21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતીય ક્રિકેટ કૉટ ઍન્ડ બૉલ્ડ સુપ્રીમ કૉર્ટ

કવિ કલાપીની પંક્તિ ‘જે પોષતું તે મારતું’ કંઇ કેટલીય પરિસ્થિતિમાં બંધબેસતી હોય છે. આજે હવે એને બીસીસીઆઇ સંબંધે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા સંદર્ભે ટાંકવાનું મન થાય. આ એ જ સુપ્રીમ કૉર્ટ છે જેણે થોડા વર્ષો પહેલાં બીસીસીઆઇમાં ધરમૂળથી સુધારા કરવા માટેના આર.એમ. લોઢા સમિતિની તમામ ભલામણનો શબ્દશ: અમલ કરવાનો આદેશ આપીને ભલભલા ચમરબંધીની હવા કાઢી નાખી હતી. ભારતીય ક્રિકેટને રીતસરની ગટર બનાવી નાખી હતી તેના વહીવટકારોએ. આ વહીવટકારો એટલે મૂળમાં રાજકારણીઓ. દેશમાંના રાજકારણ કરતાય ગંદું રાજકારણ ક્રિકેટમાં આવી ગયું હતું. એમાં આશાનું કિરણ બન્યો ભૂતપૂર્વ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરના વડપણ હેઠળની બૅન્ચનો ચુકાદો. ક્રિકેટ બૉર્ડમાંના સ્થાપિત હિતોએ કંઇ કેટલા ઠેકડા માર્યા ને રિવ્યૂ પિટિશનો કર્યે રાખી પણ ઠાકુર ટસના મસ ન થયા. વિનોદ રાયના નેતૃત્વ હેઠળ વહીવટી સમિતિને બૉર્ડનો કારભાર સોંપાયો.

જોકે ભારતીય ક્રિકેટ જેવો મોટો દલ્લો જતો કરે રાજકારણીઓ? તેમણે ઠાકુરના નિવૃત્તિ પછી વધુ એક રિવ્યૂ પિટિશન કરી. ભારતના અદાલતી ઇતિહાસમાં બની ન એવી ઘટના બની. વર્તમાન સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બૅન્ચે પિટિશન દાખલ કરીને પછી જે ચુકાદો આપ્યો એ તો ન્યાયતંત્ર પરથી વિશ્ર્વાસ ઉઠાડી મૂકે એવો છે. તેમણે જસ્ટિસ લોઢાએ કરેલી મહત્ત્વની ભલામણોમાં એટલું બધું પાણી નાખી દીધું કે હવે તો આ આખી કવાયત અર્થહીન બની ગઇ. ખુદ જસ્ટિસ લોઢા ભડક્યા. તેમણે તો કહી નાખ્યું કે બીસીસીઆઇમાં સુધારાનો મૂળ પાયો જ ખસેડી નાખ્યો ચુકાદાએ.

ન્યાયમૂર્તિ લોઢાની બે ભલામણો હળવી કરાઇ જે નહોતી કરવી જોઇતી...ને હા, અગાઉના સીજેઆઇ ઠાકુરે વારંવાર સોઇ ઝાટકીને કહ્યું હતું કે લોઢા સમિતિની ભલામણોને હળવી નહીં જ કરાય. તો પછી કયો મોર કળા કરી ગયો કે આખો ચુકાદો જ ફરી ગયો? પહેલાં કઇ બે ભલામણો અસરહીન કરાઇ એ જાણીએ. એક તો એક રાજ્ય, એક મતની ભલામણ અને બીજી કૂલિંગ ઑફ્ફ પિરિયડની ભલામણ. પહેલી ભલામણને લીધે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન અને ગુજરાતના ક્રિકેટ એસોસિયેશનોને લાભ થશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન તથા ગુજરાતના ક્રિકેટ એસોસિયેશનો પર ક્યા વગદારોનું પ્રોક્સી રાજ ચાલે છે એ નામ અહીં લેવાની જરૂર નથી. જોકે કયો મોરલો કળા કરી ગયો એનો જવાબ છે રેલવે, યુનિવર્સિટી અને સર્વિસીઝના મતાધિકારને ફરી પ્રસ્થાપિત કરાયા છે એમાં. આ મતો સરકારના નિયંત્રણમાં છે. અગાઉના ચુકાદા મુજબ સરકારનું નિયંત્રણ સંપૂર્ણપણે નાબૂદ થઇ ગયું હતું. હવે નવા ચુકાદા પછી સરકારની ક્રિકેટમાંની મેલી રમત ફરી શરૂ થઇ જશે. ભારતીય ક્રિકેટમાં ફેલાયેલી ગંદકીનું મૂળ કારણ એ જ હતું અને હવે ભવિષ્યમાં પણ ફરી એ જ બનશે.

