14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમાનવ સ્પેસ મિશન ભારત માટે દિલ્હી હજી દૂર છે!

લોકમિત્ર ગૌતમ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી ૨૦૨૨ના વર્ષ સુધીમાં કોઇ હિન્દુસ્તાનીને અંતરિક્ષમાં મોકલીને ‘માનવ મિશન’નું શંખ ફૂંકી દીધો અને તેમની આ ઘોષણાને તેમનો પક્ષ અને સરકારના સહયોગી દળો ઐતિહાસિક બાબત ગણાવી રહ્યા છે. પણ હકીકત આના કરતાં તો જૂદી જ છે, કારણ કે મોદીજીની આ જાહેરાતથી વૈજ્ઞાનિકો જરા પણ ખુશ નથી. તેમને લાગે છે કે આ મિશન માટે હજી તેઓ પૂર્ણપણે તૈયાર નથી. અત્યારે જેટલી તૈયારી કરી છે તેને સફળ બનાવવા માટે વધારે સમય જોઇએ છે. પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક અને અંતરિક્ષ વિજ્ઞાનના નિષ્ણાત અમિતાભ પાંડેયે આ સંબંધે કેટલાયે નક્કર તર્ક એક વિસ્તૃત વાતચીતમાં રજૂ કર્યા હતા. ભારતના પ્રસ્તાવિત માનવ મિશન પર તેમણે ઘણી વાતચીત કરી હતી.

હજુ ગયા મહિને જ ઇસરોના અધ્યક્ષ કે. સિવને જાહેરાત કરી હતી કે આગામી એક મહિનામાં ‘હ્યુમન સ્પેસ મિશન’ના આંતરિક દસ્તાવેજ તૈયાર કરીશું, પણ એક મહિનાની અંદર જ વડા પ્રધાને તો સીધા માનવ મિશનની જ જાહેરાત કરી દીધી. તો તેની સામે સવાલ એ છે કે શું સાચ્ચે જ ઇસરો માણસને ચાંદ પર મોકલવા માટે તૈયાર છે?

આ વિશે અમિતાભ પાંડેય કહે છે, ‘છેલ્લાં કેટલાય વર્ષોથી આ વાત ચાલી રહી હતી કે અમારે અંતરિક્ષમાં માનવને મોકલવાનું મિશન છે, પણ તેમાં અડચણ એ છે કે તેના માટે જે ટેક્નિકલ રીતે બધી પાયાની તૈયારીઓ કરવાની છે, તે હજુ અમે અમારી પોતાની ટેક્નિકલ ક્ષમતાથી વિકસિત કરી રહ્યા છીએ. તેના માટે તે તમામ વસ્તુઓનું ફરીથી સંશોધન કરવું પડી રહ્યું છે, જે પહેલેથી જ વિશ્ર્વમાં છે. જોકે, અમે એ તમામ ઉપકરણો અને ટેક્નિકનો વિકાસ કરી લીધો છે, જેના દ્વારા માણસને અંતરિક્ષ સુધી મોકલવાનું શક્ય છે. પણ અમારા તે તમામ ઉપકરણો અને ટેક્નિકનું અત્યારે વ્યાપક સ્તરે પરીક્ષણ થવાનું બાકી છે, જેનાથી અમે ખાતરીપૂર્વક કહી શકીએ કે અમે માનવમિશન માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.

આ એટલા માટે જરૂરી છે કેમ કે માણસને અંતરિક્ષમાં મોકલવું એ એક તો જોખમભર્યું છે અને બીજી વાત એ છે કે ત્યાં માનવને મોકલવાથી ત્યાં સુધી કશું હાંસલ થવાનું નથી, જ્યાં સુધી અમારી પાસે તેના માટે કોઇ આધુનિક લક્ષ્યાંક ના હોય. આથી વધુ યોગ્ય એ છે કે માણસ મોકલવાને બદલે અમે પહેલા રોબોટિક મિશન પર કામ કરીએ. એક બીજી વાત સમજવા જેવી છે કે ભવિષ્યમાં જે મોટા અંતરિક્ષ પ્રોજેક્ટ થવાના છે, જેમ કે અંતરિક્ષમાં માણસોના વસવાટની વાત છે. આ અને આવા તમામ મોટા પ્રોજેક્ટ કોઇ દેશ એકલો પૂરાં નથી કરી શકવાનો. તેમાં આખી દુનિયાએ મળીને કામ કરવું પડશે.

