17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એશિયન હૉકીમાં ભારતનું રત્ન
પી. આર. શ્રીજેશ

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાભારતીય હૉકી ટીમનો કૅપ્ટન-ગોલકીપર પી. આર. શ્રીજેશ એવો ખેલાડી છે જેણે હાલમાં એકસાથે બે ગંભીર ગમગીનીનો સામનો કરવો પડ્યો. એક, તાજેતરની એશિયન ગેમ્સમાં તેના સુકાનમાં ભારતીય ટીમે લીગ રાઉન્ડનો ટૂંકો ‘સુવર્ણકાળ’ માણ્યા પછી નૉકઆઉટ રાઉન્ડમાં આંચકા સહન કરીને છેવટે માત્ર બ્રૉન્ઝ મેડલ સાથે સ્વદેશ પાછા ફરવું પડ્યું. બીજું, શ્રીજેશના કેરળ રાજ્યમાં પૂરને કારણે અભૂતપૂર્વ વિનાશ વેરાયો છે અને તે હજી એના સંતાપમાંથી બહાર નથી આવ્યો.

એશિયન ગેમ્સમાં જીતેલો બ્રૉન્ઝ મેડલ પોતાના રાજ્ય કેરળના પૂરગ્રસ્તોને અર્પણ કરનાર ૩૨ વર્ષીય શ્રીજેશનું સપનું ગોલ્ડ મેડલ અર્પણ કરવાનું હતું, પણ એ સપનું અધૂરું રહી ગયું હતું. ૨૦૧૪ની એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતે આ વખતે નબળું પર્ફોર્મ કરતાં ગોલ્ડ મેડલ તો ગુમાવવો જ પડ્યો છે, પણ સિલ્વર મેડલ પણ હાથમાં નથી આવ્યો. જોકે, ભારત કંઈ નહીં તો ત્રીજા સ્થાને આવીને (ખાસ તો પાકિસ્તાનને એ સ્થાન પર આવતું રોકીને) બ્રૉન્ઝ જીત્યું એ પણ શ્રીજેશ ઍન્ડ કંપની માટે મહત્ત્વની ઉપલબ્ધિ જ કહેવાય.

જે કંઈ હોય, પણ શ્રીજેશના નસીબમાં એક ‘ગોલ્ડ મેડલ’ તો છે જ. મલયાલમ ભાષાના એક જાણીતા દૈનિકે કેરળથી એશિયન ગેમ્સમાં ભાગ લેવા ગયેલા અને કોઈને કોઈ ચંદ્રક લઈને પાછા આવેલા ઍથ્લેટો-પ્લેયરોને ‘ગોલ્ડ મેડલ’થી નવાજવાનું નક્કી કર્યું છે અને આ ખેલાડીઓમાં પી. આર. શ્રીજેશ પણ છે.

શ્રીજેશ કેરળમાં કોચી શહેરના અર્નાકુલમ ઉપનગરના કિઝાકમ્બલમ વિસ્તારમાં રહે છે. તેનો જન્મ ૮ મે, ૧૯૮૬ના દિવસે કિઝાકમ્બલમમાં થયો હતો. તેનો પરિવાર દાયકાઓથી ખેતી ક્ષેત્રે પ્રવૃત્ત છે. તેના પિતાનું નામ પી. વી. રવીન્દ્રન અને મમ્મીનું નામ ઉષા છે. શ્રીજેશે પ્રાથમિક સ્તરનું શિક્ષણ કિઝાકમ્બલમની જ સેન્ટ ઍન્ટનીઝ લોઅર પ્રાયમરી સ્કૂલમાં લીધું હતું અને છઠ્ઠા ધોરણ સુધી કિઝાકમ્બલમની જ સેન્ટ જોસેફ હાઇસ્કૂલમાં ભણ્યો હતો.

શ્રીજેશ નાનપણમાં રનર હતો. સ્કૂલમાં તે દોડવાની હરીફાઈમાં ચૅમ્પિયન હતો. રનિંગમાંથી રસ ઓછો થતાં તેને ગોળા ફેંકમાં, લાંબા કૂદકામાં અને પછી વૉલીબૉલમાં રસ પડતો ગયો હતો.

હાઇસ્કૂલમાં જ તેની ખેલકૂદની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો અને એ તેના માટે દૂરગામી સાબિત થયો હતો. તે ૧૨ વર્ષનો હતો ત્યારે તે થિરુવનન્થપુરમની જી. વી. રાજા સ્પોર્ટ્સ સ્કૂલમાં જોડાયો અને હૉકીની થોડી મૅચો રમ્યો ત્યારે તેના કોચે તેનો પર્ફોર્મન્સ જોઈને તેને ગોલકીપિંગમાં કરિયર બનાવવાની સલાહ આપી હતી. બસ, એ સલાહે તેની જિંદગી બદલી નાખી હતી.

શ્રીજેશ આઠમા ધોરણમાં હતો ત્યારે સ્કૂલના હૉકી કોચ જયકુમાર અને રમેશ કોલપ્પાએ તેને એક હૉકી મૅચ માટેની ટીમમાં લીધો ત્યારે શ્રીજેશે પોતાનું શ્રેષ્ઠ પર્ફેાર્મ કરીને તેમણે કરેલા સિલેક્શનને સાર્થક ઠરાવ્યું હતું. તેણે કેરળની સ્કૂલોની ટીમનું ગોલકીપરના રૂપમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને નેહરુ કપમાં પણ રમ્યો હતો.

