18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગરીબ બાળકોના જીવનમાં શિક્ષણનો સૂર્યોદય

કવર સ્ટોરી-કાજલ રામપરિયાશિક્ષિત વ્યક્તિ દેશના વિકાસમાં મદદરૂપ થઇ શકે છે, આ મંત્રનું અનુસરણ તો આખું વિશ્ર્વ કરે છે, પણ દુ:ખની વાત એ છે કે ૨૧મી સદીમાં દેશના અનેક ગામડાઓ એવા છે શિક્ષણનો સૂર્યોદય હજી નથી થયો અને આ ગામડાઓમાં લોકો કોઇપણ પ્રકારની સુવિધાઓ વગર લોકો પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. નવાબોની નગરી ગણાતાં લખનઉ શહેર અને એક એવા શિક્ષક વિશે આપણે વાત કરીશું જેમણે એક અનોખો શિક્ષણયજ્ઞ હાથ ધર્યો છે અને કોઈ પણ જાતની ફી લીધા વિના રોજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને મફતમાં ભણાવે છે.

ઉત્તર પ્રદેશના ફારુખાબાદ જિલ્લામાં આવેલા નાનકડાં ગામ સાલેમપુરના આદિત્ય કુમારે ભારતના ઘણા મહાન અને શિક્ષિત લોકો સમક્ષ એક દાખલો બેસાડ્યો છે અને શિક્ષણ ખાલી લેવા પૂરતું નહીં, પણ તેને અન્ય લોકોને જો તમે મેળવેલું જ્ઞાન વહેંચશો તો તમારા જ જ્ઞાનમાં વધારો થશે એવો સંદેશ આપે છે. જોગાનુજોગ એવો છે કે આદિત્યનો બીજો અર્થ સૂર્ય થાય છે અને આપણો આદિત્ય પણ મોબાઇલ ક્લાસરૂમમાં જેમ બને તેમ વધુમાં વધુ બાળકોને જ્ઞાન આપીને એ બાળકોના જીવનમાં શિક્ષણનો સૂર્યોદય થાય એવા પ્રયાસો કરે છે.

જો આ વાંચીને તમને લાગતું હોય કે આદિત્ય પૈસે ટકે સદ્ધર પરિવારમાંથી આવે છે તો તમારી ગણતરી સાવ જ ખોટી છે. આર્થિક તંગીમાં ઉછરેલા આદિત્યના માતા-પિતા મહેનત-મજૂરી કરીને માંડ બે ટંકનો રોટલો કમાતા હતા અને ગરીબી નામની મજબૂરી માણસ પાસેથી કંઇપણ કરાવી શકે છે.

બસ, આ જ મજબૂરીને કારણે આદિત્યના પિતાએ તેને નાની ઉંંમરમાં મજૂરી કરવાની સલાહ આપી હતી, જેથી તેઓને ઘર ચલાવવામાં આદિત્ય તરફથી થોડી સહાય મળી રહે. પણ આદિત્યના મનમાં શિક્ષણનું મહત્ત્વ ઘર કરી ગયું હતું. જો તે પિતાની વાત માની લેત તો અત્યારે એ પણ તેના પિતાની જેમ બે ટંકના રોટલા માટે પૂરો દિવસ હેરાન થતો હોત, પણ તેને પિતાની વાત મંજૂર ન હોવાથી ઘર છોડીને ભાગી ગયો હતો.

આગળ પાછળનો વિચાર કર્યા વિના ઘર તો છોડી દીધું પણ હવે જવું ક્યાં એ સૌથી મોટો પ્રશ્ર્ન હતો. ઉત્તર પ્રદેશના લખનઉ સારા ભણતર માટે ખૂબ જ વખણાય છે. તેથી તે જેમ તેમ કરીને લખનઉ તો પહોંચી ગયો, પણ કૉલેજમાં એડમિશન લેવા માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી? બેઘર થયેલો આદિત્ય રોડ પર રહીને દિવસો વિતાવી રહ્યો હતો. અક દિવસ એક શિક્ષકે તેને આવી હાલતમાં જોયો હતો.

