20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સૌથી નાનું

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીજગતમાં સૌથી મોટું સુખ હોય તો નાનું થવું. જેમ તમે મોટા થવા જાવ એમ એમ ઉપાધીઓ વધતી જાય. હું જ્યારે નાનો હતો ત્યારે સુખી હતો એટલો સુખી ક્યારેય મોટો બનીને નથી થઈ શક્યો. નાના થવામાં લાભ એ પણ હોય કે ‘બચારો નાનો છે જવા દે ને’. હવે આ નાનો ક્યારે મોટો થશે એ નક્કી કેમ થશે? ‘હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો’ અમસ્તા નહીં કહેવાણુ હોય! મારા ઘરમાં એક વાર મેં કબાટ ખોલ્યો અને મારા જૂના રમકડાં જોયા અને રમકડાંને જોઈને મેં તરત જ પૂછ્યું ‘કેવો જમાનો હતો કે હું અને તું કેવા રમતા હતા, કેવી કેવી વાતો કરતા હતા, કેવી સરસ મઝાની આપણી જિંદગી હતી, તને ક્યારેય એમ નથી થતું કે આપણી એ જિંદગી કેવી સારી હતી?’ પણ રમકડાંના ચહેરા પર મેં એક જ ભાવ જોયો અને જવાબ સમજી ગયો કે ‘મૂર્ખ તું તારું કામ કર, મોબાઇલ, કોમ્પ્યૂટર, વીડિયો ગેઇમ અમારા કરતા સારું પરફોર્મન્સ આપે છે.’ બસ પછી શું મેં નક્કી કરી લીધું કે આપણે આવા સવાલ મનમાં ઉઠાવવા નહીં.

પણ જ્યારે નાનાની વાત નીકળી છે ત્યારે હમણાં નેટ ઉપર સર્ચ કરતા કરતા મને એક સૌથી નાનો દેશ મળ્યો વેટીકન સિટી. ૧૧૦ એકરમાં ફેલાયેલા આ દેશમાં ૨૦૧૮ની વસ્તી ગણતરી મુજબ વસ્તી માત્ર અને માત્ર ૮૪૦ છે. આ વાંચ્યા પછી મારું મગજ એવું તો ચકરાવે ચડ્યું છે કે હું કદાચ ગાંડો થઈ જાવ તો આરોપ વેટીકન સિટી પર મૂકવો! જેમ કે ૮૪૦ની વસ્તીમાં પ્રાઇમ મિનિસ્ટર કોણ હશે અને ચૂંટણી કેવી રીતે થતી હશે? લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાના મેમ્બર્સ કોણ હશે? ધારી લો કે આ લોકોમાંથી જ કોઈક હશે તો આખા ગામને સાંજ પડ્યે ચક્કર મારવા નીકળીએ તો બધા જ લોકોને મળી શકાય અને ખબર તો પડી જ જતી હશે કે આ શાસક પક્ષના લોકો છે અને આ વિરોધ પક્ષના. તમારે આ લોકોને પોતાના પક્ષમાં ભેળવવા હોય તો પછી કેવી રીતે ભક્તિભાવ કેળવવો કે મત તમને જ મળે! આ ૮૪૦ની વસ્તીમાં આપણને થાય કે ચમચાઓ કોણ હશે કેમ કે આપણે ત્યાં તો એક મિનિસ્ટરના ૮૪૦થી વધારે ચમચાઓ હોય છે અને ગાડી પર લાલ અક્ષરે લખાવે છે કે મિનિસ્ટર ઓફ ગુજરાત. ભલે ટોલ બચાવવા લખ્યું હોય પણ ત્યાં તો ટોલ ટેક્સ કેવી રીતે લગાડતા