17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પિતા-પુત્રીની પાણીદાર સિદ્ધિ

કવર સ્ટોરી-પ્રફુલ શાહગુજરાતી પરિવાર દેસવાસી જૈન. હીરાનો વેપાર. ગોરેગામના રહેવાસી. આ માહોલમાં ૪૨ વર્ષના પપ્પા અને તેર વર્ષની દીકરી સાથે મળીને શું કરી શકે? ડિનર, મુવી, વીડિયો ગેમ્સ, જાત્રા કે...જવા દો વધુ વિકલ્પ. વિનય શાહ અને હેતવી શાહ સાથે મળીને કરે છે સ્વિમિંગ. એકદમ જોખમી કહી શકાય એવી એક પછી એક સ્પર્ધામાં ભાગ લેતા જાય છે. તાજેતરમાં એટલે કે ૨૦૧૮ની ૨૬મી ઑગસ્ટે પશ્ર્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં ૭૫મી વર્લ્ડ લોંગેસ્ટ નેશનલ ઓપન વૉટર કોમ્પિટિશન યોજાઇ. આનો રૂટ ભાગીરથી નદીના જીયાગાંગ ઘાટથી ગોરાબઝાર ઘાટ. ૧૯ કિલોમીટરનું અંતર કાપવા માટે ભારત ઉપરાંત સ્પેન, આર્જેન્ટિના, સ્વીડન અને બાંગલાદેશના તરવૈયાઓ સ્પર્ધામાં ઊતર્યા હતા. અહીં જરૂરી માહિતી સ્વિમિંગ પુલની સ્પર્ધા અને ઓપન વૉટર કૉમ્પિટીશનમાં મોટો ફરક. ઑપન વૉટર કૉમ્પિટીશનમાં નીચે પાણી અને ઉપર આકાશ દેખાય એટલે કે નદી કે દરિયામાં આયોજન થાય.

તન, મન અને સહન-શક્તિની કસોટી કરતી આ સ્પર્ધામાં નિયત સમયની અંદર પૂરેપૂરૂં તરી લેવું એ જ મોટી વાત છે. વિનય શાહ અને હેતવી શાહે આ સ્પર્ધામાં ૧૯ કિલોમીટરનું અંતર કાપ્યું એટલું જ નહીં ભારતીય ઇતિહાસમાં આવું પરાક્રમ કરનારા સૌ પ્રથમ પિતા-પુત્રી બનવાનું માન મેળવ્યું છે. ગુજરાતીઓમાં સાહસવૃત્તિ અને રમત-પ્રેમ ઓછો હોવાના મેણા સામે જવાબ આપનારા મૂળ વિસનગરના આ શાહ પિતા-પુત્રી સતત કોઇને કોઇ સ્પર્ધામાં ભાગ લેતા રહે છે. હેતવી શાહ પરિવારનું એક માત્ર સંતાન. નાનીમા કાયમ ફિકર કરે કે એકની એક દીકરીને જોખમમાં શા માટે નાખવી? પણ હેતવી ખુદ ઉત્સાહપૂર્વક નીતનવાં સાહસ માટે પપ્પાને તૈયાર કરતી રહે છે.

હકીકતમાં ડી. જી. ખેતાન ઇન્ટરનેશનલ સ્કુલની નવમા ધોરણની વિદ્યાર્થિની હેતવીએ જ પપ્પાની તરણ પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની પ્રેરણા આપી. વિનયભાઇ કહે છે: "મને નાનપણથી તરવાનો શોખ. સાતમા, આઠમા ધોરણથી જ તરવા જવા માંડ્યો હતો, પણ એ સ્વિમિંગ પુરતો જ હોવાથી સાત વર્ષની થઇ, ત્યારે હું એને સ્વીમીંગ શીખવવા માંડ્યો. ૨૦૧૧નું વર્ષ હતું એ. તેણે સ્વીમીંગ પુલથી આગળ વધીને ઓપન વૉટરમાં સ્વીમીંગ શરૂ કર્યુ. તેણે દરિયાના પાણીમાં એક-એક કિલોમીટર તરવાથી શરૂઆત કરી. એનું જોઇને મને ય રસ પડ્યો. કહો કે દીકરી પરથી જ મને પ્રેરણા મળી. ૨૦૧૨ના ડિસેમ્બરના કિવલા બીચ પર ત્રણ કિ.મી. તરવાની રાજ્ય સ્તરીય સ્પર્ધાથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તો મેં દીકરી સાથે તેર-તેર તરણ સ્પર્ધામાં ભાગ લીધો. અત્યાર સુધી હું કુલ ૩૨ સ્વીમેથોનમાં સ્પર્ધક રહી ચૂક્યો છું.

"આટલી બધી સ્પર્ધામાં ભાગ લીધો, તો ક્યારેય કોઇ અકસ્માત, ઇજા કે તકલીફ?

"ના ક્યારેય નહીં આનો શ્રેય હું મારા અને હેતવીના ટ્રેઇનર રાજુ પાલકર સરને આપીશ. હકીકતમાં ઑપન વૉટર એક એડવેન્ચર સ્પોર્ટ્સ છે. આમાં છલોછલ આત્મ-વિશ્ર્વાસ, ભરપૂર માનસિક શક્તિ અને અમાપ સહન-શક્તિ અનિવાર્ય છે.

