21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઈસ પલ મેં જી લો યારો,યહાં કલ કિસને દેખા?

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહએ ગીતો ગાતો રહે એકદમ દિલથી... એની હાજરી અને અવાજ માત્રથી મહેફિલની રોનક-મસ્તી વધી જાય... એના વ્યક્તિત્વ અને સૂરમાં એવી મોહિની અને તાકાત કે ગમે તેવા માહોલને એકદમ મદમસ્ત કરી મૂકે.

એના સગાભાઈ સમીરે શબ્દાંકન કરેલું આ ગીત અચૂક ગાવાનો જ...

એક પલ મેં હૈ સચ સારી જિંદગી કા

ઈસ પલ મેં જી લો યારો

યહાં કલ કિસને દેખા...

અને એકદમ દિલ લગાવીને આ ગાનારા યુવાનનું નામ હનીફઉદ્દીન કૅપ્ટન હનીફઉદ્દીન. પોતાની રાજપૂતાના રાઈફલ્સની ઈલેવન્થ બટાલિયન્સમાં એ ઓળખાતા સિંગર-કૅપ્ટન તરીકે.

લશ્કરવાળા એકદમ સખત, શિસ્તપ્રિય અને કરડાકીભર્યા માણસો એવી પ્રશસ્તિ છાપ ખરી પણ તેમનામાં એક હૃદય ધબકતું હોય છે, લાગણી હોય છે અને કળા-પ્રિયતાય હોય છે એનું ઉદાહરણ એટલે હનીફઉદ્દીન.

૧૯૭૪ની ૨૩ ઑગસ્ટે જન્મેલા હનીફ બહુમુખી પ્રતિભા, સાયન્સ ગ્રેજ્યુએટ અને દિલ્હી યુનિવર્સિટીના કોમ્પ્યુટર એક્સપર્ટ. પોતાની શિવાજી કૉલેજમાં ‘મિસ્ટર શિવાજી’નું ટાઈટલ અમસ્તું તો નહિ જ મળ્યું હોય ને? સરસ વ્યક્તિત્વ અને ઉત્સાહને લીધે તેઓ કોઈ પણ વધુ કમાણીવાળી કારકિર્દી પસંદ કરી શક્યા હોત, પણ તેઓ ૧૯૯૬માં ઈન્ડિયન મિલિટરીમાં જોડાયા. આ બધુ મંઝિલ સુધી પહોંચવાનું આસાન નહોતું, કારણ કે હનીફ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું. માતા હેમા અઝિઝ શાસ્ત્રીય ગાયિકા અને વર્ષોથી સંગીત નાટક અકાદમી અને કથક કેન્દ્ર માટે કામ કરે. કપરા સંજોગો વચ્ચેય અમ્મીજાનના ઉછેર અને સંસ્કાર તથા દેશ પ્રત્યેના પ્રેમને લીધે હનીફઉદ્દીન ૧૯૯૭ની સાતમી જૂને લશ્કરમાં જોડાયા. ગૌરવપ્રદ રાજપૂતાના રાઈફલ્સની ૧૧મી બટાલિયનમાં જવાબદારી સોંપાઈ. એને લશ્કરમાં જોડાયાના બે વર્ષ પૂરાં થયાં એ દિવસે.

આ માણસે દેશપ્રેમને જ પોતાનો જ ધર્મ સમજતો હતો. એટલે તો બે જ વર્ષની અંદર દેશ માટે નક્કર કરી છૂટવાની તક મળે, ત્યારે તેઓ એક ડગલું પાછળ ન રહ્યા. કારગિલ યુદ્ધ વખતે કૅપ્ટન હનીફઉદ્દીને સામે ઊભેલા દુશ્મન ભણી સામી છાતીએ જવાની હિમ્મત બતાવી. આમાં વરસતો બરફ, ટાઢાબોળ હવામાન, ભારે બૉમ્બમારો કે કંઈ જ એમને અવરોધી ન શક્યા. જેમ લડાઈ આગળ વધી ગઈ, એમ કૅપ્ટનની ટીમ પાસેથી શસ્ત્ર-સરંજામ ખૂટી ગયાં, પણ શૂરાતન અકબંધ-અખંડ રહ્યા. સરખામણીમાં નાની ટીમ, કપરા સંજોગો, નાનાં-ઓછાં શસ્ત્રો છતાં તેઓ જોશભેર લડ્યા. જીવ આપીને પણ તસુભાર પીછેહઠ ન કરી.

લશ્કરમાં જોડાયાના બરાબર બે વર્ષ બાદ શહીદ થયેલા હનીફનો પાર્થિવ દેહ કારગિલ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી મળ્યો નહોતો, કારણ કે જ્યાં એમનો દેહ પડ્યો એ ટુર્ટુકની જોખમી પર્વતમાળાના વિસ્તાર પર એ સમયે પાકિસ્તાની સૈન્યે કબજો જમાવ્યો હતો.

કેવી કરુણતા? આ યુવાન પોતાના જાઝ બૅન્ડ અને જોશ-ઉમંગથી સૈનિકોના નિરસ જીવનને મધુર - મજેદાર બનાવતા હતા. સરહદ પર જીવનનું જોખમ ઉઠાવનારા જવાનો માટે ટેલિવિઝન ઉપલબ્ધ ન હોય ત્યારે આ કૅપ્ટન-સિંગર અમૂલ્ય સૂરિલું મનોરંજન પૂરું પાડતા હતા. આ સંગીત થકી જવાનો આકરી તાણમાં રાહત મેળવતા હતા.

