17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, ભાજપને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિત



પેટ્રોલ અને ડીઝલના બેફામ ભાવવધારા સામે કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ આપેલું ‘ભારત બંધ’નું એલાન પસાર થઈ ગયું પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો મામલો હવે રાજકીય યુધ્ધમાં ફેરવાઈ ગયો છે. આ બંધના એલાનની આગેવાની કૉંગ્રેસે લીધેલી એટલે ભાજપે બંધની હવા કાઢી નાંખવા કૉંગ્રેસને નિશાન બનાવી. ભાજપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં માહિર છે ને ભાજપ જોરવાર બન્યો છે તેમાં સોશિયલ મીડિયાનો ફાળો મોટો છે. કૉંગ્રેસને ભાંડવા માટે ભાજપે સોશિયલ મીડિયાનો જ સહારો લીધો પણ આ વખતે તેના હાલ થઈ ગયા. ભાજપના નેતાઓએ ઉત્સાહમાં ને ઉત્સાહમાં સોમવારે ટ્વિટ કરીને એવું સાબિત કરવાની કોશિશ કરી કે, અત્યારે પેટ્રોલ-ડીઝલમાં જે ભાવવધારો થયો છે એ તો કંઈ નથી, કૉંગ્રેસના શાસનના દસ વરસમાં અમારા કરતાં પણ વધારે ભાવવધારો થયેલો.

ભાજપે ગ્રાફિક મૂકીને મે, 2004માં કૉંગ્રેસ સત્તા પર આવી ત્યારે પેટ્રોલના ભાવ શું હતા ને 2014માં કૉંગ્રેસ ઘરભેગી થઈ ત્યારે શું સ્થિતિ હતી તેની સરખામણી કરતો ગ્રાફ મૂકેલો. કૉંગ્રેસના દસ વરસના શાસનમાં પેટ્રોલનો ભાવ 76 ટકા વધેલો જ્યારે અમારા સવા ચાર વરસના શાસનમાં તો 13 ટકા જ વધ્યો છે એવું સાબિત કરવા આ ગ્રાફ મુકાયેલો. એ જ રીતે ડીઝલના ભાવમાં પણ કૉંગ્રેસના દસ વરસના કારભારમાં 84 ટકાનો ઘટાડો થયેલો જ્યારે અમારા રાજમાં તો 28 ટકા જ ભાવ વધ્યો છે એવું બતાવાયેલું. આ ગ્રાફ તૈયાર કરનારા અણઘડ લોકો હશે એટલે તેમણે ભાજપ શાસનમાં પેટ્રોલ ને ડીઝલના ભાવનો ગ્રાફ અગાઉનાં વરસો કરતાં નીચો બતાવ્યો તેમાં કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી જેવો ઘાટ થઈ ગયો.

આ ગ્રાફ પ્રમાણે 2014માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.41 રૂપિયા હતો જ્યારે અત્યારે પેટ્રોલનો ભાવ રૂપિયા 80.73 છે. મતલબ કે, અત્યારે ભાવ વધારે છે ને છતાં ગ્રાફ નીચો બતાવ્યો તેમાં ભાજપવાળા ભેરવાઈ ગયા ને તેમનો રીતસરનો પોપટ થઈ ગયો. આપણે ત્યાં સોશિયલ મીડિયા પર લોકો બહુ સક્રિય છે ને કેટલાક તો ટાંપીને જ બેઠા હોય છે કે કશુંક બજાવવા જેવું મળે ને ચડી બેસીએ. ભાજપે તેમને મોકો આપી દીધો એ સાથે જ એ બધા મચી પડ્યા ને ભાજપની ઢોકળી ધોઈ નાંખી. ભાજપવાળા પોતાને સોશિયલ મીડિયાના ખાં ગણે છે પણ આ વખતે સોશિયલ મીડિયાએ જ તેમની બેન્ડ બજાવી દીધી ને એ હાલત કરી નાંખી કે ભાજપવાળા ચોખવટો કરવા માટે દોડતા થઈ ગયા.

