21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રિન્સ હેરી અને હું એક જેવાં છીએ... સ્વતંત્ર અને શોખીન!

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : રાશેલ મેગન માર્કલ

સ્થળ : વિન્ડસર કૅસલ

સમય : મે ૧૯, ૨૦૧૮, બપોરે ૧૨ (બ્રિટિશ સ્ટાન્ડર્ડ ટાઈમ)

ઉંમર : ૩૭ વર્ષ

(ગયા અંકથી ચાલુ)

આજનો દિવસ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો દિવસ છે. એટલા માટે નહીં, કે પ્રિન્સ હેરીએ મારી સાથે લગ્ન કર્યા... આખી દુનિયા જે રાજ પરિવાર તરફ આદરથી જુએ છે એ પરિવારનો હું હિસ્સો બની શકી છું એ વાતનું ગૌરવ જરૂર છે પણ એથી યે મોટું ગૌરવ એ વાતનું છે કે, પાવર, પૈસા અને પ્રસિદ્ધિને કોરે મૂકીને પ્રિન્સે પ્રેમની પસંદગી કરી છે.

પ્રિન્સ હેરી ૧૫ સપ્ટેમ્બર, ૧૯૮૪ના દિવસે પ્રિન્સ ઓફ વેઈલ્સ અને ડાયના, પ્રિન્સેસ ઓફ વેઈલ્સના બીજા પુત્ર તરીકે જન્મ્યા. સહુ એમ માને છે કે, પ્રિન્સ હેરીનો જન્મ થયો ત્યારે પ્રિન્સેસ ઓફ વેઈલ્સ અને પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે મન-દુ:ખ શરૂ થઈ ચૂક્યા હતા. રોયલ ફેમિલીના મેમ્બર હોવા છતાં લેડી ડાયનાએ પોતાના સંતાનોને પ્રમાણમાં ઘણાં નોર્મલ ઉછેરવાનો પ્રયાસ કર્યો છે એવું એમના વર્તન પરથી દેખાય છે. એમનું આખું નામ હેનરી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ છે. લેડી ડાયના, જેમને હું એક જ વાર મળી છું એમણે હેરી અને એમના મોટાભાઈ વિલિયમને જિંદગીના તમામ અનુભવોમાંથી પસાર કર્યા છે. એ ડિઝની વર્લ્ડ પણ લઈ ગયા છે, મેકડોનાલ્ડનું ભોજન પણ કરાવ્યું છે અને સાથે સાથે એઈડ્સના ક્લિનિકમાં કે ઘરવિહોણા લોકોના શેલ્ટરમાં પણ લઈ જઈને એમને જીવનના તડકા-છાંયડાના અનુભવ આપ્યા છે. હેરી ખૂબ નાના હતા ત્યારથી જ એમના મધર, ડાયનાએ એમને પોતાની સાથે રાખ્યા...

રોયલ પરિવારોમાં પોતાના બાળકને ઊંચકવું કે એને પોતાના હાથે જમાડવું એવી કોઈ પરંપરાઓ હતી નહીં. ક્વિન મધરે પ્રિન્સ ચાર્લ્સને પોતાના હાથમાં ઉપાડ્યા હોય કે ક્વિન મધર પ્રિન્સ ચાર્લ્સને જમાડતા હોય કે રમાડતા હોય એવી કોઈ તસવીરો ક્યાંય પ્રકાશિત થઈ નથી કારણ કે, એવા પ્રસંગો ઓછા જ બન્યા હશે... પરંતુ પ્રિન્સ હેરીને પોતાની કમરમાં ઊંચકીને વિલિયમને પોતાની આંગળીએ લઈને મધર ડાયના એમને ઝૂમાં કે ડિઝનીલેન્ડમાં ફેરવતાં હોય કે પ્રિન્સ ચાર્લ્સ અને આખો પરિવાર સાથે મળીને કોઈ બીચ ઉપર રજાઓ માણતાં હોય આવા પ્રસંગોની તસવીરો લંડનના અખબારોમાં અવારનવાર પ્રકાશિત થઈ ચૂકી છે. આ કહેવાનું કારણ એ છે કે પ્રિન્સ હેરીનો ઉછેર પ્રમાણમાં એક નોર્મલ બાળક તરીકે અને એમની માતાના સંપૂર્ણ સ્નેહ અને ક્વૉલિટી સમય સાથે થયો. કદાચ એટલે જ પ્રિન્સ હેરીને રૉયલ પરિવારના નિયમો બહુ બાંધી શક્યા નહીં. એમણે એમની માતાના સાનિધ્યમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિચારતાં અને વર્તતાં શીખી લીધું, કદાચ એટલે જ એમને માટે એમના જીવનની સ્વતંત્રતા વધુ અગત્યની બની રહી.

હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું, જીવનના સંઘર્ષો જોઈને, પીડાઓનો સ્વાદ ચાખીને હવે સફળતાના શિખર સર કરી રહી છું ત્યારે હું મારો ભૂતકાળ ભૂલી નથી... ભૂલી શકું એમ જ નથી. ટ્રેવર સાથેના સંબંધો આમ જોવા જઈએ તો મારી જિંદગીના વર્ષોમાં મને મળેલો મોટો સહારો હતો. ૨૦૦૪થી ૨૦૧૧ સુધી ચાલેલી અમારી રિલેશનશિપ પછી મને લાગ્યું કે હું ટ્રેવર સાથે સુખેથી રહી શકીશ. સપ્ટેમ્બર, ૧૦મી, ૨૦૧૧ના દિવસે અમે ઓકો રાયોસ, જમૈકામાં લગ્ન કર્યાં. હવે વિચારું છું તો મને લાગે છે કે હું અને ટ્રેવર એકબીજા સાથે જીવવા માટે બન્યાં જ નહોતાં. એક ઘરમાં નહોતાં રહેતાં ત્યાં સુધી અમે એકબીજા સાથે, મિત્રો તરીકે ખૂબ સારી રીતે રહી શક્યાં, પરંતુ જેવાં એક ઘરમાં રહેવા લાગ્યાં કે અમારી વચ્ચે મતભેદ અને પછી મનભેદ શરૂ થયા. ટ્રેવર એક ડિરેક્ટર, લેખક હતો. એ સતત મારી કારકિર્દીમાં સલાહ આપતો. હું સ્વતંત્ર મિજાજની વ્યક્તિ છું, વગર પૂછ્યે કોઈ સલાહ આપે ને એની સલાહ મારે માન્ય રાખવી એવો આગ્રહ પણ રાખે એ મને મંજૂર નથી, આજે પણ! મેં મારી કારકિર્દી મારી જાતે જ ઘડી છે. હા, મારી કારકિર્દીના ઉતાર-ચઢાવ દરમિયાન ટ્રેવર મારી સાથે રહ્યો - એણે મને સહારો અને હિંમત આપ્યાં એ હું સ્વીકારું છું, પરંતુ એનો અર્થ એ નથી કે એ મારો માલિક બની જાય. મારી કોની સાથે કામ કરવું, કોની સાથે નહીં... કોની પાર્ટીમાં જવું અને કઈ રીતે વર્તવું એ બધી જ બાબતમાં ટ્રેવરનો અભિપ્રાય મારે સ્વીકારવો જ જોઈએ એવા એના આગ્રહે અમને એકબીજાથી દૂર કરી નાખ્યા. સમય જતાં અમે બંને જણાં એકબીજાથી કંટાળવા લાગ્યા. કેટલી નવાઈની વાત છે કે બે જણાં સાત વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કરવાનું નક્કી કરે તેમ છતાં બે જણાં એકબીજાની સાથે ન રહી શકે! ટ્રેવર અને મારી રિલેશનશિપ બહુ લાંબી ચાલી, સાત વર્ષ... પણ અમારા લગ્ન બે જ વર્ષ ટક્યાં.

ઓગસ્ટ, ૨૦૧૩માં મેં છૂટાછેડા લીધા.

એ પછી મેં નક્કી કર્યું હતું કે હવે હું કોઈ પણ પ્રકારની રિલેશનશિપમાં પડ્યા વગર મારી કારકિર્દી ઉપર ધ્યાન આપીશ. આ નિર્ણયથી મને બહુ મોટો ફાયદો થયો. મારી કારકિર્દીએ મને જિંદગીની જુદી જ હાઈટ પર મૂકી દીધી. હું ફૅશન આઈકોન કહેવાવા લાગી. વિશ્ર્વની મોટી-મોટી બ્રાન્ડ્સના મારી સાથે કોન્ટ્રાક્ટ થયા અને પૈસાનો વરસાદ થવા લાગ્યો. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી.

