17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિદાયની ક્ષણ હોય કે અનંત કાળની, એ હંમેશાં વેદના આપે છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરકવિ - ગઝલકાર, નવલકથાકાર, લઘુનવલ રચયિતા, વાર્તાકાર અને સિદ્ધહસ્ત પત્રકાર આ બધાં સ્વરૂપોથી અદકેરા, માનવ અને માનવતાના ઉપાસક શ્રી ભગવતીકુમાર શર્મા થોડા જ દિવસો પહેલાં ક્ષરદેહે આપણે તેમને ગુમાવ્યા છે. એમણે ગઝલની ઉપાસના સવિશેષ કરી. આ સમયમાં દોડધામ કરતો માનવી ધીરે ધીરે પોતાની સંવેદનાની અવહેલના કરતો જણાય છે. એવા સમયચક્રમાં કવિ પોતાની સંવેદનાને જીવંત રાખી શક્યા છે અને દંભથી અળગી રાખી શક્યા છે એનું જ સુખદ આશ્ર્ચર્ય છે. કોરા કાગળ સાથેની એમની સંવાદિતા માણવા જેવી છે. નિખાલસતાથી પોતાની વાત મૂકીને એક ત્રીજી વ્યક્તિ તરીકે એને નિરખવી એ કંઈ નાનકડું સાહસ નથી. એક કવિ, ગઝલકાર તરીકે આ વિવેકને એમણે જાળવ્યો છે. શબ્દના ઉપાસક બનીને પરિસ્થિતિની આસપાસ વેરાયેલી કવિતાને એમણે પ્રતિસાદ આપ્યો છે. શબ્દોને અર્થના કોલાહલ વચ્ચે ગઝલકાર ભગવતીકુમાર શર્માએ ક્યારેય અટકાવ્યો નથી. પોતાના શબ્દો દ્વારા એમણે સમયની સાથે સ્પર્ધા કરતો અને હારતો માનવી ઓળખ્યો છે. ક્ષણોમાં પાંદડાં ખેરવતાં જીવનને ગઝલકારે ઓળખેલું. ગઝલકાર તરીકે ભગવતીકુમાર હંમેશાં પ્રયોગશીલ રહ્યા છે.

મનુષ્ય તરીકે એમની શોધનો વિષય ધ્યાન ખેંચતો જણાય કે ક્ષણોને પાંદડાં ખેરવતી એમણે જોઈ છે છતાં મૂળનાં જીવનતત્ત્વને એમણે હંમેશાં ચાહ્યું છે, તેથી જ આ સર્જક ‘ઉર્ધ્વમૂલ’ જેવી નવલકથા રચી શક્યા. ભગવતીકુમાર રચિત એક શેર એમની જીવનદૃષ્ટિરૂપે રહ્યો છે.

"વડ નથી હું, ડાળીઓ કે પાંદડાં હું પણ નથી,

મૂળ છું હું, મારે શા માટે ઊખડવું જોઈએ?

‘ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને’ ગઝલ એક ભાવને મુખ્ય રૂપે જુએ છે, કે ટહુકો ઝીલીએ ના ઝીલીએ ત્યાં તો વિખેરાઈ જાય છે. પ્રસ્તુત ગઝલ એ બે પ્રેમી વચ્ચેનો કાલ્પનિક મનોમય સંવાદ છે. પાત્ર છે સાહચર્ય ઝંખતી નાયિકાનું. વિદાય ક્ષણની હોય કે અનંત કાળની, પણ એ હંમેશાં વેદના

આપે છે.

ગઝલકાર પ્રથમ શેરમાં જ કહે છે: ‘તું મને યાદ કરજે’. જો ગઝલકારે ‘એકાંત ક્ષણ’નો પ્રયોગ કર્યો હોત તો એ સામાન્ય બની જાત પણ ગઝલકાર ‘અંગત ક્ષણો’ કહે છે. જે અંગત કરતાં પણ વધુ મૂલ્યવાન હોય છે. અંગત ક્ષણની યાદ પણ પોતાની મૂડી જેવી જ કિંમતી હોય છે. એક તરફથી ‘અંગત’ અને સામે પક્ષે ‘અજાણ્યું પુષ્પ’ બંને સ્થિતિને સામસામે મૂકવા જેવી છે. ક્ષણોને સુરભિત બનાવનારું પુષ્પ અજાણ્યું છે.

અનેકની વચ્ચે ટાપુની જેમ સચવાતી આ અંગત ક્ષણો છે. એની પાસે પ્રેમનું કવચ છે. સ્મૃતિ હવા જેવી છે શબ્દોની પસંદગી પણ કવિતાના માહોલને સર્જતી હોય છે. અહીં વિયોગ છે પણ એને વીંધનારી શબ્દોની યોગ્ય માવજત છે.

કવિ સેમ્યુઅલ એગ્નોન - જે ઈઝરાયલના કવિ છે. એ કહે છે; "પ્રભુ મને મારી ભાષાનો ‘એક’ શબ્દ આપો. હું એક વધુ ભાષા શીખવાનું માંડી વાળીશ. ગઝલકાર પણ આવા શબ્દના મહિમાને પામવા આતુર હોય છે.

વિદાય એ માણસની દશા અને દિશાને માનસિક રીતે બદલી નાખે છે. આ પ્રેમની કસોટી બની જાય છે. એક પછી એક પગથિયાં ચડતો માણસ દૂર દૂર ઊંચે ફડફડતી ધજા પાસેથી પ્રેરણા લેતો હોય છે. વાસ્તવમાં તો આ વણબોલાયેલી વાત હોવાથી નજરનો સ્પર્શ એને શણગારે છે. અહીં પ્રિયતમાની ઝંખના પ્રિયતમને શોધતી ચારેબાજુ ઘૂમી રહી છે. જ્યાં જ્યાં આ સ્પર્શનો પારસમણિ પ્રવાસ કરે છે ત્યાં ત્યાં ગઝલકાર દૃષ્ટિનો શૃંગાર સંકેતાત્મક રીતે આપે છે, એ પણ રચનાના શબ્દો દ્વારા.

