18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લીડરશિપનો પાયાનો ગુણ કયો

સન્ડે મોર્નિંગ-સૌરભ શાહલીડરશિપના ગુણ માત્ર રાજનેતા બનવા માટે જ જરૂરી નથી હોતા. તમારે કુટુંબના વડીલ તરીકે પરિવારને સાચવવો હોય, તમારી દુકાન-ઑફિસ કે ફેકટરી ચલાવવી હોય, કોઈ મોટી કંપની કે સંસ્થામાં નોકરી કરતાં કરતાં તમારા હાથ નીચેના લોકોને મૅનેજ કરવા હોય કે પછી ફિલ્મોમાં જઈને ડિરેક્ટર બનવું હોય, સેના ભરતી થઈને લેફ્ટનન્ટ કર્નલથી લઈને જનરલ સુધીનો કોઈ પણ હોદ્દો સંભાળવો હોય કે બ્યુરોક્રસીમાં જોડાવું હોય કે વડા પ્રધાન બનવું હોય કે પછી વિશાળ આશ્રમનું સંચાલન કરવું હોય - નેતૃત્વના ગુણ તમારામાં હોવા જોઈએ. લીડરશિપનાં ગુણ કેળવવા માટેના સેમિનારો ચાલે છે, કેટલાંય પુસ્તકો આ વિષય પર પ્રગટ થઈને બેસ્ટ સેલર્સ બન્યાં છે. પણ એક પાયાની વાત તમને કોઈએ કહી નથી. નેતૃત્વ કરવા માટે, લીડર બનવા માટે, આગેવાની લેવા માટે કે નેતા તરીકે સ્વીકૃતિ પામવા માટે સૌથી પહેલી જરૂરિયાત કઈ છે?

બીજાઓને લીડ કરતાં પહેલાં તમે તમારી જાતને લીડ કરો. બીજાઓ પાસે કામ કરાવતાં પહેલાં તમે તમારી જાત પાસે કામ લેતાં શીખો. બીજાઓને પ્રેરણા આપીને એમનો ઉત્સાહ વધારતાં પહેલાં તમારા પર એ પ્રયોગ કરી જુઓ કે આવી પ્રેરણાઓથી, બીજાઓના જીવનના દાખલા દલીલ આપીને, તમે તમારો પોતાનો ઉત્સાહ વધારી શકો છો કે નહીં?

દેશના સૈનિકો તૈયાર કરતી નૅશનલ ડિફેન્સ ઍકેડેમી જેવી સંસ્થાઓમાં રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને ડ્રિલ કરવાની હોય છે. આ કવાયત કરાવનારા શિક્ષક પોતે જો એટલા વહેલા ઊઠીને મેદાનમાં નહીં પહોંચે તો એ બીજાઓ પાસે કેવી રીતે ડ્રિલ કરાવી શકશે? માત્ર નોટિસ બોર્ડ પર લખીને જાણ કરી દેવાથી વિદ્યાર્થીઓ ડ્રિલ માટે પહોંચી જશે? ના. એ માટે ડ્રિલ માસ્ટરે પોતે મેદાનમાં હાજર રહેવું પડશે. એમણે પોતે દાખલો બેસાડવો પડશે જેને બીજાઓ ફૉલો કરી શકે.

તમે પોતે સિગરેટ પીતા હો અને સંતાનોને કહ્યા કરશો કે સિગરેટ ઈઝ ઈન્જુરિયસ ફૉર હેલ્થ તો શું તેઓ તમારી વાતને સાચી માનવાના છે? રોજ તમે ફોન પર તમારા બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સાથેની વાતમાં સામેની પાર્ટી સાથે જુઠ્ઠું બોલતા હો, એને ટોપી પહેરાવતા હો, એને શીશામાં ઉતારતા હો તો તમારો દીકરો કે તમારી દીકરી શું શીખશે તમારી પાસેથી? બિઝનેસના એથિક્સના પાઠ તમે એમને ભણાવી શકવાના છો?