સદ્ભાગ્યે હેતવીને ક્યારેય કોઇ મુશ્કેલી કે તકલીફ નડી નથી. આના મૂળમાં મેં આપેલી તાલીમ અને એની મહેનત છે. એક નાનકડો રંજ છે ખરો. ૨૦૧૭ના ઑગસ્ટમાં વિશ્ર્વની સૌથી લાંબી નદીમાં તરવાની સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. આમાં બાર કલાકમાં ૮૧ કિલોમીટરનું અંતર પૂરું કરવાનું હતું, પરંતુ હું ૭૬ કિલોમીટર જ પાર કરી શક્યો. મેં વિનંતી કરી સમય વધારી આપવાની, પણ એનો સ્વીકાર નહોતો થયો.

"તમે અને હેતવી ઘણી સ્પર્ધામાં ભાગ લઇ ચૂક્યા છો આ કઇ રીતે શક્ય બને છે?

"ઓપન વૉટર સ્વિમિંગ સરળ નથી. બધા તરવૈયા એમાં ભાગ લઇ ન શકે. અમારી ધગશ, તાલીમ અને આકરી મહેનતને પ્રતાપે જ મહારાષ્ટ્રના સ્પર્ધક તરીકે અમારા બન્નેની પ્રતિષ્ઠિત મુર્શીદાબાદ ઇવેન્ટ માટે પસંદગી થઇ હતી. આ વિશ્ર્વની સૌથી અઘરી અને લાંબી રિવર રેસ છે, જે અમે સફળતાપૂર્વક પૂરી કરી. ૨૦૧૭ના નવેમ્બરમાં અમે પટણા પાસેથી ગંગા નદીમાં તેર કિ.મિ. તર્યા હતા. આ સ્પર્ધામાં હેતવી છઠ્ઠ ક્રમે આવી હતી. આ બન્ને કોમ્પિટિશનમાં હેતવી સૌથી નાની ઉંમરની સ્પર્ધક હતી. મેં પણ એ સ્પર્ધાના ૭૬ કિ.મિ. ના વર્ગમાં ભાગ લીધો હતો.

"તમે અને હેતવીએ ભાગ લીધો હોય એ સ્પર્ધાઓની વિગત આપશો? બન્નેએ તરવા ઉપરાંતની રમતમાં ય ભાગ લીધો છે ને?

"હા, મેં ૩૨ ઓપન વૉટર સ્વીમેથોનમાં અને બે મેરેથોનમાં ભાગ લીધો છે. હેતવીએ તો ૧૩ સ્વીમેથોનમા,ં બે ટ્રાયથ્લોન (જેમાં મોટેભાગે સ્વિમિંગ,સાઇકલિંગ અને રનિંગ હોય)માં એક સાઇકલિંગ અને સાત મેરેથોન ઇવેન્ટમાં ભાગ લીધા છે. આ બધી રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધા મુંબઇ, માલવણ, પોરબંદર, ગોવા, પટણા અને પશ્ર્ચિમ બંગાળમાં યોજાઇ હતી.

"સ્વિમિંગના ભારતીય ઇતિહાસમાં જવલ્લે જ તમારી જેમ પિતા-પુત્રીના નામ જાણીતા થયા છે. આગળ માટે કોઇ સપનું છે ખરું?

"હા, બન્ને સાથે ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું સપનું જોઇએ છીએ. લંડનથી ફ્રાંસ વચ્ચેનું ૩૬ કિ.મિ.નું અંતર પૂરું કરવાનું પરાક્રમ ૪૨-૪૩ સ્પર્ધક જ કરી શક્યા છે. અત્યારે અમે આની તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આમ પણ ૧૬ વર્ષની થયા બાદ જ હેતવીને ઇંગ્લિશ ચેનલ તરવાની છૂટ મળશે. ઇંગ્લિશ ચેનલમાં પાણી બહુ ઠંડું હોય છે. જેલી ફિશ હોય. એટલાંટિક મહાસાગરમાં તો શાર્ક પણ મળે ઇંગ્લિશ ચેનલની પ્રેક્ટિસ રૂપે અમારે આફ્રિકાના કેપટાઉનની રોબિન આઇલેન્ડ ચેનલ ક્રોસ કરવી છે. ત્યાં કુલ અંતર ૧૮ કિ.મિ. નું છે, પણ અલગ-અલગ અંતરના છ રૂટ છે, આમાંથી શક્ય એટલા વધુ રૂટ ક્રોસ કરવાની ઇચ્છા છે.

પિતા અને પુત્રી વારંવાર આવી જળદાર પડકાર ઝિલતા હશે, ત્યારે શિક્ષિકા શીતલ શાહ શું વિચારતા હશે? આ પિતા-પુત્રીની જોડી હીરાની જેમ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતીઓનું નામ રોશન કરે એવી શુભેચ્છા.

-------------------------

હેતવી શાહનાં શોખ ને સપનાં

તેર વર્ષની હેતવી વિનય શાહ આજકાલની ટીનએજર કરતા ઘણી અલગ છે. ફિલ્મ જોવા જાય અને શોપિંગ ગમે પણ બ્યૂટી પાર્લર કે સોશિયલ મીડિયામાં જરાય રસ નથી.

એના શોખમાં આવે સ્વિમિંગ, રનીંગ, સાઇક્લિગં અને ફરવા જવાનું સપનું શું? મોટી થઇને એકલા ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરવી છે મારે. ઉ ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56042d03
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com