21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આફત આવે ત્યારે હિંમત હાર્યા વિના એનો સામનો કરવો જોઈએ
પશ્ર્ચિમ બંગાળની એક ટીનેજર છોકરીને ત્રણ બદમાશોએ ઘેરી લીધી ત્યારે...

સુ ખનો પાસવર્ડ-આશુ પટેલપશ્ર્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સેંથિયા શહેરની આ વાત છે.

સેંથિયામાં સેંથિયા ગર્લ્સ હાઈ સ્કૂલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી પ્રિયંકા સિંઘા રોય નામની 18 વર્ષીય છોકરી 30 માર્ચ, 2018ના દિવસે તેની નાની બહેન સાથે ઘરથી થોડે દૂર કમરપરા વિસ્તારમાં કશીક ખરીદી કરવા માટે સાઈકલ લઈને નીકળી. એ વખતે રસ્તા પર લોકોની બહુ અવરજવર નહોતી.

પ્રિયંકા તેની નાની બહેન સાથે સાઈકલ પર જઈ રહી હતી ત્યારે પચીસેક વર્ષના ત્રણ યુવાનોએ તેને અટકાવી. તેમણે ગંદી કમેન્ટ્સ શરૂ કરી અને તેમાંના એક યુવાને પ્રિયંકાનો હાથ પકડી લીધો.

પ્રિયંકાએ તેને કહ્યું કે મારો હાથ છોડી દે, પરંતુ તે યુવાને પ્રિયંકાની વાત માનવાને બદલે તેના હાથ પરની પકડ મજબૂત કરી.

એ પછીની બે-ત્રણ મિનિટમાં ત્યાં ધમાલ મચી ગઈ. ત્યાં મચેલો શોરબકોર સાંભળીને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા. તેમના આશ્ર્ચર્ય વચ્ચે પેલા ત્રણેય યુવાનો જમીન પર પડ્યા હતા! અને પ્રિયંકા હજી તેમને લાતોથી ફટકારી રહી હતી. લોકોને આવેલા જોઈને તે યુવાનોએ આજીજી કરી કે અમને આ છોકરીથી બચાવો!

લોકો માટે આ દૃશ્ય કલ્પના બહારનું હતું!

પેલા યુવાનોએ પ્રિયંકા અને તેની બહેનને છેડવાનું શરૂ કર્યું ત્યારે પ્રિયંકાએ તેમને ચેતવણી આપીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, પણ તે યુવાનોએ આ સૂકલકડી છોકરીની ચેતવણીને હસી કાઢી અને તેની છેડતી ચાલુ રાખી. પ્રિયંકા માર્શલ આર્ટ ચેમ્પિયન હતી. તેણે તાઈ ક્વોન્ડોની તાલીમ લીધી હતી. તેણે વીજળીની ઝડપે પોતાનો હાથ છોડાવ્યો અને તેનો હાથ પકડનારા યુવાનને જમીન ભેગો કરી દીધો. એ પછી તે બીજા બંને બદમાશો પર અકલ્પ્ય ઝડપે ત્રાટકી અને તે બંનેને પણ તેણે ભોંય ભેગા કરી દીધા.

પ્રિયંકાએ ત્રણ-ત્રણ ખેપાની યુવાનોની ધુલાઈ કરી નાખી એ પછી તેણે પોલીસને ફરિયાદ કરીને એ ત્રણેયની ધરપકડ કરાવી.

પ્રિયંકાની આ બહાદુરીની વાત થોડી વારમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. ફિલ્મસ્ટાર અક્ષયકુમારે ટ્વિટ કરીને પ્રિયંકાને શાબાશી આપી અને તેને રોલ મોડેલ ગણાવી.

વીરભૂમ જિલ્લાના પોલીસ વડા એન. સુધીરકુમારે પત્રકારોને કહ્યું કે પ્રિયંકાએ અકલ્પ્ય બહાદુરીનું પ્રદર્શન કર્યું છે.

પ્રિયંકાને પેલા બદમાશોની ધુલાઈ કરતાં નજરે જોનારા અનિર્બન સેને કહ્યું કે એક છોકરી ત્રણ-ત્રણ જણાને જમીન પર પટકીને તેમને ફટકારતી હોય એ દૃશ્ય કલ્પના બહારનું હતું.

પ્રિયંકા સિંઘા રોયની બહાદુરીની વાત દરેક ભારતીય છોકરીએ જાણવી જોઈએ અને તેના પરથી પ્રેરણા લેવી જોઈએ. પ્રિયંકાએ માત્ર માર્શલ આર્ટના તેના કૌશલ્યનો જ ઉપયોગ નહોતો કર્યો તે માનસિક રીતે સજ્જ હતી કે તે ત્રણ-ત્રણ યુવાનોનો સામનો કરીને તેમને પાઠ ભણાવી શકે છે. તેને એક પણ ક્ષણ માટે એવો વિચાર ન આવ્યો કે તે ત્રણ યુવાનોનો સામનો કઈ રીતે કરી શકશે.

આફત આવી પડે ત્યારે હિંમત ન હારી જઈએ તો એનો સામનો કરવાનું સહેલું પડે છે એ પ્રિયંકા સિંઘા રોયે સાબિત કરી બતાવ્યું છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2bE6v3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com