ભાજપના ભોટ નમૂનાઓએ મોકો આપ્યો એટલે કૉંગ્રેસવાળા પણ કસર છોડે ? તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાની ફોજ ઉતારી દીધી ને ભાજપની બરાબરની મેથી મારી લીધી. ભાજપના ગ્રાફ સામે કૉંગ્રેસે પોતાના ગ્રાફ મૂક્યા છે ને તેમાં કૉંગ્રેસની સત્તા ગઈ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ શું હતા ને અત્યારે શું છે તેની વાત કરી છે. કૉંગ્રેસના દાવા પ્રમાણે એ વખતે ક્રૂડના ભાવ વધારે હતા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા હતા. કૉંગ્રેસે સત્તા છોડી ત્યારે હતા તેની સરખામણીમાં અત્યારે ક્રૂડના ભાવ 34 ટકા ઘટ્યા છે છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. એ જ રીતે કૉંગ્રેસે અત્યારે ક્રૂડના જે ભાવ છે એટલા ભાવ કૉંગ્રેસ શાસનમાં હતા ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ શું હતા તેનો ગ્રાફ પણ મૂક્યો છે. એ વખતે પેટ્રોલના ભાવ 44 રૂપિયાની આસપાસ હતા જ્યારે અત્યારે 80 રૂપિયાને પાર થઈ ગયા છે ને મહારાષ્ટ્રમાં કેટલાક ભાગમાં તો મંગળવારે પેટ્રોલ 90 રૂપિયા થઈ ગયું.

કૉંગ્રેસે પણ આ ગ્રાફ મૂકવામાં ચાલાકી તો કરી જ છે પણ ભાજપ માટે તકલીફ એ છે કે, ભાજપ તેની વાત કરી શકે તેમ નથી. બાકી તેના માટે નવી હોળી સળગે ને નવા ખુલાસા કરવા પડે એમ છે. એ વખતે ડોલર સામે રૂપિયો આટલો લબડી ગયેલો નહોતો તેના કારણે ક્રૂડ ઓઈલની પડતર કિંમત ઓછી હતી તેથી ભાવ ઓછા હતા. અત્યારે રૂપિયો સાવ તળિયે પહોંચી ગયો છે તેથી આપણે ક્રૂડ ઓઈલની ખરીદીમાં જ લાંબા થઈ જઈએ છીએ. ક્રૂડ માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે તેમાં પડતર કિંમત ઊંચી આવે છે તેથી ભાવ વધે છે. જો કે ભાજપ આ વાત કરી શકે તેમ નથી કેમ કે તેમાં પણ તેને જ બંબૂ લાગે. રૂપિયો લબડી ગયો છે તેના માટે પણ ભાજપ જ જવાબદાર ઠરે ને એ સંજોગોમાં નવી મોંકાણ મંડાય. ભાજપ માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો ઘાટ થાય. ભાજપના નેતા ભોટ હશે પણ એટલા ભોટ પણ નથી કે આવી વાત કરીને કૉંગ્રેસને મોકળું મેદાન આપે એટલે નહીં બોલ્યામાં નવ ગુણ સમજીને એ બેસી રહ્યા છે.

કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેનું આ રાજકીય યુદ્ધ હમણાં ટાઢું પડવાનું નથી એ નક્કી છે કેમ કે પેટ્રોલ-ડીઝલના ભાવ હમણાં ઘટે એમ નથી. મોદી સરકાર એક્સાઈઝ ઘટાડવાનું નક્કી કરે તો પણ ઘટાડી ઘટાડીને બહુ બહુ તો બે-ચાર રૂપિયા ઘટાડે. તેનાથી વધારે ઘટાડો કરી શકાય એમ નથી ને બે-ચાર રૂપિયાના ઘટાડાથી લોકોને ધરવ થાય એમ નથી. એ ઘટાડા પછીય લોકો ગાળો દેવાનું તો ચાલુ રાખવાના જ છે. આ સંજોગોમાં ભાજપના નેતાઓનો જાડી ચામડીના થઈને ગાળો સાંભળ્યા વિના છૂટકો નથી ને કૉંગ્રેસવાળા મોકો જવા દેવાના નથી તેથી આ મામલે જામેલી તો રહેવાની જ.

