21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતી સાહિત્યનો અનોખો લેખક સૂર્યવંશમ રાઠોડ

વાહ જનાબ!-મયૂર ચૌહાણસૂર્યવંશમ રાઠોડે વર્ષો સુધી ફેસબુકના માધ્યમ થકી એક પછી એક રચનાઓથી સાહિત્ય રસિકોને ભીંજાવ્યા. તેમની માટીની સુવાસ આજે પણ ફેસબુકમાં તેમના ફેન્સ દ્વારા શેર કરવામાં આવતી તેમની રચનાઓથી પ્રતિબિંબિત થાય છે. આમ તો નાના હતા ત્યારથી તેમને સાહિત્યનો શોખ હતો. તેમના જેટલું રસપ્રચૂર સાહિત્ય આજે ફેસબુકમાં જ્વલ્લે જ જોવા મળે છે.

ઉત્તુંગ શિખર જેવી તેમની ઊંચાઇને પ્રાપ્ત કરવી એ માત્ર કલ્પનામાં બે શિંગડાવાળા ઘોડા દોડાવવા જેટલું દુષ્કર કાર્ય અન્ય સાહિત્યકારો માટે હોઇ શકે. તેમની પ્રગતિ અને ફેસબુક પર તેમની લોકપ્રિયતા સૂરજના સાતમા ઘોડાની માફક હણહણતી હતી.

જેમ ભક્તિયુગમાં મીરાંનાં પદો નરસિંહનાં પ્રભાતિયા, પંડિતયુગમાં શામળની વાર્તાઓ અને નર્મદનું ક્યોરેક્ટર ઝળકતું અને આધુનિકતામાં જેમ રસપ્રચૂર સાહિત્ય રચી આદિલ મન્સૂરીએ ગુજરાતી સાહિત્યને ઉચ્ચ આસને બેસાડ્યું તેમ સૂર્યવંશમ રાઠોડે રોજ સવારે ઊઠી પોતાની લાંબી વાર્તાઓ દ્વારા સાહિત્યરસિકોને શિવે પીધેલા ઝેરના કટોરાને પરાણે પીવડાવી પોતાની સાહિત્યક છબીને ઉજાગર કરી.

અમુક ગૃહિતોને વિવેચનમાં જ્યાં ઝાઝો વર્તાવો સ્પષ્ટપણે દૃશ્યમાન નહોતો થતો. એ જગ્યાએ પણ તેમણે અમીંછાટણા કરી બંજર સાહિત્યક જમીનને ખેડવા લાયક બનાવી. તેમનું વિવેચન ફેસબુક સાહિત્યમાં એટલું ફુલ્યું ફાલ્યું અને વિકસ્યું કે ભવિષ્યમાં કોઇ પણ નવાસવા લેખકને લખવા માટેની પ્રેરણા મળી રહેશે.

મારા મતે કોઇ સાહિત્યકારનો છેદ ઉડાવી દેવો હોય ત્યારે તેમનાં લખાણો જુગુપ્તાપ્રેરક સાબિત કરવા અને બીભત્સ રસ ભરેલો છે, તેવું કોમેન્ટ સેક્શનમાં લખવાથી તે સાહિત્યકારને લખતો બંધ કરી શકાય છે, પરંતુ તેમની પ્રતિભા ઉચ્ચ સ્થાને બિરાજતી હોય તેમણે આવા બે કોડીના વનલાઇનર લખવૈયાઓનો જરા પણ ડર ન રાખ્યો. ઉલટાનું તેમના વિશે તોડી મરોડી લખી સામેવાળાને લખતા બંધ કર્યા. જેમાં જમનાદાસ બ્રોકર, પાર્વતીશંકર જોષી, અશુભશંકર દિવાકર જેવા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અગ્રસ્થાને બિરાજે છે. વિરોધીઓને કેવી રીતે હંફાવવા તે તેઓ બરાબર જાણતા હતા.

