21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યે કૌન ચિત્રકાર હૈ

ફોકસ-હેમંત વૈદ્યબાળક એટલે સહજતા. બાળક એટલે સર્જનાત્મક કેડી પર પગલી માંડતો કુમળો જીવ. સંસારના સર્વ કોમળ વિશેષણો બાળકને લગાડવામાં આવતા હોય છે. મોટા ભાગના બાળકોને સહેજ સમજણા થતાની સાથે કશુંક સર્જનાત્મક કરવાની સતત લગની લાગે છે. હૅપ્પી બર્થ-ડેના દિવસે મહેમાનો નીકળે ત્યાં સુધી માંડમાંડ સાચવી રાખેલા ભેટમાં મળેલા રમકડાં સાથે થોડી વાર રમીને કંટાળ્યા પછી એને તોડી એની અંદર શું છે એ જાણે નહીં ત્યાં સુધી એના જીવને ચેન નથી પડતું. ઉપરછલ્લી નજરે બાળકની આ ટેવ ખરાબ ગણાય. મળેલું રમકડું બાળક તરત તોડી નાખે એ વાત તો કોઇ પણ માતા-પિતાથી સહન ન થાય. વાત ખોટી નથી, પણ રમકડાંને તોડી નાખવાની વાત અલગ ઍન્ગલથી સમજવી જરૂરી છે. હકીકતમાં આ આખી વસ્તુ કઇ રીતે બની એ બાળક જોવા માગતું હોય છે એવું તારણ મનોવૈજ્ઞાનિકોએ કાઢ્યું છે. સહેજ સમજણા થયેલા બાળકના આ પ્રકારના સ્વભાવ પર સંશોધનો પણ થયા છે. એ જ રીતે બાળકોને ઘરની ભીંતો પર લીટા કરવા અને એને રંગી નાખવાની પણ બહુ ઇચ્છા થતી હોય છે. આવી અન્ય પ્રવૃત્તિઓ પણ બાળક દ્વારા થતી રહેતી હોય છે. અલબત્ત મોટા ભાગની પ્રવૃત્તિઓ ઢંગધડા વિનાની હોય છે, એમાં કલાત્મકતા સમ ખાવા પૂરતી પણ નજરે નથી પડતી. જોકે, ચાર વર્ષના અદ્વૈત કોલારકરની વાત જ ન્યારી છે. કુમળી વયે તેણે એવી કમાલ દેખાડી છે કે ભલભલા લોકો અચંબામાં પડી ગયા છે.

રમકડાથી રમવાની અને આજના યુગમાં તો પ્લે સ્કૂલમાં જઇને પરાણે ભણવાની ઉંમરે અદ્વૈતનો મોટા ભાગનો સમય પીંછી અને રંગોથી રમવામાં જ પસાર થતો જોવા મળે છે. તમે કહેશો કે ‘એમાં નવું શું કીધું? રીટાબહેનનો નૈનેશ અને મિસીસ મિતાલીની વિયા પણ રંગોના લપેડા કરવામાં ઉસ્તાદ છે. આ બાળકોને એક સ્પેશ્યલ રૂમ ફાળવવામાં આવ્યો છે જેની ભીંતો તેમના ચીતરામણથી શોભે છે.’ એક મિનિટ. અદ્વૈતના પેઇન્ટિંગ્સ કેવળ લપેડા કે ચિતરામણ નથી. કલારસિકો એના પર ઓવારી ગયા છે અને કૅનેડા તેમ જ ઇન્ડિયાની આર્ટ ગૅલરીમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. શરૂઆતના કાળમાં જ ચાહકોની વાહ વાહ મેળવવામાં સફળ રહેલા અદ્વૈતે ગયા મહિને એક અનોખો વિક્રમ કર્યો છે. ન્યુ યૉર્કના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા આર્ટએક્સ્પો ફેરમાં તેનાં ચિત્રો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. આટલી કુમળી વયે કોઇ કલાકારના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન થયું હોવાનો આ પ્રથમ પ્રસંગ છે. સૌથી નાની ઉંમરે ચિત્રો મુકાયા હોવાનો આ વિક્રમ છે. આ વાતની જાણકારી મળતાની સાથે સ્વાભાવિક છે કે સોશ્યલ મીડિયામાં એના ઓવારણા લેવાની શરૂઆત થઇ હોય.

પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત અદ્વૈતે સાચી પાડી છે એમ કહી શકાય. બાળકના પેરન્ટ્સ તેની આ સિદ્ધિથી હરખાઇ ગયા હોય એ સ્વાભાવિક છે. વિશેશ કરીને માનું હૈયું બાળકની કુશળતા જોઇને ખૂબ હરખાઇ જતું હોય છે. અદ્વૈતના મમ્મી શ્રુતિનો હરખ પણ ક્યાંય સમાતો નથી. બાળકની સિદ્ધિ વિશે બોલતા તેઓ જણાવે છે કે ‘મારો દીકરો એક વર્ષનો હતો ત્યારથી તેને રંગોની દુનિયા સાથે લગાવ થઇ ગયો હતો. આ જ ઉંમરમાં રંગની પીંછી હાથમાં પકડીને લપેડા કરવાનું તેણે શરૂ કરી દીધું હતું. એને ઇચ્છા થાય ત્યારે હાથમાં પીંછી પકડીને મનમાં આવે એવી કલાકૃતિઓ બનાવતો રહેતો. અમને આશ્ર્ચર્ય તો એ વાતનું થતું હતું કે એ કેવળ લપેડા નહોતો કરતો, એના રંગો ઘણી વખત અર્થપૂર્ણ રહેતા હતા.’

મૂળ પુણેનો રહેવાસી અદ્વૈતનો પરિવાર ૨૦૧૬ની સાલમાં કૅનેડા સ્થળાંતર કરી ગયો હતો. જોકે, વિદેશ જતા પહેલા પુણેમાં બે વર્ષના અદ્વૈતના કેટલાક કૅનવાસોનું એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ સોલો એક્ઝિબિશન હતું. મતલબ કે એના એકલાનું, બીજા કોઇ કલાકારની કૃતિઓ એ સમયે નહોતી સામેલ કરવામાં આવી. પુણેમાં મળેલો પ્રતિસાદ જોઇને કૅનેડા શિફ્ટ થયા પછી અદૈતના મમ્મીએ બાળકની પ્રતિભા વધારે કઇ રીતે ખીલવી શકાય એના પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિવાર રહેતો હતો એ વિસ્તારમાં માતુશ્રીએ શહેરના સાંસ્કૃતિક ખાતાના અધિકારીનો સંપર્ક કર્યો. સ્થાનિક કલ્ચરલ અફેર્સ ઑફિસર અદ્વૈતના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. એમની તજવીજને પગલે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં અદ્વૈતની કલાકૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આયોજન અદ્વૈતના ચોથા બર્થ-ડે વખતે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન પણ સોલો હતું, એટલે કે એના એકલાનું.

કલર બ્લિઝર્ડ તરીકે ઓળખાયેલા આ શોમાં અદ્વૈતના ૩૦ પેઇન્ટિંગ્સ રાખવામાં આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં જ બધા ચિત્રો ચપોચપ વેચાઇ ગયા હતા. આ સિદ્ધિના ગુણગાન ગવાઇ રહ્યા હતા ત્યારે ન્યુ યોર્કના પ્રદર્શનમાં અદ્વૈતના ચિત્રો દુનિયાભરના વયસ્ક અને અનુભવી કલાકારો જોડે રાખવામાં આવ્યા હતા. એ પ્રસંગે અનુભવેલી મીઠી મૂંઝવણ અને થયેલા થોડા ઉચાટને સંભારીને શ્રુતિ કોલારકર કહે છે કે ‘અમારા સદ્નસીબે કૅનેડામાં વસતા લોકોના પ્રેમ અને સહકાર મળ્યા. જોકે, એક બાળકના આવા સાહસ વિશે લોકોની પ્રતિક્રિયા કેવી હશે એ વિશે અમે થોડા ચિંતિત હતા. એનું કારણ એમ હતું કે અદ્વૈત સાથે જે અન્ય આર્ટિસ્ટોના પેઇન્ટિંગ્સ રાખવામાં આવ્યા હતા એમાંના ઘણાં વિશ્ર્વ વિખ્યાત હતા. આ સમર્થ લોકો વચ્ચે ચાર વર્ષના બાળકની કલાકૃતિઓ કેવી લાગશે એવો વિચાર અમને ઘેરી વળ્યો હતો. જોકે, જે પ્રતિક્રિયાઓ મળી એ અદ્ભુત હતી જેની અમે કલ્પના પણ નહોતી કરી.’

નાનકડી વયે અદ્વૈતની હરણફાળ હેરત પમાડનારી છે અને સારી વાત તો એ છે કે આ બાળક પોતાનો બધો સમય પેઇન્ટિંગ કરવા માટે જ નથી ખર્ચી નાખતો. ગમે એવી વાત એ છે કે તેને વાચનનો ખૂબ શોખ છે. જુદા જુદા પુસ્તકો એ વાચતો રહે છે. એને ડાયનાસોર સાથે રમવું પણ બહુ ગમે છે. આ વર્ષથી તેના શાળા શિક્ષણની પણ શરૂઆત થવાની છે. આશા રાખીએ કે વધતી ઉંમર સાથે આ બાળકની આવડત પણ વધે અને એના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0i5t2i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com