20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવ

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીઆહા! મસ્તીમાં મહાલવાની રોમેન્ટિક મોસમ આવી ગઈ છે. ઘરની બારીમાંથી દેખાતું એક ટુકડો આકાશ, બે આંખમાં સમાય એટલી ઝરમરતી વર્ષા, એમાં પ્રગટતો પ્રિયજનનો ચહેરો, એ ચહેરા સાથે તાલ મિલાવતો સ્મૃતિઓનો ધોધ, મિલન, વિરહ, જુદાઈ, ફરિયાદ, આશા, અપેક્ષા, આલિંગન, આહ અને વાહ...ઓહો, આ વરસાદીઓ મૂઓ કેટકેટલી સંવેદનાઓ જગવી જાય છે આપણા નાનકડા, નાજુક હૃદયમાં! કવિ કાલિદાસના પ્રલંબ પ્રણયકાવ્ય ‘મેઘદૂત’માં અષાઢના પહેલા મેઘનુું દર્શન કામવિહ્વળ યક્ષને જેમ ઉત્કંઠા વિરચિત કરે છે એવી જ મનોસ્થિતિથી કોઈ સંવેદનશીલ મનુષ્ય પર નથી. એટલે જ મેઘરાજાના આગમન સાથે એની લાગણી જુદી જુદી રીતે પ્રગટે છે. સામાન્ય માણસની આ સ્થિતિ હોય તો કવિ હૃદયનું તો પૂછવું જ શું? વરસાદને સંબોધીને અઢળક ગીતો રચાયાં છે. સુંદર અને કર્ણપ્રિય ગીતોનું લિસ્ટ પણ મોટું છે એટલે આજે તો સ્મૃતિપટ પર જે ગીતો પહેલાં આવ્યાં એનો જ ઉલ્લેખ કર્યો છે. તન-મને તરબતર કરતાં આ બધાં ગીતો ખૂબ સરસ છે એટલે તમારી સાથે આજે તો બસ, વરસાદી છોળો ઉછાળીને તમને ભીંજવી દેવાનો જ નિશ્ર્ચય કર્યો છે.

લેખ વાંચતી વખતે છત્રી લઈને બેસવાની મનાઈ છે. વરસાદ હોય કે ના હોય, મન મૂકીને ભીંજાજો આજે.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે

વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની ક્ધયા આળસ મરડે રે

વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે

વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે...!

વાહ, રમેશ પારેખ. આ કવિતાનો જોટો ન જડે. મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે...! આ એક જ પંક્તિમાં આખી પ્રણયકથાનો સાર આવી જાય છે. લગભગ દરેક કલાકારે આ રચના ગાઈ છે, પરંતુ રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળવાનો આનંદ પણ લેવા જેવો છે.

કવિ સુંદરમનું ગીત પિયુના આવવાના એંધાણનો મધુર

ગુંજારવ છે. ક્ષેમુ દિવેટિયાના સંગીતમાં વિભા દેસાઈની સુરીલી સરગમ ભળીને બાદલને વરસવા રીઝવી દે છે અને મનમાં થૈ થૈ કાર થઇ ઊઠે છે.

પંક્તિઓ વાંચો:

રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ

બાદલ બરસે , રિમઝિમ બાદલ બરસે ,

રિમઝિમ બરસે , બાદલ બરસે

હો.મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર...!

વરસાદમાં નાચી ઊઠેલું મન અચાનક સુગંધિત પુષ્પ કે લીલાછમ પાનને જોઈને શાંત પડી જાય છે.

હરીન્દ્ર દવેનું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેના કંઠે લોકપ્રિયતાની તમામ સીમા પાર કરી ગયેલું ગીત ;

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા...કેમ ભૂલાય? દિપાલી સોમૈયા, હિમાલી વ્યાસ, શ્રદ્ધા શ્રીધરાણીથી લઈને ઐશ્ર્વર્યા મજમુદાર સુધીની યુવાપેઢી પણ આ ગીત ફરમાયેશ પર અનેકવાર ગાઈ ચૂકી છે એવું આ સદાબહાર ગીત છે. ભગવતીકુમાર શર્માની એક બહુ સરસ રિધમિક રચના છે :

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો

તમે!

પછી કવિ અન્ય પંક્તિઓમાં કહે છે :

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,

અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું

ગમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો

તમે!

