20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુરુષોને દિલ ખોલીને વાત કરતાં નથી આવડત

વરણાગી રાજા-દિવ્યાશા દોશીકેટલીકવાર એવું બનતું હોય છે કે તમે એ વ્યક્તિ વિશે ખાસ કશું જ જાણતા નથી પણ તેનું અચાનક મૃત્યુ તમને આઘાત આપી જતું હોય છે. તેમાં ય જ્યારે વ્યક્તિ આપઘાત કરે ત્યારે ખાસ. છેલ્લા કેટલાક સમયથી સફળ પુરુષો આપઘાત કરતા હોય તેવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. અમેરિકન સેલિબ્રિટિ શેફ એન્થની બૌદેને ૬૧ વરસની ઉંમરે ફ્રાંસની એક હોટલમાં આત્મહત્યા કરી. હાલના અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ સદગતને અંજલિ આપતા આઘાત વ્યક્ત કર્યો હતો. એન્થનીને ટેલિવિઝન પર દુનિયાભરના લોકોએ જોયો છે, વખાણ્યો છે. સફળ શેફ, પ્રવાસી, લેખક અને ટેલિવિઝન શો હોસ્ટને પણ એવું દુખ હોઈ શકે કે તેણે આત્મહત્યા કરવી પડે? આ સવાલ દુનિયાભરના લોકો શુક્રવારથી ટ્વિટર અને ફેસબુક પર વ્યક્ત કરી રહ્યા છે. એન્થની બૌદેનમાં રિઝર્વેશન વગર પ્રવાસ કરવાનું સાહસ હતું. ડિપ્રેશન વિશે વાત કરવામાં આમ પણ પુરુષોને ઘણી તકલીફ થતી હોય છે. તેમાં જો ડિપ્રેશિવ વ્યક્તિને બેજવાબદાર માનવામાં આવશે કે આશંકાથી જોવામાં આવશે તો હજી પણ ડિપ્રેશન અંગે લોકો વાત કરતાં અચકાશે. તેને છુપાવશે એમ ડિપ્રેશન વધુ જોખમકારક બને તો નવાઈ નહીં. હકીકતમાં તેના અંગે સહજભાવ કેળવવાની જરૂર છે.ડિપ્રેશનમાં સ્ત્રી કરતાં પુરુષો ત્રણગણા વધુ આપઘાત કરવાનો રસ્તો અખત્યાર કરે છે. પુરુષ એટલે સ્ટ્રોન્ગ, સાયલન્ટ અને ક્ન્ટ્રોલમાં રહેનારો હોય એવી માન્યતાને કારણે સંવેદનો દબાવી રાખવામાં આવે છે. વળી આજે દુનિયા કોમ્પિટિટિવ અને ક્ધજ્યુમરિઝમ અર્થાત્ હરીફાઈ તથા ઉપભોક્તાવાદના કળણમાં ફસાઈ રહી છે. તેની પણ પુરુષ માનસ પર અસરો થાય છે. તેને કારણે અનેક સંવેદનાત્મક સમસ્યા સર્જાતી હોય છે.પુરુષોના ડિપ્રેશન ન પકડાવાનાં કેટલાંક કારણો છે. એવું માનવામાં આવે છે કે ડિપ્રેશનમાં લાગણીશીલ બનવું કે ઉદાસીનતાની લાગણી અનુભવવી તે મુખ્ય લક્ષણો છે, પરંતુ લાગણીઓ કે સંબંધોની સમસ્યાને અવગણવા માટે કે તેને સ્વીકારી શકવાની ક્ષમતા ન હોવાને કારણે પુરુષોમાં માથું દુખવું, પેટના રોગ થવા, થાક લાગવો કે શરીરમાં સખત પીડા થવી પણ ડિપ્રેશનનાં કારણો હોઈ શકે. પોતે ડિપ્રેશ છે તેનો અસ્વીકાર કે કોઈની પણ સાથે લાગણીની વાત ન કરવામાં અહમનો પ્રશ્ર્ન માનતા પુરુષો ડિપ્રેશનને છુપાવવા જે પ્રયત્નો કરે છે, આખરે તેમને મોટું નુકશાન કરી જતું હોય છે તે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તો વળી કેટલાક પોતે ડિપ્રેશ છે તે માનવા પણ તૈયાર નથી હોતા. પુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવું, ક્યારેય ઢીલા ન પડવું કે લાગણીની વાતો ન કરવી તેવી માન્યતાઓને કારણે પુરુષોની બદલાતી માનસિક સ્થિતિનો ખ્યાલ નથી આવતો. ક્યારેક એવું પણ બની શકે કે પુરુષને ખ્યાલ હોય કે પોતે ડિપ્રેશ છે પણ તેને એકલે હાથે પહોંચી વળશે તેવા ખ્યાલમાં રહે છે. કારણ કે તેને ભય હોય છે કે સમાજમાં કે કારર્કિદી ક્ષેત્રે તેની હાંસી થશે. પુરુષ હોવાના જે ખોટા ખ્યાલો છે તેને કારણે પુરુષોને સૌથી વધુ નુકશાન થતું હોય છે. બીજા પુરુષો પણ ડિપ્રેશ પુરુષને સહાનુભૂતિથી જોતો નથી કે સ્વીકારી શકતા નથી.

