21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિફા વર્લ્ડ કપ: ભારતના પ્રવેશનો પડછાયા દેખાય છે

અજય મોતીવાલફિફા (ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબૉલ અસોસિયેશન) દ્વારા દર ચાર વર્ષે યોજવામાં આવતા ફૂટબૉલના વર્લ્ડ કપમાં ભારત ક્યારે રમતું જોવા મળશે? આ સવાલ ઘણી વાર ફૂટબૉલપ્રેમીઓ પાસેથી સાંભળવા મળતો હોય છે.

ફક્ત ૪૦ લાખ લોકોની વસતિ ધરાવતા મધ્ય અમેરિકાના ટચૂકડા દેશ પનામા, માત્ર ૩.૫૦ લાખ લોકોનો યુરોપિયન દેશ આઇસલૅન્ડ, ૭૦ લાખ લોકો ધરાવતા યુરોપના સર્બિયા દેશ તથા ૪૧ લાખની વસતિ ધરાવતા ક્રોએશિયા જેવા નાના દેશો જો ફિફા વર્લ્ડ કપમાં રમવા ક્વૉલિફાય થઈ શકે તો સવાસો કરોડની વસતિ ધરાવતું ભારત કેમ ક્વૉલિફિકેશન ન મેળવી શકે? એવો સવાલ પણ ઘણા પૂછી લેતા હોય છે.

ભારતમાં ક્રિકેટનું આધિપત્ય છે. જોકે, હૉકીની રમતે આ દેશને વિશ્ર્વમાં સૌથી વધુ ૮ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યા છે. ચેસવિશ્ર્વને આ દેશમાંથી ચૅમ્પિયન વિશ્ર્વનાથન આનંદ મળ્યો છે તો ટેનિસમાં લિયાન્ડર પેસ, મહેશ ભૂપતિ તથા સાનિયા મિર્ઝા જેવા સિતારા મળ્યાં છે. ટેબલ ટેનિસની રમતમાં કમલેશ મહેતા જેવા અવ્વલ દરજ્જાના ખેલાડીએ વિશ્ર્વસ્તરે આ દેશનું નામ રોશન કર્યું છે તો બૅડ્મિન્ટનમાં સાઇના નેહવાલ, પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે ઘણી વાર ભારતનો તિરંગો ચમકાવ્યો છે. આ યાદી બહુ લાંબી થઈ શકે એમ છે.

આ યાદી તરફ ધ્યાન દોરવાનો આશય એ છે કે ક્રિકેટક્રેઝી ભારતમાં જો આ બધી રમતો પણ શેષવિશ્ર્વને ચૅમ્પિયનો આપી શકે તો ફૂટબૉલ કેમ ન આપી શકે? આ દેશમાં ટૅલન્ટની ઊણપ નથી. જો આપણે યોગ્ય દિશામાં આગળ વધીએ અને આપણી યોજનાઓનો વ્યવસ્થિત રીતે અમલ બજાવીએ તો ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપમાં જરૂર આપણી ટીમ જોવા મળી શકે. ખૂબ આશાવાદ સાથે કહી શકાય કે આ સપનું અશક્ય નથી...લક્ષ્યાંક હાંસલ થઈ શકે એવો છે.

૨૦૨૨નો હવે પછીનો વર્લ્ડ કપ આરબવિશ્ર્વના કતાર રાષ્ટ્રમાં યોજાવાનો છે. એ વર્લ્ડ કપ માટેની ક્વૉલિફિકેશનની પ્રક્રિયા રશિયામાં રમાઈ રહેલા વર્તમાન વર્લ્ડ કપ પછી શરૂ થશે. ૨૦૨૨ના વર્લ્ડ કપ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભારત સહિત વિવિધ ખંડો-ઉપખંડોના નાના-મોટા ૨૦૦ જેટલા દેશો ભાગ લેશે અને એમાં ભારત પણ હશે. જોકે, ૨૦૨૨ના વિશ્ર્વકપમાં ભારત ક્વૉલિફાય થાય એના સંજોગો નથી, પરંતુ ૨૦૨૬ના વર્લ્ડ કપ માટે થાય એની શક્યતા નકારી ન શકાય.

ભારતના એક સૉકર-નિષ્ણાતના મતે ભારતના ફૂટબૉલ વહીવટકારો પણ ૨૦૨૬ના વર્લ્ડ કપ વિશે ખૂબ આશાવાદી છે. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઇએફએફ) દૃઢપણે માને છે કે યોજના પ્રમાણે બધું સમુસૂતરું પાર પડશે તો ૨૦૨૬ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જરૂર રમતી જોવા મળશે.

