24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પહેલી જુલાઇનો એ દિવસ

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ"ખરેખર, પહેલી જુલાઇ, ૨૦૦૧નો એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. બેંગલુરુથી મોબાઇલ પર આ કહેનારાં બોલનારાં સલમા શફીક મોહમ્મદ ઘોરીના શબ્દોમાં વેદના અનુભવી શકાય છે.

હા, હતો તો રવિવાર પણ સલમાજીને જરાય નિરાંત નહોતી. જેટલો ધમધમાટ એનાથી બમણો ઉત્સાહ કારણ એટલું જ કે એકનો એક દીકરો સૈફ આવતી કાલે પહેલીવાર સ્કૂલે જવાના હતા. એની તૈયારી વચ્ચે તેઓ પિયર ગયાં હતાં. આવતી કાલે સોમવારે સૈફને સ્કૂલ કેવી રીતે અને કોણ મૂકવા જાય એની તૈયારીઓ ચાલતી હતી. ઘરમાં મજાક-મસ્તી અને ઉમંગનો માહોલ હતો. લેન્ડ-લાઇન ફોન બંધ પડી ગયો હતો એનોય બધાને આનંદ હતો કે કોઇ ખલેલ નહીં, પરંતુ કોઇ જાણતું નહોતું કે આ ફોનનો નંબર વારંવાર ડાયલ થતો હતો પણ સંપર્ક થતો નહોતો.

વારંવાર નંબર ડાયલ કરનારા હતા ભારતીય લશ્કરના જવાનો અને અમલદારો. આ પરિવાર સાથે લશ્કરનો જૂનો સંબંધ સલમાજીના ખાવિંદ મેજર શફીક મોહમ્મદ ખાન ઘોરી સન્માનીય અને કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે ખૂબ લોકપ્રિય. એમના સાથીઓ ફોનથી સંપર્ક ન થતાં ઘરે પહોંચી ગયા. શા માટે? અને રાતે સલમાજી ઘરે આવ્યાં, અને વર્દીધારીઓએ ભારે હૈયે બહુ ઓછા શબ્દોમાં ફોડ પાડ્યો, ત્યારે ઘોરી પરિવારે ભૂકંપનો આંચકો અનુભવ્યો પોતાના કાન પર વિશ્ર્વાસ જ ન બેઠો કે...

બરાબર ૧૯૯૧ની ૧૧મી જુલાઇએ સલમાજી માત્ર ૧૯ વર્ષનાં હતાં, ત્યારે કેપ્ટન શફીક ઘોરી સાથે નિકાહ થયા હતા બેંગલોર કી દુલ્હન મૈસુર કા દુલ્હા. નવીનવેલી દુલ્હન માટે એક થી બીજા સ્થળે હરફર કરવાનું અને પતિથી અને પતિથી લાંબા-લાંબા સમય સુધી દૂર રહેવાનું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ શફીક એકદમ નિરાંતે સાથે બેસીને પ્રેમપૂર્વક સમજાવતા કે ફૌજીની પત્ની હોવું એટલે શું? ધીરે-ધીરે સલમાજીને હકીકત સમજાતી ગઇ, પરંતુ આ બધુ આસાન નહોતું. ત્યારે મોબાઇલ ફોન તો નહોતા. અને ફૌજી ખાવિંદને વાત કરવાની ક્યારે તક મળશે એ ખબર ન હોય એટલે સલમાજી કલાકો લેન્ડલાઇન ટેલિફોન પાસે બેસી રહે.

પછીનાં વર્ષોય ઘણા ઉચાટમાં ગયા કારણકે ઘોરી સાહેબની પોસ્ટિંગ એક પછી એક જોખમી વિસ્તારોમાં થતી રહે, પરંતુ એક વાતની મોટી નિરાંત કે બીબીને રોજ પોતાનો એક પત્ર મળે એવી વ્યવસ્થા ઘોરીજીએ કરી હતી અને તેઓ પંજાબ, કાશ્મીર કે ત્રિપુરા જેવી જોખમી જગ્યાએ જવા માટે નીકળે ત્યારે સલમાજી બેગમાં કે કપડાની વચ્ચે નાની-નાની ચિઠ્ઠી ચબરખી લખીને મૂકી દે એ હાથ લાગે ત્યારે લશ્કરી માણસને તો જાણે રણમાં મીઠી વીરડી મળી જાય. નાની-નાની સરપ્રાઇઝ જીવનને પ્રેમસભર બનાવતી રહેતી.