હશે? મારી ફોન બુકમાં લગભગ ૫૦૦૦ નંબર છે જ્યારે આ ૮૪૦ નંબર તો ત્યાંના મોબાઇલમાં હોય જ. જો ટોલવાળો ટોલ માગે એટલે પ્રેસિડેન્ટને સીધો ફોન લગાડીને આપી દે તો નવાઈ શેની? તો પણ સાલુ એમ થાય કે ટોલ બૂથ પર આ ૮૪૦માંથી કેટલા લોકો નોકરી પર હશે? ચાલો એ પણ પ્રશ્ન જવા દો તો શહેરમાં કેટલાં લોકો પોલીસમાં હશે અને કોણ કમિશ્નર હશે એ તો સમજાતું જ નથી! કોની કરિયાણાની દુકાન હશે? કોમ્પિટિશન કોણ કરતું હશે કે પછી દાઢીની દાઢી અને સાવરણીની સાવરણીની જેમ પોલીસની નોકરી કરતો માણસ જ જી.ઇ.બી.ના બિલ બનાવવા જતો હશે? તમે ખાલી ખાતાના હિસાબ કરો જેમ કે ગૃહ ખાતું, કૃષિ વિકાસ, સમાજ કલ્યાણ, આરોગ્ય ખાતું, શહેરી વિકાસ, રેલવે ખાતું, વાહન અને પરિવહન ખાતું, ઉડ્ડયન ખાતું, પર્યાવરણ ખાતું, ખાણ અને ખનીજ ખાતું, સાંસ્કૃતિક ખાતું, મહિલા અને બાળ વિકાસ ખાતું, માહિતી પ્રસારણ ખાતું, બંદર વિકાસ ખાતું, વાણિજ્ય અને વેપાર ઉદ્યોગ ખાતું, નાણાં ખાતું આવા ખાતાઓનું લીસ્ટ બનાવીએ તો આ લીસ્ટ જ લગભગ ૫૦ ખાતા ઉપર જાય. એમાં પણ જો ધારાસભ્યો આડા ફાટે તો નવા ૫૦ ખાતાની જગ્યા રાખવામાં આવી જ હોય! હવે જો ૧૦૦ ખાતાઓ થયા હોય તો એમના ૧૦૦ સચિવો તો ગણવા જ પડે ને? અને જો ૧૦૦ સચિવો ગણવામાં આવે અને બધાને એક એક ક્લાર્ક અને એક એક પટાવાળો આપો તો પણ કુલ ૫૦૦ વ્યક્તિઓ તો એમાં જ સચવાય રહે તો સિટી બસ કોણ હાંકશે? રિક્ષા કોણ ચલાવશે? સફાઈ કોણ કરશે? મિલિટરીમાં કોણ જશે? કોર્ટ કોણ ચલાવશે? વકીલો કોણ હશે? જજ કોણ હશે? દુકાનો કોણ સંભાળશે? દરજી કોણ હશે? મોચી કોણ હશે? હોટેલ અને વેઇટર કોણ હશે? પ્લમ્બર કોણ હશે? ઇલેક્ટ્રિશિયન કોણ હશે? નવું ક્ધસ્ટ્રક્શન કરવું હોય તો કડિયા અને દાડિયા ક્યાંથી લાવવા? સોની, સુથાર, લુહાર કોણ હશે? અરે એ તો રહેવા દો વાળ વધી જાય તો વાળંદની દુકાન કેટલી હશે? માંદગી તો ત્યાં પણ હશે તો પછી ડોક્ટર કેટલા હશે? એને ત્યાં કંપાઉન્ડર અને નર્સ હશે કે નહીં? વાસણ અને કટલેરીની દુકાન અલગ હશે કે એક મોલ જ હશે? આ મોલમાં કેશ કાઉન્ટર ઉપર કોણ બેસશે અને મદદ કરવા વસ્તુ ગોઠવવા કેટલા માણસો રાખવામાં આવ્યા હશે? મુંબઈ સમાચારની જેમ છાપું બહાર પડતું હશે કે નહીં? અને પડતું હોય તો પ્રેસમાં કેટલાં માણસો કામ કરતા હશે અને મારી જેમ ઓછા પૈસા આપીને લેખ કોની પાસે લખાવતા હશે???

