20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલીવૂડની ફિલ્મોમાં બદલાઈ રહેલો નાયિકાનો ચહેરા

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લહિન્દી સિનેમામાં સ્ત્રીક્ષેત્રે મોટી પ્રગતિ હોય તો તે એક કે સ્ત્રીકેન્દ્રી ફિલ્મમાં પોતે મુખ્ય કથાનાયક (નાયિકા નહીં) થવું હોય તો એણે વેશ્યાની ભૂમિકા ભજવવી પડતી જે હવે નથી રહ્યું. પાત્ર કાં તો વેશ્યા હોય અને કાં તો કોઈ મહા દુખિયારી. કથા પોતાની આસપાસ ફરતી હોય એવું બીજું કયું પાત્ર સ્ત્રી અભિનેતાને મળે? મુખ્ય પાત્ર હોય, કથાના હીરો હોય તો સ્ત્રી કરી કરીને શું કરે? ક્યારેક એ ઐતિહાસિક મહારાણી બને, જોકે પદ્માવત્ સિવાય રાણીઓ ઉપરની ફિલ્મો નિષ્ફળ જતી, ભલેને એ પછી ગુલઝાર જેવા લેખક-ફિલ્મકારે બનાવી હોય? ‘પાકીઝા’ ફિલ્મ નાચનારી ગણિકા કેન્દ્રી છે. ત્યાર પછી કમાલ અમરોહી ‘રઝિયા સુલતાન’ જેવી સમ્રાજ્ઞી પર ફિલ્મ બનાવવા ગયા એમાં એમનાં બારે વહાણ ડૂબી ગયાં. (સમાજમાં સ્ત્રી માત્ર ઘરેલું ભૂમિકામાં માતા, પત્ની, બહેન કે પુત્રી તરીકે જ જોવા મળતી હોય ત્યાં જેના થકી કથા આગળ વધે એવું શું કામ એ કરતી હોય? એનો શો વ્યવસાય હોઈ શકે? વેશ્યા હોય તો એની જિંદગીમાં કાંઈક બનતું હોય જેના પ્રસંગો આલેખાય) વેશ્યાઓ પાછી બે પ્રકારની આવે. કાં તો હીરો એની પર મોહીને પત્નીની અવગણના કરતો હોય એવી ખલનાયિકા અને કાં તો એને ફસાવીને કોઈએ વેચી મારી હોય અને કદાચ એ હીરોની જૂની પ્રેમિકા પણ હોય. ‘મમતા’ હિન્દી ફિલ્મમાં બંગાળની જબરદસ્ત અભિનેત્રી સુચિત્રાસેન આ પ્રકારનો રોલ કરે છે. આવાં પાત્રો છેલ્લે પોતાનું બલિદાન આપી દે, મરી જાય જેથી પછી હીરોને માથે એને પરણવાનો કે સંબંધ રાખવાનો ભાર ન રહે, આવાં પાત્રો પાછાં સંગીત, નૃત્યમાં કુશળ ગણિકાઓનાં હોય છે. બિમલ રોય દિગ્દર્શિત કે પછી ‘દેવદાસ’ નવલકથા ઉપર બનેલી કોઈ પણ ફિલ્મમાં કથામાં છે તે મુજબ ચંદ્રમુખી એક વેશ્યા છે, નાયક છેક સુધી બાળસખી પારોને પ્રેમ કરે છે, કથા જાણીતી છે. ચંદ્રમુખીનું પાત્ર વૈજયંતીમાલાએ એવું સુંદર ભજવેલું કે એને સહાયક હિરોઈનનું ઈનામ મળેલું. ફિલ્મફેર એવોર્ડની બોલબાલાનો સમય હતો. વૈજયંતીમાલાએ આ એવોર્ડનો અસ્વીકાર કરેલો અને કહેલું કે આ કોઈ સહાયક પાત્ર નથી, પણ પૂરેપૂરી સમાન મુખ્ય ભૂમિકા ભજવતું પાત્ર છે. આ પછી ફિલ્મફેર એવોર્ડમાં સપોર્ટિંગ પાત્ર નહીં, પણ સમાંતર મુખ્ય પાત્ર ગણી ઈનામ જાહેર થાય છે. વેશ્યાનું પાત્ર ‘અમરપ્રેમ’ ફિલ્મની હિરોઈનનું છે, જેમાં એ માત્ર ગાનારી બતાવી છે. જો કે એ બદનામ છે, કોઈએ પૈસા માટે વેચી મારેલી છે. હીરોના પ્રેમ પાછલ પાગલ હિરોઈન છેલ્લે સ્વેચ્છાએ વાસણ માંજતી નોકરાણી બનેલી દેખાય છે. સાચે જ કોઈ વેશ્યા, સેક્સ વર્કર જેને ગીત-નૃત્ય કે મધ્યમવર્ગી ભાવુકતાનો સહારો લઈ ન આલેખાઈ હોય તેવી કોઈ ફિલ્મ હોય તો તે નિર્દેશક સુધીર મિશ્રાની ‘ચમેલી’ કરીના કપૂરે આ પાત્રનું અદ્ભુત આલેખન કર્યું છે. ‘જબ વી મેટ’ સિવાય આ કલાકારની કોઈ શ્રેષ્ઠ ફિલ્મ બની હોય તો તે છે ‘ચમેલી’. જેમાં જોડે રાહુલ બોઝ છે અને લગભગ આ બે પાત્રોની આપ લે જ કથાવસ્તુ છે. વરસાદમાં કાર ફસાઈ જવાથી એક ગ્લેમરસ દુનિયાનો આધુનિક વ્યવસાયિક એક ફૂટપાથ પર મિકેનિક મળે કે વરસાદ રોકાય તેની રાહ જુએ છે ત્યાં એક સ્ટ્રીટ વૉકર, એક રસ્તે રખડતી સેક્સ વર્કરનો ભેટો થાય છે. આ બાઈનો જોમ, ઉત્સાહ, કુતૂહલ, શોષણ, સમસ્યા વચ્ચે ઊભરાતાં સાહજિક દયાળુતા અને વિનોદવૃત્તિ તેમ જ સ્ટ્રીટ સ્માર્ટનેસ જોવા જેવાં છે, એને ‘આ પેશામાં ક્યાંથી પડી?’ જેવો ગ્રાહકનો ચીલાચાલુ પ્રશ્ર્ન એનો ગ્રાહક નથી તેવો કથાનાયક પૂછે છે ત્યારે એ બાપનું મરણ, મા ટી.બી. ગ્રસ્ત વગેરે વિગતો આપે છે અને કહે છે કે નાના ભાઈને એ દૂર બોર્ડિંગમાં રાખી ભણાવે છે. બહેનની વાસ્તવિકતા એ જાણતો નથી. નાયક જરા હબક ખાઈ જાય છે. પેલી તાળી પાડી હસીને કહે છે કે સ્ટોરી પસંદ આવીને! સાહેબ આના તરત જ પાંચસો મને મળી જાય. બીજી કહું? એક જ રાતમાં એક જ બાર ડાન્સર્સના ફોટામાં આવે છે તેવા કપડાં પહેરેલી કરીના કપૂર એની આદત મુજબનાં નખરાં કે સ્ટાઈલિશ સ્માઈલ કે કશું કરતી નથી. તાણાવાણાથી માનવીય સંબંધ કઈ રીતે બંધાય છે, એક રાતમાં અને પછી કદાચ લાંબો? તે જોવું હોય તો ફિલ્મ ઈન્ટરનેટ પર મળી જશે.