ફાટેલા અને મેલા કપડાં, કથળેલી હાલત, ભૂખમરાથી પીડાઇ રહેલા આદિત્યની શિક્ષણ પ્રત્યેની ભૂખ જોઇને તેમણે આદિત્યને કોલેજના ભણતર માટે સારી એવી મદદ કરી. ગરીબીને કારણે આજે પણ ઘણા લાચાર મા-બાપ તેમનાં બાળકોને સારી ગુણવત્તાનું ભણતર આપવામાં સક્ષમ હોતા નથી.

પોતાની સાથે જે થયું એ બીજા સાથે ન થાય એ માટે આજે આદિત્ય ગરીબ બાળકોને સાઇકલથી ફરી ફરીને મોબાઇલ ક્લાસરૂમમાં ભણાવે છે. આદિત્ય બાળકોને આ શિક્ષણ તદન મફતમાં આવે છે.

૧૯૯૫થી તેણે આ શિક્ષણયજ્ઞનો આરંભ કર્યો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા એ બાળકોમાં આદિત્યને પોતાનું બાળપણ દેખાતું અને એ ગરીબ બાળકોના માતા-પિતામાં તેને પોતાના માતા-પિતાની લાચારી દેખાતી. આદિત્ય પહેલા તો મોટા ભાગે તે બાળકોને એક ઝાડની નીચે ભેગા કરતો અને પછી તેમને ભણાવતો હતો.

શિક્ષાથી વંચિત રહી જતાં બાળકોના તારણહાર બનેલા આદિત્ય કુમારનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. શિક્ષણ એ જીવનનો મૂળભૂત પાયો છે. એ સમજાવવા માટે છેલ્લા ૨૩ વર્ષથી લખનઉના આદિત્યએ બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું છે. નિ:સ્વાર્થ ભાવથી કામ કરી રહેલા આદિત્યની મહેનત આખરે રંગ લાવી અને તેની ચર્ચા ઉત્તર પ્રદેશના ગવર્નર રામ નાયક અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ સુધી પહોંચી હતી, અને તેમણે આદિત્યના કામને બિરદાવ્યું હતું.

૪૬ વર્ષના આદિત્ય તેની અત્યાર સુધીની અઘરી પણ સફળ સફર વિશે વાત કરતાં જણાવે છે કે જ્યાં સુધી હું લખનઉ નહોતો આવ્યો ત્યાં સુધી અહીંનાં ગામડાંનાં બાળકોને ખબર નહોતી કે ક્લાસરૂમ કેવો દેખાય છે? ત્યાં શું થાય છે? શિક્ષક શું ભણાવતાં હશે? તેમને કંઇ જ ખબર નહોતી. શાળાએ જવા માટેનું કોઇ કારણ પણ તેમની પાસે નહોતું. હું લોકોને ઘરે ઘરે જઇને લોકોને આજે પણ કહું છું કે અભણ હોવું એ શ્રાપ સમાન છે. શિક્ષણ તમારા જીવનની કાયાપલટ કરી શકે છે. હું દરેક માતા-પિતાને હાથ જોડીને વિનંતી કરું છું કે તેમનાં બાળકોને ભણવા માટે સ્કૂલે મોકલો. હું કોઇ નિયમિત અભ્યાસક્રમનું પાલન કરતો નથી. બાળકોને સહેલાઇથી સમજમાં આવે અને જીવનમાં કામ આવે એ હિસાબે હું અંગ્રેજી અને ગણિત બાળકોને ભણાવું છું. હું પોતે એ પીડા અનુભવી ચૂક્યો છું કે એક ગરીબ માતા-પિતા પોતાના નાના બાળકોને પણ તેમની સાથે લઇ જઇને બાળમજૂરી કરાવે છે. જોકે બાળકો પાસેથી કામ કરાવવું એ ગેરકાયદેસર ગણાય છે, પણ લાચારીને કારણે બિચારાં બાળકોને આવું કરવું પડતું હતું. મારા પિતા પણ એવું જ ઇચ્છતાં હતાં કે હું પણ નાની ઉંમરે ભણતરને છોડીને બે પૈસા કમાઉ, પણ મેં ભણતરને પ્રાથમિકતા આપી અને ઘર છોડીને લખનઉ ભાગી આવ્યો, મારી લગન અને મહેનતથી પ્રભાવિત થઇને એક શિક્ષકે મને ગ્રેજ્યુએટ થવામાં આર્થિક રીતે ખૂબ જ મદદ કરી હતી, ત્યારથી મેં નિર્ણય લીધો કે જેમ મારી મદદ ભગવાને કરી તેમ હું પણ મારા જેવા અનેક ગરીબ બાળકોની સહાય કરીશ.’

