18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતી ફિલ્મોને એવું ‘શું થયું’ કે ‘વેન્ટિલેટર’ પર ‘લાંબો રસ્તો’ કાપી ‘નટસમ્રાટ’ બની ગઈ

રિવર્સ સ્વીપ-નીલેશ દવે



શુક્રવારના સવારના એક અંગ્રેજી અખબાર પર નજર નાખતા એક સુખદ હાશકારો થયો. ફિલ્મો અને નાટકોની જાહેરાત જે પાનાઓ પર આવતી હોય તેમાં એક-બે હિન્દી ફિલ્મોની વચ્ચે ચાર-ચાર ગુજરાતી ફિલ્મોની જાહેરાત જોઈ. અંગ્રેજી અખબારમાં મુંબઈમાં એક સાથે ચાર ગુજરાતી ફિલ્મોની જાહેરાત છપાય એ ખરેખર ગુજરાતી ભાષા માટે સુખદ આશ્ર્ચર્ય જ ગણાય. બે ફિલ્મો ‘શું થયું’ અને ‘નટસમ્રાટ’ રિલીઝ થઈ ગઈ છે, એક ફિલ્મ ‘લાંબો રસ્તો’ જે રિલીઝ થઈ શુક્રવારે અને બીજી ફિલ્મ ‘વેન્ટિલેટર’ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આમાંની બે ફિલ્મ ‘નટસમ્રાટ’ અને ‘વેન્ટિલેટર’ મરાઠી પરથી બનાવવામાં આવી છે. ‘નટસમ્રાટ’ ઓલરેડી સુપરહિટ થઈ ચૂકી છે, ‘શું થયું’ પણ પોતાની રીતે આગળ વધી રહી છે. સામે ‘લાંબો રસ્તો’ના લેખક-દિગ્દર્શક મિહિર ભૂતા છે અને તેમની પાસેથી લોકોને ઘણી અપેક્ષા છે. મિહિર ભૂતા તખતા પર અને સિરિયલોમાં પોતાનું ગજું સાબિત કરી ચૂક્યા છે. રહી વાત ‘વેન્ટિલેટર’ની તો ‘વેન્ટિલેટર’માં પણ પહેલી વખત જેકી શ્રોફ ગુજરાતી પડદે આવી રહ્યો છે અને જે રીતે ફિલ્મમાં કાસ્ટિંગ થયું છે તે જોતાં સૌથી વધુ કલાકારોને લઈ આ ફિલ્મ બની હોય તેમ લાગી રહ્યું છે. મરાઠીની રિમેક હોવા છતાં ‘નટસમ્રાટ’ સંપૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મ છે. દિગ્દર્શક જયંત ગિલાટરે સારી માવજતથી ગુજરાતી ફિલ્મ બનાવી છે અને ફિલ્મનું મેકિંગ અદ્દલ હિન્દી ફિલ્મો જેવું છે. પબ્લિસિટી કરતાં વધું પૈસા તેમણે ફિલ્મની મેકિંગમાં નાખ્યા હોય તેવું ફિલ્મ જોયા પછી લાગે છે. આવી જ આશા ‘વેન્ટિલેટર’ પાસેથી પણ છે કેમ કે ‘વેન્ટિલેટર’નો પ્રોમો પણ ‘નટસમ્રાટ’ની જેમ ખૂબ જ અસરકારક લાગ્યો છે.

હવે બીજી વાત, કદાચ આમાંથી એક પણ ફિલ્મ ન ચાલે, કોઈ પણ ફિલ્મ સુપરહિટ કે હિટ ના જાય તો? કંઈ વાંધો નહીં, ગુજરાતી પ્રેક્ષક સો ટકા જાગ્યો છે, ચાર ફિલ્મ એક જ મહિનાના સમયગાળામાં રિલીઝ થાય એનાથી મોટી વાત ગુજરાતી ઈન્ડસ્ટ્રી માટે કઈ હોઈ શકે. બીજી વાત એ છે કે ચારેય ફિલ્મો એકબીજાથી વિપરીત અને હટકે છે. અલગ અલગ વિષય પર બનેલી આ ચારેય ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતને એક ડગલું સો ટકા આગળ લઈ જશે. ફાલતુ ટાઈટલો, કંગાળ ડિરેક્શન, ધડમાથા વગરની વાર્તા અને ખાસ કરીને સરકાર દ્વારા મળતી મદદ મેળવવા માટે બનતી ફિલ્મો એ સિરસ્તો બદલાયો છે. ભૂતકાળની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજની ઈન્ડસ્ટ્રીમાં ફરક આવ્યો છે. ઘણા નવા અને સારા તેમ જ યુવાન લોકો આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા છે. કંઈક નવું કશું સારું કરવાની ઈચ્છા સાથે આવ્યા છે. હવે સમય આવ્યો છે ગુજરાતી જનતાએ એમને પોંખવાનો. એમાં એ પ્રજા પાછળ નહીં હટે તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૂર્ય સો ટકા મધ્યાહ્ને તપશે.

.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

81P62bj
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com