ચમેલી એક આધુનિક સ્ત્રી છે, સેક્સ વર્કર સ્ત્રી છે. હવે ગણિકાગ્રહોમાં સંગીત-નૃત્ય કળાઓ જોવા મળતી નથી. કૉંગ્રેસ હાઉસની પાસે કેનેડીબ્રિજની નીચે બે મકાનોમાં શાસ્ત્રીય પ્રકારનાં ગઝલ ઠૂમરી સાંભળવા મળતાં ત્યાં પણ હવે દેહવ્યાપાર જ જોવા મળે છે. કલાપ્રેમને બહાને ગણિકાઓનો સંગાથ રાખતા જમીનદારો કાનૂનને લીધે તેમ જ પોતાની મુર્ખામીમાં ધન-દૌલત ગુમાવી કહેવાતા ભવ્ય ભૂતકાળનાં ભૂતડાં નચાવે છે. પોતાના જ ઘરની સ્ત્રીઓને ગાવા ન દેતા આ દંભીઓ બેવડાં ધોરણ રાખતાં તે પણ હવે રહ્યાં નથી, હવે જે છે તે ખુલ્લેઆમ વેચાતાં નારીશરીરો. ચમેલી જેવી સ્ત્રીઓનાં (પુરુષોને) લલચાવી દે તેવાં યુવાન સ્ત્રીશરીરોનાં વેચાણ છે. આ તો એમના ગ્રાહકો સહિત સમાજે જાણે દીવાલ પાછળ છુપાવેલી દુનિયા છે. અન્ય સ્ત્રી પાત્રો વધુ સામાન્ય કે અસામાન્ય સંયોગોમાં પોતાની પ્રતિભા, પોતાની શક્તિ, પોતાનાં દુ:ખ સુખ અને પોતાનાં નિરાકરણો દાખવે છે. કદાચ ‘ડોર’થી આવી કથાઓ સંભળાઈ, હિમાચલ કે કાશ્મીરના કોઈ પહાડી ઈલાકામાંથી એક શિક્ષિત મુસ્લિમ સ્ત્રી શોધ કરી રહી છે એક રાજસ્થાની વિધવાની જેના પતિનું અનાયાસે આ સ્ત્રીના પતિના હાથે મૃત્યુ થઈ ગયું છે.