પ્રિન્સ હેરીની જિંદગી પણ ક્યાંક મારી જેમ જ ઊંચા-નીચા રોલરકોસ્ટરમાંથી પસાર થતી જિંદગી હતી. એમને બાળપણમાં ‘વાઈલ્ડ ચાઈલ્ડ’નું લેબલ લગાવી દેવામાં આવ્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે એ કેનેબિઝ (મેરોઆના) અને શરાબ પીને દોસ્તો સાથે ધમાલ કરતાં પકડાયાં હતાં. લંડનના પાપારાઝી પત્રકારોએ પ્રિન્સ હેરીની તસવીરો નાઈટ ક્લબની બહાર મસ્તી કરતા અને છોકરીઓ સાથે રખડતા હોય એવી છાપી હતી. એક પાર્ટીમાં ફૅન્સી ડ્રેસ વખતે એમણે નાત્ઝી કોસ્ચ્યુમ પહેર્યો હતો જેને વિશે પણ આકરી ટીકા થઈ ચૂકી હતી. જાન્યુઆરી, ૨૦૦૯માં હેરીએ કોઈકની સાથે વાતચીતમાં ‘અવર લિટલ પાકી ફ્રેન્ડ’ કહીને કોઈક છોકરીની ઓળખાણ કરાવી હતી જેનો વીડિયો પણ બહુ વાઇરલ થયો હતો. એમને રગેડ અને તોફાની તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. ડેવિડ કેમેરૂન, ઓપોઝિશનના લીડરે હેરીના વર્તનને ‘અસ્વીકાર્ય’ કહીને અવારનવાર એમની ટીકા કરી હતી. બ્રિટિશ પેલેસના પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટે હેરીના વર્તન માટે વારંવાર માફી માગવી પડી હોય એવા પ્રસંગો ઓછા નથી!

ઓગસ્ટ, ૨૦૧૨માં લાસ વેગાસમાં હેરી અને એક યુવાન છોકરીની નગ્ન તસવીરો વેગાસના હૉટેલ રૂમમાંથી પાડીને પાપારાઝી પત્રકારોએ પ્રસિદ્ધ કરી હતી. ‘સ્ટ્રીપ બિલિયર્ડ્ઝ’ નામની આ રમતમાં જે હારતું જાય એને પોતાનું એક એક કપડું ઉતારવું પડે... હેરી અર્ધનગ્ન અને એની સાથે બિલિયર્ડ રમી રહેલી યુવતીની નગ્ન તસવીરો ટી.એમ.ઝેડ. નામની વેબસાઈટ ઉપર પણ લીક થઈ હતી. આ ફોટોગ્રાફ્સની સામે પ્રેસ કમ્પ્લેઇન્ટ કમિશનમાં બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિક પૃથક્કરણ પછી એ ફોટોગ્રાફ્સમાં પ્રિન્સ હેરી જ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે શાહી પરિવારે પ્રિન્સ હેરી પાસે જાહેર માફી મંગાવી હતી. જો કે, આ બધા પછી યુનાઈટેડ કિંગડમના એક સર્વેમાં પ્રિન્સ હેરીને રૉયલ ફેમિલીના બીજા નંબરના સૌથી પોપ્યુલર વ્યક્તિ તરીકે ખૂબ મત મળ્યા હતા. જેને સૌથી વધુ મત મળ્યા હતા એ, બ્રિટિશ પરિવારની સૌથી પહેલી વ્યક્તિ તરીકે જે સૌથી પોપ્યુલર નામ હતું એ, પ્રિન્સેસ ડાયનાનું હતું જે આ સર્વે વખતે હયાત ન હતાં!

હેરીના માતા પિતાના ૧૯૯૬માં છૂટાછેડા થયા અને એના મમ્મી લેડી ડાયનાનું કાર એક્સિડેન્ટમાં અવસાન થયું. ડાયનાના અવસાન વખતે એ પેરિસમાં ડોડી અલ ફયાદ સાથે હતાં. એમની કારને અકસ્માત થયો અને એમનું મૃત્યુ થયું ત્યારે પહેલીવાર બ્રિટિશ અખબારોએ આ અકસ્માતની પાછળ રૉયલ પરિવારનો દોરીસંચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ઓફ વેઈલ્સ, ચાર્લ્સ વચ્ચે ખટરાગ તો કદાચ શરૂઆતનાં વર્ષોથી જ હતો. પ્રિન્સેસ ડાયનાએ છૂટાછેડા લેવાની વાત કરી ત્યારે રૉયલ પેલેસે એમને સમજાવવાની, લાલચ આપવાની ને અંતે ધમકી આપવાની પણ છોડી નહોતી.

