21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફાંટાબાજ કુદરત

સ્પર્ધકની કૃતિ-સરદારખાન મલેક (શંખેશ્ર્વર)એક બાજુએ કુવારકા અન બીજી બાજુએ રૂપેણ નદીના આ વચલા વઢિયારી પરગણાનાં ખેતરોમાં લીલીકુંજાર સમો પાક લહેરાતો હતો. ઝરમર ઝરમર ધારે શ્રાવણિયા સરેવડાં ધરતી પર સોનું વરસાવી રહ્યાં હતાં. ત્યારે વદ આઠમની સમી સાંજે ઝબીને પ્રસવની વેદના ઊપડી, તે પહેલો પોર પૂરો થવા આવ્યો તોય એનો છુટકારો ન થયો. તેથી બધાના જીવ ઊંચા થઇ ગયેલા. રૂખી દાયણે જયારે નવશેકા પાણીનું ડોલચું મંગાવ્યું ત્યારે બધાના શ્ર્વાસ હેઠા બેઠા. બરાબર અડધી રાતે, ઉઆ.. ઉઆ... ના અવાજથી આખું ઘર ગાજી ઊઠયું. ઘરનાં દેશી નળિયામાંથી ચળાઇને આવતી હલકી હલકી હવાની લહેરખીએ આવેલા નવા મહેમાનને વધાવી લીધા.

જોગાનુજોગ એ કાળિયા ઠાકરનો પણ જન્મ દિવસ હતો. ઝબીએ કલૈયા કુંવર જેવા બે જોડિયા દીકરાઓને જન્મ આપ્યો હતો. તેથી છઠ્ઠી થઇ ત્યારે, આ દુનિયામાં પહેલા આવનારનું નામ ગોવિંદ ને બીજાનું નામ કાનો રાખવામાં આવ્યું. આમ ગોવિંદ મોટો, ને કાનો નાનો.

ઝબીનું શરીર પણ એવું કસાયેલું ને, એ તો સુવાવડના ખાટલેથી ત્રીજા દિવસે ઊભી થઇ ગઇને, ગોવિંદ ને કાનાના ઉછેર સાથે ઘરના કામમાં પરોવાઇ ગઇ. ભરાવદાર શરીરના પ્રમાણમાં છાતી પણ એટલી પુષ્ટ કે કાનો કે ગોવિંદ ધરવા ધરવ ધાવીને પાછા પગ પછાડવાનું ચાલુ કરી દે. બેમાંથી એકને સૂવાનો વખત થાયને, બીજાને જાગવાનો સમય. આમ ઝબીને આખી રાતનો ઉજાગરો થાય, તોય તેના ચહેરા પર જરાય થાક ના વરતાય.

કુટુંબની અને મહોલ્લાની બાઇઓ જયારે વ્હાલ કરવાને રમાડવા આ ઉછાળા મારતા ફુલોને પોતાના ખોળામાં લે ત્યારે અચરજ પામી જાતી. બેય બાળકોમાં એક રતીભાર પણ ફેર નહીં. નાક-નકશો ને આંખો એક જ જેવી. ઉપરવાળાએ બંનેને એક જ બીબામાંથી ઘડી કાઢયા હોય ને એમ! આમાં કયો ગોવો ને કયો કાનો એ કોઇ કળી ના શકે.

હા એટલું જરૂર, કે અડધી રાતે અંધારામાં પણ બેમાંથી કોઇ એક ભૂખ્યો થાય ને ઝબી જયારે સ્તનપાન કરાવે ત્યારે ચહરક ચહરક અમીધારા ચૂસવા લાગે એ વખતે ઝબીને ખબર પડી જાય કે આ મોટો ધાવે છે કે નાનો. આમ આ ગોવિંદની કે કાનાની ઓળખ એમની મા સિવાય કોઇને પડે નહીં.

દિવસો, મહિના, વરસો, વીતતા ચાલ્યા ને ગોવિંદ ને કાનો ગામની શેરીઓમાં રમતા થયા. એ વખતે પણ બે ભાઇઓ વચ્ચેની ભેદરેખા કોઇ ના દોરી શકયું. ગોવિંદને કોઇ કાનો કહી બોલાવે તો વળી કોઇ કાનાને ગોવિંદ કહે, તોય બેય જણ હોંકારો ભણી લે. નિશાળના માસ્તર તો બાજુએ રહ્યા, પણ સગા બાપનેય ભૂલ પડે. બાપને કયારેક સામેથી એ બોલી લેતા કે ‘બાપા હું કાનો કે હું ગોવિંદ’. ભાઇબંધો ભેગા ગેડી-દડો રમે ત્યારે પણ બધા ગોટાળા કરી બેસે. આમ કુદરતે બે ભાઇઓને એટલી બધી સામ્યતા આપેલી કે જોનાર જોતું જ રહી જાય.

ખરી ભાંજગડ તો ત્યારે થઇ કે જયારે એમનાં લગ્ન લેવાયાં. એક-બે દિવસના અંતરે બેય ભાઇઓની જાન પરણીને ઘરે આવી ત્યારે, બધાને મીઠી મૂંઝવણ થઇ હતી. રાતે એક બીજાના ઓરડા નો નક્કી કરી દીધેલા અને ઘરમાં આવેલ નવી વહુઓને એક-બીજીના ઓરડા પણ બતાવી દીધેલા. પણ દિવસે શું?

