26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ 10નો અને ચાંદીમાં ₹ 25નો સુધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કીંમતી ધાતુઓમાં જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં સુધારો આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 25 અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 10 વધી આવ્યા હતા.

ચીનથી આયાત થતાં વધુ 200 અબજ ડૉલરનાં ચીની ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવામાં આવે તેવી શક્યતા ગઈકાલે અમેરિકી વહીવટીતંત્રએ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે આ ટેરિફ સંદર્ભે બે મહિના સુધી જાહેર ટીકા-ટિપ્પણી મગાવવામાં આવશે અને ત્યાર બાદ તેનો અમલ કરવામાં આવશે.

અમેરિકી વહીવટીતંત્રના આ નિર્દેશને ધ્યાનમાં લેતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વિશ્ર્વ બજારમાં ડૉલરમાં સલામતી માટેની માગ નીકળતાં યુઆન સામે ડૉલર 11 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, યુરો સામે ડૉલરમાં ટકેલું વલણ હતું.

અગાઉ અમેરિકાએ ચીનથી આયાત થતાં 34 અબજ ડૉલરના ઉત્પાદનો પર ટેરિફ લાદતાં ચીને પણ અમેરિકાથી થતી સમાન મૂલ્યની આયાતો પર ટેરિફ લાદી હતી અને હવે જો અમેરિકા નવેસરથી ટેરિફ લાદે તો ચીન પણ તેટલી જ માત્રાના ટેરિફનું અનુસરણ કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી

રહ્યાં છે.

આમ ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી 0.4 ટકા ઘટીને 1249.04 ડૉલર આસપાસ અને સોનાનો ઑગસ્ટ ડિલિવરી વાયદો આગલા બંધથી 0.4 ટકા ઘટીને ઔંસદીઠ 1250.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી એક ટકાના ઘટાડા સાથે 15.89 ડૉલર આસપાસના મથાળે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લે-વેચ મર્યાદિત રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ સાધારણ કિલોદીઠ રૂ. 10ના સુધારા સાથે રૂ. 39,130ની સપાટીએ રહ્યા હતા.

ચાંદીની જેમ સોનામાં પણ સ્ટોકિસ્ટોના વેપાર મર્યાદિત રહ્યા હતા તેમ જ જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 10 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 30,380 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 30,530ના મથાળે રહ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6u0h7e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com