સ્ત્રીઓ સૌથી વધુ આપઘાતના પ્રયત્નો કરતી હોવા છતાં આપઘાતમાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા વધુ છે. તેનું કારણ છે કે પુરુષો આપઘાતના વિચાર આવે તો પણ કોઈની સાથે વાતચીત કરવાનું કે જણાવવાનું ટાળે છે અને સીધો આપઘાત કરવાનો પ્રયત્ન જ કરે છે. તેમના પ્રયત્નો પણ હિંસક હશે જેમકે રિવોલ્વરનો ઉપયોગ કરવો કે જ્યાંથી કોઈ બચાવી ન શકે તેવા સ્થળે જઈને કૂદકો મારવો. મોટેભાગે વાતચીતની શક્યતા રહે જ નહીં તે રીતે તેઓ પોતાના મનના બારણા બંધ રાખે છે.

એન્થની બૌદેનના આપઘાતના સમાચાર એટલે સૌથી વધુ આઘાત આપી ગયા કે તે ખૂબ જ સહજ, મળતાવડો અને સફળ પુરુષ હતો. તેને પણ કોઈ દુખ હોય કે તકલીફ હોય તે માનવું અઘરું લાગે. એન્થનીનું જીવન સાહસ અને રોમાંચથી ભરપુર હતું. કોલેજ ડ્રોપ આઉટ અને ડ્રગ્સનો બંધાણી રહ્યો ૪૦ વરસ સુધી, તેને સફળતા ૪૪મા વરસથી મળી. ત્યાં સુધી તેણે જીવનમાં તૂટી જવાય એટલા સંઘર્ષો જોયા છે. તેણે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે એવો પણ વખત હતો કે રાત્રે ચિંતા વિના કેવી રીતે સૂઈ જવું તે સમસ્યા હતી. ખિસ્સામાં કાણી પાઈ ન હોય, ઘર ભાડું આપવાના પૈસા ન હોય, ટેક્સ ન ભર્યો હોય... હોટલમાં ડિશ વોશર તરીકે એટલે કે લોકોના એંઠાં વાસણો ધોવાની નોકરી કરવાથી તેણે શરૂઆત કરી હતી. પછી તો તેણે કુલીનરી કોલેજમાંથી ડિગ્રી લીધી અને સખત મહેનત કરીને શેફ તરીકે પોતાનું નામ ઊભું કર્યું હતું, પણ તે પ્રખ્યાત થયો તેના પ્રથમ લેખ ૧૯૯૯માં અને ત્યારબાદ એ લેખોનું પુસ્તક. તેણે ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એકવાર હોટલના રસોયાના જીવન સંદર્ભે લેખ લખ્યો, ડોન્ટ ઈટ બીફોર રીડિંગ ધીસ અને પુસ્તક કિચન કોન્ફિડેન્શિયલ એડવેન્ચર ઈન કુલીનરી અન્ડરબેલી બસ ત્યારબાદ એણે પાછું વળીને જોયું નથી. તેનું લખાણ અને જીવનના સહજતાથી સ્વીકારે તેને સફળ બનાવી દીધો. એ જ વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે સ્વીકારવું અઘરું લાગે.

ટ્રાવેલ ચેનલ પર તેનો નો રિઝર્વેશન નામના શો ખૂબ પ્રખ્યાત થયો. એ શો માટે તે મુંબઈ પણ આવ્યો હતો. રસ્તા પરથી ભેલ અને પાણીપુરી તેણે સહજતાથી ખાધા હતા. ટ્રેનમાં મુસાફરી કરીને તે એક શહેરથી બીજા શહેરમાં જતો. દરેક દેશમાં જઈ તે ફક્ત ફૂડ જ નહીં ત્યાંની સંસ્કૃતિ, પ્રકૃતિ અને માનવ સ્વભાવને પામવાનો સહજ પ્રયત્ન કરતો. તેની સફળતાનું કારણ હતું કે તે ખૂબ સહજતાથી વાત કરી શકતો, લોકો સાથે, વાનગીઓ સાથે અને દર્શકો સાથે. આપણો જ કોઈ મિત્ર ફરતો હોય અને વાત કરતો હોય તેવું લાગતું. છેલ્લાં કેટલાંય વરસોથી તે પાર્ટસ અનનોઉન (અજાણી જગ્યાઓ) શોધીને ત્યાંની રાજકીય, સામાજિક અને લોકોની ખાવાની આદત વિશે વાત કરતો. તેના શોને પ્રસિદ્ધિ સાથે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. ગયા વરસે તેણે બરાક ઓબામા સાથે વિયેતનામની એક નાનકડી હોટલના પ્લાસ્ટિકના સ્ટૂલ પર બેસીને ભોજન આરોગ્યું અને વિયેતનામની રાજકીય, સામાજિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. ક્યાંક એણે અજાણી જગ્યાને જાણવા જ તો આત્મહત્યા નથી કરીને?