આ અડધા અક્ષરનો તાળો મેળવવામાં જ જિંદગી આખી વીતી જાય છે એવો ભાવાર્થ દર્શાવતું આ ગીત આશિત-હેમાનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. મુકેશ માલવણકરનું એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું..પરેશ ભટ્ટ નામના ઉત્તમ સ્વરકારનું અનોખું ગીત છે. સ્વ. પરેશભાઈના કંઠે જેમણે સાંભળ્યું હોય એ સદભાગી. હું વરસું છું, તું વરસે છે... એ રાજેન્દ્ર શુક્લના કસુંબલ મિજાજથી જુદી જ પણ, સુંદર રચના છે જેને સુરેશ જોશીના સુરીલા સ્વરાંકનમાં રેખા ત્રિવેદીનો મધુર કંઠ સાંપડ્યો છે. વરસાદ શરૂ થાય ને અનિલ જોશીનું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ઉદય મઝુમદારનું સંગીત અને રેખા ત્રિવેદીના કંઠે ગવાયેલું ગીત પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી...માં સ્ત્રીની નજાકત સુંદર વર્ણવી છે. ગીતનો બીજો અંતરો તો અદ્ભુત છે:

પિયુજી છાપરાને બદલે જો આભ હોત,

બંધાતી હોત હું યે વાદળી,

માણસ કરતાં જો હોત મીઠાની ગાંગડી,

છાંટો વાગે ને જાત ઓગળી...! જાતને ઓગાળવાનો કેટલો આસાન રસ્તો કવિએ બતાવી દીધો. એને તો પ્રિયતમના પ્રેમની એક બૂંદના સ્પર્શે જ ઓગળી જવું છે. અનિલ જોશીની કવિતાઓમાં કલ્પનો ખૂબ સરસ વણાઈ જાય છે. સંગીતકાર રાસબિહારી દેસાઈ સ્થાપિત અમદાવાદના શ્રુતિવૃંદનું એવું જ આશ્ર્ચર્યકારી અવિનાશ વ્યાસ રચિત ગીત આવે મેહુલિયો સંગીત અને વાતાવરણના આરોહ અવરોહનું મજેદાર ગીત છે જેની પ્રથમ પંક્તિ છે કાનમાં પવન કહીને ચાલ્યો, હે હે આવે મેહુલિયો રે...! આ ગીતમાં વરસાદનું ખૂબ મનોહારી વર્ણન કરેલું છે. ધરતી વરસાદના મિલન માટે ઉત્સુક છે એવું એનો જ દોસ્ત પવન આવીને કાનમાં કહી જાય છે. ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનું શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ર્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા કેમ છે? અહીં જ સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે. મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો છે ગાયબ! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં આવીને કહી જાય છે કે, હે હે આવે મેહુલિયો રે! મિલન પછીની જુદાઈ ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! છતાં, પાલવ લહેરાવીને પ્રતીક્ષા કરતી ધરતીને ખબર છે કે એનો મેહુલિયો એને ભીંજવવા આવવાનો જ છે. તેથી જ પછી ઝડપી લયમાં અંતરાનો ઉપાડ થાય છે :

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યા,

મસ્ત મેહુલિયો આયો રે!

બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;

થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.

દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

ધરતી અને આભના મિલન સાથે ગીત પૂરું થાય છે.

ગની દહીવાલાનું એક કર્ણપ્રિય ગીત છે, આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું. ગીતમાં એ પછીનું વર્ણન મનમોહક છે. કાળાં વાદળો એ વાદળો નથી, પણ શ્યામલ રંગી જલપરી છે. અને વીજળી એ એની આંખમાં થતા ચમકારા છે. આજે એ વાદળરૂપી શ્યામા એકલી નથી, એણે એની અંદર એના પ્રિયતમ મેઘને સમાવી લીધો છે, એથી જ તો એનો રંગ એને ચડ્યો છે- શ્યામ રંગ! આ તન્વી શ્યામા પર એટલે જ તો શ્યામ રંગ અતિશય સુંદર લાગે છે. આગળની પંક્તિઓ છે;

આ રસભીની એકલતામાં સાન્નિધ્યનો આજે સંભવ છે,

ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઊઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,

ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!

