18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અબ ક્યા મિલેગા આંસુઓ મેં દિલ નિકલ ગયા,વહ કાફિલા ભી તો કઇ મંઝિલ નિકલ ગયા

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીઓગણીસમી સદીના છેલ્લા દિવસોમાં ઉર્દૂ શાયરીના ખુશ્બૂદાર બગીચામાં મિરઝા દાગ, અમીર મીનાઇ અને જલાલ જેવા શાયરો મીઠા ટહુકા કરી રહ્યા હતા તે સમયે ‘રિયાઝ’ નામના યુવાન શાયર પણ મંથર ગતિથી લોકપ્રિયતાની સીડી ચઢી રહ્યા હતા. સૈયદ રિયાઝ અહમદ ઉર્ફે રિયાઝ ખૈરાબાદીનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌ નજીકના સીતાપુર જિલ્લાના ખૈરાબાદમાં ઇ.સ. ૧૮૫૩ની સાલમાં થયો હતો. તેમના પિતા સૈયદ તુફેલ અહમદ ગોરખપુરમાં કોર્ટ ઇન્સ્પેકટર હતા અને પછી આગરાના ફોજદાર બન્યા હતા. પિતાના પગલે રિયાઝ પોલીસ વિભાગમાં જોડાયા હતા. પરંતુ તેમની સાહિત્યિક રુચિને લીધે તેઓ ત્યાં ઝાઝો સમય કામ કરી શક્યા નહોતા. આથી રાજીનામું આપીને તેમણે સાહિત્ય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે તેમણે ગોરખપુરમાંથી ‘રિયાઝુલ’ નામના સમાચાર-પત્રનું સંપાદન -પ્રકાશન કર્યું હતું. ત્યાર પછી તેમણે ‘તારબકી’ નામનું દૈનિક પ્રગટ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘ગુલકદયે-રિયાઝ’ નામનું શાયરીનું સામયિક પણ પ્રસિદ્ધ કર્યું હતું. આ સામયિકમાં છપાતા રિયાઝનાં લખાણો તેના વાચકો-પ્રશંસકો રસપૂર્વક વાચતા હતા.

બાળપણમાં જ શાયરીનો ચસકો એવો લાગ્યો કે તેઓ ‘અસીર’ જેવા શાયર પાસે માર્ગદર્શન લેતા હતા. પરંતુ વૃદ્ધાવસ્થાને લીધે ‘અસીર’ પૂરા ધ્યાનથી તેમની શાયરી જોઇ શકતા નહોતા. આથી ‘અસીરે’ આ શિષ્યને તેમના મુખ્ય શિષ્ય ‘અમીર’ મીનાઇ પાસે જવાનું સૂચવ્યું. લોકપ્રિયતાના શિખર પર આરુઢ થયેલા શાયર ‘અમીર’ મીનાઇએ ‘રિયાઝ’ નો શાગિર્દ તરીકે સ્વીકાર કર્યો હતો.

ઇ.સ. ૧૮૫૭ના બળવા પછી લખનૌ અને દિલ્હીની સલ્તનતો નાશ પામી હતી ત્યાર પછી રામપુરના નવાબે ઉચ્ચ કોટિના કવિઓ-કલાકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. તે વખતે રામપુરના નવાબે આમંત્રણ આપી રિયાઝને બોલાવ્યા હતા. નવાબે રિયાઝને હંમેશ માટે રામપુરમાં રહેવા નોતરું આપ્યું હતું. પરંતુ રિયાઝ સ્વમાની, સ્વાભિમાની અને સ્વતંત્ર મિજાજ ધરાવતા હોવાથી તેમણે નવાબના ઇજનને ઠુકરાવી દીધું હતું.

આ શાયરે જિંદગીના ઘણાં વરસો ગોરખપુરમાં વીતાવ્યાં હતાં. તેઓ ગોરખપુરને ક્યારેય છોડવા માગતા નહોતા. પરંતુ મહેમૂદાબાદના મહારાજાના પ્રેમ-આગ્રહને વશ થઇ તેમણે ગોરખપુર છોડ્યું હતું અને લખનૌમાં સ્થાયી થયા હતા.

