18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગ્રંથ સન્માન યાત્રા: એક હજાર વરસ પહેલાં અને પછી

ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશીછેલ્લાં કેટલાંક વર્ષોથી ૨૪મી ઑગસ્ટના દિવસે આપણે વિશ્ર્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. ૨૪મી ઑગસ્ટ એ, ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખાતા કવિ નર્મદની જન્મ જયંતી છે. ગુજરાતી ભાષાની ઉજવણી સાથે નર્મદના નામને સાંકળી લેવું એમાં ભારોભાર ઔચિત્ય છે. આ દિવસે ગુજરાતમાં તો ઠીક પણ ગુજરાતની બહાર વિદેશમાં સુધ્ધાં વસતાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કાર, ઇતિહાસ ઇત્યાદિનું સ્મરણ કરીને નવી પેઢીમાં એનું પ્રસારણ થાય એવા કાર્યક્રમો યોજે છે.

વિશ્ર્વ અંગ્રેજી દિવસ ક્યાંય ઉજવાતો હોય એવું તમે સાંભળ્યું છે? અંગ્રેજી પણ એક ભાષા છે અને ભાષાનો ઇતિહાસ તપાસીએ તો અંગ્રેજીને ગુજરાતી જેટલી પણ પ્રાચીન કહી શકાય એમ નથી. અંગ્રેજીની વાત એક બાજુ રાખીએ પણ ૧૪મી સપ્ટેમ્બરની હિન્દી દિવસ તરીકે આખા દેશમાં એની ઉજવણી થાય છે. મોટા ભાગે આ ઉજવણી સરકારી સ્તરે થતી હોય છે. હિન્દી ભાષી પ્રદેશોની કેટલીક સાહિત્યિક સંસ્થાઓ પણ ૧૪મી સપ્ટેમ્બરના હિન્દી દિવસ તરીકે મનાવે છે. દેશની બીજી કોઇ ભાષાઓ કોઇ ચોક્કસ દિવસની ભાષા દિવસ તરીકે ઉજવણી કરતી હોય એવું ધ્યાનમાં આવ્યું નથી.

અંગ્રેજીને પોતાનો કોઇ ચોક્કસ દિવસ ઊજવવાની જરૂર નથી. અને હિંદીને તથા ગુજરાતીને આવો ચોક્કસ દિવસ ઊજવવો પડે છે એમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ કારણભૂત છે એવું કહેવું એ એક છેતરપિંડી છે. માનવ પ્રકૃતિ અનુસાર માણસ જ્યાં લઘુમતીમાં હોય છે ત્યારે રક્ષણ માટે અન્યથા પોતાને જે મળવું જોઇએ એમ એ માનતો હોય, પોતાનું અસ્તિત્વ ભૂંસાઇ રહ્યું છે એવો ભય જ્યારે એને સતાવતો હોય, આવી બધી પરિસ્થિતિઓમાં એ એકત્રિત થાય છે અને પોતાની આ કહેવાતી માગણીઓ અને લાગણીઓ અન્યો સુધી પહોંચાડવા માટે અવાજ બુલંદ કરે છે. હિન્દી આ દેશમાં સહુથી વધુ બોલાતી ભાષા છે અને આમ છતાં એ રાષ્ટ્રભાષા બની શકી નથી. દરેક દેશને પોતાની રાષ્ટ્રભાષા હોય છે. ભારત એમાં અપવાદ છે. ભારતને કોઇ રાષ્ટ્રભાષા નથી. હિન્દી રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત થવી જોઇતી હતી પણ થઇ શકી નથી. એટલું જ નહીં, હિન્દી એટલે કઇ હિન્દી એવો પ્રશ્ર્ન પણ સ્વયં હિન્દીભાષીઓ સુધ્ધાં મોઢું ફાડીને એકબીજાને કરે છે. હિન્દી એટલે સંસ્કૃતમય તત્સમ પ્રયોગોવાળી બોલચાલની ભાષા કે પછી ઉર્દૂ મિશ્રિત બોલચાલની ભાષા? હિન્દી દિવસ એટલા માટે ઉજવાય છે કે હિન્દીને એનું સ્થાન મળ્યું નથી એટલે હિન્દીભાષીઓ એમનો અસંતોષ, તરફડાટ, વ્યથા અને માગણી આ બધું પોકારી પોકારીને ૧૪મી સપ્ટેમ્બરે કહે છે.