ઇંગ્લેન્ડનો રાજપરિવાર વિશ્ર્વની નજરમાં પોતાની સ્વચ્છ અને અપરાઈટ ઇમેજ સાચવવા માટે કંઈ પણ કરી છૂટે એમ છે. ડાયના કદાચ સ્વતંત્ર મિજાજના અને પોતાના નિર્ણયો પોતાની રીતે કરે એવી વ્યક્તિ હતાં... એમને રાજપરિવારની આ ફોર્મલ અને પ્રમાણમાં ફોલ્સ રીતરસમ માફક ન આવી. ૧૯૯૬માં એમના અને પ્રિન્સ ચાર્લ્સના છૂટાછેડા થયા એ પછી ‘હેરોડ્સ’ સ્ટોરના માલિક હૅન્ડસમ અને ખૂબ જ શ્રીમંત પરિવારના ઇજિપ્શિયન મૂળ ધરાવતા ડોડી સાથે એ લગ્ન કરી લેશે એવી અફવા વહેતી થઈ. ડાયનાને છૂટાછેડા મહામુશ્કેલીએ મળ્યા હતા. હવે, બ્રિટિશ પરિવારની એક્સ પુત્રવધૂ કોઈ બીજા સાથે લગ્ન કરે એ વાત બ્રિટિશ રાજપરિવારને કોઈ રીતે સ્વીકાર્ય નહોતી એટલે ડાયનાને ન રોકી શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હશે... બ્રિટિશ અખબારો અને ઇન્ટરનેટ ઉપર આ વિષયની ઘણી ચર્ચા થઈ, ડાયનાના અનેક પ્રસંશકોએ એના મૃત્યુ માટે રાજપરિવારને જવાબદાર ઠેરવ્યો. ડોડી અને ડાયના પેરિસમાં એક્સાથે કારમાં પ્રવાસ કરી રહ્યા હતાં ત્યારે એમની કારને ટનલમાં અકસ્માત થયો... અહીં નોંધવાની વાત એ છે કે ટનલમાં કૅમેરા હોતા નથી. એમનો ડ્રાઈવર જીવતો બચી ગયો... કાર એટલી ખરાબ રીતે ડેમેજ થઈ કે ડાયના અને ડોડી બંનેનું સ્થળ પર જ મૃત્યુ થયું.

પ્રિન્સ હેરી ત્યારે બાર વર્ષના હતા. એ પછી પ્રિન્સ ઓફ વેઈલ્સ સાથે બાલમોરાલના પેલેસમાં એમનો ઉછેર થયો. એમના પિતા અને ભાઈની જેમ જ હેરીનું શિક્ષણ સ્વતંત્ર શાળાઓમાં થયું. એમને પોલો, રગ્બી જેવી રમતો શીખવવામાં આવી. સ્કૂલ પછી એમણે એક વર્ષનો ગૅપ લીધો અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો. ત્યાં એમણે કૅટલ સ્ટેશન અને ડેરીમાં કામ કર્યું.

બ્રિટિશ રૉયલ પરિવારની પરંપરા મુજબ હેરીને રૉયલ મિલિટરી એકેડમીમાં મોકલવામાં આવ્યા. ૨૦૦૫થી ૨૦૦૬માં ઑફિસર ટ્રેઈનિંગ પૂરી કરીને ૧૩મી એપ્રિલ, ૨૦૦૮માં હેરી સિનિયર લ્યુટેનન્ટની પોઝિશન પર આવી ગયા. એમનો સર્વિસ નંબર ૫૬૪૬૭૩ હતો. જેનો બેજ હજી એમણે સાચવી રાખ્યો છે. હેરીએ અફઘાન વૉરમાં અને બીજી મિલિટરી ઇમરજન્સીસમાં સેવા આપી છે. ઓનરરી મિલિટરી એપોઈન્ટમેન્ટ છોડીને એ રૉયલ મરીન્સમાં પણ કામ કરી ચૂક્યા હતાં...

એમને સ્પોર્ટ્સનો ખૂબ શોખ છે. પોલો, સ્કિઇંગ, મોટો ક્રોસ અને ફૂટબોલ જેવી રમતો હેરી ખૂબ શોખથી રમે છે... હેરીની ગર્લફ્રેન્ડ, ચેલ્સી ડૅવી પણ એમની સાથે એમના સ્પોર્ટ્સના શોખને કારણે જ જોડાઈ હતી. સાઉથ આફ્રિકાના બિઝનેસમેન ચાર્લ્સ ડૅવીની દીકરી ડૅવીને પોતાના સર્વિસ મૅડલના સમારંભમાં આમંત્રિત કરીને પ્રિન્સ હેરીએ પણ એની મમ્મીની જેમ જ રાજપરિવાર સામે બળવો કર્યો હતો...

પ્રિન્સ હેરી એમના પિતાના ગુણ કરતાં વધારે એમની માતાના ગુણ લઈને જન્મ્યા છે એવું મને લાગે છે. એમની સ્વતંત્રતા અને એમનો સ્વભાવ એમની મમ્મી ડાયના જેવો છે... (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

42L2bw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com