ફોનની પ્રતીક્ષા નિયમિત લગભગ દરરોજ- આવતા પત્રો અને પતિના મિલનની આશા વચ્ચે દિવસો હવે ઓછા મુશ્કેલ લાગતા હતા કારણકે બાળકો સુફિયા અને સૈફ જીવનમાં આવી ગયાં હતાં. સંતાનોને સાચવવામાં સલમાજીને ઢીલાં પડવાનું ન પરવડે.

આ પત્નીએ એક હકીકત ખુશી અને ગર્વ માટે સ્વીકારી લીધી કે પતિ માટે પહેલી કે સર્વોચ્ચ પ્રાથમિકતા દેશ છે. અને એની બરાબર લગોલગ પણ પછી પોતે અને બાળકો આવે.

અને કેપ્ટનમાંથી મેજર બનેલા શફીક મોહમ્મદ ખાન ઘોરીને ૧૯૯૯માં શ્રીનગરમાં જવાનું થયું. ફિલ્ડ-પોસ્ટિંગ. ગમે ત્યારે ઘર્ષણ-સંઘર્ષ થાય એટલે પરિવાર ને સાથે રાખવાની મંજૂરી નહીં એ સમયે પરિવાર બેંગલોર શિફ્ટ થયો. પરિવારને નિરાંત હતી કે માત્ર બે વર્ષ જ યુદ્ધના મેદાનમાં ફરજ બજાવવાની હતી. ત્યાર બાદ વર્ષો સુધી પરિવાર સાથે રહીને શાંતિમય વિસ્તારમાં કામગીરી બજાવવાની હતી. અને ઘોરીસાહેબ પોતે ક્રિકેટ અને ફૂટબોલમાં માહેર અને ગાવાના રસિયા. બે વર્ષ પછીના દિવસોની કલ્પના ખૂબ મીઠી હતી. બસ પ્રતીક્ષા હતી એના આગમનની. ચાલીસ વર્ષના મેજર ત્યારે ઓપરેશન રક્ષકમાં સક્રિય હતા. ત્યાંથી ૨૦૦૧ની ૨૮મી જૂને તેમણે ઘરે ફોન કર્યો. પોતે મિલિટરી ઓપરેશન માટે ક્યાંક જંગલમાં હોવાની માહિતી આપીને ખબર અંતર પૂછ્યા.

મેજરે સૂફિયા અને સૈફ સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી પણ આઠ વર્ષની સૂફિયા અને ચાર વર્ષનો સૈફ તો પિતરાઇઓ સાથે દોડધામ અને ધમાલ મસ્તીમાં મશગૂલ હતાં. સલમાજીએ સલાહ આપી કે આપ બેઝ પર પાછા આવો પછી એમની સાથે વાત કરો.

એ સલાહ માટે પોતે આજીવન પસ્તાવું પડશે એ સલમાજી નહોતાં જાણતાં કારણકે એ ઘોરીસાહેબે કરેલો આખરી ફોન હતો.

* * *

૨૦૦૧ની પહેલી જુલાઇ, રવિવારનો સૂર્યોદય કંઇક અલગ બતાવવાના મિજાજમાં હતો પણ આના બેખબર-બેપરવાહ મેજર ઘોરી તો પોતાની ફરજ બજાવવામાં મશગૂલ હતા. ૧૯૬૧ની ૨૭મી ફેબ્રુઆરીએ જન્મેલા મેજરના પરિવારમાં કયારેય કોઇ લશ્કરમાં નહોતું, પરંતુ તેમને નાનપણથી લશ્કરનું અદમ્ય આકર્ષણ. સ્કૂલમાં એન.સી.સી. માં જોડાયા અને લશ્કરમાં જોડાઇને જ જંપ્યા.

