18-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિયાચીનનો વીર
શહીદ નાયબ સુબેદાર ચુનીલાલે એક નહિ અનેક કપરા સંજોગોમાં દેશ માટે અનન્ય વીરતા બતાવી હતી

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહઠ્ઠી માર્ચ, 1968થી 24મી જૂન, 2007 વચ્ચે વહી ગયેલા 39 વર્ષમાં કોઈ માણસ કેટલું સિદ્ધ-સાબિત કરી શકે? આ સવાલનો સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી અને અનુકરણીય જવાબ એટલે નાયબ સુબેદાર ચુનીલાલનું જીવન પરાક્રમ.

દક્ષિણ કાશ્મીરના ભેદરવા ગામના 1968ની છઠ્ઠી માર્ચે ચુનીલાલનો જન્મ. ત્યાર બાદ વસવાટ કર્યો જમ્મુના ડોડા જિલ્લાના ભાર ગામે. એટલે એમના માટે જમ્મુ-કાશ્મીર એટલે એકદમ જાણીતો વિસ્તાર. ઘર જ માની લો.

1984માં માત્ર 19 વર્ષની ઉંમરે જમ્મુ ઍન્ડ કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી (ઉંઅઊં કઈં)ની આઠમી બટાલિયનમાં સૈનિક તરીકે જોડાયા. સર્વિસ નંબર ઉંઈ-593527. જમ્મુ-કાશ્મીરનો આ ખડતલ નૌજવાન પહેલેથી જ પરાઝ-પ્રેમી અને દેશભક્ત.

એ જ વર્ષે સિયાચેન ગ્લેસિયરની 21,153 ફૂટની ઊંચાઈએ આવેલી બાના પોસ્ટ પાછી મેળવવાના સાહસમાં તેઓ મોખરે રહ્યા. બન્યું એવું કે સિયાચીન વિસ્તારમાં તહેનાત કરાયેલી આઠમી બટાલિયનને ચોંકાવનારી જાણકારી મળી કે મોટી સંખ્યામાં પાકિસ્તાની ભાંગફોડિયાઓ સિયાચીન ગ્લેસિયરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આ લોકોને તગેડી મૂકવાનું કે ઝેર કરવાનું આસાન તો નહોતું, પણ એકદમ અનિવાર્ય હતું જ.

સિયાચીન એટલે વગર દુશ્મને મોતને આમંત્રણ. એમાંય ઊંચાઈ પર સંતાઈ બેઠેલા દુશ્મન, હાડ ઠારી નાખતી ઠંડી, કંઈ નજરે ન પડે એવું ધુમ્મસ અને બરફની લપસણી જમીન. આ અત્યંત કપરી કામગીરી માટે ટાસ્ક ફોર્સ બનાવાઈ. આમાં જોડાવા માટે આઠમી બટાલિયનના તત્કાલીન નાયબ સુબેદાર બાનાસિંહ (યુદ્ધકેસરી, 21-28 માર્ચ 2017) અને સિપાહી ચુનીલાલ સ્વેચ્છાએ આગળ આવ્યા હતા. આ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે એકદમ કપરી કામગીરીને અંજામ આપવાનો હતો. સિયાચીન ગ્લેસિયર વિસ્તારમાં 6500 મીટરની ઊંચાઈએ દુશ્મનો ધાબા નાખીને પડ્યાપાથર્યા રહેતા હતા. આ સંજોગોમાં પાકિસ્તાની ઘૂસણખોરોને પોતાના કૌશલ કે બહાદુરીથી નહિ પણ કુદરતી રીતે એક મોટો લાભ મળતો હતો. ઊંચાઈ પર હોવાથી ભારતીય જવાનોની હિલચાલનું સરળતાથી નિરીક્ષણ કરી શકે અને ઈચ્છે ત્યારે તેમને નિશાન બનાવી શકે. અને એમની આ ચોકી લગભગ સંપૂર્ણ સલામત કહી શકાય એવી હતી. બન્ને બાજુ બરફની દીવાલોથી જાણે કિલ્લો રચાયો હતો.

જાણે બાપીકી મિલકત હોય એમ પાકિસ્તાનીઓએ પોતે પચાવી પાડીને બનાવેલા થાણાને નામ આપ્યું હતું કાઈદ પોસ્ટ. પોતાના સ્થાપક કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા પરથી આ નામ અપાયાનું સ્વાભાવિકપણે સમજી શકાય છે.

