18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઢ હાર્યા, કોડ જીત્યા

ગરીબ રિક્ષાવાળાની છોકરી, શરીર પર કોઢ (સફેદ ડાઘ)ની બીમારી, આ બીમારીની દવા કરવામાં જે શારીરિક તકલીફ પડે એ તો ભોગવવાની જ, પણ ઘરની બહાર નીકળો ત્યારે લોકોની ઉપેક્ષાભરી કે સહાનુભૂતિવાળી નજરથી જે માનસિક અને સામાજિક પીડા થાય એ સહન કરતાં કરતાં ભણવું અને છતાંય એવા મુકામે પહોંચવું જ્યાં વિદેશી યુનિવર્સિટી તમને પૂર્ણ શિષ્યવૃત્તિ આપીને માનપૂર્વક પોતાને ત્યાં ભણવા બોલાવે. ખરેખર,કોઢ હોય તો શું થઇ ગયું,ગરીબી હોય તો શું થઇ ગયું હોશિયારી, સાચી લગન અને મહેનત હોય તો સહુના કોડ પૂરા થાય છે. હિંમતે મર્દા તો મદદે ખુદા!

વાત છે મહિને માંડ દસ હજાર કમાતા પુણેના એક રિક્ષાવાળા અરુણ ભોઇતેની દીકરી ઋતુજાની. આજે તમે ઋતુજાને બોલતા સાંભળો તો તમે માની જ ન શકો કે એક જમાનામાં લોકો સમક્ષ ઊભી રહેતા અચકાતી, સમાજ પોતાને સ્વીકરશે કે નહીં તેવી મૂંઝવણથી પીડાતી, શરમાળ અને અંતર્મુખી , ગરીબી અને શરીર પરના સફેદ ડાઘ (લ્યુકોડર્મા)થી પીડાતી છોકરી તમારી સમક્ષ ઊભી છે. નાનપણમાં દરેક ગરીબના સંતાન ભણે છે એમ પુણેની એક મ્યુનિસિપલ શાળામાં ભણી,પણ ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી નવમા ધોરણ પછી એને અવાસરા એક્ેડેમીમાં દાખલ કરવામાં આવી. આ સંસ્થા ભણવામાં ખૂબ હોશિયાર હોય તેને ભણાવે છે અને વિદ્યાર્થીઓને જરૂરત હોય તો આર્થિક સહાય પણ પૂરી પાડે છે.

સાલ ૨૦૧૩માં તેની કારકિર્દીમાં એક સુખદ વળાંક આવ્યો. ટીચ ફોર ઇન્ડિયા નામની સંસ્થા દ્રારા ચાલતા એક સંગીતસભર માયા નામક કાર્યક્રમમાં મુખ્ય પાત્ર ભજવવાની તક મળી. આ કાર્યક્રમમાં પુણેની વિવિધ શાળાઓમાંથી બીજા ત્રીસ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બાદ ઋતુજાના વિચારો ઘણા બદલાઇ ગયા. અત્યાર સુધી અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિની ગણાતી આ છોકરીનો આત્મવિશ્ર્વાસ વધ્યો, નવા નવા લોકો સાથે વાતચીત કરવાની હિંમત કેળવાતી ગઇ. સાથે સાથે એને એ સમજણ પણ આવતી ગઇ કે શાળામાં ભણવું એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન મેળવવું એ નહિ, પરંતુ અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઇને પણ પોતાનો આત્મવિશ્ર્વાસ બુલંદ કરવો જોઇએ.

ત્યાર બાદ તો તેણે ટીચ ફોર ઇન્ડિયા અંતર્ગત ઘણા કાર્યક્રમોમાં હોંશપૂર્વક ભાગ લીધો, ઘણા સ્ટ્રીટ પ્લે (શહેરની શેરીઓમાં ભજવાતા નાટકો)માં કામ કર્યું, જેમાં જાતીય સતામણીથી લઇ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સુધીના ભાતભાતના વિષયો ચર્ચાતાં અને ભજવાતાં હતાં. આવા જ એક કાર્યક્રમ દરમ્યાન તેની કારકિર્દીમાં બીજો વળાંક આવ્યો. એક વિદ્યાર્થી જોડે મુલાકાત થઇ જેણે ઇટાલીમાં યુ.ડબલ્યુ.સી. ( યુનાઇટેડ વર્લ્ડ કોલેજ)માં શિક્ષણ લીધું હતું. ભણવામાં અતિ હોશિયાર એવી ઋતુજાને પણ અહીં ભણીને પોતાની કારકિર્દી બનાવવાની ઇચ્છા થઇ. તેની શાળાના ઘણા શિક્ષકોની મજાક , ઉપેક્ષા અને વિરોધ સહન કરીને પણ આ કોલેજમાં દાખલ થવા માટેની પરીક્ષાની તૈયારી કરવા માંડી. જોકે, ટીચ ફોર ઇન્ડિયાના એક શિક્ષક આર. જી. કાર્તિકે તેને ઘણું પ્રોત્સાહન અને પીઠબળ પૂરું પાડ્યું.