કોઇ પણ હોદ્દો છોડ્યા પછી અમુક સમય સુધી ફરી નવો હોદ્દો ન સ્વીકારવાની કૂલિંગ ઑફ્ફ પિરિયડની બીજી ભલામણનો એકડો કાઢી નાખ્યો સુપ્રીમ કૉર્ટે. જસ્ટિસ લોઢાની આ ભલામણ કરવા પાછળનો ઇરાદો હતો કે કોઇ ચોક્કસ વહીવટકારોના જૂથનો ક્રિકેટ બૉર્ડ પર એકાધિકાર ન સ્થપાય. જોકે કૉર્ટે એક હોદ્દો છ વર્ષ સુધી સંભાળવાની હા પાડીને ઇજારાશાહી માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.

હતાશ કરી દેનારો ચુકાદો છે સર્વોપરિ અદાલતનો. રેલવે, યુનિવર્સિટીઓ અને સર્વિસીઝને રણજી ટ્રોફી જેની સ્થાનિક સ્પર્ધાઓમાં ટીમ મોકલવાની સત્તા તો અપાઇ જ હતી. પરંતુ તેમને મતાધિકાર નહોતો અપાયો જેથી સરકાર પરોક્ષ રીતે પોતાની હકૂમત ક્રિકેટ પર ચલાવી ન શકે. જોકે દીપક મિશ્રાજી સરકાર પર મહેરબાન થઇ ગયા અને તેમણે બધી છૂટ આપી દીધી.

આ ઉપરાંત એક રાજ્ય, એક મતની ભલામણને કચરાટોપલીમાં નાખીને પશ્ર્ચિમ ઝોનને વધુ પડતી સત્તા આપી દીધી સર્વોચ્ચ અદાલતે. હવે મહારાષ્ટ્ર અને ગુજરાતના ત્રણ-ત્રણ મત થઇ ગયા. આની સામે બિહાર કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય પાસે એક જ મત. માત્ર નિયંત્રણ જ નહીં પણ આર્થિક દૃષ્ટિએ પણ આ સદંતર અન્યાય છે. દરેક ક્રિકેટ સંગઠનને સરખે ભાગે ભંડોળ બીસીસીઆઇ ફાળવે છે. આમ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોને ત્રણ સંગઠનને હિસાબે બિહાર કે ઉત્તર પ્રદેશની સરખામણીમાં ત્રણ ગણું ભંડોળ મળશે અને ભૂતકાળમાં મળતું પણ હતું.

ઠાકુરની સુપ્રીમ કૉર્ટ બેન્ચે ચુકાદાની સમીક્ષાની ના પાડી અને હવે મિશ્રાની બેન્ચે હા પાડી. આને કારણે એક ભયાનક ચીલો ચાતરવામાં આવ્યો છે. પાછું કોઇ મિશ્રાના ચુકાદા સામેની રિવ્યૂ પિટિશન લઇને સુપ્રીમ કૉર્ટમાં જશે. તો શું સર્વોચ્ચ અદાલત વારંવાર એકના એક ચુકાદાની સમીક્ષા કર્યા જ કરશે? બીસીસીઆઇના ચુકાદાનો સવાલ છે ત્યાં સુધી મિશ્રાજી નિવૃત્ત થયા પછી કોઇ ફરી સુપ્રીમમાં જાય ને અદાલત ચુકાદો ઊલટાવે તો નવાઇ નહીં. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ss3Ug17
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com