18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેક્સિકોની સંસ્કૃતિની ઝાંખી કરાવતું ઓક્સઆકાનું મ્યુઝિયમ

વિશ્ર્વનાં અદ્ભુત મ્યુઝિયમ-સુધીર શાહમેક્સિકોમાં આવેલ મ્યુઝિયમો અને આર્ટ ગેલેરીઓ જો તમે ગણવા બેસશો તો થાકી જશો. આશ્ર્ચર્ય પામશો કે સાઉથ અમેરિકામાં આવેલ આ પછાત દેશ, જ્યાં હમણાં હમણાંથી જ ટૂરિસ્ટો જવા લાગ્યા છે, ત્યાં ફક્ત મેક્સિકો સિટીમાં જ ૧૫૦થી વધુ મ્યુઝિયમો અને આર્ટ ગેલેરી કેવી રીતે હોઈ શકે? આપણને તો પેરિસ, લંડન, ન્યુયોર્ક અને વૉશિંગ્ટનના મ્યુઝિયમો વિષે જ જાણકારી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી યુરોપના બીજા દેશો અને રશિયામાં આવેલ સેટ પીટસબર્ગ શહેરના ‘હર્મિટેજ’ મ્યુઝિયમ વિષે જાણકારી મળી હતી. પણ સાઉથ અમેરિકાના મેક્સિકોમાં આવેલા મ્યુઝિયમો વિષે આપણને બિલકુલ જાણકારી નહોતી.

ગયા અઠવાડિયે આપણે મેક્સિકોના મુખ્ય શહેર મેક્સિકો સિટીમાં આવેલ ‘ધ નેશનલ મ્યુઝિયમ ઓફ એન્થ્રોપોલોજી’ વિષે જાણકારી મેળવી. આ મ્યુઝિયમનું મકાન આપણે ભારતીયો કલ્પી પણ ન શકીએ એટલું વિશાળ અને અદ્યતન બાંધકામના નમૂના સ્વરૂપ છે. એટલું જ નહીં એની અંદર પ્રદર્શિત કરાયેલ સેંકડો પ્રાચીન તેમ જ અર્વાચીન ચીજો, શિલ્પો, પેઈન્ટિંગ્સો આપણી કલ્પનામાં પણ ન હોય એટલા સુંદર છે. આ જ પ્રમાણે મેક્સિકો સિટી તેમ જ મેક્સિકો દેશમાં જાતજાતના, ભાતભાતના જુદા જુદા વિષયો ઉપર અસંખ્ય મ્યુઝિયમો આવેલા છે.

આજે વિશ્ર્વમાં જેટલા મ્યુઝિયમો આવેલા છે અને એમાં જેટલી ચીજો સાચવીને, સંગ્રહીને, જાળવણીપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે એ સૌની સંખ્યા વિશ્ર્વમાં જે સુંદર ચીજવસ્તુઓ હતી, શિલ્પો હતા, પેન્ટિંગ્સ હતા, વાસણો હતા, આયુધો હતા, આભૂષણો હતા, હસ્તપ્રતો હતી, સિક્કાઓ હતા એ બધા કરતા ખૂબ જ ઓછી છે. જેટલી કળાત્મક ચીજો વિશ્ર્વના મ્યુઝિયમોમાં જતનપૂર્વક જાળવવામાં આવી છે એથી અનેક ઘણી સુંદર અને કળાત્મક ચીજવસ્તુઓ નષ્ટ પામી છે, ખોવાઈ ગઈ છે. જો આજે એક ખોવાયેલ કળાનું મ્યુઝિયમ ભરી શકાય એમ હોય તો એ ‘મ્યુઝિયમ ઓફ લોસ્ટ આર્ટ’માં વિશ્ર્વના બધા જ મ્યુઝિયમોમાં છે એના કરતાં અનેકઘણી વધુ ચીજવસ્તુઓ હોઈ શકે.

