18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણેશોત્સવ: શિવસેના-મનસે વચ્ચે પોસ્ટરવૉર જામ્યું

સંક્ષિપ્ત સમાચારમુંબઈ: ગણેશોત્સવના વિવાદ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ શિવસેના પર હુમલો કર્યો છે. મનસેએ શિવસેના ભવન બહાર પોસ્ટર લગાડ્યું હતું. પોસ્ટરમાં ‘અયોધ્યા જઇને શ્રીરામ મંદિર જરૂર બનાવો...પણ તે પહેલા મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડપ બાંધો’, એમ લખવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન રસ્તા પર મંડપ બાંધવા પર મુંબઈ હાઇ કોર્ટે પ્રતિબંધ મૂકેલો છે, તેથી અનેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં નારાજગીનું વાતાવરણ છે. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પર હોવા છતાં શિવસેના આ અંગે ચૂપ રહી હોવાનો આરોપ મનસેએ કર્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ જ મહિનામાં અયોધ્યા જવાના હોવાની ચર્ચા છે. તમને અયોધ્યામાં જવું હોય તો જાવ, પરંતુ પહેલા ગણેશોત્સવ માટે આવશ્યક મંજૂરી અમને આપો, એમ મનસેના નેતાએ જણાવ્યું હતું.

કારની તોડફોડ કરનાર ત્રિપુટીની અટક

થાણે: થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં રહેતી પ્રેમિકાને કારમાં છોડવા માટે આવેલા યુવકની ગાડીને બાઇક પર આવેલી ત્રિપુટીએ રોકીને ધક્કામુક્કી કરી તલવારથી ગાડીના કાચ ફોડ્યા હોવાની ઘટના બની હતી. આ અંગેની ફરિયાદ અમર ઘરત નામના યુવક દ્વારા વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણેય બાઇકસવારની અટક કરી હતી. આરોપીની ઓળખ અંકુશ ભદર્ગે, રાજેશ ગોલબિંડે અને નિરંજન પરબ તરીકે થઇ છે. આ ત્રણેય મિત્રના જન્મદિવસનો કેક કાપવા માટે તલવાર લઇને જઇ રહ્યા હતા. દરમિયાન અમર પ્રેમિકાને તેના ઘરે છોડીને અંબિકા નગરમાં આવેલા પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. દરમિયાન બાઇકસવાર ત્રિપુટીએ તેની કારને રોકી હતી અને ધક્કામુક્કી કરીને તલવારથી ગાડી ફોડીને ભાગી છૂટ્યા હતા. ફરિયાદ દાખલ થતા જ વાગળે ઇસ્ટેટ પોલીસે ત્રણેયની અટક કરી હતી.

સપ્ટેમ્બર સુધીમાં મુમ્બ્રા બાયપાસનું કામ પૂરું થશે

મુંબઇ: મુમ્બ્રા બાયપાસ બંધ કર્યા પછી પ્રવાસીઓની નિરંતર વધેલી સમસ્યા બાદ પ્રશાસનને વહેલા તે પહેલાના ધોરણે કામ પૂરું કરવા માટે કમર કસી છે ત્યારે બાયપાસના રસ્તાનું કામ દસમી સપ્ટેંબર સુધી પૂરું થઇ જશે એવી ખાતરી જાહેર બાંધકામ વિભાગે આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બાયપાસના રસ્તાનું કામ પૂરું ન થાય ત્યાં સુધીમાં પ્રશાસન દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાલ પૂરતા વધારે ટ્રાફિક પોલીસને તહેનાત કરવા, રસ્તા પરના ખાડા પૂરવા તથા હાલની સમસ્યા દૂર કરવા માટે તાકીદના પગલાં ભરવામાં આવશે. હાલમાં વાહનચાલકોને થાણેથી મુંબઈ, નવી મુંબઈ, ભિવંડી અને કલ્યાણ સુધી અવરજવર કરવામાં ટ્રાફિકની મુશ્કેલી પડે છે. આઠમી મેથી શરૂ થયેલા મુમ્બ્રા રેતીબંદરથી વાય જંક્શન સુધીના સાત કિલોમીટરનું કામ શરૂ કર્યું હતું. આ સાત કિલોમીટરના પટ્ટામાં 250થી 300 મીટરના રેલ ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે. જોકે, ભારે વાહનો મોટા ભાગે કલવા બ્રિજ, થાણે-બેલાપુર રોડ, કલ્યાણ શિલફાટા રોડ અને ઘોડબંદર રોડ પર પીક અવરમાં ટ્રાફિકજામ રહે છે.

