17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંતાન પર ધ્યાન રાખો, કડપ નહીં

એક સમય હતો જ્યારે માબાપને અડધો ડઝનની આસપાસ બાળકો હોય. આ લોકોને ઉંમર થાય એટલે શાળામાં ભણવા મૂકી દેવાતાં. આ છોકરાઓ ક્યાં મોટા થઇ જતાં તેની માબાપનેય ખબર પડતી ન હતી. પણ આજે જમાનો બદલાયો છે. એક કે બે સંતાનો હોય એટલે ભયો ભયો. વધતી જતી વસતિ, મોંઘવારી અને શિક્ષણના ખર્ચા જોતાં આ નિર્ણય ખોટો પણ નથી. ઓછાં બાળકો હોય તો તેમનો ઉછેર સારી રીતે થઇ શકે છે. તેમની પૂરતી કાળજી લઇ શકાય છે. તેમની તરફ વધુ ધ્યાન આપી શકાય છે. તેમનું ભવિષ્ય સુધારી શકાય છે.

જોકે, જેમ જોશમાંને જોશમાં માણસ હોશ ખોઇ બેસે એમ ઘણા માબાપ પોતાના સંતાન પ્રત્યે વધુ પડતા સંવેદનશીલ બને, તેમનું વધુ પડતું ધ્યાન રાખવા લાગે કે સારસંભાળ લેવા લાગે ત્યારે લેવાના દેવા થઇ જાય છે. બાલ્યાવસ્થામાં બાળકો પર વધુ પડતો કડપ રાખવો કે તેમની દરેક પ્રવૃત્તિ પર બાજનજર રાખવી તેને અંગ્રેજીમાં હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવાય છે. આ શબ્દોનો પહેલવહેલો ઉપયોગ ૧૯૯૦માં અમેરિકન ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ફોસ્ટર ક્લાઇન અને જિમ ફેએ કર્યો હતો. જેમ હેલિકોપ્ટર પંખાની ઘરઘરાટી ફેલાવતું આપણા માથા પર મંડરાઇ રહ્યું હોય એ જ રીતે માબાપ જો પોતાના બાળકો પર મંડરાઇ રહે, તેની દરેક હિલચાલ પર નજર રાખે, તેના દરેક નિર્ણય પર પોતાનો હક જતાવે ત્યારે આ જ બાળક મોટું થયા પછી ઘણી જ માનસિક અને સામાજિક સમસ્યા અનુભવે છે. આવો વિચાર સહુપ્રથમ ૧૯૬૯માં ઇઝરાયલી બાળમનોવૈજ્ઞાનિક ડૉ. હેમ જિનોટે તેમના પુસ્તક ‘બિટવીન પેરેન્ટ એન્ડ ટીનેજર’ માં રજૂ કર્યો હતો. માબાપના આવા વ્યવહારથી મોટું થતું બાળક ઘણી વાર પોતાની રીતે નિર્ણય લેવામાં અક્ષમ બને છે. સાચું શું કે ખોટું શું, એની સૂઝ પડતી નથી. ક્યાંક એકલું જતાં પણ ગભરાય છે. ઘણા માબાપ પોતાના બાળકોએ શું ખાવું, શું પીવું, કેવા મિત્રો રાખવા, કેવા કામ કરવા, કેવી રમતો રમવી એ બધામાં તેમની કેવી રુચિ છે, તેમને શું પસંદ છે એ બધાનો ખ્યાલ રાખ્યા વગર પોતાનો જ નિર્ણય એમના પર થોપી દેતાં હોય છે. આવી ચીજોથી બાળકોની માનસિક ક્ષમતા પર ઘણી ખરાબ અસર પડે છે.

જ્યારે માબાપ પોતાના સંતાનને દરેક વાતમાં ટોકે છે, એમને કેમ? શું કામ? જેવા પ્રશ્ર્નો વારંવાર પૂછે ત્યારે બાળક મનોમન અકળાતું જાય છે અને ક્યારેક ચીડાઇને જૂઠા જવાબો આપવા માંડે છે. જ્યારે માબાપને એમ લાગતું હોય છે કે આમ કરવાથી બાળકની ખોટી હરકતો સુધારી રહ્યા છે. આ જ બાળક જ્યારે સાત-આઠ વર્ષનો થાય, સમજદાર થાય ત્યારે જુએ કે વાતવાતમાં ટોકવામાં આવે છે, પોતાની દરેક વાતમાં ના પાડવામાં આવે છે, પોતાની દરેક હરકત પર કડક નજર રાખવામાં આવે છે, ત્યારે પોતે પોતાની અંદર જ એક ખાલીપાનો અનુભવ કરે છે, સ્વતંત્ર રીતે કશું પણ નક્કી નથી કરી શકતો. પોતાના માબાપ વગર પોતે કંઇ જ નથી એવું એને લાગવા માંડે છે. આમ થવાથી બાળક મોટું તો થાય છે પણ વાસ્તવમાં એ પોતાના પગ પર ઊભો રહી નથી શકતો. તેના આત્મવિશ્ર્વાસમાં ઓટ આવે છે.

