19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કર્ણાટકનો પદાર્થપાઠ: કૉંગ્રેસ મોદીને પડકારવાનું સાવ માંડી જ વાળે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી કોલકતાના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એક વાત જણાવી હતી કે જો પહેલાંથી જ કૉંગ્રેસ અને જેડી (એસ)એ હાથ મેળવ્યા હોત તો ભાજપને આટલી સફળતા મળી ન હોત.

... પણ, રાજકારણમાં આ જો અને તો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કર્ણાટકમાં કૉંગ્રેસને મળેલી કારમી હાર પછી એ સાબિત થઈ ગયું છે કે કૉંગ્રેસ ભાજપના વિજય રથને કોઈ જ રીતે અટકાવી શકે એમ નથી અને હવે તો 2019માં યોજાનારી લોકસભાની ચંટણીમાં કૉંગ્રેસ મોદીને પડકારવાનું સ્વપ્ન પણ જોઈ શકે એવું રહ્યું નથી.

આ વર્ષના અંતભાગમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એમાં કૉંગ્રેસ સારો દેખાવ કરવાની આશા રાખે છે, પણ અત્યારે દેશમાં કૉંગ્રેસ પક્ષ પીપીએમ બનીને રહ્યો છે, એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પીપીએમ એટલે કે માત્ર પંજાબ, પુડુચેરી અને મિઝોરમમાં કૉંગ્રેસની સરકાર છે. બાકી દેશના 29 રાજ્યમાંથી 20 રાજ્યમાં અત્યારે (કર્ણાટકને બાદ કરતાં) ભાજપની સરકાર છે.

મોદી અને અમિત શાહે 2014માં ભાજપને કેન્દ્રમાં સત્તા મેળવી આપી ત્યારથી ‘મોદી લહેર’ ધીમે ધીમે આખા દેશમાં ફરી વળી છે. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘કરિશ્મા’ તેમની ‘વાક્ચાતુરી’ કે ભાષણમાંં સામા પક્ષને એકદમ ધોઈ નાખવાની આવડત કામ આવે છે.

બીજી તરફ પક્ષપ્રમુખ અમિત શાહ પણ ‘રાજકીય ખેલાડી’ સાબિત થયા છે. તેઓ પોતાના પક્ષને સતત સફળતા અપાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. કેન્દ્રમાં મોદીએ શાસન સંભાળ્યું ત્યારે માત્ર છ રાજ્યમાં જ ભાજપની સરકાર હતી, જ્યારે અત્યારે 20 રાજ્યોમાં ભારતની સરકાર છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 270થી વધુ બેઠકો મળી હતી અને સ્પષ્ટ બહુમતીને પગલે તેમને જ સરકાર રચવા મળી હતી. તે સમયે મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસ હતો અનેતેની પાસે 50 કરતાં પણ ઓછી (લગભગ 48 જ બેઠક હતી). મોદી અને અમિત શાહે મળીને ‘કૉંગ્રેસ મુક્ત’ ભારત બનાવવાનું નક્કી કર્યું છે અને તેમાં તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે.

2019ની ચૂંટણીમાં મોદી-અમિત શાહ કે ભાજપને પડકારવાનું સ્વપ્ન કૉંગ્રેસ કે રાહુલ ગાંધી જોઈ શકવાની સ્થિતિમાં જ નથી. તાજેતરના પરાજય પછી તો રાહુલ ગાંધીનું 2019માં વડા પ્રધાન બનવાું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું છે. કૉંગ્રેસ પ્રમુખ બન્યા પછી રાહુલ ગાંધી કોઈ જ રાજ્યમાં સારો દેખાવ કરી શક્યા નથી, તો લોકસભાની આગામી ચૂંટણીમાં તેમની પાસેથી વધુ સારા પરિણામની આશા કઈ રીતે રાખી શકાય?

વડા પ્રધાન મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ભાજપની નીતિને પહોંચી વળે એવો કોઈ સક્ષમ પક્ષ જ નથી. કૉંગ્રેસ બધા વિપક્ષને એક થવા માટે આમંત્રણ આપે છે, પણ બીજી તરફ રાહુલ ગાંધી બીજા વિપક્ષોને વિશ્ર્વાસમાં લીધા વિના પોતે જ વડા પ્રધાન બનવાની ઈચ્છા જાહેર કરી દે છે. તેનાં કારણે પણ બધા વિપક્ષો એક છત હેઠળ આવે એવી શક્યતા નહિવત્ છે.

કૉંગ્રેસ પક્ષમા કોઈ જ એવો સક્ષમ નેતા નથી, જે મોદીની બરોબરી કરી શકે. સોશિયલ મીડિયામાં જેટલી મજાક રાહુલ ગાંધીની ઉડાડવામાં આવે છે એટલી ભાગ્યે જ કોઈની ઉડાડવામાં આવતી હશે. જે પક્ષનો પ્રમુખ જ વારેઘડીએ પોતાને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકનારા નિવેદનો કરતો હોય એને પ્રજા પણ કઈ રીતે દેશનું સુકાન સંભાળનાર નેતા તરીકે જૂએ!

લોકસભામાં ભાજપની સામે કૉંગ્રેસ ભલે સૌથી મોટો વિપક્ષ સાબિત થતો હોય, પણ ભાજપની કુલ બેઠકની સામે તેમની સ્થિતિ ખૂબ જ કફોડી છે. આ પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ બગડે એવી અત્યારે તો શક્યતા દેખાય છે. એથી એમ પણ કહી શકાય કે 2019માં લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવાનું સ્વપ્ન રાહુલ ગાંધીએ અને કૉંગ્રેસે જોયું છે, તે અત્યારથી જ ચકનાચૂર થઈ ગયું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23512g78
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com