૨૦૨૬નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં યોજાવાનો છે. ભારત ૨૦૨૬ના વિશ્ર્વકપમાં કેમ જોવા મળી શકે એના કેટલાક બીજા કારણો પર પણ ચર્ચા કરીએ. અત્યાર સુધી વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લેતી આવી છે અને ૨૦૨૨ના વિશ્ર્વકપમાં પણ ૩૨ ટીમો જ જોવા મળશે, પરંતુ ૨૦૨૬ના વર્લ્ડ કપથી ફિફાએ એ નંબર વધારીને ૪૮ કરવાનું નક્કી કર્યું છે. એનો અર્થ એ થયો કે ત્યારથી વધુ ૧૬ ટીમો સૉકરના મહાસંગ્રામમાં જોવા મળશે. એશિયામાંથી હમણાં પાંચ દેશો વર્લ્ડ કપમાં ભાગ લેતા હોય છે, પરંતુ ૨૦૨૬ની સાલથી એ નંબર વધીને આઠ થઈ જશે. વિશ્ર્વસ્તરે ફૂટબૉલમાં ભારત ૯૭મા નંબરે છે, પરંતુ એશિયા ખંડમાં ૧૪મા ક્રમે છે. એ જોતાં કહી શકાય કે ભારત આવતા ૮ વર્ષમાં એશિયાના ટોચના ૮ દેશોની યાદીમાં કેમ ન જોવા મળે? જરૂર જોવા મળી શકે. ઑસ્ટ્રેલિયા ૨૦૦૬ની સાલથી ઓસનિયા પ્રદેશવાળા દેશોમાંથી નીકળીને એશિયાના ગ્રુપ-દેશોમાં દાખલ થયું હતું એટલે એ હવે એશિયામાંથી ક્વૉલિફાય થાય છે. માની લઈએ કે ૨૦૨૬ના વર્લ્ડ કપ માટે એશિયામાંથી પહેલા પાંચ સ્થાન પર સાઉથ કોરિયા, ઑસ્ટ્રેલિયા, ઇરાન, સઉદી અરેબિયા અને જાપાન ક્વૉલિફાય થશે જ અને બાકીના ત્રણ ખાલી સ્થાને ભારત, ચીન, યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ), કતાર તથા બાહરીનમાંથી કોઈ ત્રણ દેશો આવી શકે.

છેલ્લાં થોડા વર્ષોમાં ભારતીય ફૂટબૉલમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. એઆઇએફએફે એને વધુ એક ઉપલા સ્તર પર લઈ જવા માટેની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે. હવે તો ભારતે ઉત્તમ કક્ષાના યુવા વિકાસ કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. આપણી બુદ્ધિશાળી અને સક્ષમ અન્ડર-૧૬ ટીમ આ સિસ્ટમનો જ એક હિસ્સો છે. આ યુવા ટીમ જેટલી મૅચો રમી છે એમાંથી મોટા ભાગના મુકાબલા જીતી છે. દેશભરમાં સ્કાઉટને લગતા ઉત્તમ કક્ષાના પ્રોગ્રામો પણ અમલમાં મુકાઈ રહ્યા છે. પરિણામે, યુવા ફૂટબૉલ ટીમને ટૅલન્ટેડ ખેલાડીઓ મળવા લાગ્યા છે.

૨૦૧૭ની સાલમાં ભારતમાં અન્ડર-૧૭ ફિફા વર્લ્ડ કપ યોજાઈ ગયો ત્યારથી દેશમાં ફૂટબૉલનો ક્રેઝ વધી ગયો છે. ભારતમાંથી ૧૪,૦૦૦ ફૂટબૉલપ્રેમીઓ વર્લ્ડ કપ જોવા રશિયા ગયા છે. એ પણ બતાવે છે કે ભારતમાં ફૂટબૉલની રમતમાં લોકોનો રસ વધી રહ્યો છે. જોકે, આ બધા લોકો ભારત પાછા આવીને ડોમેસ્ટિક ફૂટબૉલ મૅચો પણ જોવામાં રસ બતાડે તો ભારતમાં ફૂટબૉલના વિકાસને જરૂર વેગ મળશે.