બાળમાનસશાસ્ત્રીઓ કહે છે કે વધુ પડતી રોકટોકથી બાળકનું માનસિક સ્તર નીચું આવે છે. તેઓ કહે છે કે બાળકોની આસપાસ મંડરાઇ રહેવા કરતાં તેમની સાથે નિખાલસતાપૂર્વક વ્યવહાર કરવો જોઇએ. એક મહિલા કાઉન્સેલર તો ત્યાં સુધી કહે છે કે જ્યાં વારંવારની રોકટોકથી બાળકોના આત્મસન્માનને ઠેસ પહોંચે છે ત્યાં તેમના થોડા વખાણ કરવાથી તેઓ બમણા ઉત્સાહથી પોતાનું કામ કરવા લાગી જાય છે.

બાળકોનું ધ્યાન રાખવું, તેમના પર નજર રાખવી એ અલગ વાત છે, જ્યારે હેલિકોપ્ટરની જેમ સતત એના પર મંડરાઇ રહેવાથી કે વધુ પડતો કડપ રાખવાથી તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થઇ શકતો નથી, કારણ કે દરેક બાળકના સ્વભાવ એક સરખા નથી હોતા. તમારી વધુ પડતી સારસંભાળ તેના વિશ્ર્વાસને કમજોર બનાવી દે છે.

આવા હેલિકોપ્ટર જેવા માબાપ એને કહેવાય જે દરેક જગ્યાએ બાળકોની સાથે ને સાથે જ રહેતા હોય છે, પછી એ શાળા હોય કે ટ્યુશન ક્લાસ, ઘરની અંદર હોય કે મિત્રોની સાથે હોય. આવા માબાપને એમ લાગતું હોય છે કે અમે શ્રેષ્ઠ માબાપ છીએ અને તેના પર ચોક્ધની નજર રાખવાથી તે કંઇ ભૂલો કરતો હશે તો અમે અટકાવી શકીશું એવું વિચારતા હોય છે, પણ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેને આ બાબત અસહજ લાગવા માંડે છે. પછી એ ખોટું બોલતો થઇ જાય કે ક્યારેક માબાપને દગો આપવા પણ તૈયાર થઇ જાય છે.

આવા બાળકોને પોતાની કાબેલિયત પર શંકા આવવા લાગે છે. પોતાની યોગ્યતા પર વિશ્ર્વાસ રહેતો નથી. એ કોઇ પણ કાર્ય એકલપંડે કરવા જાય ત્યારે એને એ જ ડર સતાવવા લાગે છે કે તે એના માબાપની આશા-આકાંક્ષાઓ પર ખરો ઊતરશે કે નહીં.

તમે તમારા બાળકની વધુ પડતી ચિંતા કરો છો, એનાથી એને પરેશાની થાય છે, એ મૂંઝવણ અનુભવે છે એવું તમને લાગે તો થોભી જાવ. એને થોડો સમય આપો, થોડું એકાંત આપો, જેથી એ પરિસ્થિતિમાંથી એ ધીરે ધીરે બહાર આવી શકે. તમે એની સાથે પડછાયાની માફક રહી તે ભૂલો જ ન કરે એવી નાહકની મથામણ છોડી દો. ભલે એ સ્વતંત્ર રીતે કામ કરે, ભલે એ ભૂલો કરે, એની ભૂલોથી જ એને પાઠ ભણવા મળશે. એને નવી ચીજો શીખવા કે કરવા પ્રેરિત કરો અને એમાં એ સફળતા મેળવે કે નિષ્ફળતા હંમેશાં હસતા મુખે સ્વીકાર કરવાનું શીખવો.

ઘણા માબાપ તો બાળક પેટમાં હોય ત્યારથી જ એને કઇ શાળામાં દાખલ કરવું, એનું શું ભણાવવું અને શું બનાવવો એ નક્કી કરી રાખતાં હોય છે. ઘણા માબાપ તો પોતે જ ન કરી શક્યા કે ન મેળવી શક્યા એ બધું પોતાના સંતાન પાસે કરાવવા માગે છે. પોતાનો કક્કો જ ખરો કરાવવા માગે છે. પોતાની ઇચ્છા પ્રમાણે જ બાળક વર્તે એ માટે સતત એને પોતાની નજરકેદ (હા, કેદ શબ્દ બરાબર વિચારીને જ વાપર્યો છે.) હેઠળ રાખતાં હોય છે. અરે, મારા ભાઇઓ-બહેનો, હવે બદલાતા સમય સાથે બદલાતા જાવ. એ કોઇ પુસ્તકિયો કીડો બનશે તો જ સફળ બનશે એ જરૂરી નથી, એની તરફ કડકાઇભરી નજર રાખવાને બદલે તમારે એવી નજર રાખવી જોઇએ કે એની રુચિ શેમાં છે, એને શું પસંદ છે, એની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા શું છે.

તમારા નિર્ણયો એના પર થોપવાને બદલે એ જાતે નિર્ણય લઇ શકે એવા સક્ષમ બનાવો. તેની પર હેલિકોપ્ટરની જેમ મંડરાવાને બદલે એ પોતે હેલિકોપ્ટર બનીને ઊંચી ઉડાન ભરે એવો આત્મવિશ્ર્વાસ તેનામાં કેળવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

646V13y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com