14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સપનું ઊંચી ઉડાન ભરવાનું

કવર સ્ટોરી-કાજલ રામપરિયાભારતની એક દીકરીને પોતાનું સપનું પૂરું કરવું હોય અને આખો સમાજ તેના એ સપનાનો દુશ્મન હોય પણ આખરે દીકરીની તેના સપના પ્રત્યેની લગન અને તેનું મનોબળ જોઈને સમાજની પરવાહ કર્યા વિના પરિવાર પણ એ મક્કમ દીકરી સામે ઘૂંટણીયે ન પડે તો જ નવાઈ.

આવા સંજોગોમાં લડવું વધુ અઘરું થઈ પડતું હોય છે, કારણ કે તમને ખબર છે સામેના પક્ષમાં તમારા દુશ્મનો નહીં પણ તમારા પોતાનાઓ જ છે. આવી જ કંઈક પરિસ્થિતિનો સામનો કરીને કાશ્મીરની ૩૦ વર્ષીય દીકરીએ પોતાનું સપનું પૂરું કર્યું અને આ દીકરી એટલે બીજી કોઈ નહીં પણ કાશ્મીરની પહેલી કમર્શિયલ પાઈલટ ઈરામ

હબીબ છે.

બાળપણમાં જ ઈરામની નાનકડી આંખોએ સપનું જોયું તો આકશમાં ઉંચે ઉંચે ઉડાન ભરવાનું અને કૉલેજની કેડી પર પહોંચેલી ઈરામના આ સપનાને પિતાએ મહેનત અને હિંમતનું પાણી સિંચીને ઉછેર્યું.

શ્રીનગર શહેરમાં જન્મેલી ઇરામે જ્યારે બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પોતાના પાઇલટ બનવાના સપના વિશે તેના માતા-પિતાને જણાવ્યું હતું.

તેને લાગ્યું હતું કે આ સપનું પૂરું કરવા માટે મમ્મી અને પપ્પા બંને તેનો સાથ આપશે, પણ થયું એકદમ એની ધારણાથી વિપરીત. પણ પેલું કહેવાય છે ને કિનારા પર પહોંચવાના લક્ષ્ય સાથે સમુદ્રમાં ઉતારેલી નાવડીને પણ કિનારે પહોંચવા માટે સમુદ્રના તોફાની મોજાઓનો સામનો કરવો જ પડે છે. આ તો ઈરામ હતી, એમ કંઈ ઓછું પોતાનું નાનપણના સપનાને તૂટી જવા દેવાની હતી. ઈરામના પિતા મૂળ વેપારી છે.

એક તો પોતે કાશ્મીરની અને એમાં પણ મુસ્લિમ પરિવારમાંથી હોવાને કારણે સગાંવહાલાઓએ તો ઈરામના સપનાની ઠેકડી જ ઉડાવવા માંડી. જ્યારે દીકરીની ચિંતા માતાને ન થાય તો બીજા કોને થાય? કાશ્મીરની સંવેદનશીલ હાલત અને ગમે ત્યારે ફાટી નીકળતાં તોફાનને ધ્યાનમાં લઈને ઈરામની માતા તો ઈરામ ખૂબ જ ભણીને વનસંવર્ધનમાં પીએચડી કરે અને એક સારી સરકારી નોકરી મેળવી લે જેથી લગ્ન બાદ તેના જીવનમાં કોઇ મુશ્કેલીઓ ન આવે, તે પોતે પગભર રહી શકે એવું ઈચ્છતી હતી.

જો એક માતા-પિતાની દૃષ્ટિએ વિચારીએ તો ઈરામના માતા-પિતાનો ભય અને ચિંતા સાચી ગણી શકાય, પણ ઈરામને માતા-પિતાની ચિંતા કે સગાંવહાલાઓની ઠેકડી સ્પર્શી સુદ્ધાં નહીં. અલબત્ત પોતાના સપનાને માતા-પિતાનું સપનું બનાવવામાં ઈરામને છ વર્ષનો સમય લાગ્યો.

આખરે ઇરામે દહેરાદૂનથી બેચલર્સ ઇન ફોરેસ્ટ્રી (વનવિજ્ઞાન)ની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ કાશ્મીરમાં આવેલી શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, સાયન્સ ઍન્ડ ટેકનોલોજીમાંથી ફોરેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું હતું.

ભલે તેણે વનવિજ્ઞાનમાં ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી હતી, પણ મનમાં હજી ક્યાંક પાઈલટ બનવાની ઈચ્છા તો હતી. એક તરફ પરિવારની ઈચ્છા અને બીજી બાજું પોતાનું બાળપણનું સપનું. બંને વચ્ચે જગલિંગ કરી રહી હતી ઈરામ. ઈરામે પરિવારના સપનાની કેડી પર પગ માંડીને બીજી બાજું પોતાના પાઈલટ બનવાના સપના પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું.

