18-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઝાદી પછી સિત્તેરમા વર્ષે તિરંગો ફરક્યો

અંગ્રેજો દેશ છોડીને ગયાં તેને ૭૦ વર્ષ થયાં. ભારતની પોતાની કેટલીયે સરકારો આવી અને ગઇ પણ હરિયાણાનું એક ગામ અત્યાર સુધી ગુલામીની મનોદશા હેઠળ જીવી રહ્યું હતું અને તે પણ એટલે સુધી કે કેટલાંય સ્વાતંત્ર્ય દિવસો અને પ્રજાસત્તાક દિવસો આવ્યા અને ગયા પણ ક્યારેય ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો.

૪૨૦૦ની વસતિ ધરાવતાં હરિયાણાના રોહનત ગામની આ વાત છે. પંજાબના જલિયાવાલાં ગામમાં અંગ્રેજોએ આચરેલા હત્યાકાંડને પણ ભૂલી જાવ એવી બર્બરતા ઇ.સ. ૧૮૫૭માં અહીંના સ્થાનિકો પર ગુજારવામાં આવેલી. તેમનો વાંક એટલો જ હતો કે આ વર્ષ દરમ્યાન ફાટી નીકળેલા રાષ્ટ્રીય બળવામાં તેમણે ભાગ લીધેલો.

આ ગામના વતની ઓમપ્રકાશના જણાવ્યા મુજબ અંગ્રેજોએ અહીં કાળો કેર વર્તાવી દીધો હતો. તોપમારાથી આખા ગામને ઉડાવી દેવામાં આવ્યું હતું. અહીંના કેટલાય પુરુષોને રોડ રોલરથી કચડી નાખવામાં આવ્યા હતાં. કેટલીયે સ્ત્રીઓએ શિયળ બચાવવા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. કેટલાય નવલોહિયા યુવાનોને વડલાના ઝાડ ઉપર ફાંસીએ ટિંગાડી દેવામાં આવ્યા હતાં. આ કૂવો અને વડલો આજે પણ આ દારૂણ ઘટનાની સાક્ષી પૂરતા હોય એમ નજરે પડે છે. એટલું જ નહીં પણ આખા ગામની લીલામી કરી દેવામાં આવી હતી એમ ઓમપ્રકાશ વધુમાં જણાવે છે.

૨૦ જુલાઇ, ૧૮૫૮ના દિવસે આખા ગામની ૨૦૬૫૬ વીઘા જમીન અને બચેલા કુચેલા ઘરોને માત્ર રૂપિયા ૮૧૦૦માં વેચી દેવામાં આવ્યું હતું. આસપાસના પાંચ ગામડાઓના ૬૧ જણાઓએ મળીને આ ગામ ખરીદ્યું હતું. અંગ્રેજ સરકારે એવું ફરમાન પણ બહાર પાડેલું કે ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ રોહનત ગામના રહેવાસીઓને વેચી શકે નહીં.

ગામના સરપંચ રવીન્દ્ર બુરાના જણાવ્યા પ્રમાણે લીલામીના કેટલાક વર્ષો બાદ આ ગામના વતનીઓએ પોતાની મહેનતના જોરે ગામની આસપાસનો વિસ્તાર ખરીદ્યો હતો, પણ મૂળ ગામ તો દસ્તાવેજોના આધારે આજે પણ લીલામ થઇ ચૂકેલા ગામથી જ ઓળખાય છે. આને કારણે ગામના વિકાસકાર્યો આડે પણ અમુક ટેક્નિકલ સમસ્યાઓ આવે છે.

હાલમાં જોકે અહીંના મૂળભૂત રહેવાસીઓએ પોતાના સગાસંબંધીઓના નામે જગા લઇને આ ગામમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે, પણ તેમના મનમાં એક વસવસો છે કે દેશના સ્વાતંત્ર્ય માટે પોતાનું સઘળું ગુમાવી દેનાર ગામવાસીઓના વંશજો પોતાના નામે હજું પણ ગામની મિલકત ખરીદી શકતા નથી. આ બાબતે તેઓ સરકારથી પણ નારાજ છે.

ઇ.સ. ૨૦૧૦માં તો આ ગામમાં સ્વાતંત્ર્ય દિને જ કાળા વાવટા ફરકાવીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અહીંની સરકાર સફાળી જાગી ઊઠી હતી અને એક પછી એક ત્વરિત પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

મુખ્ય મંત્રી ખટ્ટરે પણ અધિકારીઓને બને એટલા જલદી અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યુ છે. અહીંની ભૂતકાળમાં લીલામ હેઠળ અન્ય ગામવાસીઓને વેચી દેવાયેલ જમીન જો મૂળનિવાસીઓને પરત ન કરી શકાય તો બાજુના બીડ વિસ્તારની જમીનમાં પ્લોટ અપાવવાની વાટાઘાટો સરકાર દ્વારા થઇ રહી છે.

આટલાં વર્ષે રોહનતના મૂળ વતનીઓના દિલમાં કંઇક આશાનો દિપક પ્રગટી રહ્યો હોય એવું જણાતાં ગયા પ્રજાસત્તાક દિને અહીં આઝાદી પછી પ્રથમ વાર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. બાકી આટલા વર્ષો સુધી તો ૧૮૫૭ના બળવા સમયે અંગ્રેજોની હેવાનિયતનો ભોગ બનેલા ગામવાસીઓની દુખદ યાદમાં એક પણ રાષ્ટ્રીય તહેવાર મનાવવામાં આવ્યો ન હતો.

રોહનતની વર્ષો પહેલાની રોનક પાછી આવે તેવી ગામવાસીઓને શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X2711Xk
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com