આદિત્ય જેવું જીવન જીવવું લોઢાના ચણા ચાવવા જેવું છે. જે વ્યક્તિ પાસે કોઇ વસ્તુની કમી હોય તેની માટે એ વસ્તુનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. આદિત્યના જીવનમાં પહેલા ભણતરની કમી હતી, પણ જ્યારે તેને ભણતર મળ્યું ત્યારે કોઇ સારી નોકરી કરવાની જગ્યાએ, શહેરમાં અને ગામમાં જેટલા નિરક્ષર બાળકો છે તેમને ભણાવીને તેમની સહાય કરવાનો અઘરો નિર્ણય લીધો. જોકે, તેને વળતરમાં કંઇ મળતું નથી. છતાંય તે ભારત દેશને સંપૂર્ણ શિક્ષિત કરવા માટે અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યો છે.

આદિત્યની ૨૩ વર્ષની મહેનતને કારણે ઘણાં બાળકો ભણીને આગળ વધી શક્યાં છે. હાલમાં પણ તે બેઘર જ છે. રસ્તાના ફૂટપાથ પર જીવન વીતાવી રહેલા આદિત્યનું નામ જ્યારે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું ત્યારે સર્ટિફિકેટ કયા સરનામે મોકલવું એ અવઢવ લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સવાળાઓએ અનુભવી અને આખરે કાયમી સરનામાના અભાવે આદિત્યનું સર્ટિફિકેટ તેના એક શુભચિંતકને પાઠવ્યું હતું. આજે પણ આદિત્ય દિવસમાં લગભગ ૨૦૦ બાળકોને ભણાવે છે. જે ખૂબ જ ગર્વની વાત છે. આવી કપરા અને મુશ્કેલીભર્યા જીવન પાછળનો હેતુ ફક્ત અને ફક્ત શિક્ષણને દરેક ઘરે પહોંચાડવાનો છે.

ઘર વિનાનું જીવન જીવવાનો નિર્ણય લેવા માટે મનોબળ ખૂબ જ મક્કમ હોવું જોઇએ. જ્યારે તમે એક શિક્ષિત વ્યક્તિ છો તો તમે પ્રાથમિકતાં શેને આપશો? નોકરીને જ ને? વાત પણ સાચી છે, આવા મોંઘવારીભર્યા જીવનમાં પૈસાની જરૂરિયાત કોને ન હોય, તેમ છતાંય પોતાના અંગત જીવનની ખુશીઓને પડતી મૂકીને ફૂટપાથ પર રહીને જીવન વ્યતીત કરનારા આદિત્ય કુમારનું બસ એક જ મિશન છે...બાળકોને શિક્ષિત કરવાનું! જેથી તેઓ પોતાના જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો સમજદારીપૂર્વક કરી શકે અને દેશના વિકાસમાં થોડું યોગદાન આપી શકે.

આજે શહેરમાં બાળકોના ભણતર માટે સરકાર ઘણી યોજનાઓ બનાવી રહી છે, પણ ફક્ત શહેરો અને ટાઉન સુધી જ આ યોજનાઓ મર્યાદિત છે. પણ જો આવા એક નહીં પણ હજાર આદિત્ય બાળકોને શિક્ષા આપશે તો દેશનો વિકાસ નિશ્ર્ચિત જ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e27W15pF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com