આપણે ગુજરાતી ભાષીઓ વિશ્ર્વ ગુજરાતી દિવસ શા માટે ઊજવીએ છીએ એવો પ્રશ્ર્ન જો કોઇ કરે તો એનો ઉત્તર પણ અહીં જ મળે છે. થોડાક દશકાઓ પહેલાં આપણે પાંચ કરોડ ગુજરાતીઓ હતા ત્યારે આપણા ઘરઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. આપણે સહુ સફરજનને સફરજન જ કહેતા એપલ નહીં. ગણપતિને ગણપતિ બાપ્પા જ કહેતા, એલિફન્ટ ગોડ નહીં. મહાબલિ હનુમાનજીને આપણે હનુમાનજી જ કહેતા, મન્કી ગોડ નહીં. ગુજરાતી માધ્યમની શાળાઓમાં પોતાનાં સંતાનોને પ્રવેશ અપાવવા માટે વાલીઓની લાંબી લાઇનો લાગતી. મુંબઇ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં ઝવેરચંદ મેઘાણી નામનો એક કવિ જ્યારે બુલંદ સ્વરે વ્યાખ્યાન આપતો ત્યારે એ કોન્વોકેશન હોલ ભાષાપ્રેમી ગુજરાતીઓથી છલોછલ ઊભરાઇ જતો એટલું જ નહીં, એમને સાંભળવા બહાર રાજમાર્ગો ઉપર વાહન-વ્યવહાર અટકી જાય એ રીતે સેંકડો ગુજરાતીઓ ટોળાબંધ ઊભા રહી જતા. ન્યુ ઇરા કે ફેલોશિપમાં ગુજરાતી માધ્યમથી ભણીને ગૌરવ લેતાં ગુજરાતીઓની સંખ્યા નાનીસૂની નહોતી.

આ પરિસ્થિતિ ક્યારે અને કેમ કરીને બદલાઇ ગઇ એની તરતપાસ કરવી અઘરી છે. જો કોઇ હત્યા થઇ હોય તો પોલીસ હત્યારાને પકડી શકે પણ જો કોઇ આત્મહત્યા કરે તો પોલીસ કોને પકડે? આત્મહત્યા થઇ જાય એ પછી જ પરિવારજનોને ખબર પડે છેકે અરેરે! આ શું થઇ ગયું ?

આ પરિવારજનોએ જ પેલી આત્મહત્યાને મરવા માટેનાં કારણો આપ્યાં હોય છે.

વિશ્ર્વ ગુજરાતી દિવસની ઊજવણીની શરૂઆત ચોક્કસ કયા વરસથી થઇ એ ખાતરીપૂર્વક કહેવું અઘરું જ છે. કદાચ કોઇક સંશોધનકાર ખાંખાંખોળાં કરીને કહે તો જાણવા જેવું છે જ્યારે આપણાં સંતાનોને આપણે સફરજનને એપલ કહેતાં શીખવ્યું ત્યારે જ વિશ્ર્વ ગુજરાતી દિવસની ઉજવણીનું બીજારોપણ થયું કહેવાય. જોકે આની જાણ આપણને બહુ મોડી થઇ છે. હવે છેલ્લાં થોડાંક વરસોથી આપણે જે ઉજવણી કરી રહ્યા છીએ એમાં પરાજિત સૈન્ય જાણે કેસરિયા કરી રહ્યું હોય એવું જ લાગે છે. આ કેસરિયામાંથી આપણે વિજય તરફ જવું છે ખરું? એના માટે આપણે પ્રામાણિક છીએ ખરા?

ઘડીભર માની લઇએ કે અંગ્રેજી વૈશ્ર્વિક ભાષા છે એટલે એને શીખ્યા વિના આપણને કોઇનેય ચાલશે નહીં. જોકે આ વાત પણ અર્ધસત્ય છે દુનિયાના કેટલાય સમર્થ દેશોમાં અંગ્રેજી ભણાતી નથી અને છતાં આ દેશો વૈશ્ર્વિક સ્તરે બધા સાથે ખભેખભા મિલાવીને આગળ ડગલાં ભરે છે. આ દેશોની સ્પર્ધા કદાચ આપણે ન કરી શકીએ તો પણ માતૃભાષાને ભૂલવાડી દેવાનું દુષ્કૃત્ય તો આપણે ઓછામાં ઓછું ન જ કરીએ. જ્ઞાનનો ભંડાર અંગ્રેજી ભાષામાં છે એવું સ્વીકારી લઇએ અને એ માટે અંગ્રેજી ભણીએ પણ ખરાં પણ એનો અર્થ એવો થોડો જ થાય છે કે માને છોડીને મીંદડીને ધાવીએ!