આવા અનેક પ્રશ્ર્નોથી ઘેરાઇ જાવ ત્યારે મને ચૂનિયો યાદ આવે. એક પણ મિનિટનો વ્યય કર્યા વગર સીધી જ ચાલતી પકડી અને ચૂનિયા પાસે આ બધા પ્રશ્ર્નોની ઝડી વરસાવી દીધી. ચૂનિયાનું પહેલું વાક્ય હતું ‘એકે હજારા’ મને સમજાણુ નહોતું પણ એણે તો સાબિત કરીને મૂકી દીધું કે આવી કહેવત આવા દેશ માટે જ પડી હશે. ચૂનિયાએ સમજાવ્યું કે જો પટાવાળો વિદેશ મંત્રી બની જાય અને વિદેશ ફરવાના શોખીન બીજા દેશના વડા પ્રધાન ત્યાં પહોંચી જાય તો આ પટાવાળાને નોકરી છોડવાનો અધિકાર ન હોય એટલે બેલ મારીને પોતે જ બહાર જાય, યસ સર કહીને ઊભો રહે અને બે ચાનો ઓર્ડર પોતે જ આપે, બહાર જઈને ચા પણ બનાવે, ટેબલ પર મૂકે અને પછી આવેલ વડા પ્રધાન સાથે ચા પીતા પીતા વિદેશ નીતિઓની ચર્ચા કરે, સામે મૂકેલ કેમેરામાં આના ઓટોમેટીક ફોટા પડે, વીડિયો લેવાય અને આ પટાવાળાની પત્ની રસોઈ બનાવી ફ્રી થાય એટલે જાતે મેકઅપ કરી ટી.વી. સ્ટૂડિયોમાં જાતે પ્રસારણનું બટન દબાવી એંકર તરીકે બોલી અને આ સમાચાર પોતાના દેશમાં રિલીઝ પણ કરી દે! ધારો કે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો અને મારામારી થઈ બંને ઘાયલ થાય અને એમાંથી એક ડોક્ટર અને એમ્બ્યુલન્સની જરૂર પડે તો શાકવાળો પોતાનો થળો ટ્રાફિક પોલીસને સોંપીને એમ્બ્યુલન્સમાં બંનેને પહોંચાડે એટલે ડોક્ટર પહેલા સામેવાળાની પાટાપીંડી કરીને પોતાની કરે અને ફરિયાદ માટે જાય ત્યાં સામેવાળો પોલીસ ઇન્સ્પેક્ટર હોય એટલે પહેલા ડોક્ટરની અને પછી પોતાની ફરિયાદ નોંધે પછી બંને સંપીને બપોર સુધી લોકઅપમાં રહે, ૪ વાગ્યે કોર્ટ પર જાય તેમાં ડોક્ટર સાંજે જજ હોય અને પોતે બેલીફ હોય એટલે પોકાર પાડી પાછો પોતાની જગ્યા પર બેસી સામેવાળાની ફરિયાદ આંભળે અને નીચે ઉતરી વકીલ તરીકે બચાવની દલીલ પણ કરી દે અને પછી સમજૂતી મુજબ બંને પક્ષ રાજી રહે એટલી સજા અને એક બીજાને કરેલી સારવાર સેવાનો રોકડ દંડ નક્કી કરી જે વ્યક્તિ એમ્બ્યુલન્સમાં મૂકી ગયો હોય એના જ પબમાં બેસી બે પેગ મારી પોતપોતાની પત્નીઓના પ્રોગ્રામ રેડિયો પર સાંભળી અને બંને સાઢુભાઈ હોય એ રીતે ઘેર પહોંચી જાય કેમ કે સવારે પાછું વાળવા ટાઇમસર પહોંચવાનું હોય.

ચૂનિયાની આ વાતથી ચક્કર આવ્યા પણ ચૂનિયાએ તરત જ સમજાવી દીધું કે આ ત્રણ જણે થઈને કેટલાં કામ કરી લીધા! હવે આ તો ૮૪૦ છે. મને ખબર હતી કે ચૂનિયો બધાના કામ વર્ણવી શકે એમ હતો એટલે મારા મોઢામાંથી છેલ્લા શબ્દો નીકળ્યા ‘નાના ૮૪૦ તો ઘણા કહેવાય..’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y3b882pw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com