કદાચ આજ કારણને અમે વિજ્ઞાનની મોટી સમસ્યા કહીએ છીએ. તે આખી દુનિયાનું સંયુક્ત મિશન હોય છે. પછી તે મોટું હેડ્રાન કોલાઇડર હોયકે આંતરરાષ્ટ્રીય સ્પેસ મિશન હોય. એવી રીતે બધા મિશન પર પૂરી દુનિયાના લોકો હળીમળીને કામ કરે છે. તેની એટલા માટે પણ જરૂરત હોય છે કે તેનાથી ખર્ચ સરળ થઇ જાય છે અને ઘણું બધું જ્ઞાન અને ટેક્નિકની પણ જાણકારી દરેકને સરળ રીતે મળે છે. તેનાથી કામ સરળ થઇ જાય છે, પણ અમારું અત્યારે એવાં દુન્યવી મિશનોમાં કોઇ ખાસ યોગદાન નથી તો અમને પહેલા સરળ પ્રોજેક્ટમાં યોગદાન આપવાદેવું જોઇએ, એમ તે કહે છે.

આમાં એવું છે કે એક તરફ આપણે અંતરિક્ષમાં માનવ મિશન મોકલવા માટે આતુર છીએ, તો બીજી તરફ દુનિયાના કેટલાયે વિકસિત દેશો હાલનાં વર્ષોમાં જેમણે સ્પેસ સાયન્સમાં ખાસ્સી પ્રગતિ કરી છે તેઓ આવા કોઇ મિશન કરવા માટે ઉત્સાહિત નથી. તેનાં ખાસ કારણો છે, જેમાં સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઇએ કે આખરે કોઇ અંતરિક્ષ મિશન કેવી રીતે શરૂ થાય છે એટલે કે માણસ અંતરિક્ષમાં કેમ જાય છે? હકીકતમાં ૧૯૬૦ના દાયકામાં અમેરિકા અને તત્કાલીન સોવિયેત સંઘ વચ્ચે અંતરિક્ષ વિજયને લઇને એક જાતની હોડ લાગી હતી, જેને આપણે બધા જાણીએ છીએ કે આ વૈજ્ઞાનિક દોડને બદલે વધારે રાજનૈતિક દોડ લાગતી હતી. ખાસ કરીને ચંદ્રમા પર માણસને ઉતારવાની વાત માટે એવું કહી શકાય. પણ હવે આપણે જોઇએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને રશિયાએ અંતરિક્ષ મિશનો પર પૂરી રીતે ચૂપકીદી સાધી લીધી છે. તેની પાછળ બે કારણો છે. એક તો વૈજ્ઞાનિકો કહે છે કે અંતરિક્ષમાં માણસને મોકલવાનું શક્ય તે છે પણ સાથે બહુ જોખમભર્યું છે, કેમ કે આપણે તેની પાછળ દરેક પ્રકારની સુરક્ષા માટે બે ગણો, ત્રણ ગણો અને કેટલીય વાર ચાર ગણો ખર્ચ કરવો પડે છે. તેનાથી એક તો ખર્ચ બહુ વધારે થાય છે. બીજું તેના પછી પણ ખાતરી નથી હોતી કે તે મિશન સફળ જ થશે. બીજું મોટું કારણ એ પણ છેકે હાલના દાયકામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં જે મિનિએચરાઇઝેશન થયું છે તેનાથી એ સંભવ બન્યું છે કે આપણે માણસની જગ્યાએ અંતરિક્ષમાં એવાં સાધનો મોકલવા જોઇએ જે માણસથી વધારે અને સારું કામ કરી શકે. તેના બીજાં કેટલાંક કારણોમાં માણસની મર્યાદાઓ પણ શામેલ છે. એટલે કે માણસ પ્રકાશ વગર જોઇ નથી શકતો, ઑક્સિજન વિના રહી નથી શક્તો. જ્યારે તમામ ટેક્નિકલી ઉપકરણો અને સેન્સર માણસની સરખામણીએ ઘણું વધારે સારું કામ કરી શકે છે, જે માણસે કરવાનું હોય છે. આથીવિજ્ઞાન જગતમાં દુનિયાના જે સશક્ત દેશો છે તે ભારે ભરખમ માનવ મિશનોની જગ્યાએ નાના કદના મિશનો કરવાનું વધારે મુનાસિબ માને છે.