દિવસના સમયે કાનાની વહુ કાંતાને એક જેઠ ગોવિંદની લાજ તાણવી પડે. એમાં ભૂલ ના થાય કે એકાંતમાં કોઇ સાન-ઝપટીયું રમવામાં કોઇ ભૂલ ના પડે એટલા માટે ઝબીએ મોટા ગોવિંદને ધોતિયું પહેરવાનું કહ્યું અને કાનાને લાંબા નાડાવાળો તંગિયો પહેરી રાખવાની સૂચના આપી. આમ ઘરમાં નવી આવેલી વહુઓમાં અવઢવ ના રહે. તેવી ગોઠવણ થઇ ગઇ. ગામમાં ને ઘરમાં ધોતિયું પહેરે તે ગોવિંદ ને તંગિયો પહેરે તે કાનો એવી રીતે એમની ઓળખ થવા લાગી.

લોકો પણ કહેવા લાગ્યા કે આનું નામ તે ‘ફાંટાબાજ કુદરત’ વહુઓ પણ સોચી સમજીને કામ ચલાવવા લાગી. મોટી શાંતા ને નાની કાંતા. પછી તો સાસરિયામાં એવી ભળી ગઇ કે સગી બહેનોને પણ બાજુએ મૂકી દે તેવો સંપ. ઝબી પણ રામ-લખનની જોડી જોઇને મનમાં ને મનમાં પોરસાય.

બે બે જુવાન જોધ છોકરાને પડયો બોલ ઝીલી લે તેવી વહુઓ મળી તેથી ઝબી ને એના ઘરવાળાએ સંતોષ માન્યો, એમણે ઘરકામને, સીમના કામને ઓછું કરવા માંડયું. મોટા ભાગે વહુઓ ને દીકરાઓ જ ખેતર વાડીનું કામ સંભાળે.

ઉનાળાની શરૂઆત થઇ ગઇ હતી. ઘાસચારા માટે ઉનાળાની જારનું વાવેતર થઇ ગયું હતું. ખેતરમાં જારને પાણી આપવાનું ચાલુ હતું ને કૂવાના મશીનમાં ખોટકો ઊભો થયો. ગોવો ને કાનો ખૂબ મથ્યા પણ મશીન ચાલુ થયું નહીં. આથી ગોવિંદ મશીનનો એક સ્પેરપાર્ટ લઇને રિપેર કરાવવા નજીકના શહેર હારીજ ઊપડી ગયો.

ગોવિંદના ગયા પછી કાનો થાકયો હતો તેથી કુંડીના પાણીથી નાહીને, દોરડી પર સુકાતું ધોતિયું પહેરી મશીનની ઓરડીમાં સૂઇ ગયો. થાકેલો કાનો તો થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો.

ઢળતા બપોરે મોટી વહુ શાંતા મેલા કપડાનું તગારું ભરીને વાડીએ ધોવા આવી. કૂવા પર કોઇને જોયા નહી એટલે આજુબાજુ નજર નાખી પણ કોઇ દેખાયું નહીં. મશીનની ઓરડીની બારીમાંથી એણે નજર કરી, તો ઓઇલ મિશ્રિત કોઇ અનોખા પ્રકારની ફોરમ આવવા લાગી.

શાંતાએ આજુબાજુ લાંબી નજર નાખી લીધી. ખુલ્લી બારીને ધીમે રહી બંધ કરી. દબાતા પગલે એ બારણા પાસે આવી ને બારણું ખોલ્યું. તેની સાથે જ ખેતરની માટીની સુગંધ ઓરડીમાં ધસી આવી. ધીમે રહીને બારણું બંધ કરી તેણે ઓરડીમાં અંધકાર ભરી દીધો.

અફાટ એકાંત, માટીની સોડમને સામે સૂતેલો જુવાનીનો ઉછાળા મારતો મહાસાગર, તે ઉપરથી શાંતાની યુવાની. એ તો ધીમે રહીને બાજુમાં ગોઠવાઇ ગઇ. એક બે વખત ઓરડીની એકાંત માણી ચૂકેલો કાનો કાંઇ ઝાલ્યો રહે!!

માથામાં ફરતી આંગળીઓને, પગની ઝાંઝરીની ઘૂઘરીઓના રણકારે તેના મનમાં ઝબકારો કર્યો. એને લાગ્યુ: ‘આ તો કડલા- કાંબીનો અવાજ નથી! તે ઉછળીને ઊભો થઇ ગયો ને ઓરડીનું બારણું ખોલ્યું. અજવાળામાં ખાટલામાં સૂતેલી ભાભીને જોઇ તેના પગ ધરતી સાથે જડાઇ ગયા. તે બોલી ઊઠયો ‘ભાભી તમે?’ તે નીચું જોઇને બોલ્યો ‘એ તો સારું થયું ભાભી કે, તમારી ઝાંઝરીનો રણકાર હું ઓળખી ગયો. ને એક મોટા પાપમાંથી હું ઊગરી ગયો.’

ભાભી પણ ઝડપથી ઊભી થઇ ગઇ ને કપડાં સંકોરતા બોલી, ‘મારા નાના દિયર, કાનાભાઇ! તમે પહેરેલું તમારા ભાઇનું આ ધોતિયું મને છેતરી ગયું.’

---------------------------------

આવતી કાલે વાંચોબદલો ભલા-બૂરાનો ઈલાક્ષી મર્ચન્ટ (બોરીવલી)ની વાર્તા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

80l12Me8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com