300ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક વેપારની ચિંતા, ક્રૂડતેલના ભાવવધારા અને ગગડી રહેલા રૂપિયાને કારણે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને એફએમસીજી, મેટલ, ઑટો અને ફાઈનાન્સિયલ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 509 પૉઈન્ટના કડાકા સાથે એક મહિનાની નીચી 37,413.13ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો 72.73ની નવી નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે વેચવાલીનું દબાણ વધ્યું હતું અને સતત બીજા સત્રમાં સેન્સેક્સમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.

એકંદરે આજે સત્રનો આરંભ સુધારા સાથે થયો હતો, પરંતુ એશિયન બજારમાં ક્રૂડતેલના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાના નિર્દેશ સાથે બજારમાં મંદીના ખેલાડીઓએ પકડ જમાવતાં આરંભિક સુધારો ધોવાઈ ગયો હતો. સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ આગલા બંધથી 1.34 ટકા અથવા તો 509.04 પૉઈન્ટ ઘટીને 37,413.13ની એક મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પૂર્વે બીજી ઑગસ્ટના રોજ સેન્સેક્સ 467.65 પૉઈન્ટ ઘટીને 37,165.16ના મથાળે બંધ રહ્યો હતો.

સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ આગલા બંધથી 1.32 ટકા અથવા તો 150.60 પૉઈન્ટના ઘટાડા સાથે 11,300ની સપાટી ગુમાવી હતી અને 11,287.50 પૉઈન્ટના મથાળે બંધ રહ્યો હતો. આજે સત્ર દરમિયાન નિફ્ટીની રેન્જ 11,274થી 11,479.40ની રેન્જ રહી હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકા ઈરાનના પેટ્રોલિયમ ઉદ્યોગ પર પ્રતિબંધ લાદે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે એશિયન બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ 78 ડૉલરની સપાટી વટાવીને 78.82 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. આમ ક્રૂડ તેલના ભાવમાં વધારો ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર ઉગ્ર બને તેવી ભીતિ હેઠળ સાવચેતીનું માનસ તેમ જ વિદેશી ફંડોના બાહ્ય પ્રવાહની ચિંતાને કારણે વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ વિભાગના હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી પ્રબળ રહી હતી.

બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સેન્સેક્સ હેઠળના શૅરો પૈકી સૌથી વધુ ટાટા સ્ટીલમાં 3.46 ટકાનો ઘટાડો આવ્યો હતો, ત્યાર બાદ પાવર ગ્રીડમાં 3.21 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં આઈટીસીમાં 2.92 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 1.19 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં સતત બીજા મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો આવ્યો હોવાના અહેવાલ ઑટો ક્ષેત્રના શૅરોમાં વેચવાલી રહેતાં હિરો મોટોકોર્પ અને ટાટા મોટર્સમાં ત્રણ ટકા કરતાં વધુ માત્રાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મારુતિમાં 1.56 ટકા અને બજાજ ઑટોમાં 1.24 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.

વધુમાં આજે એચડીએફસી બૅન્કમાં બે ટકા કરતાં વધુ માત્રાનો અને એચડીએફસીમાં 0.68 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય એરટેલ, યસ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, અદાણી પોર્ટસ, કોટક બૅન્ક, ટીસીએસ, વેદાન્તા લિ., સન ફાર્મા, એસબીઆઈ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, ઓએનજીસી, વિપ્રો, ઈન્ડ્સઈન્ડ બૅન્ક અને એક્સિસ બૅન્કમાં 3 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે કૉલ ઈન્ડિયા, એનટીપીસી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને એશિયન પેઈન્ટમાં સુધારો આવ્યો હતો આ ઉપરાંત બ્રોકરેજ હાઉસ યુબીએસએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઈન્ફોસિસના ટાર્ગેટ ભાવમાં વધારો કરતાં શૅરના ભાવમાં 0.31 ટકાનો સુધારો આવ્યો હતો.

એકંદરે આજે બજારમાં સાર્વત્રિક સ્તરેથી મંદીનું વલણ રહેતાં સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સમાં 1.37 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સેક્ટર અનુસાર સૌથી વધુ ઘટાડો એફએમસીજીમાં 2.25 ટકાનો આવ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ટેલિકોમમાં 2.20 ટકા, રિયલ્ટીમાં 1.78 ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.71 ટકા, મેટલમાં 1.66 ટકા, હૅલ્થકૅરમાં 1.59 ટકા, ઑટોમાં 1.52 ટકા, યુટીલીટીઝમાં 1.44 ટકા, બૅન્કેક્સમાં 1.40 ટકા, ફાઈનાન્સમાં 1.40 ટકા, પાવરમાં 1.31 ટકા, પીએસયુમાં 1.23 ટકા, એનર્જીમાં 1.18 ટકા અને ઑઈલ ઍન્ડ ગૅસ ક્ષેત્રમાં 1.17 ટકાનો ઘટાડો આવ્યો હતો.

એકંદરે બજારની માકેટ બ્રેડ્થ નકારાત્મક રહી હતી. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1841 શૅરના ભાવમાં ઘટાડો અને 874 શૅરના ભાવમાં સુધારો હતો અને ઈક્વટી સેગ્મેન્ટનું કુલ ટર્નઓવર રૂ. 3059.03 કરોડનું રહ્યું હતું.

વૈશ્ર્વિક બજારમાં આજે એશિયામાં હૉંગકૉંગના હૅન્ગસેન્ગમાં 0.71 ટકાનો, ચીનના શાંધાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 0.18 ટકાનો અને સિંગાપોર ખાતે 0.35 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે જાપાનના નિક્કીમાં 1.30 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે યુરોઝોનમાં સત્રના આરંભે ફ્રેન્કફર્ટના ડૅક્સમાં 0.53 ટકાનો, પેરિસ ખાતે 0.19 ટકાનો અને લંડનના એફટીએસઈમાં 0.57 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X1YNkY
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com