ઘટના સઉદી અરેબિયામાં બની છે. જ્યાં પત્ની માફ કરી દે તો જેના દોષથી મરણ નીપજ્યું છે તે માણસ મોતની સજામાંથી બચી શકે, રાજસ્થાની યુવાન વિધવા જુનવાણી જોઈન્ટ ફેમિલીમાં રહે છે. આ સ્ત્રીઓની આપલે થાય છે, દેવાના ભારમાં ડૂબેલા સંયુક્ત પરિવારનો મોભી આખરે એક શહેરી ભાડૂતને આ વિધવાને શરીરસંબંધ વાપરવાની છૂટ આપે છે અને પછી વિધવા ભાગી છૂટીને જેને ધુત્કારેલી તે સ્ત્રી સાથે જતી રહે છે. અલબત્ત માફીપત્ર પર સહી કરી આપે છે.

સ્ત્રીઓ પોતાના જીવન માટે પોતે નિર્ણાયક બને તેવી હાલના સમાજ અંગેની આ પહેલી ફિલ્મ છે. નાનાં-મોટાં ગામ અને શહેરોમાંથી સાધારણ સ્થિતિમાં યુવાનો આરબ દેશોમાં જાય છે એ હકીકત છે. ત્યાં કાંઈક અજુગતું બને એ પણ વાસ્તવિક છે. સાથે સાથે એ પણ સાચું છે કે ઘણા કહેવાતા જૂની પરંપરા જાળવતા પરિવારોમાં દંભ અને વિરોધાત્મકતા જોઈએ એટલાં જોવા મળે છે. તાળા હેઠળની સ્ત્રીને વેચવી કે ગિરવે મૂકવી કે જુગારમાં ખોઈ દેવી એ તો ‘ઉપર સે ચલી આતી બાત’ છે.

કેટલીક મજબૂત સ્ત્રીઓ ફિલ્મોમાં પુરુષની હીરોગીરીની પ્રતિકૃતિ જેવી દેખાય છે. ‘સીતા ઔર ગીતા’ અને ‘ચાલબાઝ’ દિલીપકુમારના ડબલ રોલવાળી ‘રામ ઔર શ્યામ’ની આબેહૂબ નકલ છે. હીરોની જેમ પણ જુદા સંદર્ભમાં વેર વાળતી હિરોઈન પણ દેખાય છે. જેમાં ‘મોમ’ ફિલ્મ આવે છે. એમ તો નોકરાણી ઉપર થયેલા બળાત્કાર અંગે જંગે ચડનાર ‘દામિની’ પણ વીજળી જેવી ચમકે છે. ‘એક હસીના’ નામની ઓછી જાણીતી ફિલ્મમાં હિરોઈન એક ચાર્મિંગ બિઝનેસમેનને હાથે ફસાવાય છે. ડ્રગ્સનાં વેપારમાં એને ઘરે સામાન સાચવવાને બહાને સામગ્રી મૂકી જનાર એન્ટી હીરોને એ જેલમાંથી ભાગી જમીનદોસ્ત કરી દેવાની સફળ પેરવીઓ રચે છે. ડ્રગ્સના વેપારમાં નિરાધાર સ્ત્રીઓ ઘણી વાર ફસાય છે. ઘણી વાર, અલબત્ત એ પોતે સ્વેચ્છાએ જોડાય છે. આ કથા પણ આધુનિક અને પરિવારની બહારની દુનિયા આલેખે છે. કેટકેટલી ચીલાચાલુ ભ્રમણાઓને નવી ફિલ્મોએ તોડી છે! ‘કહાની’માં નાયિકા પતિ જેના કામનો ભોગ બન્યો છે તે આતંકવાદી સુધી પહોંચવા ભલભલાને ભૂ પીવડાવે છે. ‘ક્વીન’ની વાત તો વળી સાવ જુદી છે. ઇંગ્લેન્ડ જઈ ‘આધુનિક’ બની આવેલો મંગેતર છેલ્લી ઘડીએ ફરી જાય છે અને હિરોઈન એ કળા હનીમૂન પર જવાનો આગ્રહ રાખે છે. એની વેદનાને જોઈ ન શકતાં માબાપ છૂટ આપે છે અને એક મજાની અને સશક્તિકરણના માર્ગે ચડેલી સ્ત્રી દેખાય છે. ‘સિક્રેટ સુપરસ્ટાર’ તો હજી તાજી જ બનેલી ફિલ્મ છે. જેમાં માદીકરીના પ્રેમ અને સહકારથી મા અપમાનિત પત્ની તરીકેના બોજમાંથી મુક્ત થાય છે. દીકરી પ્લેબેક સિંગર બનવાની મંઝિલે પહોંચે છે.