૬૧ વરસના બૌદેનના જીવનમાં બે સ્ત્રીઓ લગ્ન કરીને આવી હતી પણ બન્નેએ તેના પ્રવાસી શિડ્યુલને કારણે છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નથી તેને એક દીકરી છે. હાલમાં એશિયા નામની ઈટાલિયન એકટ્રેસ અને ડિરેકટર ગર્લ ફ્રેન્ડ સાથે તેને સારા સંબંધો હતા. એ જ એશિયા જેણે વિન્સ્ટન હાર્વી સામે જાતીય સતામણીનો (બળાત્કાર) આરોપ મૂક્યો હતો. એન્થનીએ મીટુ કેમ્પઈનના પક્ષમાં અનેક વાર લખાણો લખીને જાતીય સતામણી કરતા પુરુષોને વખોડ્યા હતા. સતત પ્રવાસમાં રહેવાને કારણે પત્ની સાથે સમય વીતાવી શક્યો નહીં. દુનિયાભરમાં ફરવું અને ખાવું તેને ગમતું હતું અને તે છતાં પ્રવાસ તેને એકલો પાડી દેતો હોવાનું તેણે કબૂલ્યું છે. ખૂબ રચનાત્મક, બુદ્ધિશાળી અને હેન્ડસમ એન્થનીએ ફૂડ શોમાં નવો ચીલો ચાતર્યો હતો. એન્થની જ્યારે કોઈ દેશ અને ત્યાંની સંસ્કૃતિની વાત કરે ત્યારે ખૂબ સહજતાથી નવા અર્થો ઉઘાડી આપતો. તે એના કામથી ખૂબ ખુશ હતો અને ખૂબ પેશનેટલી તે શો કરતો. લાઈવલી, વાઈબ્રન્ટ વ્યક્તિ અચાનક એક દિવસ આત્મહત્યા કરે ત્યારે લાગે કે પુરુષોને દિલ ખોલીને વાત કરતા નથી આવડતું.

આ લખાય છે ત્યાં સુધી એન્થની બૌદેન વિશે એકપણ નકારાત્મક વાત વાંચવા નથી મળી. હા, સફળ માણસ હોય તો થોડો નાર્સિસીસ્ટ હોય પણ તેના પર્ફોમન્સમાં ક્યારેય ઉદ્દંડતા કે ખોખલાપણું દેખાયું નથી. ચોળાયેલા શર્ટ કે સાદા ટી શર્ટ સાથે, ક્યારેક થાકેલો તો ક્યારેક ઉત્સાહિત એ કેમેરા સામે જોઈને વાત કરી શકતો. પ્રવાસી જેવો જ દેખાતો અને એવો જ જિજ્ઞાસુ જણાતો. એટલે જ લોકોમાં લોકપ્રિય હતો. તેની ભૂતપૂર્વ પત્નીઓએ પણ તેના ઘરે ન હોવા સિવાય કોઈ ફરિયાદ કરી નથી. આ બધું હોવા છતાં એન્થનીના દિલનો એક ખૂણો અંગત હતો જે કદાચ જીવનથી વિમુખ થઈ ગયો હતો કે પછી જીવનથી થાકી ગયો હશે. તેણે પોતાની નબળાઈઓ વિશે જાહેરમાં વાત કરી છે. ડ્રગ્સના વ્યસનને હિંમતપૂર્વક જાકોરો દઈ શક્યો છે. તે છતાં જીવનમાં કેટલીક અંગત ક્ષણો આવતી હોય છે જેને ટાળવી મુશ્કેલ હોય છે કે વાત કરવી મુશ્કેલ હોઈ શકે છે. એન્થની બૌદેન પણ ડિપ્રેશનનો શિકાર હતો, તેણે સાયકોલોજિસ્ટની સાથે વાત પણ કરી હતી પણ ડિપ્રેશનને એન્થની મિત્ર ન બનાવી શક્યો કે ન તો પોતની લાગણીઓ વિશે સહજતાથી વાત કરી શક્યો. એ પોતે જ કબૂલતો હતો કે જેટલી સહજતાથી શો કરી શકતો કે લોકો સાથે વાત કરી શકતો હતો એટલી સહજતાથી પોતાની વ્યક્તિઓ સાથે દિલની વાત નહોતો કરી શકતો. અમેરિકામાં આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ ૩૦ ટકાના દરે વધ્યું છે છેલ્લાં પાંચેક વરસમાં. ડિપ્રેશન અને એકલતા પુરુષોને હંફાવે છે અને તેઓ આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. આત્મહત્યા કરનારના પરિવારજનો અને મિત્રોનું દુખ સમજવું અઘરું હોય છે. તેમને ગુનાહિતતા અનુભવાય છે. હકિકતમાં ડિપ્રેશન એક એવી બીમારી છે કે તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો ટૂંકા પડે છે. અલવિદા એન્થની બૌદેન.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Xn223343
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com