સરકાર પણ દેશમાં ફૂટબૉલની રમતના ફેલાવા માટે તેમ જ વધુને વધુ કુશળ ખેલાડીઓ ઊભા કરવા સક્રિય છે. ભારતીય ફૂટબૉલ પાસે હવે ભંડોળની તંગી નથી. માળખાકીય સગવડો પણ વધી રહી છે. સરકારના ‘ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામમાં ફૂટબૉલ ગૌરવપૂર્ણ આગળ પડતું સ્થાન ધરાવે છે એ જોઈને બહુ સારું લાગી રહ્યું છે. એઆઇએફએફનું સેન્ટર ઑફ એક્સેલન્સ થોડા જ સમયમાં પશ્ર્ચિમબંગમાં કાર્યરત્ થશે અને એ માટે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આ પ્રકલ્પ યોજના પ્રમાણે પરિપૂર્ણ થાય એ માટે બધી જ શક્ય મદદ આપી છે. આપણા દેશમાં ફૂટબૉલના કોચ (પ્રશિક્ષકો)ને નવા કોચિંગ કોર્સીસ મારફત સુશિક્ષિત કરવા માટેના પગલાં પણ દેશમાં લેવામાં આવી રહ્યાં છે. પાયાના સ્તરથી આપણે ફૂટબૉલની રમતનો વિકાસ કરવાનો છે એટલે નવા પ્રશિક્ષકોની લાંબી ફોજ તૈયાર કરવાનો આપણો પ્લાન છે. ફૂટબૉલ સંબંધિત સાયન્ટિફિક અને ટેક્નિકલ મદદ માટે આપણે વધુ વિદેશી કોચને ભારતમાં લાવવાના છીએ. એટલું જ નહીં, આપણા કોચિંગને આપણે અદ્યતન ટેક્નોલૉજી પણ પૂરી પાડવાની છે.

ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની સફળતા સાબિત કરે છે કે આપણે યોગ્ય દિશામાં જઈ રહ્યા છીએ. ૨૦૧૪ની સાલમાં આપણે ફિફા રૅન્કિંગમાં ૧૭૧મા સ્થાને હતા, પરંતુ આઇએસએલ આપણને રૅન્ક સુધારવામાં મદદરૂપ નીવડી છે. અત્યારે આપણે ૯૭મા સ્થાને છીએ.

ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા બાબતમાં સંબંધિત દેશની ફૂટબૉલ ક્લબોની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. યુરોપ તથા બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકાના દેશોને આવી ક્લબોથી ઘણો ફાયદો થયો છે. મેક્સિકો અને કોસ્ટા રિકા જેવા નાના દેશોની ટીમ આ વખતના વર્લ્ડ કપમાં રમી હતી. આ બે દેશોમાં ઉત્તર ખંડની ટોચની મનાતી ૧૫ ફૂટબૉલ ક્લબો ધમધમે છે, જ્યારે ક્વૉલિફાય ન થઈ શકેલા ઉત્તર અમેરિકાના દેશો યુએસએ તથા કૅનેડામાં નીચા રૅન્કિંગવાળી સાધારણ કહી શકાય એવી ક્લબો કાર્યરત્ છે.

એશિયામાં ટોચની ગણાતી પચીસમાંથી પંદર ફૂટબૉલ ક્લબો વિશ્ર્વકપ માટે ક્વૉલિફાય થયેલા દેશોમાં છે. આ દેશોમાં સાઉથ કોરિયા, જાપાન, ઇરાન અને સઉદી અરેબિયાનો સમાવેશ છે.

જોકે, જે દેશમાં દર વર્ષે મશહૂર ફૂટબૉલ ક્લબોના સમાવેશવાળી સૌથી ધનિક ફૂટબૉલ લીગ ટુર્નામેન્ટો રમાતી હોય એ દેશ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થાય એની કોઈ ગૅરન્ટી નથી. ચીનની અત્યંત શ્રીમંત મનાતી ચાઇનીઝ સુપર લીગ (સીએસએલ) એ સંબંધમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિશ્ર્વભરના સેલિબ્રિટી પ્લેયરો આ લીગની ક્લબો વતી રમતા હોય છે. ગયા વર્ષે આર્જેન્ટિનાનો સ્ટ્રાઇકર કાર્લોસ તવેઝ ‘વિશ્ર્વનો સૌથી ઊંચી ફી મેળવનારો ફૂટબૉલર’ બન્યો હતો, કારણકે શાંઘાઈ-સ્થિત એક ક્લબે તેને અઠવાડિયાનો ૮,૨૦,૦૦૦ ડૉલર (૫.૬૪ કરોડ રૂપિયા)નો પગાર આપવાનું શરૂ કર્યું હતું.