આમ છતાં ૨૪મી ઑગસ્ટને ગુજરાતી દિવસ તરીકે જે ઉત્સાહ અને ધામધૂમથી મનાવાય છે એનો ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી. આ ઉજવણીમાં જે રહ્યા સહ્યા ગુજરાતીઓ હિસ્સેદાર થાય છે એની માહિતી બહોળા પ્રમાણમાં લોકો સુધી પહોંચતી નથી એ સ્વીકારવું જોઇએ. તાજેતરમાં જ મુંબઇનાં ઉપનગર કાંદિવલીમાં બાર-તેર જેટલી ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓએ એમના શિક્ષકો સાથે એક મોટું સરઘસ રાજમાર્ગો ઉપર ફેરવ્યું અને આ સરઘસમાં ગ્રંથ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો. દરેક શાળાઓના વિદ્યાર્થીઓએ ખાસ હસ્તલિખિત ગ્રંથો તૈયાર કર્યા અને આ ગ્રંથોને એક પાલખીમાં પધરાવીને આ પાલખી ખભા ઉપર ઊંચકીને અત્યંત ઉત્સાહથી સૂત્રોચ્ચારો કરતાં એને ફેરવી.

આ વાત કંઇ નાનીસૂની નથી. લગભગ એક હજાર વરસ પહેલાં ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં સોલંકી યુગના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે આવી ગ્રંથયાત્રા સન્માની હતી. હાથીની અંબાડી ઉપર હેમચંદ્રાચાર્યનો ગ્રંથ ‘સિદ્ધહેમ’ પધરાવીને પાટણે ત્યારે મહોત્સવ ઊજવ્યો હતો. કાંદિવલીમાં હાથીની અંબાડી તો નહોતી પણ વિદ્યાર્થીઓએ એક હજાર વરસ પહેલાં પાટણના નાગરિકો કરતાં સહેજ પણ ઓછા ઉમંગથી આ ગ્રંથયાત્રા નહોતી ફેરવી, પણ આ આવડી મોટી વાત પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝના આ જમાનામાં આ ફેક્ટ ન્યૂઝ લોકો સુધી શી રીતે પહોંચે? અને આમ છતાં આ ગ્રંથ સન્માનયાત્રા ખૂણેખાંચરે પહોંચી એ જ તો વિશ્ર્વ ગુજરાતી દિવસની ઉજવણી કહેવાય.

ગુજરાત રાજ્યે તાજેતરમાં ગુજરાતની તમામ શાળાઓમાં એક વિષય તરીકે ગુજરાતી ભાષાને ફરજિયાત દાખલ કરી છે. મહારાષ્ટ્રમાં મરાઠી રાજ્યભાષા છે એટલે એક વિષય તરીકે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ મરાઠી ભણાવાય જ છે. સાચી વાત તો એ છે કે કેન્દ્ર સરકારે જ એક એવી શિક્ષણ નીતિ ઘડવી જોઇએ કે દેશના દરેક બાળકનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એની માતૃભાષામાં જ થવું જોઇએ. માતૃભાષા વિના ભણેલું બાળક ભલે અંગ્રેજીમાં દુનિયાભરનાં પુસ્તકોને કડકડાટ મોંપાઠ બોલે પણ એના અંતરમાં એવો ખાલીપો હશે કે જે કોઇ દિવસ કોઇથી પણ ભરી શકાશે નહીં. આ ખાલીપાની એને જ્યારે જાણ થશે ત્યારે બહુ મોડું થઇ ગયું હશે.

વિજ્ઞાનને લગતા એક સામયિકમાં તાજેતરમાં જ છપાયેલા એક સર્વે રિપોર્ટને ટાંકીને એક ડૉક્ટર મિત્રે જણાવ્યું હતું કે જે બાળક પોતાની માતૃભાષા શીખ્યા પછી શિક્ષણ માટે શાળામાં પ્રવેશ લે છે એ બાળક માટે એની શૈક્ષણિક કારકિર્દી વધુ ઊજળી થતી હોય છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકો માટે માતૃભાષા નો વધારાનો વિષય શીખવવો એ શૈક્ષણિક બોજો બની જાય છે એવું માનનારાં માતાપિતાઓ માટે આ સર્વે રિપોર્ટમાં એવું કહેવાયું છે કે જે બાળકોને વધારાની ભાષા શીખવવામાં આવે છે એ બાળકો વધુ તેજસ્વી બનતાં હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

64mGq7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com