આનો અર્થ એ નથીકે માનવ મિશનની કોઇ જરૂરત નથી, પણ તેમ કરવાથી અંતરિક્ષમાં ઝંડા ગાડીને આવવાથી વધારે કોઇ ફાયદો નહીં થાય. અંતરિક્ષમાં આપણો ઝંડો તો પહેલા પણ જઇ ચૂક્યો છે. હું બહુ સ્પષ્ટરૂપે કહેવા માગું છું કે અમારે અત્યારે સ્પેસ મિશનની કોઇ જરૂરત નથી. બીજી વાત એ છે કે અત્યારે અમારી આ મિશન માટેની પૂરી તૈયારી પણ નથી. માનવ મિશન મોકલતા પહેલા તેના જે જુદાં જુદાં તત્ત્વો છે તેમાં અમારી પૂરી કુશળતા હોવી જોઇએ, કેમ કે માનવ મિશન એક બહુ જટિલ મિશન હોય છે. નાની અમથી ભૂલ પણ મોટું જોખમ સાબિત થાય છે. આ મિશનનો સૌથી મહત્ત્વનો હિસ્સો રી-એન્ટ્રીનો હોય છે, કેમ કે સ્પેસમાં એન્ટ્રી કરવી તો સરળ હોય છે પણ ત્યાંથી પાછા આવવું બહુ મુશ્કેલ હોય છે. જોકે, અમે પ્રારંભિક સ્તરે રી-એન્ટ્રી ટેસ્ટને પૂરી કરી લીધી છે. પણ અત્યારે આ સિંગલ ટેસ્ટ છે અને તે પણ તેને બીજાં તમામ ઉપકરણો સાથે જોડીને નથીકરવામાં આવ્યું.

જ્યાં સુધી તમામ ઉપકરણોને સામૂહિક રૂપે ડિઝાઇન કરીને ટેસ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેના અંતિમ પરિણામ માટે ખાતરીપૂર્વક કહી ન શકાય. આથી સ્પેસ સૂટ અને તેના આંતરિક મોડ્યુલ પણ આ મિશનની મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જેના પર અમને પ્રારંભિક સફળતા તો મળી ચૂકી છે, પણ તેને હવે વારંવાર ટેસ્ટ કરીને સતત તેની સફળતાને તપાસવી બાકી છે. અમે રી-એન્ટ્રી મૉડ્યુલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે, પણ તેને અમે એકાંતમાં કર્યું છે. હજુ અમે તમામ પ્રક્રિયાઓને એકસાથે સફળતાથી પૂરી કરવાનો પ્રયોગ નથી કરી શક્યા કે નથી કર્યો, કેમ કે કેટલીયે વાર કેટલીયે વસ્તુઓ એક હિસ્સારૂપે તો સફળતાપૂર્વક પરિણામ આપે છે, પણ સંપૂર્ણ થયા પછી જરૂરી નથી કે સફળતા જ હાંસલ થાય. અત્યારે હજુ તમામ જુદા જુદા હિસ્સાને ભેગા કરીને મૉડ્યુલરૂપે ડિઝાઇન કરવાનું બાકી છે અને તેના માટે ઓછામાં ઓછા ૪થી ૫ વર્ષ જોઇએ. આ હિસાબે જોઇએ તો માનવ મિશન માટે આ નિર્ણય લેવો બહુ વહેલો છે એવું લાગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1e23MiS
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com