ચારેબાજુની આ શૂન્યતા છે. આંસુ બનીને જાણે વિદાય વહી રહી છે. ખાસ તો સૌરભરૂપે, સ્પર્શરૂપે, દૃષ્ટિરૂપે, ટહુકારૂપે... ચારેકોરથી સુનકારની ભીંસ વધી રહી છે. કાંટો એકને વાગે તો એની વેદનાનો આહકારો અન્યનો હોય એવી આ એકતા છે. ચારેબાજુ ભીંસતી શૂન્યતા છે. ટહુકાની પશ્ર્ચાદ્ભૂમિકા પણ આવી જ છે. એ પણ વાદળોથી ગોરંભાયેલા આકાશને જોઈને ટહુકો કરે છે જાણે એનો ટહુકો આ ઘેરાયેલા આકાશને ચોખ્ખું ન બનાવતો હોય!

લાગણીને ત્યારે જ વ્યક્ત કરી શકાય જ્યારે એને માટેના શબ્દો તાજા હોય. જેને લાગણી વ્યક્ત કરવા માટે સ્પર્શ થયો નથી એને જ કુંવારા શબ્દો ગઝલકાર કહે છે, તેઓ જાણે જ છે કે આવા કુંવારા શબ્દો મળવા અશક્ય છે. જાણે કે નાયકની લાગણી પણ તીવ્રવેદનાના અગ્નિમાંથી બહાર આવી ન હોય! એવી પ્રભાવક છે.

પ્રણય, વિરહ, અસ્તિત્વને કહેવાની ગડમથલ, મૃત્યુ આવી અનેક લાગણીઓ વચ્ચેથી આ રચના પસાર થતી લાગે છે. એક વસ્તુ આ એકત્વના સંદર્ભે કહી શકાય કે જ્યાં લાગણી જ એક હોય ત્યાં શબ્દોને શોધવાની આવી ગડમથલ ફક્ત આપણને આ રચનાના વાતાવરણમાં એક કરવાની હોય એવું ભાસે છે. અહીં કેવળ બાની જ નહીં; એનો અભિગમ પણ આધુનિક જણાય છે.

છેલ્લા શેરમાં હૃદયસ્પર્શી આર્દ્રતા છે. પ્રતીક્ષાને જાણનારો એક ઝરૂખો છે, પણ એય ભાવ આકાશમાં વેરાયેલો છે. ધરતી પર ખોવાયેલી વસ્તુ હજુ પણ રૂપાંતર પામેલી જણાય, એને મેળવી શકાય. પણ આકાશમાં ખોવાયેલી વસ્તુ ક્યાં શોધવી? એ તો આર્દ્ર બની વરસી ગઈ હોય છે. ઝરૂખામાં વ્યોમ થઈને વેરાયેલી વસ્તુ શોધવી સહેલી નથી. એ અનંત પ્રતીક્ષા છે. મલ્હાર રાગ એ વર્ષાઋતુનો રાગ છે, એનાં કોમળ સૂરોમાં વિરહિણી જાણે પોતાનો સંદેશો ઘૂંટી ઘૂંટીને આપતી હોય છે. સાંજનું આકાશ આવા વિષાદના રંગોથી સભર છે.

‘તું મલ્હારજે મને’ આ ભાષા-પ્રયોગ પણ આધુનિક છે. ‘મલ્હારજે’ દ્વારા જાણે મલ્હાર રાગના ગુણધર્મો નાયકે આત્મસાત્ કર્યા છે. મલ્હાર રાગ જ્યાં પોતાની સરગમ છેડે ત્યાં મનની વેદના ઘૂંટાઈને સૂરોમાં પ્રગટ થતી જણાય. આવો મનનો વિરહ પણ આંસુરૂપે જલધારાની જેમ ઢળી રહ્યો છે. આકાશની જલધારા અને આંખની અશ્રુધારા બંને સ્પર્શની ભાષાને ઘૂંટી રહ્યા છે. ‘કોક સાંજે’ કહે છે એ પણ કેટલું અર્થપૂર્ણ છે! જો રોજ યાદ કરે તો એ યાંત્રિક બની જાય તેથી કોઈક અકળાવનારી સાંજ છે જેમાં બધા ધૈર્યના બંધ તૂટી જાય છે.

ગઝલકાર ભગવતીકુમાર શર્મા પોતાના મૃત્યુ વિષે જે સંવેદના વ્યક્ત કરે છે એ તથ્યપૂર્ણ જણાય છે;

"ભણકાતા મારા મૃત્યુની ચિંતા નહીં કરો!

મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

-----------------------------

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને

કોઈ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મનેહોઈશ કઈ દશામાં - મને પણ ખબર નથી

આવું જો તારે દ્વાર તો સત્કારજે મનેઝળહળતો થઈ જઈશ પછી હું ક્ષણાર્ધમાં

તારી નજરના સ્પર્શથી શણગારજે મનેભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી

આંસુ બનાવી આંખથી તું સારજે મનેસુનકાર ચારેકોરથી ભીંસી વળે તને

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મનેતારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,

શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મનેતારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે

વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને.

- ભગવતીકુમાર શર્મા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

112107
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com