ચાઇનીઝ સુપર લીગમાં રમતા વિદેશોના ઘણા ખેલાડીઓ રશિયામાં ચાલતા વર્લ્ડ કપમાં પોતપોતાના દેશ વતી રમી રહ્યા છે. જોકે, આ લીગ જે દેશમાં રમાય છે એ ખુદ ચીન વર્લ્ડ કપમાં ક્વૉલિફાય નથી થયું. જોકે, સૉકરજગતમાં દૃઢપણે એવું માનવામાં આવે છે કે ‘અદ્યતન પ્રોફેશનલ ફૂટબૉલના મક્કા’ ગણાતા યુરોપમાં રમતા વિવિધ દેશોના ખેલાડીઓ પોતાના દેશ વતી મોટી ટુર્નામેન્ટોમાં સારી છાપ પાડી શકે. વર્તમાન વર્લ્ડ કપમાં રમતા ૩૨ દેશોમાંથી એકમાત્ર સઉદી અરેબિયાને બાદ કરતા બાકીના તમામ ૩૧ દેશોની ટીમોમાં ઓછામાં ઓછા પાંચ ખેલાડી (કોઈક કિસ્સામાં આઠ કે વધુ ખેલાડી) એવા છે જેઓ યુરોપની જાણીતી સૉકર ક્લબો વતી રમતા હોય છે. વિશ્ર્વકપમાં કુલ ૭૩૬ ખેલાડીઓ રમવા ઉતર્યા છે જેમાંથી ૨૦૫ પ્લેયરો ઇંગ્લિશ તથા સ્પેનિશ ક્લબો વતી રમે છે. ભારતમાં આઇએસએલે ફૂટબૉલનો ક્રેઝ વધાર્યો જરૂર છે, પરંતુ એકમાત્ર આ ક્લબ ભારતને ફૂટબૉલજગતના નકશા પર સક્રિયપણે બતાવવા પૂરતી નથી. આઇએસએલની એક ઉજળી બાજુ પર નજર કરીએ. ભારતના શ્રેષ્ઠ ગોલકીપરોમાં ગણાતો ગુરપ્રીતસિંહ સંધુ તાજેતરમાં યુરોપની એક ક્લબની ઑફર ઠુકરાવીને બેંગલુરુ ફૂટબૉલ ક્લબમાં જોડાયો છે. તે યુરોપની ટોચની ક્લબ વતી રમવાનો અનુભવ ધરાવતો ભારતની વર્તમાન ટીમનો એકમાત્ર ખેલાડી છે. તેણે જાહેર કર્યું છે કે તે યુરોપ કરતાં આઇએસએલમાં વધુ કમાણી કરે છે.

ઘણા કહેતા હોય છે કે ફૂટબૉલમાં આપણો દેશ શેષવિશ્ર્વથી ૩૦-૪૦ વર્ષ પાછળ છે. જોકે, આપણે જો વર્લ્ડ કપમાં રમવાનું સપનું જ નજરસમક્ષ રાખ્યા કરીને આગળ વધીશું તો આપણે ત્યાં ફૂટબૉલની રમતનો વિકાસ ઝડપથી નહીં થાય. આપણે સિસ્ટમ ઊભી કરવા પર જ ભાર આપવાનો છે. એેવી સૉકર-સિસ્ટમ ઊભી કરવાની છે જે વર્તમાન ફૂટબૉલ-વિશ્ર્વની બેસ્ટ સિસ્ટમ સાથે બરાબરીમાં હોય.

એવું બની શકે કે આપણા વિશાળ દેશમાં પણ ક્યાંક લિયોનેલ મેસી કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાળસ્વરૂપમાં કે યુવાસ્વરૂપમાં હશે જ. જોકે, લોકોએ એ સમજવું જોઈએ કે મેસી અત્યારે જે કંઈ છે એ માત્ર આર્જેન્ટિનાને કારણે નથી. લા મેસિયા અને બાર્સેલોના યુથ ઍકેડેમીએ તેને સુપરસ્ટાર બનાવ્યો છે. એવું જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બાબતમાં છે.

વિશ્ર્વના ૨૧૦ દેશોમાં ફૂટબૉલ રમાય છે. એમાંથી ૧૯૦ રાષ્ટ્રોમાં ફૂટબૉલ નંબર વન રમત છે. આ કંઈ ક્રિકેટ નથી કે જેના વર્લ્ડ કપમાં આંગળીને વેઢે ગણાય એટલા જ દેશો (૮ કે ૧૨ કે ૧૬ રાષ્ટ્રો) રમતા હોય છે.