આખરે એણે આ કઠિન દ્વિસ્તરીય પરીક્ષા પાર પાડી ખરી. પહેલાં ટેસ્ટ પાસ કરી, ત્યાર બાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ પાસ કર્યો, પછી કોલેજવાળાઓએ ઇન્ટરવ્યૂ લીધો. ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી અને ગૃપ ડિસ્કશન્સ (ચર્ચા વિચારણા )પણ થયા. દરેક વખતે એ પોતાની હોંશિયારી, મહેનત અને આત્મવિશ્ર્વાસથી એક એક ડગલું આગળ વધતી ગઇ. અંતે એક દિવસ સારા સમાચાર આવ્યા. સંપૂર્ણ શિષ્યવૃત્તિ સાથે એને થાઇલેન્ડની યુનાઇટેડ વર્લ્ડ કોલેજમાં ભણવા માટે આમંત્રણ મળ્યું. આ કોલેજમાં બે વર્ષના કોર્સ દરમ્યાન એ જીવવિજ્ઞાન, ગણિત અને ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કરશે. ઋતુજાના માબાપનો તો હરખ સમાતો નથી. રિક્ષા ચલાવીને માંડ માંડ ઘરનું પુરુ કરતાં તેના પિતા અરૂણ તો ઋતુજાને ફટફટ અંગ્રેજી બોલતા જોઇને એટલા ખુશ થાય છે કે ન પૂછો વાત. એમની છોકરીને ઉચ્ચસ્તરીય શિક્ષણ મળશે એ પોતાની આવક જોતાં કદીયે અરુણભાઇએ કલ્પ્યું ન હતું. ઋતુજાની માતા નંદાએ પણ ઘરે બ્યુટી પાર્લર ચલાવીને આવક વધારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નિષ્ફળ નીવડ્યો હતો. તેમને પીઠનો દુખાવો વધી જતાં બ્યુટી પાર્લર બંધ કરવું પડ્યું હતું. ક્યારેક અરૂણ શાકભાજી લઇને આવે તો રસ્તા પર વેચવા તેના માબાપ બેસતાં જેથી ઘરની આવકમાં થોડોક વધારો થાય. આર્થિક પરિસ્થિતિ તો કંગાળ હતી જ, પણ ઋતુજાની ચામડી પર સફેદ ડાઘ દેખાવા લાગ્યા હતાં એનાથી એણે માનસિક ત્રાસ પણ ખૂબ સહન કર્યો હતો. આ બીમારીને મટાડવા જે દવાઓ લેવી પડતી એનાથી એના શરીરે પણ ખૂબ વેદના સહન કરવી પડતી હતી. કોઇ એક જ વ્યક્તિ જે આર્થિક, શારીરિક અને માનસિક દરેક રીતે સહન કરતી હોય તો એ આ ઋતુજા હતી. આવા વાતાવરણમાં અનેક સમસ્યાઓ સાથે અને સમાજ એનો સ્વીકાર કરશે કે નહીં એવી ચિંતામાં ભણવું અને સાથે ઉચ્ચ ક્રમાંકે પાસ પણ થવું એ ખરેખર મુશ્કેલ કામ હતું જે ઋતુજાએ પાર પાડ્યું. મ્યુનિસિપાલિટીની શાળાથી માંડીને આંતરરાષ્ટ્રીય ધોરણ ધરાવતી કૉલેજમાં નિ:શુલ્ક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું આમંત્રણ. ખરેખર ઋતુજાની લગન અને મહેનત રંગ લાવી ખરી.

ઋતુજાને જીવનમાં આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહિત કરનાર શિક્ષક આર.જી. કાર્તિક કહે છે કે ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૫માં એ પ્રથમ વાર ઋતુજાને મળ્યા ત્યારે એ જોઇને અચંબામાં પડી ગયા હતા કે આ છોકરી ભણવામાં તો અવ્વલ છે જ સાથે સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ આગળ છે. તે એકદમ નમ્ર છોકરી છે. સાથે સાથે નેતાગીરીના પણ તમામ ગુણો તેનામાં છે. તેના શરીર પરના ડાઘને કારણે ઘણી વાર લોકો તેની સાથે એવું વર્તન કરતાં, તેની એવી હાંસી ઉડાવતાં કે તે રડી પડતી, પણ આ સઘળું સહન કરીને તેણે આજે લાંબી ફાળ ભરી છે. તેની અંદર જે ગુણ હતાં એ ટીચ ફોર ઇન્ડિયા દ્વારા બહાર લાવવામાં આવ્યા. બાકી, સાધારણ શાળાઓમાં તો આવી પ્રતિભાઓ ક્યાંય દબાઇ જાય.

સાચે જ દેશ અને દુનિયામાં ઘણી પ્રતિભાઓ હશે છે જે ઋતુજાની જેમ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી હશે. આવી પ્રતિભાઓને નિખારવા કોઇ સારો પ્રશિક્ષક કે માર્ગદર્શક મળી જાય તો પછી પોતાની મહેનત અને લગનથી કોઢભરી ક્ધયા હોય તો પણ પોતાના બધાં જ કોડ પૂરા કરી શકે ખરાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3g4X843b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com