રિયાઝ સાહેબ વૃદ્ધ થયા હોવા છતાં જુવાનીનો રંગ તેમના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો. ૮૦ વર્ષની ઉંમરે પણ આ શાયર મુશાયરાની રોનક બની રહ્યા હતા. આ સ્વમાની શાયર પાંચ વખતની નમાઝ પઢતા હતા, રમઝાનમાં રોઝા (ઉપવાસ) કરતા હતા, ચશ્માં વગર લખી શકતા હતા અને ચાંદનીના અજવાળે વાંચી શકતા હતા.

રિયાઝનો દળદાર કાવ્યસંગ્રહ ‘રિયાઝે -રિઝવાં’ ઇ.સ. ૧૯૩૭માં પ્રકાશિત થયો હતો. ૮૨૮ પાનાં ધરાવતા તેમના આ પુસ્તકમાં ૬૦૦ ગઝલો ઉપરાંત કતાઅ્, નાત, નૌહા, કસીદા, સેહરા, મસનવી વગેરે ગ્રંથસ્થ કરાયા છે. તેમના આશરે ૮૧૦૦ શે’રમાંથી ૧૨૬૬ જેટલા શે’ર સુરા, સુરાલી, સુરાલય, સાકી પર લખાયા છે.

ખુશમિજાજ, ખુદ્દાર, ખુમાર અને રંગીન મિજાજ ધરાવતા આ ઝિંદાદિલ શાયર ૨૦ જુલાઇ ૧૯૩૪ના રોજ ખૈરાબાદના કબ્રસ્તાનમાં હંમેશ માટે પોઢી ગયા હતા.

આ શાયરની શે’ર સૃષ્ટિમાં હવે વિહાર કરીએ.

* ઇક હમીં હૈ કિ બહક જાતે હૈં તૌબા કી તરફ,

વરના રિન્દોં મેં બુરા ચાલ-ચલન કિસ કા હૈ?

સુરાપાન ન કરવાના સમ ખાધા પછી પણ હું તેના તરફ ખેંચાઇ જાઉં છું. બાકી તો શરાબીઓમાં આવી ખરાબ રીતભાત કોઇની હોતી નથી.

* ઉમ્મીદ હૈ કિ શબ કો ભી હો શગ્લે-મય ‘રિયાઝ’,

મુંહ સુબ્હ હોતે દેખ લિયા રોઝદાર કા.

આજે તો સવાર થતાં જ એક રોઝદાર (ઉપવાસી)નું મોઢું જોવા મળ્યું છે. હવે રાત્રિ વેળાએ પણ મને સુરાપાન કરવાની તક મળી જશે એવી મને આશા છે.

* આજ તો પી દિખા કે વાઇઝ કો,

મૈં કભી ઇસ કદર ન થા ગુસ્તાખ.

હું આવો બેશરમ તો ક્યારેય બન્યો નહોતો. ગમે તે હોય પણ આજે તો મેં પેલા ધર્મોપદેશકની હાજરીમાં સુરાપાન કર્યું.

* પાક-ઓ-સાફ ઇતની હૈ જિસ ને પી ફરિશ્તા હો ગયા,

ઝાહિદો! યહ હૂર કે દામન મેં હૈ છાની હુઇ.

આ સુરા એટલી પવિત્ર અને ચોખ્ખી છે કે જે કોઇએ તે પીધી તે બધા દેવદૂત બની ગયા છે. ઓ તપસ્વીઓ! તમને ક્યાં ખબર છે કે આ સુરા તો પરી(હૂર)ના પાલવથી ગાળેલી છે.

* જબ લોગો મેં દોનોં કી બુઝુર્ગી હૈ મુસલ્લમ,

ક્યા શૈખે-હરમ પીરે-મુગાં હો નહીં સકતા?

લોકોના મનમાં તો બંને માટે એક પ્રકારની સન્માનની લાગણી છે તો પછી મસ્જિદનો કોઇ શેખ શું સુરાલયનો સંચાલક ન બની શકે ?