એક પછી એક અનેક ફિલ્મોની નોંધ લઈ શકાય જ્યાં કથાનાયક સ્ત્રી પરિવાર અને ગણિકા ઘરમાંથી છૂટી વાસ્તવિક દુનિયાની ભૂમિકા સફળતાથી નિભાવે છે. ભૂતકાળની ફિલ્મોમાં આવું કોઈ પાત્ર હતું તો તે હતું ‘મધર ઈન્ડિયા’માં નરગિસનું એ પાત્ર વૈધવ્ય, સંતાન ઉછેર વગેરેમાં જ વ્યસ્ત નથી, એ એક શોષિત કિસાન સ્ત્રી છે જે વ્યાજખોરોની સામે પણ રણનીતિ અજમાવી જુએ છે અને આડી લાઈન ચડેલા દીકરાની જિંદગી પણ લઈ

શકે છે.

આવી અનેક ફિલ્મો આવી ગઈ છે જેમાં પરિવર્તિત સંયોગોમાં જીવતી આધુનિક સ્ત્રી આલેખાઈ છે. ‘પિંક’માં યુવતીઓ છોકરાઓ પાસે લિફ્ટ લે છે કે જોડે ડ્રિંક્સ લે છે એ એમની જીવનશૈલી છે. એમાં બળાત્કારનો ક્યાંયે સત્કાર નથી. હવે કમિંગ ઑફ એજ-યુવાન પુખ્તતાનાં પ્રવેશ આલેખતી ફિલ્મ આવી છે વીરે દિ વેડિંગ, પુરુષ કેન્દ્રી કમિંગ ઑફ એજ ફિલ્મો આવે છે, એમાં સૌથી વધુ સારી કદાચ ‘દિલ ચાહતા હૈ’ સૌથી સારી હતી. આ વખતે ફર્ક એ છે કે અહીં સ્ત્રીઓના યુવતીઓના કમિંગ ઑફ એજની કથા છે. પેલામાં મોટી વયની બાઈ જોડેનું આકર્ષણ એકનું તો આ તે પેલી પાછળ ગાંડા થવાની ટેવ બીજાની છે, સ્ત્રીઓવાળી ફિલ્મમાં એક શરીરસુખ માટે વાઈબ્રેટર વાપરે છે તે બહુ વિવાદાસ્પદ બન્યું છે. એ માટે મતમતાંતર હોઈ શકે, આ બધી અંગત બાબતો છે. બળાત્કાર કે વેશ્યા જોડેની સેક્સથી પુરુષો સંતોષ મેળવતા હોય એવું તો કેટલીયે ફિલ્મોમાં જોયું છે, પુરુષ વગર સ્ત્રી તૃપ્તિ અનુભવે એ નવી વાત છે એટલે ધાંધલ થઈ છે, બાકી રસ્તે લોકો ન હોય ત્યારે નીકળતી સ્ત્રી કે છોકરીને જોઈને હસ્તમૈથુન કરતા પુરુષો તો વાસ્તવમાં દેખાયા કરે છે તેનું શું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c708rbTw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com