22-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાથને ચીરો તો ગંગા નીકળે...
રમેશ પારેખને ગાવાનો બહુ શોખ. અમરેલીમાં ‘મોરલ મ્યુઝિક ક્લબ’ ચલાવતા હતા. મુરલી બૈરન ભયી ઓ કનૈયા...એમનું ફેવરિટ ગીત. આ ગીત સાંભળીને રીતસર ચોધાર આંસુએ રડે. શંકર જયકિશનના તેઓ મોટા ફેન હતા. ઢોલ પણ ખૂબ સારું વગાડતા

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીગઝલનો એક એક શબ્દ વાંચતાં રૂંવાડાં ખડાં થઈ જાય એવું તમે અનુભવ્યું છે ક્યારેય? રમેશ પારેખની ‘હાથને ચીરો’ ગઝલને અડતાં જ મગજમાં વિસ્ફોટ થવા માંડે એવી ચોટદાર આ રચના છે. ગીત-ગઝલ, મીરાંકાવ્યોથી લઈને આલા ખાચર સુધી રમેશ પારેખનું ફલક એટલું વિસ્તૃત છે કે દર ગુરુવારે એમનું એક ગીત લઈને ‘હૈયાને દરબાર’માં ર.પા.ને આસનસ્થ કરી શકાય. પરંતુ, ર.પા.ને આજે યાદ કરવા છે જુદા કારણસર. સાલ 2006. મે મહિનાનો ધોમધખતો તાપ અને પારાવાર ઉકળાટ. કવિ પણ તન-મનથી બેચેન હતા છતાં મિત્રપુત્રના લગ્નમાં હાજરી આપવા રાજકોટથી અમદાવાદ ગયા. ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યો. રાજકોટ પાછા લાવવામાં આવ્યા પણ બચી ન શક્યા. તારીખ હતી 17મી મે. યોગાનુયોગે આજે 17 મે છે અને ર.પા.નું સ્મરણ તીવ્ર બને છે. ર.પા.ની જાતજાતની કવિતાઓ મનમાં ધમાચકડી મચાવી રહી છે એમાંથી હળવેથી રસ્તો કરીને આ ગઝલ બહાર આવે છે. બૉમ્બની માફક પડે કાયમ સવાર, એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે...! ઉફ્ફ! સવાર બૉમ્બની જેમ પડવાને બદલે કૂંપળની જેમ ફૂટતી હોત કે લીલાંછમ ઘાસની જેમ ઊગતી હોત તો કેવું સારું થાત!

વેલ, ર.પા.ના મૃત્યુની એ ‘કચ્ચરઘાણ’ ઘટનાને વિસારી દઈ ચાલો જઇએ ફ્લેશબેકમાં. વાત છે લગભગ 1968ની આસપાસની. રમેશ પારેખને ગાવાનો બહુ શોખ. અમરેલીમાં ‘મોરલ મ્યુઝિક ક્લબ’ ચલાવતા હતા. મુરલી બૈરન ભયી ઓ કનૈયા...એમનું ફેવરિટ ગીત. શંકર જયકિશનના મોટા ફેન. આ ગીત સાંભળીને રીતસર ચોધાર આંસુએ રડે. તેઓ ઢોલ પણ ખૂબ સારું વગાડતા. એકવાર કવિમિત્ર અનિલ જોશી જોડે રાજકોટ રેડિયો સ્ટેશનમાં ઓડિશન આપવા ગયા. દેવેન શાહ રાજકોટ રેડિયો સ્ટેશનના ડિરેક્ટર હતા. એમણે બન્નેને વોઇસ ટેસ્ટ આપવાનું કહ્યું.