એક સમયે માતબર સાહિત્યનું સર્જન નહોતું થતું. ફેસબુકનું સાહિત્ય લઘુકથાઓની લઘુકથાઓમાં સમાઇ ગયું હતું. તેવે સમયે સૂર્યવંશમ રાઠોડે પોતાનું પોત પ્રકાશ્યું. જેનો ભાવિ પેઢી લાભ ઉઠાવી રહી છે.

એવા મતમતાંતરો પ્રવર્તે છે કે સાહિત્યને અગ્રિમ સ્થાન પર લઇ જવા માટે તેમણે એક નવીનતમ પ્રયોગ કરેલો. એ પ્રયોગ એટલે એક કરતાં વધારે ફેસબુકમાં આઈડી બનાવવા. ઇતિહાસકાર અને સાહિત્યપ્રેમી જટાળા જાદુગરના મત પ્રમાણે તેમણે ઉડાઉ દીકરો, આંખ્યુંનું કાજળ, રઘુ નાણાવટી નામનાં ત્રણ ઉપનામો ધારણ કર્યા હતા.

જેમાં ઉડાઉ દીકરોના નામે તેમણે બે ક્લાસિક નવલકથા, ઘેંટાના ટોળાની બાદબાકી અને ઊગતા સૂરજનો ટાંગો પકડું આપેલી. ફેસબુકના વાંચકોએ આ કૃતિને લાઇકે લાઇકે (ખોબલે ખોબલે) વધાવી લીધેલી. તો આંખ્યું ના કાજળ નામે તેમણે બે હજાર પાનાનો એક દળદાર કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. જેમાં, એક છોકરી ફોટો અપલોડ કરે અને ફેસબુકમાં બુઢ્ઢા જુવાનિયા કોમેન્ટુ કરવા ટોળે વળે.... આ કવિતાને રમેશ પારેખ કરતાં પણ એક કદમ આગળ મુકવામાં આવી છે.

સાથે જ રઘુ નાણાવટી નામે તેમણે ફેસબુકની તમામ રચનાઓને વખોડી કાઢેલી. રઘુ નાણાવટી તરીકે તેમણે પ્રથમવાર પોતાના વિવેચનની ધારદાર કલમનો ઉપયોગ કરતા મોટાભાગના ફેસબુક લેખકોને લખતા બંધ કરી દીધેલા. તેમનું વિવેચન વાંચ્યા પછી તો કેટલાક પોલીસ ઑફિસરોએ તો એફઆઇઆર લખવી બંધ કરી દીધેલી. જે ઘટનાને સાહિત્યકાર રમેશ જોષીએ ગુજરાતી સાહિત્યમાં ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી સાથે સરખાવી છે.

આ સિવાય પોતાના નામ સૂર્યવંશમ રાઠોડ દ્વારા તેમણે પાંત્રીસ નવલકથાઓ આપી છે. જેમાં પ્રેમીજનોને પ્રિય એવી, આંખ મારૂ તો મારૂ જીવતર લાજેને ટામેટા એવૉર્ડ મળ્યો હતો. જ્યારે ઊભી ખીલીને મારી જોરથી હથોડી નામની નવલકથાની પહેલા દિવસે જ તમામ નકલો ઊપડી ગયેલી. વાંચકોનો એટલો ઘસારો હતો કે, બાદમાં પુસ્તકની પ્રત અપ્રાપ્ય થઇ જતા વાંચકોએ પ્રકાશકને મારી મારી અધમુઓ કરી તેની પાસે ત્યારે ને ત્યારે છપાવી હતી. આ ઘટનાને સૂર્યવંશમ રાઠોડે સાહિત્યની દુનિયામાં પાંચ હજાર વર્ષે એકવાર બનતી ઘટના સાથે સાંકળી છે.

ઉપરાંત કવિતાસંગ્રહ ચકલીની આંખમાં માળો, છત્રી વિનાનો પહેલો વરસાદ, બોતેર કોઠાની વાવ જેવા ચાલીસ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે.