૨૦૦૮ની સાલમાં શ્રીજેશ એક પછી એક સ્તરની સ્પર્ધામાં ઝળક્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો બધો ચમક્યો હતો કે એ અરસામાં તે એશિયાનો સર્વશ્રેષ્ઠ જુનિયર હૉકી ગોલકીપર ઘોષિત થયો હતો. એ વર્ષમાં જે જુનિયર એશિયા કપ યોજાયો હતો એમાં ભારતે ટ્રોફી જીતી લીધી હતી અને શ્રીજેશ બેસ્ટ ગોલકીપર તરીકે જાહેર થયો હતો. વાસ્તવમાં ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, મલયેશિયા વગેરે દેશો ખાતેના પ્રવાસ, સાફ રમતોત્સવ, ચૅલેન્જ ટ્રોફી, ઇન્ડોર એશિયન ગેમ્સ, એશિયાડ, કૉમનવેલ્થ ગેમ્સ, અઝલાન શાહ કપ અને છ દેશો વચ્ચેની સ્પર્ધામાં જે પર્ફોર્મન્સ બતાવ્યો એની તેની કારકિર્દીના ઘડતર પર વ્યાપક

અસર પડી છે. ટૂંકમાં કહીએ તો તેનો પાયો ખૂબ મજબૂત થયો હતો અને એને લીધે જ તે પહેલાં એશિયાનો બેસ્ટ જુનિયર ગોલકીપર અને પછી ભારતનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર પુરવાર થયો હતો.

શ્રીજેશ ૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સમાં માત્ર ગોલકીપર તરીકે રમ્યો હતો, પરંતુ ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં તેણે ભારતીય ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી અને તેના નેતૃત્વમાં ભારત ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ૨૦૧૪ની એશિયન ગેમ્સ તેની કરિયરની મુખ્ય સિદ્ધિઓમાં કદાચ સર્વોપરી છે. એ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. પાકિસ્તાન સામેની ફાઇનલમાં બે પેનલ્ટી સ્ટ્રૉક અટકાવીને તે સ્ટાર બની ગયો હતો. એ જ વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તે ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર ઘોષિત થયો હતો તેમ જ ૨૦૧૪ની જ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ જિતાડવામાં તેનું મોટું યોગદાન હતું.

૨૦૧૬માં શ્રીજેશના સુકાનમાં ભારત લંડનની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીત્યું હતું. તાજેતરની એશિયન ગેમ્સમાં ભારત તેની કૅપ્ટન્સીમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ તો ચૂકી ગયું, પણ બ્રૉન્ઝ મેડલ માટેની પાકિસ્તાન સામેની મૅચમાં તેણે ભારતને વિજય અપાવીને ‘ટ્રોફી જીતવા બરાબર’ની સિદ્ધિ મેળવી હતી.

-------------------------

શ્રીજેશના અંગત જીવન વિશે જાણીએ...

શ્રીજેશ નાનો હતો ત્યારે તેના ખેડૂત-પિતા પી. વી. રવીન્દ્રન ગરીબ સ્થિતિમાં હતા. શ્રીજેશે તેના સ્કૂલના કોચની સલાહથી હૉકીમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હૉકીની એક કિટ પાછળ તેણે ૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ હતો જે તેના પિતાને પરવડે એમ નહોતું. જુનિયર કક્ષાના અન્ય ભારતીય ખેલાડીઓ લેટેસ્ટ સાધનો સાથે તાલીમ માટે આવતા હતા, જ્યારે શ્રીજેશને હૉકીનો સામાન ખરીદી આપે એવું કોઈ નહોતું. તેણે સ્પૉન્સર શોધવા અનેક જગ્યાએ ભટકવું પડતું હતું. જોકે, ધીમે-ધીમે તેના પર્ફોર્મન્સ વિશેની ખબર ફેલાતી ગઈ એમ તેને સ્પૉન્સરો મળતા ગયા અને તેની કરિયર બનતી ગઈ.

આજે હવે સ્થિતિ એ છે કે શ્રીજેશને સામેથી સ્પૉન્સરો મળી જાય છે. શ્રીજેશે એન્ડોર્સમેન્ટને લગતા કામકાજ માટે મૅનેજર રાખ્યો છે. શ્રીજેશે ભારતની ભૂતપૂર્વ લૉન્ગ જમ્પર (લાંબા કૂદકાની ઍથ્લેટ) તથા આયુર્વેદ ડૉક્ટર અનીશ્યા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્રી છે જે ચાર વર્ષની છે. શ્રીજેશ-અનીશ્યાને એક પુત્ર પણ છે જે હજી માંડ દોઢ વર્ષનો છે. શ્રીજેશે પુત્રી-પુત્ર બન્નેના નામમાં શ્રી રાખ્યું છે. પુત્રીનું નામ અનુશ્રી છે અને પુત્રનું નામ શ્રીઅંશ છે.

શ્રીજેશ કેરળ સરકારના શિક્ષણ વિભાગમાં ચીફ સ્પોર્ટ્સ ઑર્ગેનાઇઝર તરીકે નિયુક્ત છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d1h7f07V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com