* ઇદ કે દિન મયકદે મેં હૈં કોઇ ઐસા ‘રિયાઝ’?

એક ચૂલ્લૂ દે કે જો લે તીસ રોઝોં કા સવાબ

અરે ‘રિયાઝ’ ! ઇદના દિવસે તું જરા ખબર તો કાઢ કે સુરાલયમાં કોઇ એવો જણ છે ખરો કે જે ત્રીસ દિવસના ઉપવાસના પુણ્યના બદલામાં મને એક ઘૂંટડો શરાબ આપે.

* અસર બઢ જાય યા રબ! ઇસ કદર સોઝે-મોહબ્બત કા,

જહન્નમ મેં હર અંગારે કો સમઝૂં ફૂલ જન્નત કા.

યા રબ! પ્રેમની બળતરા એટલી બધી વધી જાય કે હું નરકના દરેક અંગારને સ્વર્ગનું ફૂલ સમજી લઉં.

* અબ ક્યા મિલેગા આંસુઓ મેં દિલ નિકલ ગયા,

વહ કાફિલા ભી તો કઇ મંઝિલ નિકલ ગયા.

આંસુઓ સાથે હદય પણ બહાર નીકળી ગયું. વળી કાફલો પણ કેટલાય પડાવ વટાવી આગળ નીકળી ગયો છે. આ સ્થિતિમાં હવે બીજું શું

મળવાનું છે?

* ઉજાડતે હુવે સૌ બાર આશિયાં દેખા,

ચમન મેં રહ કે તુઝે ખૂબ બાગબાં દેખા.

બગીચામાં રહીને મેં માળીને એક સો વખત માળાને પીંખતો જોયો છે. માળી, મેં તને બરાબર ઓળખી લીધો છે.

* ઐ ‘રિયાઝ’! આંખ લડાતે હુવે જી ડરતા હૈ,

જખ્મ પહુંચે હૈં હસીનોં કી નજર સે ક્યા ક્યા?

એ રિયાઝ, સુંદરીઓનાં નયનોથી મને એટલા જખ્મો થયા છે કે હવે આંખ લડાવતા મારો જીવ ગભરાય છે.

* ઇક શૈખે-કુહનસાલ કી, અલ્લાહ રે બુઝુર્ગી,

જન્નત મેં ભી જાકર યહ જવાં હો નહીં સકતા.

યા અલ્લાહ, આ વયોવૃદ્ધ શેખના ઘડપણ વિશે શું કહેવું? એ તો સ્વર્ગમાં જશે તો ય ફરીથી જુવાન નહીં થઇ શકે.

* જાના થા કિ આના થા જવાની કા ઇલાહી!

સૈલાબ કી થી મૌજ યા ઝોંકા થા હવા કા?

એ ખુદા! આ જવાનીનું જવું શું કે આવવું શું? આ જવાની તો ઝરણાનું એક મોજું હતું યા તો હવાની એક ઝાપટ હતી. તે ક્યારે આવીને જતી રહી તેની ખબરે ય ન પડી!

* તાઅત કા ઇન બુતોં ને સલીકા સિખા દિયા,

ખુદ ક્યા મિલે કે મુઝ કો ખુદા સે મિલા દિયા.

મારી પ્રેયસીઓએ મને ઉપાસનાની એવી રીતભાત શીખડાવી દીધી છે કે વાસ્તવમાં તેઓએ ખુદા સાથે મારી મુલાકાત કરાવી દીધી.

* કલીમ આયે તો ખુલ કે જલવા દિખાયા,

હમ આયે તો પરદે સે બાહર ન નિકલે.

(કલીમ એટલે મુસા. તેઓ યહૂદી ધર્મના સ્થાપક હતા.) મુસા આવ્યા તો તમે તેને ખુલ્લંખુલ્લા દર્શન આપ્યાં. જ્યારે અમે આવ્યા તો તમે પરદામાંથી ડોકિયું પણ કર્યું નહીં.

* ચલી જાતી હૈ ઉન કે ઘર મેરી નીંદ,

જા કે ફિર રાતભર નહીં આતી.