હાસ્યલેખકો દ્વારા તેમની ભારોભાર આલોચના કરવામાં આવેલી. ખાસ કરીને ઊંધી ખોપડીના સાહિત્યકારો નામના હાસ્યસંગ્રહમાં, હાસ્યલેખક બનવા માટે ધમપછાડા મારતા મયૂર ચૌહાણે તેમના જીવન પર લેખ કરેલો.

આ લેખથી લેખક એવા તે અકળાય ઉઠેલા કે તેમણે મયૂર ચૌહાણને ફેસબુક સાહિત્યની ટ્રેજડી ગણાવ્યા હતા. ખાસ તેમણે મયૂર ચૌહાણને બ્લોક કરવા માટે માર્ક ઝુકરબર્ગને ગુજરાતીમાં પત્ર લખ્યો હતો. જે ડેટા લીક થવાના કારણે અપ્રાપ્ય છે, પરંતુ એક અમેરિકનને ગુજરાતીમાં અરજી કરનારા સૂર્યવંશમ રાઠોડ માત્ર ગુજરાતી નહીં વિશ્ર્વ સાહિત્યના પ્રથમ લેખક ગણવા રહ્યા.

આજીવન સાહિત્યની સાધના કરવી એ તેમના જીવનનો એક માત્ર ધ્યેય હતો. આ માટે તેમણે લગ્નના બંધને ન બંધાવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં યુવતીઓમાં તેમની લોકપ્રિયતા અંત સુધી અકબંધ રહી. તેમની લાંબી દાઢીને યુવતીઓ કુશળતાપૂર્વક ખેંચી પોતાના અંબોડામાં રહેલા મોરાક્રતના ફૂલને ચોટાડી દેતી હતી.

ઇતિહાસકાર અને સાહિત્યપ્રેમી જટાળા જાદુગરના મત પ્રમાણે એક યુવતી તેમની દાઢી પર એટલી ઓળઘોળ થઇ ગયેલી કે ફૂલ લગાડવાના બહાને અસ્ત્રો મારી દીધેલો. જે પછી મહિનાઓ સુધી તેમણે એક પણ સાહિત્યક પ્રવચન નહોતું આપ્યું. આ ઘટનાને સૂર્યવંશમ રાઠોડે શુદ્રકના મુચ્છકટિક્ટમ નાટક સાથે સાંકળી છે.

તેમના સાહિત્યક પ્રવચનો આજે પણ દુનિયાભરમાં ખ્યાતનામ છે. ગુજરાતીમાં આપવામાં આવેલા આ પ્રવચનો આજે યુટ્યુબ પર હવે પતે તો સારું... નામે ઉપલબ્ધ છે. જેમાં સૂર્યવંશમ રાઠોડે સાહિત્યની આલોચના કરી પોતાનું જ સાહિત્ય અમર છે, તેવી પ્રતીતિ શ્રોતાઓને કરાવી હતી.

નોટબંધીના સમયે તેમનાં ભાષણો સાંભળવા કોઇ આવે તેમ ન હતું. આથી તેમણે આયોજકો સાથે મનોમંથન કરી નક્કી કર્યું કે, આપણે એટીએમ પાસે ખુલ્લા પ્રાગંણમાં ભાષણ કરીએ. જેથી શ્રોતાઓ તેમને સાંભળે. જોકે શ્રોતાઓ પૈસા ઉપાડવામાં વ્યસ્ત હોવાના કારણે તેઓ સૂર્યવંશમ રાઠોડને યોગ્ય સમય ન આપી શક્યા. ઉપરથી સૂર્યવંશમ રાઠોડનું પ્રવચન એટલું દીર્ઘ હતું કે લોકો ત્યાંથી ભાગી છૂટેલા. પરિણામે જે એટીએમની બહાર તાત્કાલિક રૂપિયા ઉપાડવા હોય, તેઓ સૂર્યવંશમને એક હજાર આપી ત્યાં ઊભા કરી દેતા હતા.