લીડર બનતાં પહેલાં તમારે પોતે એ તમામ કામ કરવાની ક્ષમતા કેળવવી પડે જે તમે બીજાઓ પાસે કરાવવા માગો છો. હા, તમે કંઈ તમામ આવડત ધરાવવાના નથી. ટેક્સટાઈલની ફેક્ટરી નાખી હોય તો શક્ય છે કે તમને કપડું વણવાનું મશીન ઑપરેટ કરતાં ન આવડે. મોબાઈલ બનાવવાની કે કાર બનાવવાની ફેક્ટરીના માલિકને પોતાની પ્રોડક્ટના પૂર્જા ભેગા કરીને ફાઈનલ પ્રોડક્ટ બનાવતાં આવડે એ જરૂરી નથી. પણ એના વર્કર્સ કેવું અને કેટલું કામ કરશે એનો આધાર એમના સુપરવાઈઝર્સ પર છે, એ સુપરવાઈઝર્સ કેવું અને કેટલું કામ કરશે તેનો આધાર એમના મૅનેજર્સ પર છે અને આ મૅનેજરોનું પરફૉર્મન્સ કેવું હશે તેનો આધાર એમનો પગાર આપનારા માલિક પર છે.

લીડરે સૌથી પહેલાં તો પોતાની જાતને મૅનેજ કરવાની હોય, પોતાની જિંદગીનું નેતૃત્વ સંભાળવાનું હોય. તમે પોતે આળસુ, કામચોર કે અધીરા હશો તો તમારી સાથે કે તમારી નીચે કામ કરનારાઓ કેવી રીતે એફિશ્યન્ટ હોવાના. વડા પ્રધાન પોતે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને રાતના એક વાગ્યા સુધી કામ કરતા હોય અને એક પણ દિવસની રજા ન લેતા હોય તો જ એમની કેબિનેટના સાથીઓ કે એમની સાથે સંકળાયેલા બ્યુરોક્રેટસ તેમ જ આ બધાના હાથ નીચેના કાર્યકરો - અધિકારીઓ દિવસરાત કામ કરવા માટે પ્રેરાશે. પણ એને બદલે જો કોઈ છાશવારે પરદેશ ઉપડીને ખાનગી વૅકેશનો માણી આવતો નેતા હોય તો કોણ એનું નેતૃત્વ સ્વીકારવાનું છે?

ઘર હોય કે દેશ તમારે તમારા વર્તન પરથી દાખલો બેસાડવાનો હોય. બીજાઓ શિસ્તબદ્ધ રહીને તમારા કામમાં સાથ આપે એવું તમે ચાહતા હો તો પહેલાં તમારે તમારુ કામ નિયમિતપણે, શિસ્તબદ્ધ રહીને કરવાનું હોય. નેતૃત્વ કરવાનું કે આગેવાની લેવાનું કામ ચોપડીઓ વાંચીનેે કે સેમિનારો અટેન્ડ કરીને શીખી શકાતું હોત તો આજે સૌ કોઈ લીડર બની ગયું હોત. જ્યાં સુધી તમે તમારા પોતાના જીવનનો દાખલો ન બેસાડો ત્યાં સુધી કોઈ તમને અનુસરવાનું નથી, તમારું કહ્યું માનવાનું નથી, તમારું કામ કરવાનું નથી. અને જો બીજાઓ તમને સાથ નહીં આપે તો તમે મહાન તો શું સફળ પણ થવાના નથી એટલું જ નહીં, સફળતાની વાત બાજુએ મૂકો, જ્યાં છો ત્યાં ટકી રહેવાના પણ નથી.કાગળ પરના દીવા.........હોમોસેક્સ્યુઆલિટીને ગુનો માનતા કાયદાને દૂર કર્યા બાદ લોકોની રોન્ગ સાઈડમાં ઘૂસીને ડ્રાઈવિંગ કરવાની ટેવને પણ માન્યતા આપવાની માગના સમર્થનના આંદોલન થઈ શકે છે.

- વૉટ્સએપ પર વાંચેલુંસન્ડે હ્યુમર......બકો: સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શાહરૂખ ખાને કરન જોહરને શું કહ્યું ખબર છે?

પકો: શું કહ્યું?

બકો: જા કરન, જી લે અપની જિંદગી!

---------------------------

કાગળ પરના દીવા

હોમોસેક્સ્યુઆલિટીને ગુનો માનતા કાયદાને દૂર કર્યા બાદ લોકોની રોન્ગ સાઈડમાં ઘૂસીને ડ્રાઈવિંગ કરવાની ટેવને પણ માન્યતા આપવાની માગના સમર્થનના આંદોલન થઈ શકે છે.

- વૉટ્સએપ પર વાંચેલ

---------------------

સન્ડે હ્યુમર

બકો: સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શાહરૂખ ખાને કરન જોહરને શું કહ્યું ખબર છે?

પકો: શું કહ્યું?

બકો: જા કરન, જી લે અપની જિંદગી!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3jih80
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com