સુંદર કળાત્મક ચીજો ચોરાઈ છે, ખૂબ મોટી સંખ્યામાં ચોરાઈ છે અને ચોરીના કારણે એ ચીજો ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. યુદ્ધના કારણે પણ કળાત્મક ચીજો નાશ થવા પામી છે. પ્રથમ અને બીજા વિશ્ર્વયુદ્ધમાં તો યુરોપમાંની મોટાભાગની કલાત્મક ચીજો, એમાં પણ ખાસ કરીને શિલ્પો અને પેઈન્ટિંગ્સો, ચોરાયા છે અને નષ્ટ પામ્યા છે. કલાત્મક ચીજોનો નાશ ભૂકંપ તેમ જ અતિ વૃષ્ટિના કારણે પણ થયો છે. અકસ્માતના કારણે પણ અનેક કલામય કૃતિઓ નાશ થવા પામી છે. વહાણો મધદરિયે ડૂબી જતા કે ટ્રેનનો અકસ્માત થતા કે મોટરકારનો અકસ્માત થતાં પણ એમાં લઈ જવામાં આવતી કળાત્મક ચીજો વિશ્ર્વે ગુમાવી છે. ધાર્મિક અસહિષ્ણુતા તેમ જ પોલિટિકલ માન્યતાઓમાં ફેરફાર થતા પણ સંસ્કૃતિના વારસા સમાન સુંદર કલાકૃતિઓનો નાશ થયો છે. એક વંશના રાજાઓનું પતન, એક દેશે બીજા દેશ ઉપર રાજ્ય કર્યું હોય અને વર્ષો બાદ એ દેશને સ્વતંત્ર કર્યો હોય ત્યારબાદ એમણે એ ગુલામ દેશમાં કળાકારીગરીના જે સ્મારકો ઊભા કર્યાં હોય એમને ગુલામ દેશના સ્વતંત્ર થયેલા વતનીઓ નાશ કરતા હોય છે. આવા આવા અનેક કારણોસર સંસ્કૃતિના પ્રતીક સમા, કળા અને સુંદરતાના અસંખ્ય નમૂનાઓ નષ્ટ પામ્યા છે. આ સર્વે કારણોથી સુંદર ચીજવસ્તુઓને બચાવવા માટે મ્યુઝિયમોની ઉત્પત્તિ થઈ છે. મેક્સિકોમાં આવેલ અસંખ્ય મ્યુઝિયમોએ એ દેશની વર્ષો જૂની સંસ્કૃતિ અને કળાકારીગરી જાળવી રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે.

મેક્સિકો સિટીથી દક્ષિણમાં આવેલ એ દેશનું ઓક્સઆકા સ્ટેટ આવેલું છે. આ સ્ટેટમાં આવેલ ‘ઓક્સઆકા’ સિટી ત્યાંના આર્ટિસ્ટો અને એમના હેન્ડિક્રાફટ માટે ખૂબ જ જાણીતું છે. તમે મેક્સિકો સિટીથી ઓક્સઆકા સિટી બસમાં જઈ શકો છો. અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલ હ્યુસ્ટન શહેરમાંથી ઓક્સઆકા સિટી જવા માટે વિમાની સેવા પણ ઉપલબ્ધ છે. ઓક્સઆકા શહેરમાં આવેલ ‘મ્યુસિયો ડીલાસ્ટ કલ્ચરલ્સ ડી ઓક્સઆકા’ એ શહેરમાં જનાર દરેકે દરેક વ્યક્તિએ જોવાનું ચૂકવું ન જોઈએ. આ મ્યુઝિયમ મેક્સિકોનું શ્રેષ્ઠ રિજનલ મ્યુઝિયમ છે. તમને આ દેશના ઈતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરાવીનેએ હાલમાં મેક્સિકો દેશ કેવો છે એની જાણ કરાવશે. અહીં જે માહિતી દર્શાવવામાં આવી છે એ સ્પેનિશ ભાષામાં છે. સ્પેનિશ ભાષા ન જાણનારાઓના લાભ માટે મ્યુઝિયમે ખાસ અંગ્રેજી ભાષામાં ઓડિયો ગાઈડ તૈયાર કરાવી છે.