વિદ્વાન ઇતિહાસકાર અને સાહિત્યપ્રેમી જટાળા જાદુગરના મત પ્રમાણે નોટબંધી સમયે તેઓ અથાગ રૂપિયા કમાયેલા. જેનાથી તેમણે મુંબઇમાં પોતાનું ઘર ઊભું કરી લીધેલું. બાકી ગુજરાતી સાહિત્યકારો પોતાનું આશ્રયસ્થાન બનાવવામાં સમર્થ નથી હોતા. ત્યારે સૂર્યવંશમ રાઠોડ સાહિત્ય સિવાય મકાન બનાવવા ક્ષેત્રે પણ અનોખી સિદ્ધિ હાંસિલ કરેલી.

તેમની નવલકથાઓ પરથી કેટલાંક ચલચિત્રો પણ બનેલા છે. જે તેમની કૃતિઓ જેટલા સફળ નથી નીવડ્યા. ખાસ રામગોપાલ વર્માએ તેમની તમિલમાં અનુવાદિત ક્રાઇમ થ્રિલર નવલકથા ભડાકે દઉં ને... મોટા પડદે ઉતારી હતી.

વિવેચકો દ્વારા આ ફિલ્મને એટલી વખોડવામાં આવેલી કે દુનિયામાં ખરાબ ફિલ્મનું ઉદાહરણ આપવું હોય તો આ ફિલ્મનું જ આપવું રહ્યું. આ ઘટનાથી આપણા લેખક સૂર્યવંશમભાઇ અકળાઇ ઉઠેલા અને ભવિષ્યમાં તેમણે કોઇ પણ ડાયરેક્ટરને પોતાની નવલકથા પરથી ફિલ્મ ન બનાવી શકે તેના ખાસ કોપીરાઇટ ઇશ્યુ કર્યા હતા.

લેખનક્ષેત્ર ઉપરથી ફેસબુકમાં લખવું આ સિવાય તેમણે સોશિયલ મીડિયા પર પણ એક સાથે ઘણું કામ કર્યું છે. ટ્વીટર પર તેઓ વન લાઇનર લખતા અને ઇન્સ્ટાગ્રામ પર તેઓ રોજ પોતાના વાંકા ડાચાવાળા પાંચ ફોટો ઉપલોડ કરી, એક હજારથી વધારે લાઇક ઉઘરાવતા. તો પોતાના બ્લોગમાં પણ તેમણે એટલું લખેલું છે કે વિજ્ઞાની તાડપત્રીના મત પ્રમાણે એ એક એક શબ્દને લાઇનમાં રાખવામાં આવે તો પૃથ્વીને બે ચક્કર લાગી જાય.

આવા આપણા મહાન સાહિત્યકાર સૂર્યવંશમ રાઠોડે પોતાના લબ્ધપ્રતિષ્ઠ સાહિત્ય માટે કિશોર ચંદ્રક, કર્ણાવતી પગરખા, પતંગ હોટેલ પારિતોષિક સહિતના અઢળક ઇનામો મેળવ્યાં. વર્ષો સુધી તેમના સાહિત્યને વાંચી ઘણી પેઢીઓ તૈયાર થઇ, પરંતુ હવે આ સાહિત્યકાર આપણી વચ્ચે નથી રહ્યા. આ સાથે જ ગુજરાતી સાહિત્યનો અસ્ત થઇ ગયો હોય તેવું વિવેચકો માની રહ્યા છે. પણ હવે તેમના જેવા વિવેચકો પણ ક્યાં છે ?

તેમના મરણ બાદ પણ વિવિધ પ્રકાશનો દ્વારા ૪૨૦ પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં હતાં. તેમણે સાચું જ કહ્યું હતું કે, મારા નિધન બાદ પણ આવનારી દસ પેઢીને મારાં પુસ્તકો પ્રાપ્ત થતા રહેશે. જે પછી તેમના ઘરનું ઉત્ખનન પણ કરવામાં આવેલું. આવા આપણા સમર્થ સાહિત્યકાર શ્રી સૂર્યવંશમ રાઠોડને કોટી કોટી વંદન...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ptj7k4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com