મુંબઈની યુનિવર્સિટીને ડૉ. હોમી ભાભાનું નામ અપાશે

મુંબઈ: દક્ષિણ મુંબઇની કૉલેજોનો સમાવેશ કરતી પહેલા કલસ્ટર યુનિવર્સિટીનું નામ ડૉ. હોમી ભાભા યુનિવર્સિટી નામ અપાશે, આ બાબતે આગામી અમુક મહિનામાં કેન્દ્ર તરફથી જાહેરનામું આવી શકે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ બાકાત કરતાં રાજ્યની સૌપ્રથમ કલસ્ટર યુનિવર્સિટીમાં સિડેનહામ, એલ્ફિન્સ્ટન અને બી.એડ. (બૅચલર ઑફ એજ્યુકેશન)ની સરકારી કૉલેજનો સમાવેશ થશે તે ઉપરાંત ભવિષ્યમાં સો એક કૉલેજ જોડાઇ શકે છે. અત્યારે મુંબઇ યુનિવર્સિટીથી જોડાયેલી કૉલેજો આ નવી યુનિવર્સિટીથી જોડાઇ શકે છે, એમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના ડાયરેક્ટર વસંત હેલવીએ જણાવ્યું હતું.

કલિનાના કેમ્પસના શૌચાલયમાં વિદ્યાર્થિનીની છેડતી

મુંબઈ: કલિના કેમ્પસના શૌચાલયમાંં મુંબઈ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીની અજાણી વ્યક્તિએ છેડતી કરી હતી. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. આ અંગે વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ અંગે હજુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દિનેશ કાંબળેના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની કંઇ પ્રતિક્રિયા આપે તે પહેલા જ આરોપી તેને ધક્કો આપીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાસ્થળની નજીક સીસીટીવી કૅમેરા ન હોવાથી આરોપીને ઓળખવામાં સમસ્યા થઇ રહી છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

30 લાખના નશીલા પદાર્થ હેરોઈન સાથે શખસ પકડાયો

મુંબઈ: અંદાજે 30 લાખના નશીલા પદાર્થ હેરોઈનની ડિલિવરી કરવા અંધેરી પહોંચેલા શખસને પોલીસે પકડી પાડ્યો હતો. અંબોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રાકેશ ગોવર્ધનલાલ હિલોરિયા ઉર્ફે ધોબી તરીકે થઈ હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હોઈ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

એક શખસ ગ્રાહકો સુધી હેરોઈન પહોંચાડવા માટે અંબોલી પોલીસની હદમાં આવવાનો હોવાની માહિતી સબ-ઈન્સ્પેક્ટર દયા નાયકને મળી હતી. માહિતીને આધારે પોલીસે ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. શંકાસ્પદ જણાયેલા હિલોરિયાને તાબામાં લઈ અંગઝડતી લેવામાં આવી હતી. તેની પાસેથી 1.05 કિલો હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત 30 લાખ રૂપિયા હોવાનું પોલીસનું કહેવું છે.

પત્નીની હત્યાના કેસમાં પતિને આજીવન કેદ

થાણે: થાણેની કોર્ટે 31 વર્ષીય રિયલ એસ્ટેટ એજન્ટને 2015માં પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવી હતી. ન્યાયાધીશ પી. પી. જાધવે આરોપી મુકેશ ભંડારીને રૂ. 60,000નો દંડ પણ ફટકાર્યો હતો. સરકારી વકીલે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 26 વર્ષીય પીડિતા તેની માતા અને બહેન સાથે કલ્યાણમાં રહેતી હતી. 2015માં ભંડારીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેની વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને જામીન આપ્યા બાદ તેણે 2015ના એપ્રિલ મહિનામાં પીડિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદ ભાંડારીએ પત્નીની હત્યા કરી તેના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો. બીજી તરફ ભંડારીએ પીડિતાના પરિવારને જણાવ્યું હતું કે તે ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઇ છે. જોકે, પીડિતા તેના ઘરે ન પહોંચતા પરિવારે કલ્યાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ભિવંડીના યેવરી ગામની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ભંડારીએ જ પત્નીની હત્યા કરી હોવાનું કોર્ટમાં સાબિત થઇ જતા ન્યાયાધીશે તેને સજા ફટકારી હતી. (પીટીઆઇ)

ટ્રેનના દરવાજા પર અશ્ર્લીલ ચાળા કરનારા પ્રવાસીનો વીડિયો વાઈરલ: રેલવે પોલીસ એલર્ટ

મુંબઈ: સોશિયલ મીડિયા પર લોકલ ટ્રેનમાં દરવાજા પર ઊભા રહીને અશ્ર્લીલ ચાળા કરી રહેલાં પુરુષોનો વીડિયો અંગે રેલવે પ્રવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ બંને પ્રવાસી સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યારે અને કોણે શૂટ કર્યો છે તેની કોઈ માહિતી હજી મળી નથી, પણ વીડિયોમાં સંભળાઈ રહેલા એનાઉન્સમેન્ટના અવાજ પરથી આ વિડિયો મધ્ય રેલવેના ભાયખલા સ્ટેશનનો હોવાનું સ્પષ્ટ થયું હતું. વીડિયોમાં એક પુરુષ પીળા રંગની થેલી સાથે અને મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે, જ્યારે બીજો પુરુષ અશ્ર્લીલ ચાળા કરી રહ્યો છે. 29 સેક્ધડના આ વીડિયોની રેલવે પોલીસે પણ નોંધ લીધી છે અને આરોપીની તપાસ હાથ ધરી છે. આરોપીને પકડીને તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, એવું રેલવે પોલીસે જણાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8E80780
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com