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ જબરદસ્ત છે. રમતો વચ્ચે પણ સ્પર્ધા હોય છે. એક રમત વધુ લોકોને પોતાની તરફ આકર્ષવા મોટી ફી અને મોટા ઇનામોવાળી સ્પર્ધાઓ યોજતી હોય છે. ૨૦૦૮ની સાલથી રમાતી આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) એનું સૌથી મોટું ઉદાહરણ છે. આપણા દેશમાં ફૂટબૉલની રમતમાં પણ પૈસાની રેલમછેલ થાય તો આ રમત પણ આપણને બાઇચૂન્ગ ભૂટિયા અને સુનીલ છેત્રી જેવા વધુને વધુ ટૅલન્ટેડ ફૂટબૉલરો આપી શકે. જોકે, ખેદની વાત એ છે કે આપણે ત્યાં ફૂટબૉલની બહુ ઓછી ટુર્નામેન્ટો રમાય છે. આવા અમુક મુદ્દા અને સમસ્યાઓ છે જેનો ઉકેલ આપણે જ લાવવાનો છે.

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં આપણે એશિયન ફૂટબૉલમાં ‘પાવરહાઉસ’ ગણાતા હતા. સૈયદ અબ્દુલ રહીમના સુકાનમાં ભારતીય સૉકર ટીમ ‘એશિયન કિંગ’ ગણાતી હતી. એશિયન ગેમ્સમાં આપણે બે વખત ફૂટબૉલના ગોલ્ડ મેડલ જીત્યા છીએ. રોવર્સ કપ અને ડુરાન્ડ કપ જેવી સ્પર્ધાઓએ ભારતને ઘણા નામાંકિત ઇન્ટરનેશનલ પ્લેયરો આપ્યા છે. ફૂટબૉલના વિકાસ-કાર્યક્રમમાં વધુ ટુર્નામેન્ટોના આયોજનને સ્થાન અપાશે તો જરૂર ફાયદો થશે.

--------------------------------

ભૂતકાળમાં ભારત ક્વૉલિફાય થયેલું, પણ...

૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાંથી તમામ એશિયન હરીફ દેશો ખસી જતાં ભારતને એ વર્ષના વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા મળ્યું હતું, પરંતુ એક અહેવાલ મુજબ ખેલાડીઓને બ્રાઝિલ મોકલવાનો ખર્ચ ઉપાડવા આપણા ફૂટબૉલ સત્તાધીશો પાસે પૂરતા પૈસા નહોતા, ખેલાડીઓએ પૂરતી પ્રૅક્ટિસ પણ નહોતી કરી અને ટીમ-સિલેક્શનને લગતા મુદ્દા પણ હતા. ભારત ત્યારે ફિફા વર્લ્ડ કપ કરતાં ઑલિમ્પિક્સને વધુ મહત્ત્વ આપતું હતું. આ બધાં કારણોસર ભારતે પોતાની ટીમને ફિફા વર્લ્ડ કપ માટે બ્રાઝિલ નહોતી મોકલી.

૧૯૪૮ની લંડન ઑલિમ્પિક્સમાં ફ્રાન્સ સામેની ફૂટબૉલ મૅચમાં ભારતીય ખેલાડીઓ ઉઘાડા પગે રમ્યા હતા. એ મૅચમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો. જોકે, એ પછી ફિફાએ પોતાના વર્લ્ડ કપમાં ફૂટબૉલરોને ઉઘાડા પગે રમવાની છૂટ આપવાની મનાઈ કરી હતી એટલે ભારતે ૧૯૫૦ના વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા છતાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું એવું ઘણી વાર લખાયું છે, પરંતુ એ સમયના ભારતીય સુકાની સેઇલન મન્ના (જેઓ ૨૦૧૨ની સાલમાં અવસાન પામ્યા હતા) એ લખાણને અસત્ય ગણાવી ચૂક્યા હતા.

૧૯૫૨ની ઑલિમ્પિક્સની યુગોસ્લાવિયા સામેની ફૂટબૉલ મૅચમાં પણ ભારતના કેટલાક પ્લેયરો ઉઘાડા પગે રમ્યા હતા. ભારત એ મૅચમાં ૧-૧૦થી હારી ગયું હતું. જોકે, એ પરિણામ પછી ભારતના ફૂટબૉલ સત્તાધીશોએ ખેલાડીઓને બૂટ પહેરીને જ રમવાનો આદેશ આપ્યો હતો.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6p4133
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com