મૂળ ૧૭૨મી ફિલ્ડ રેજિમેન્ટના મેજર ઘોરી ૨૦૦૧ના જુલાઇમાં ૩૦મી રાષ્ટ્રીય રાઇફલ્સ વતી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બારામુલ્લા જિલ્લામાં ફરજ બજાવતા હતા. બોબન વારસર જંગલમાં આતંકવાદીઓ સંતાયાની માહિતી ગુપ્તચરોએ આપી હતી. એટલે ઘોરીનું યુનિટ પોતાના મિશન પર નીકળી પડ્યું હતું. અને ધાર્યા કરતાં ઓપરેશન વહેલું શરૂ થઇ ગયું. સામસામા ગોળીબારમાં ઘોરીસાહેબ ખૂબ વીરતાપૂર્વક લડ્યા. પરંતુ એક ગોળી શરીરમાં ઘૂસી ગઇ. અને તેઓ ગંભીરપણે ઘાયલ થયા. આમ છતાં પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ અન્ય ઘાયલ જવાનોને જીપમાં સલામત સ્થળે લઇ જઇ રહ્યા હતા. એ જવાન સાથીને બચાવવાની પેરવી કરવામાં જ મેજર ઘોરીના શ્ર્વાસે કાયમ માટે સાથ છોડી દીધો. દેશના દુશ્મનો સામે કેવું અપ્રતિમ શૌર્ય બતાવ્યું, સાથી જવાન માટે અનન્ય અનુકંપા અને આખરે વંદનીય શહાદત. કલ્પના કરી જુઓ કે હજી ૨૦૦૧ની ૧૫મી જાન્યુઆરીએ જ તેમને ચીફ ઑફ આર્મી સ્ટાફ મેડલ મળ્યો હતો.

મેજરની ઓચિંતી ચિરવિદાયથી સલમાજી એકદમ હતપ્રભ થઇ ગયાં ચાર વર્ષનો સૈફ સમજી શકતો નહોતો કે આસપાસ ચાલી શું રહ્યું છે. હકીકતમાં ઘરમા ંકોઇ માની જ શકતું નહોતુ ંકે મેજર સાથે આવું થયું હોઇ શકે, પરંતુ બે દિવસ બાદ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે મેજર ઘોરી ઘરે આવ્યા છેલ્લીવાર.

પોતાની અસહ્ય વેદના વચ્ચે સલમાને સમજાતું નહોતું કે સૈફના માસૂમ સવાલોના જવાબ શું આપવા? કેવી રીતે આપવા? "અબ્બા કયું મિલને નહીં આતે? હમ ક્યોં ઉન્હેં ફોન કરતે ? મુઝે ઉન્હેં દેખના હૈ, બોલો કી મેરે ખ્વાબ મેં તો આયે.

હવે સલમાજીની આંખ સામે મેજરના એક-એક સંભારણાં આવતાં હતાં. તેઓ ઘણીવાર સમજાવતા હતા,"તું એવી રીતે જીવજે કે હું તારી અને બચ્ચાઓની સાથે છું. મારા ન હોવાથી આ બન્ને કોઇ ચીજથી વંચિત ન રહેવા જોઇએ. હું જલ્દી પાછો આવી જઇશ.

મેજર તો ન આવ્યા પણ એમની યાદો આવતી રહે છે. અથવા કહો કે જતી જ નથી. આવા દેશપ્રેમીને કોઇ કેવી રીતે ભૂલી શકે ?

સગા-સંબંધી મેજર ઘોરીને એકથી વધુ વાર સમજાવી ચુક્યા હતા કે હવે તમે બહુ કર્યુ પણ હવે લડાઇ છોડીને પરિવાર સાથે રહો. આવી સલાહ આપનારા સામે મેજર જોઇ રહેતા, આંખ પટપટાવતા હળવાશ સાથે જવાબ આપતા,"ચાલતી વખતે રોડ પર પણ હું મરી શકું. લશ્કરમાં કામ કરીને ગર્વ અનુભવાય એવું મોત તો મળશે અને છોડી દેવા માટે હું ક્યાં લશ્કરમાં જોડાયો હતો ? માત્ર દસ વર્ષના મીઠા સુખદ સંભારણા બાદ હાલ સલમાજી શહીદો

માટે કાર્યરત સેવાભાવી સંસ્થા સાથે કાર્યરત છે. ૨૪ વર્ષની સુફિયા અને ૨૧ વર્ષનો સૈફમાં આજેય એમને દેખાય છે મેજર શફીક મોહમ્મદ ખાન ઘોરી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68368d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com