જો કે રાજકીય લડાઈને પણ બાજુએ મૂકીએ તો પણ આ મામલે ભાજપ સરકાર ધરાર નિષ્ફળ ગઈ છે એ કબૂલવું પડે. વધારે તકલીફ એ છે કે ભાજપવાળા આ વાત કબૂલતા નથી ને બચાવ કરવા ફાંફાં મારે છે, ભાજપને બચાવ કરવાનો પૂરો હક છે પણ એ માટે એ લોકો સાવ વાહિયાત વાતો કરે છે એ મોટો લોચો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પર સરકારનો અંકુશ નથી એવી વાત તેનો નાદાર નમૂનો છે. ચૂંટણી ટાણે મત લેવા માટે ભાજપે ગયા વરસે એક્સાઈઝ પણ ઘટાડેલી ને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રાજ્ય સરકારે વેટ પણ ઘટાડેલો. અત્યારે પણ રાજસ્થાન સરકારે વેટ ઘટાડ્યો જ છે કેમ કે સામી ચૂંટણી છે. આ સંજોગોમાં અમારા હાથમાં કશું નથી એમ કહીને હાથ ખંખેરી નાંખો એ ના ચાલે. આ દેશનાં લોકો બોલે ભલે નહીં પણ આ વાત ના સમજે એટલા ભોટ નથી. ભાજપવાળા ગમે તે ગોળી ગળાવે ને લોકો એ ગળી લે એ દિવસો બહુ પહેલાં જ જતા રહ્યા છે. ભાજપના નેતાઓને આ વાત સમજાતી નથી ને એ લોકો પહેલાંની જેમ લોકોને ઉલ્લુ બનાવવા મથ્યા જ કરે છે.

બીજું એ પણ છે કે ભાજપને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. ભાજપ સત્તામાં નહોતો ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોના મામલે કૉંગ્રેસની મેથી મારવાની એક તક છોડતો નહોતો. એ વખતે ભાજપના નેતાઓએ લોકોને આંબા-આંબલી બતાવ્યા ને ભાવ ઘટી જશે તેવાં ગાજર લટકાવ્યાં તેમાં હવે બેહાલ થઈ ગયા છે. મોદી ને બીજા નેતાઓ શું કહેતા હતા તેના વીડિયો ફરે જ છે તેથી એ વાત માંડવાની જરૂર નથી પણ ભાજપે બાબા રામદેવ જેવા પોતાના દલાલોને પણ છૂટા મૂકી દીધેલા. ચા કરતાં કીટલી ગરમ હોય એ હિસાબે એ બધા વળી ભાજપ કરતાં વધારે ફોર્મમાં હતા. મોદી સરકાર આવશે તો પેટ્રોલ 35 રૂપિયે લિટર મળશે ને ડીઝલ તો 30 રૂપિયે થઈ જશે એવી ઠોકાઠોક એ લોકો કરતા. ભાજપે રાજકીય ફાયદા માટે એ બધા ધંધા ના કર્યા હોત તો કમ સે કમ ભાજપ અત્યારે આવી શરમજનક સ્થિતીમાં તો ના જ મુકાયો હોત.

ભાજપના નેતાઓમાં શરમનો છાંટો પણ હોય તો તેમણે આ મામલે લોકોની માફી માગવી જોઈએ કાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને સાબિત કરવું જોઈએ કે પોતે જે કંઈ બોલેલા એ બધું સાચું હતું. રાજકારણમાં વચનો આપવામાં ખોટું નથી પણ વચનો આપીને લોકોને બેવકૂફ બનાવો એ ખોટું છે, બલકે પાપ છે. ભાજપે એ પાપનું પ્રાયશ્ર્ચિત કરે, નહીંતર લોકો કરાવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

630Jb2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com