આ વિશે ઇરામ કહે છે કે ‘મેં પરિવારનું માન રાખીને પીએચડી માટે એડમિશન તો લઇ લીધું હતું પણ અચાનક જ જાણે પૂરી કાયનાત મને મારી મંજિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહી હોય એવું લાગ્યું અને મને અમેરિકાની ફ્લાઇટ સ્કૂલમાં પાઇલટ બનવાની તાલીમ માટે અમેરિકા જવાની તક મળી હતી. હાથમાં આવેલો સોનેરી મોકો હું કેમ છોડી શકું? તેથી આ તકને મેં એળે જવા ન દીધી. અમેરિકામાં મેં ખૂબ જ મહેનત કરીને ત્યાંની દરેક પરીક્ષાઓ પાસ કરી હતી. પ્લેન ઉડાવવા માટે જરૂરી કમર્શિયલ લાઇસન્સ મેળવવા મને ૨૬૦ કલાકનો પ્લેનને ઉડાવવાનો અનુભવ હોવો અનિવાર્ય હોવાથી મેં અમેરિકા અને કેનેડામાં કામ કર્યું હતું, જેથી મને ભારતમાં પણ કમર્શિયલ લાઇસન્સ મળી ગયું હતું.’

અને વર્ષ ૨૦૧૬ સુધીમાં અમેરિકાના મિયામીમાં પાયલેટ બનવાની ટ્રેનિંગ લઇને ભારત પાછી ફરી.

જો ઇરામની ઇચ્છા હોત તો તે અમેરિકા અને કેનેડામાં પાઇલટ તરીકે કામ કરી શકત, પણ તેણે એવું ન કરતાં ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. આમ જોવા જાઇએ તો ભારતમાં કલાની કમી નથી, પણ વધુ પૈસા મેળવવાની લાલચમાં લોકો પોતાના દેશને છોડીને વિદેશમાં વસવાટ કરવા જતાં રહે છે, જેથી આપણા દેશનું ટેલેન્ટ વિદેશમાં વપરાય છે અને વિકાસશીલ દેશને વિકસિત થતાં આવા લોકો જ રોકે છે.

ઇરામની હિંમ્મતની તો દાદ દેવી પડે હોં ભાઇ! તેને કેનેડા અને અમેરિકા જેવા દેશમાં કામ કરવાની તક મળતી હોવા છતાંય સ્વદેશ તેની પ્રાથમિક પસંદ હતી.

પાયલોટની તાલીમ મેળવ્યા બાદ પણ ઇરામના મિત્રો તથા પરિવારની માનસિકતા હજુ પણ બદલાઇ નહોતી. કાશ્મીરની છોકરીને ભારત જેવા દેશમાં પાઇલટની નોકરી કોણ આપશે! એવું વિચારનારા લોકોની વાતોને અવગણતા ઇરામના પિતાએ તેનો સાથ આપ્યો.

ઇરામ તેના સપનાને સાકાર કરતાં કહે છે કે ‘મારા પરિવારજનોને તો હજુ વિશ્ર્વાસ નથી થઇ રહ્યો કે હું એરક્રાફ્ટને ઉડાવી શકું છું. મેં અમેરિકા ઉપરાંત દુબઇ અને બહેરીનમાં પણ પાઇલટ માટેની તાલીમ મેળવી હતી અને ત્યાં આઈરબુસ-૩૨૦ ઉડાડવાની ટ્રેનિંગ પણ લીધી છે. જ્યારે હું અમેરિકામાં તાલીમ મેળવી રહી હતી ત્યારે ત્યાંના બધા લોકો અચંબિત હતાં કે કાશ્મીરી છોકરી પણ પાઇલટ બનવા માટેના સપનાં જોઇ શકે ખરી! પણ આ વાત પર જેમ તેમ કરીને વિશ્ર્વાસ મૂકીને કોઇપણ જાતના ભેદભાવ કર્યા વગર મને તાલીમ આપવામાં આવતી હતી.’

ઇરામના મનસૂબા મુશ્કેલીઓના સમયમાં પણ ડગમગ્યા નહીં અને છેવટે તેણે પોતાના સપનાઓને ઉડાન આપી અને ઈરામ કાશ્મીરની સેંકડો યુવતીઓ કે જેઓ સપનાં જોવાની હિંમત રાખે છે તેમના માટે ચોક્કસ જ પ્રેરણારૂપ બની છે.

ઇરામ લાખો એવી છોકરીઓની પ્રેરણા બની ગઇ કે તમારી અંદર હિમ્મત હશે તો તમે ધારો એ કરી શકો છો, પછી સમાજ વિલન બને કે ઘરવાળાઓ સપનાઓને ફરક પડવો જોઇએ નહીં!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

206202r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com