મારી ઉંઘ તેના (સજનીના)ઘેર જતી રહે છે. એ તો ઠીક, પણ ગયા પછી તે આખી રાત ત્યાં જ રહે છે. (સવાર સુધી તે પાછી ફરતી નથી.)

* ધરતી નહીં તુરબત મેં ભી ફુરકત કી અઝીય્યત,

યહ દર્દ વો હૈ મર કે ભી જો કમ નહીં હોતા.

કબરમાં દફન થયા પછી યે વિરહની વેદના ઓછી થતી નથી. મૃત્યુ પામ્યા પછી પણ આ વેદનામાંથી છુટકારો મળતો નથી.

* ઝરૂર કસ્દ કિયા ઉસ ને બામે-લૈલા કા,

બુલન્દ આજ બહોત કૈસ કા ગુબાર ગયા.

આજે તો મજનૂના પગની ધૂળ ખૂબ ઊંચે સુધી ગઇ છે. મજનૂએ આજે ખરેખર લૈલાની અટારી સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો લાગે છે.

* ફસુર્દા દિલ હૂં મુઝે ક્યા હૈ કોઇ મૌસમ હો,

મેરી બહાર મેં ક્યા થા જો અબ ખિઝા મેં નહીં?

મારું હદય તો ઉદાસ છે. મોસમ ગમે તે હોય તેની સાથે મારે કશી લેવા-દેવા નથી. મારી વસંતમાં એવું શું હતું જે હવે પાનખરમાં નથી? મારા માટે તો બંને ઋતુ સમાન છે.

* અહબાબકે કાંધે સે લહદ મેં ઉતર આયે,

કિસ ચૈન સે સોએ હુવે હમ અપને ઘર આયે.

દોસ્તોના ખભાનો સહારો લઇ અમે કબરમાં ઊતરી ગયા. અમે કેવા શાંતિપૂર્વક સૂતા સૂતા અમારા ઘરે આવી ગયા!

* કભી આ જાતી હૈ કા’બે મેં હમેં દૈર કી યાદ,

બૈઠે બૈઠે કભી નાહૂસ બજા દેતે હૈં.

ક્યારેક તો કાબા(પવિત્ર સ્થળ)માં અમને મંદિરનું સ્મરણ થઇ જાય છે. આવું થાય છે ત્યારે અમે ત્યાં બેઠા બેઠા જ શંખધ્વનિ કરી નાખીએ છીએ.

* કભી હર્ફે - મોહબ્બત તા-બ-લબ આયા થા ચુપકે સે,

ઇસીને રફતા રફતા તૂલ ખીંચા દાસ્તાં હો કર.

ક્યારેક પ્રેમનો એક અક્ષર હોઠ સુધી ચૂપચાપ આવી ગયો હતો. પરંતુ ધીમે ધીમે એ લંબાતો લંબાતો એક વાર્તા બની ગયો.

* કિસ ને દેખા હમેં કૂચે મેં હસીનોં કે ‘રિયાઝ’,

મુફ્ત બદનામ હુવે હમ કહીં આયે, ન ગયે.

હું કોઇ સ્થળે ગયો નથી કે આવ્યો નથી. હું અમસ્તો જ બદનામ થયો છું. શું કોઇએ મને સુંદરીઓની ગલી તરફ જતા કે આવતા જોયો છે?

* ખુદા કરે કહીં મૌકે સે મુઝ કો મિલ જાયેં,

યહી હસીં જો મુઝે પારસા સમઝતે હૈં.

ખુદા ઇચ્છે ને મને તક મળે તો રસ્તામાં પેલી સુંદરી મને મળી જાય તો કેવું સારું! એ જ સુંદરી જે મને તપસ્વી માની રહી છે.

* જિન કે દિલ મેં હૈ દર્દ દુનિયા કા,

વહી દુનિયા મેં ઝિન્દા રહતે હૈ.

જેના હદયમાં દુનિયાની ભલાઇની ચિંતા રહેતી હોય છે એ જ ખરેખર આ વિશ્ર્વમાં (હંમેશ માટે) જીવતા રહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

50I13y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com