ઓક્સઆકાના આ કલ્ચરલ મ્યુઝિયમના મકાનને ફકત બહારથી જ જોતા તમને મેક્સિકોના બાંધકામની વિશિષ્ટતા અને ત્યાંની સંસ્કૃતિનો ખ્યાલ આવી જશે. એ તમને અચંબામાં નાખી દેશે. મ્યુઝિયમના આખા મકાનને ધારી ધારીને બહારથી પણ જોશો તો તમને તમે ત્યાં ગયા છો એની સાર્થકતા સમજાશે. આજથી વર્ષો પહેલા કાળા માથાનો માનવી કેટલો કલામય હતો, સુંદરતામાં એને કેટલો રસ હતો એવો વિચાર આપણને મેક્સિકોના ઓક્સઆકા શહેરમાં આવેલ આ કલ્ચરલ મ્યુઝિયમ જોતા આવે છે. વિશ્ર્વના બધા જ મ્યુઝિયમોના મકાનો ભવ્ય હોય છે. મ્યુઝિયમોની અંદર ભવ્યતા પ્રદર્શિત કરવામાં આવી હોય આથી એને સંગ્રહતા મકાનો પણ ભવ્ય હોવા જોઈએ એવું મ્યુઝિયમોના સ્થાપકોને લાગ્યું હશે. ઓક્સઆકાના આ મ્યુઝિયમના મકાનના બાહ્ય દેખાવના આપણે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મકાનની ઉપર મૂકવામાં આવેલ, એની દીવાલોમાં કોતરવામાં આવેલ, જાતજાતના, ભાતભાતના શિલ્પો, મકાનની બાંધણી, એનો આકાર આ સર્વે જોતા આપણા મોંમાંથી ‘વાહ’ નીકળ્યા સિવાય રહેતું નથી. ઓક્સઆકાનું આ કલ્ચરલ મ્યુઝિયમ બહારથી જેટલું સુંદર અને ભવ્ય છે, અંદરથી પણ એ એટલું જ જોવાલાયક છે. મેક્સિકો દેશમાં સ્પેનિશ લોકોની વસતિ ખૂબ મોટા પ્રમાણમાં છે. સ્વભાવિક છે કે યુરોપના એ દેશના મકાનોના ઘડતરની છાપ આ મ્યુઝિયમના મકાનમાં પણ હોય. અહીં પ્રદર્શિત કરેલ ચીજવસ્તુઓ જો પ્રદર્શિત કરવામાં આવી ન હોત તો પણ એ મકાનની અંદર ફરવાનો સૌ કોઈને આનંદ આવત એ નિશ્ર્ચત છે.

મ્યુઝિયમના મકાનની અંદર મૂકવામાં આવેલ અગણિત કળાકૃતિઓ તમને મોહાંધ કરી મૂકશે. વર્ષ ૧૯૩૨માં આલ્ફાનસો કાસો નામની મેક્સિકન વ્યક્તિને એક ૧૪મી સદીનો ખજાનો હાથ લાગ્યો. એક કબરનો ફરીથી ત્યાંના તે સમયના રાજાઓ અને એના વફાદાર નોકરોને દાટવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમના પાર્થિવ દેહની સાથે સાથે સોના-ચાંદી, કોરલ, જેડ, અંબર, પર્લ, કોતરેલા હાડકાં આમ અસંખ્ય કળાકારીગરીની ચીજવસ્તુઓ મૂકવામાં આવી હતી. તમે એ જોશો તો જોતા જ રહી જશો. આ મ્યુઝિયમના ત્રીજા ખંડમાં આ ખજાનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

મ્યુઝિયમના પહેલા ચાર ખંડો હિસ્પેનિક કાળ પહેલાના સમયની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરે છે. એ પછીના ચાર ખંડો કોલોનિયન કાળની ચીજવસ્તુઓ દેખાડે છે. એ પછીના પાંચ ખંડો મેક્સિકોને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધીની એમની સંસ્કૃતિ અને કળાકારીગરીના નમૂનાઓ દર્શાવે છે. છેલ્લો ચૌદમો ખંડ એક મોનેસ્ટ્રી છે. આ મકાનનો જે લાંબો કોરીડોર છે એ પણ અતિ ભવ્ય છે. આવતા અઠવાડિયે ઓક્સઆકાના આ કલ્ચરલ મ્યુઝિયમ વિષે થોડી વધુ જાણકારી તેમ જ મેક્સિકોના અન્ય મ્યુઝિયમો, જેમને મ્યુઝિયમોમાં રસ હોય એમણે જોવા જ

જોઈએ, એમના વિષે પણ આપણે થોડીક જાણકારી મેળવશું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

aME0G1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com