વરસાદનાં ફોરાં પડે છે એનો અવાજ પ્રિયતમાના પાયલનો કર્ણ મંજુલ અવાજ છે. પ્રિયતમાના પગરવના ખ્યાલ માત્રથી આનંદના દરવાજા ઊઘડી જાય છે. કોઈક અલૌકિક ભાવસમાધિમાં કવિ સરી જાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો તમે આ ગીત સાંભળ્યું જ હશે પરંતુ, હરેશ બક્ષીના સ્વરાંકનમાં બંસરી ભટ્ટે ગાયેલું આ ગીત ચૂકવા જેવું નથી. હિતેન આનંદપરાનું આલાપ દેસાઈના સ્વરાંકનમાં એમને જ કંઠે ગવાયેલું વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં મજેદાર ગીત છે તો

સોલી - નિશાએ ગાયેલું આ ગીત દરેક પ્રેમીઓની મનોકામના છે.

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,

ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

વરસાદને અને વિરહને પાક્કી દોસ્તી છે.

અધૂરી પ્રેમકહાની, સંબંધ વિચ્છેદ, લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ, એકતરફી પ્રેમ વરસાદમાં તીવ્ર પીડા જન્માવે છે ત્યારે ફરીથી ભગવતીકુમાર શર્માની પંક્તિઓ અને સોલી કાપડિયાનો ઘેરો કંઠ મનોવેદનાની ચરમસીમાએ લઈ જાય છે;

હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!

હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં...!

શું અસરદાર ગીત છે આ! પ્રણયકથામાં આંસુ તો ‘આઇસિંગ ઑન ધ કેક’ છે! આંસુનાં બૂંદ સાથે લેખરૂપી કેક પર અમે હવે ફાઈનલ ડેકોરેશન કરી દીધું છે. હીરાની જેમ તગતગી રહ્યાં છે એ. ગળે ડૂમો બાઝે એ પહેલાં અહીં જ અટકીએ. લોકસંગીતમાં પણ વરસાદ અદ્ભુત ગવાયો છે. એ વાત આ ચોમાસે આપણે કરવાની જ છે. પરંતુ, આવતો ગુરુવાર એટલે કે ૨૧ જૂન, એ વર્લ્ડ મ્યુઝિક ડે છે. શુક્રવાર ૨૨ જૂનથી અષાઢનો આરંભ થશે. તમને કંઈક સર્વોત્તમ પિરસવાની ઈચ્છા છે આવતા ગુરુવારે. વેઈટ એન્ડ વોચ!

-------------------------

ક્વિઝ ટાઈમ

મેહુલો ગાજે ને માધવ નાચે...ભક્તિગીતના રચયિતા કોણ છે? આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને વફશુફક્ષય.મફબિફબિજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.

------------------------------

ગયા વખતની ક્વિઝનો જવાબ

ઉપેન્દ્ર ત્રિવેદીની પહેલી મેજર ગુજરાતી ફીચર ફિલ્મ હતી ‘જેસલ તોરલ’

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄ હંસાબેન ભરૂચા ૄરસિક જુઠાણી ૄઅરુણકુમાર પરીંગ ૄ માના વ્યાસ ૄ વસુંધરા ડૉક્ટર ૄ વિમળાબેન ગડા ૄ ચન્દ્રેશ દોશી ૄ મહેન્દ્ર શાહ ૄ ચન્દ્રકાંત ચન્દ્રા ૄ રાકેશ મહેતા ૄ રુક્મિણી શાહ ૄ જ્યોત્સ્ના શાહ ૄ યોગેશ ગોરડિયા ૄ ક્રિના દોશી ૄ પરેન શેઠ ૄ રેણુકા ખંડેરિયા ૄ નેહલ દલાલ ૄ હિતેશ ગોટેચા ૄ અશોક પારેખ ૄ ખુસંગ પરીખ ૄ લવંગિકા સાવલા ૄપ્રવીણ શેઠ- ફાલ્ગુની શેઠ ૄ અમિત ગુડકા ૄ હરીશ જોષી ૄ યોગીની ચૌહાણ ૄ ભાવના પંડ્યા ૄ તેજલ ગાંધી ૄ મયંક ત્રિવેદી ૄ વસંત દામા ૄ પ્રવીણા દેઢીયા ૄ કુમુદ શાહ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Gn7n01
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com