અને કૅપ્ટન હનીફઉદ્દીને ઘરે કરેલા આખરી ફોનમાં શું જે કહ્યું એ આજેય ઘરવાળા ભૂલી શકતા નથી. દુશ્મનોને કોલરેથી પકડીને તગેડી મૂક્યા બાદ હું મારો બર્થ-ડે ઉજવવા ઘરે આવીશ. આ વાત કહ્યા પછી કેવા સંજોગો ઊભા થયા એ તો જુઓ...

ત્રીજી મેએ કારગિલ યુદ્ધ શરૂ થયું ત્યારે રાજપૂતાના રાઈફલ્સની ૧૧મી રેજિમેન્ટના ઑફિસર કૅપ્ટન હનીફઉદ્દીને ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ દેશના રક્ષણ કાજે જાન ન્યોછાવર કરી દીધો. આ ૨૫ વર્ષના ફૂટડા યુવાન કારગિલ યુદ્ધમાં ભારતની આરંભિક શહાદતોમાંના એક વીર. તેઓ શહીદ થયા ૧૯૯૯ની છઠ્ઠી જૂને.

તેમનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો ત્યારે હજારો દિલ્હીવાસીઓ ધર્મ-જાતપાતના ભેદભાવ ભૂલીને ઉમટી પડ્યા હતા. નિઝામુદ્દીનની દરગાહમાં દેહ લવાયો ત્યારે મુસ્લિમો સાથે હિન્દુઓ અને શીખો પણ અંજલિ આપવા ઊમટી પડ્યા હતા. રોડની બન્ને બાજુએ ભેગી

થયેલી ભીડને લીધે દરગાહ અને કબ્રસ્તાન વચ્ચેનું નાનકડું અંતર કાપવામાં ચાર-ચાર કલાક લાગ્યા

હતા. તાજેતરમાં આ ઝિંદાદિલ આદમીની શહાદતને સોળ વર્ષ પૂરાં થયાં પણ આપણે એમને કેટલા યાદ રાખીએ છીએ? માન આપીએ છીએ? ‘શહીદો કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે, વતન પે મરને વાલો કા યહી બાકી નિશાં હોગા’ જેવી લાગણી શબ્દોમાં - કવિતામાં જ રહે. દેશની રક્ષા કાજે લડીને શહાદત વહોરી, વીર ચક્ર મેળવ્યું પણ આપણે કેટલા નગુણા કે તેમને ભૂલી ગયા?!

પુત્ર હનીફ વિશે હેમાજી ગર્વભેર કહે કે નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી. સરકારી કામકાજને લીધે મારે ઘણો સમય ઘરથી દૂર રહેવું પડતું હતું. પોતાની મેળે જ એ સ્વાવલંબી, જવાબદાર અને મહત્ત્વાકાંક્ષી બન્યો. એને લશ્કરના ગણવેશ પર ખૂબ જ પ્રેમ. એ માનતો કે યુનિફોર્મ એટલે ઘણી મોટી જવાબદારી, એ નાનપણથી જ જાણતો હતો કે પોતે આગળ શું કરવા માગે છે.

પરંતુ પરિવાર પોતાના શહીદ બેટાને પ્રેમ અને ગર્વથી યાદ કરે છે. નાના ભાઈ નફીસે હનીફે ગાયેલા બધા ગીતના રેકોર્ડિંગ સાચવી રાખ્યા છે, એ અમૂલ્ય ખજાનાની જેમ તેનું જતન કરે છે. શહીદ બેટાના ઉલ્લેખ માત્રથી ચહેરા પર ચમક સાથે હેમાજી કહે છે, ‘એક સૈનિક તરીકે હનીફે સગર્વ નિષ્ઠાથી દેશની સેવા કરી. દુશ્મન સાથે લડતી વખત જાન ન્યોછાવર કરી દીધી એનાથી મોટી બહાદુરી કઈ?

હનીફ જેટલા વીર અને દેશપ્રેમી હતા, પરિવાર એટલો જ ખમીરવંતો. શહાદતના નામે પેટ્રોલ પમ્પ કે ગેસ એજન્સીની ઓફર સ્વીકારવાનો ઈનકાર કરતા હેમાજીએ સ્પષ્ટ કર્યું, "આ બધાનું ધ્યાન રાખવાનો પરિવારમાડ્ઢં કોઈ પાસે સમય નથી. જો આર્થિક સહાયની જરૂર ન હોય તો આવી ઓફર ન સ્વીકારવી જોઈએ. ખરેખર કે વધુ જરૂરતમંદ જવાનોના પરિવારોને આવી મદદ મળવી જોઈએ. પરંતુ આજે દીકરો ગુમાવનારા પરિવારને આજે શું આપ્યું? શહીદ કૅપ્ટન હનીફઉદ્દીનના ઘરભણી માર્ગને તેમનું નામ અપાયું. આની દુનિયાને જાણ કરવા માટે આરસની તખ્તીમાં શહીદનું નામ પણ કોતરાવાયું હતું, પરંતુ થોડા સમય બાદ આ આરસની તખ્તીને નામે ધાતુનું બનેલું વાહિયાત બોર્ડ આવી ગયું! એ બોર્ડ પણ એટલું નીચું રખાયું કે લોકો એના પર બંગાળીબાબાના કે ઈંટવૈદ્યોના પોસ્ટર ચિપકાવી શકે. થોડા ઊહાપોહ બાદ બાજુમાં એક મોટું બ્લુ બોર્ડ મુકાયું. આવું જ કૅપ્ટન હનીફઉદ્દીન સ્કૂલનું થયું. એ સ્કૂલની હાલત ખૂબ ખરાબ છે.

આપણા સમાજ અને સરકાર ભલે શહીદોની અવગણના કરે? પણ પ્રજા તરીકે આપણે ઋણ-સ્વીકાર કરીએ ને?

સૅલ્યુટ કૅપ્ટન.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

jwKk533
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com