આ તથાકથિત અને ગેરકાયદે કાઈદ પોસ્ટ પર કબજો મેળવવાનું નાયબ સુબેદાર બાનાસિંહ અને ચુનીલાલના જવાનોનું અભિયાન હતું. માર્ગ ખૂબ વિકટ હતો. પળેપળે અને ડગલેપગલે મોત પીછો કરે. આ ‘ઓપરેશન રાજીવ’ જેવું નામ ધરાવતા મિશનમાં બાનાસિંહની ટુકડી બરફાળ વિસ્તારમાં જમીન સરસી આળોટતી આગળ વધી હતી. અહીં આપણા જવાનોએ લાજવાબ પુરુષાતન અને દેશદાઝ બતાવીને કાઈદ પોસ્ટ પર કબજો જમાવીને ઘૂસણખોરોને તગેડી મૂક્યા. અહીં અનન્ય પરાક્રમ બદલ નાયબ સુબેદાર બાનાસિંહને પરમવીર ચક્ર, ચુનીલાલને સેના મેડલ એનાયત કરાયા હતા. પછી આ ચોકીને નવું નામ મળ્યું હતું બાના પોસ્ટ.

એકદમ નાની ઉંમરે બતાવેલી આ વીરતા બાદ 1999માં ચુનીલાલે કલ્પી ન શકાય એવી વીરતા અને હિમ્મતના પુરાવા આપ્યા હતા. 1999માં જમ્મુ અને કાશ્મીરના પુંચ ક્ષેત્રમાં ઘૂસણખોરોનું જોર વધી રહ્યું હતું. એ સમયે હાથ ધરાયેલા ઓપરેશન રક્ષક હેઠળ ચુનીલાલે એક-બે નહિ, પણ પૂરા બાર ઘૂસણખોરોનો ખાત્મો બોલાવી દીધો હતો નહિતર એક ભારતીય ચોકી દુશ્મનોના હાથમાં પડવાનું નિશ્ર્ચિત હતું. આ પરાક્રમ બદલ ચુનીલાલને વીરચક્ર મળ્યું હતું.

માત્ર દેશમાં કે જમ્મુ-કાશ્મીરમાં જ નહિ પણ આંતરરાષ્ટ્રીય મોરચેય નાયબ સુબેદાર ચુનીલાલના પરચા દેખાયા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિરક્ષક દળના સભ્ય તરીકે તેમણે સોમાલિયામાં અને સુદાનમાં કામગીરી બજાવી હતી. સુદાનમાં તેમના યુનિટનો દેખાવ એટલો ઉત્કૃષ્ટ રહ્યો કે રાષ્ટ્રસંઘનું વિશેષ પ્રશંસાપત્ર મળ્યું હતું.

આ વીરની ઉજ્જવળ અને ઉદાહરણીય કેરિયરમાં વધુ અને મોટો પડકાર આવ્યો. 2007માં ત્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં હતા. તેઓ અંકુશરેખા નજીકના થાણા પર તહેનાત હતા. માહોલ ખૂબ જ સ્ફોટક અને સંવેદનશીલ હતો. દક્ષિણ કાશ્મીરના કુપવાડામાં ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ આવેલી ચોકીના ઈનચાર્જ હતા નાયબ સુબેદાર ચુનીલાલ. આ કાશ્મીરનો વિસ્તાર અને ચૌદ હજાર ફૂટની ઊંચાઈ. ઘેરાયેલ વાદળ વચ્ચે અંધારું એવું માંડ પાંચ મીટર દૂર સુધી જોઈ શકાય. ટેમ્પરેચર માઈનસ પાંચ.

આ સંજોગોમાંય જાગૃત અને સાવધ એવા નાયબ સુબેદાર ચુનીલાલને રાતે 3.30 કલાકે અંકુશરેખાની પેલી પાર હિલચાલ થતી હોવાનો અણસાર આવ્યો. હિલચાલ એકદમ ભેદી લાગી એટલે જાતે જ ચેક કરવાનો નિર્ણય લીધો. પોતાના જવાનોને અંકુશરેખા નજીક તહેનાત કરી દીધા. ત્યાર બાદ સામેથી અણધાર્યો ગોળીબાર શરૂ થઈ ગયો. ભારતે વળતો જવાબ આપવો જ પડે. આ સામસામા ગોળીબાર ક્યાંય સુધી ચાલતા રહ્યા.

