20-October-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાવેરી સ્કીમને અંતિમ સ્વરૂપ આપવાના કાર્યને રોકવાનો સુપ્રીમ કૉર્ટનો ઇનકાર
સુધારેલી યોજનાને આજે મંજૂરી માટે રજૂ કરવા આદેશ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કાવેરી મેનેજમેન્ટ સ્કીમના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાના કાર્યને જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી રોકવા માટે કર્ણાટકે કરેલી વિનંતિને બુધવારે નકારી કાઢી હતી. કર્ણાટકે રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી કાવેરી મેનેજમેન્ટ સ્કીમના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાના કાર્યને હાલમાં અટકાવવાનો ઇનકાર કર્યો હતો.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કાવેરીના કાંઠા પર આવેલા દક્ષિણના ચાર રાજ્ય - તમિળનાડુ, કર્ણાટક, કેરળ અને પુડુચેરીને કાવેરીના પાણીની વહેંચણીમાં સમયાંતરે સુધારાવધારા કરવાની સત્તા આપતી જોગવાઇનો મુસદ્દામાં ઉમેરો કરવાનો પણ આદેશ આપ્યો હતો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની બૅન્ચે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને આ યોજનામાં સૂચના મુજબના સુધારાવધારા કરીને તેને મંજૂરી માટે ગુરુવારે સુપરત કરવાનો આદેશ પણ આપ્યો હતો. કર્ણાટકના વકીલ શ્યામ દીવાને દલીલ કરી હતી કે અમારા રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી કાવેરી સ્કીમના મુસદ્દાને આખરી સ્વરૂપ આપવાના કાર્યને જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી અટકાવવું જોઇએ.

આમ છતાં, ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડનો પણ સમાવેશ કરતી બૅન્ચે કર્ણાટકના વકીલની વિનંતિને નકારી કાઢી હતી.

દીવાને જણાવ્યું હતું કે આ યોજનાના બધા પક્ષકાર રાજ્યો પોતાની સંબંધિત રજૂઆત કરી રહ્યા છે. કર્ણાટકમાં નવી સરકાર રચાઇ નહિ હોવાથી મને રાજ્યના પ્રધાનમંડળ પાસેથી હાલમાં કોઇ સૂચના મળવાની શક્યતા નથી અને તેથી જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી સ્કીમને લગતું કામ અટકાવી દેવું જોઇએ.

સર્વોચ્ચ અદાલતે કર્ણાટકની દલીલને નકારતા જણાવ્યું હતું કે કાવેરી મેનેજમેન્ટ સ્કીમનો મુસદ્દો કેન્દ્રે રજૂ કરવાનો છે.

બૅન્ચે સર્વોચ્ચ અદાલત દ્વારા ચાર રાજ્યને કાવેરીના પાણીની વહેંચણીને લગતા 16મી ફેબ્રુઆરીએ આપાયેલા આદેશ મુજબ સ્કીમનો સુધારિત મુસદ્દો ગુરુવારે રજૂ કરવાનો હુકમ કર્યો હતો.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે કાવેરી મેનેજમેન્ટ સ્કીમ તૈયાર કરવામાં કેન્દ્ર દ્વારા કરાઇ રહેલા વિલંબની ટીકા કરી હતી.

કાવેરી મેનેજમેન્ટ સ્કીમમાં કર્ણાટકમાંથી તમિળનાડુ, કેરળ અને પુડુચેરીને નદીનું પાણી છોડવા છ અઠવાડિયાંનો સમય આપવાનો અને કાવેરી મેનેજમેન્ટ બૉર્ડને રચના કરવાની જોગવાઇનો સમાવેશ થાય છે.

અગાઉ, કેન્દ્રે દલીલ કરી હતી કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વડા પ્રધાન સહિતના પ્રધાનો વ્યસ્ત હોવાથી પ્રધાનમંડળની બેઠક મળી શકી નથી અને તેથી આ યોજનાના મુસદ્દાને મંજૂરી આપી નથી શકાતી. કેન્દ્રની આ દલીલને પગલે સર્વોચ્ચ અદાલત ગુસ્સે થઇ હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે કાવેરી મેનેજમેન્ટ સ્કીમને એક વખત અંતિમ સ્વરૂપ આપી દેવાય તે પછી સંબંધિત ચાર રાજ્યમાંની પાણીની અછત સહિતની પરિસ્થિતિ અને સંજોગના આધારે પાણીની વહેંચણી કરવી પડશે. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bpP7081
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com