આ તરફ નાયબ સુબેદાર ચુનીલાલ અને એમના જવાનો આખા વિસ્તારમાં ફરી વળ્યા અને સવાર સુધી આક્રમણખોરોની શોધમાં ભટકતા રહ્યાં.

આ ટીમ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં પહોંચી, ત્યારે ઝાડી-ઝાંખરા પાછળ સંતાયેલા ઘૂસણખોરો અચાનક ગોળી છોડવા માંડ્યા, પરંતુ આનાથી વિચલિત થવાને બદલે ભારતીય નરબંકાઓ આગેકૂચ કરતા રહ્યા. બે ઘૂસણખોરોનો ખાત્મો બોલાવી દેવાયો. આગળ વધ્યા પણ ભારતના બે જવાન ગોળી વાગવાથી ઘવાઈને પડી ગયા. એ પણ દુશ્મનોના છૂપાવાના અડ્ડા પાસે.

આ બન્ને ઘવાયેલા ભારતીય સાવજને બચાવવાનું મુશ્કેલ હતું, પરંતુ એમ પોતાના ઘાયલ સાથીઓને મરવા છોડી દે તો એ વીર કેવો? ને નેતા શાનો? પોતાના જીવની જરાય પરવા કર્યા વગર ચુનીલાલ જમીનસરસા ઢસડાતા ઘાયલો સુધી પહોંચી ગયા, એટલું જ નહિ, તેમને સલામત સ્થળે ખસેડીને બન્નેના જીવ બચાવી લીધા.

આટલું કરી લીધા બાદ ચુનીલાલ શાંત બેસી ન રહ્યા. તેમને વધુ હુમલા જવાનો ડર હતો જે જલદી સાચો પડ્યો. તેમણે ત્રીજા હુમલાખોરને ભાગતા જોયો. નાયબ સુબેદાર પાછળ દોડ્યા, નિશાન તાક્યું અને એને જમીનદોસ્ત કરી નાખ્યો.

અચાનક સામે પક્ષે છોડેલી ગોળી નાયબ સુબેદારના પેટમાં ઘૂસી ગઈ. પેટના ઘામાંથી પાણીની જેમ લોહી વહેવા માંડ્યું. એક મોટા પથ્થર પાછળ સંતાઈને તેમણે ગોળીઓ છોડવાનું ચાલુ રાખ્યું. કોઈ પણ હાલતમાં તેઓ હુમલાખોરોને આગળ વધતા રોકવા માગતા હતા. આક્રમણખોરો ભારતીય જવાનોએ રચેલી રક્ષા-રેખાને તોડી ન શક્યા ને ચુનીલાલની ટીમે બાકીના બે હુમલાખોરોનેય તેમના મૃત સાથીઓ પાસે મોકલી દીધા.

પરંતુ આ સમય દરમિયાન ચુનીલાલના શરીરમાંથી લગભગ ફુવારાની જેમ લોહી વહેતું હતું એટલે નજીકની હૉસ્પિટલમાં પહોંચવા અગાઉ જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. રવિવાર, તારીખ 24 જૂન, 2007ના રોજ શહીદ થયેલા નાયબ સુબેદાર ચુનીલાલના પરિવારમાં ત્યારે પત્ની ચિંતાદેવી, સોળ વર્ષનો પુત્ર અને આઠ વર્ષની પુત્રી હતાં.

2007ની 15મી ઑગસ્ટે મરણોત્તર અશોક ચક્રના હકદાર બનેલા નાયબ સુબેદાર ચુનીલાલ અગાઉ વીરચક્ર, સેના મેડલ, વુન્ડ (ઘા માટેનો) મેડલ, સ્પેશિયલ સર્વિસ મેડલ, સિયાચીન ગ્લેસિયર મેડલ,. સૈન્ય સેવા મેડલ, હાઈ એલ્ટીટ્યૂડ મેડલ, વિદેશ સેવા મેડલ, પચાસમા સ્વાતંત્ર્ય દિનનો મેડલ, વીસ વર્ષ લાંબી સેવાનો મેડલ, યુનાઈટેડ નેશન્સ મેડલ, સોમાલિયા અને યુનાઈટેડ નેશન મેડલ - કોંગા જીતી ચૂક્યા હતા.

પ્રેમપૂર્વક સિયાચીનનો હીરો ગણાવતા શહીદ નાયબ સુબેદાર ચુનીલાલને દિલથી સો-સો સલામ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5uw5U5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com