એમને આ બન્ને કવિઓનો અવાજ પસંદ આવ્યો અને કહ્યું કે તમને એકાદ કાર્યક્રમમાં ગાવા બોલાવીશું. ર.પા. તો ખુશ. ગામ આખાને કહી વળ્યા કે અમે તો ગાવાના. જુવાનીનો જોશ અને કરિયર બનાવવી હતી એટલે એમને તો થયું કે બસ, હવે તો આપણી ગાયક તરીકેની કારકિર્દી પાકી. પણ થયું એવું કે રેડિયો સ્ટેશનમાંથી કદી નોતરું આવ્યું જ નહીં. નહીં તો કદાચ આપણને વાગ્ગેયકાર ર.પા. મળ્યા હોત. કેમકે તેઓ તેમની રચના ઘણીવાર કમ્પોઝ પણ કરતા હતા. આ વાત યાદ કરી અનિલ જોશીએ. તેમણે એ જ સમયગાળાની અન્ય એક ઘટના પણ તાજી કરી હતી. એ વખતે રેડિયો જ માત્ર મનોરંજનનું માધ્યમ એટલે રેડિયો પર કાર્યક્રમ માટે જવા મળે એ તો બહુ મોટી ઘટના. ‘કાવ્યધારા’ કાર્યક્રમમાં ર.પા.ને કાવ્યપઠન માટે નિમંત્રણ મળ્યું. કવિ તો ગેલમાં આવી ગયા. સગા-વહાલા, મિત્રમંડળને ઘરમાં ભેગું કર્યું. સાંજે સાડા છએ કાર્યક્રમ શરૂ થવાનો હતો. વાતાવરણમાં ગજબની ઉત્તેજના હતી. છ ને સત્યાવીસ થઈ. આગળનો કાર્યક્રમ પૂરો થયાની ઘોષણા ઉદ્ઘોષકે કરી અને બોલ્યા કે હવે શરૂ થાય છે ‘કાવ્યધારા’. હજુ તો આ વાક્ય પૂરું કરે એ પહેલાં આખા અમરેલીમાં વીજળી ગૂલ. જિંદગીમાં પહેલીવાર રેડિયો પર ચાન્સ મળ્યો ને કરૂણ રકાસ થઈ ગયો. અડધા કલાકે લાઈટ આવી ત્યારે અનાઉન્સમેન્ટ થયું કે, "હમણા જ તમે ‘કાવ્યધારા’ કાર્યક્રમ સાંભળ્યો. હવે પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર. નામ સુધ્ધાં સાંભળવા ના મળ્યું એ વિચારે કેવું વીલું મોઢું થયું હશે કવિનું એની કલ્પના આપણે કરી શકીએ છીએ! પછી તો જોકે ર.પા.એ નક્કી કર્યું હતું કે ગાવાનું મન થાય તો પોતાનાં જ ગીતો સ્વરબદ્ધ કરીને તક મળે ત્યાં ગાઈ લેવા. ર.પા.ને એ જ રીતે છેલ્લે ભાઈદાસમાં 2002ની સાલમાં અનિલ જોશીના કાવ્યસંગ્રહ ‘ઓરા આવો તો વાત કરીએ’ના વિમોચન પ્રસંગે ગાતા સાંભળ્યા હતા. રમેશ-અનિલે અનિલ જોશીના એક ગીત કૂવો ઉલેચીને ખેતરમાં વાવ્યો ને ઊગ્યો તે બાજરાને મોલ... ગાઈને હોલ ગજવ્યો હતો. સ્વરાંકન બેશક ર.પા.નું જ. એ ગીતમાં બન્નેનો કાઠિયાવાડી લહેકો આઈવો, ઉઈગો, વાઇવો બિલકુલ યાદ છે.

અલબત્ત, આજે અહીં જે ગઝલ વિશે આપણે વાત કરવાના છે એની સાથેય સ્મૃતિ જોડાયેલી છે. ર.પા.ની નહીં, અમારી. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં હું એમ.એ. વિથ પોલિટિકલ સાયન્સ કરતી હતી. પિરિયડ ભરવા પૂરતો જ નાતો એ ભવન સાથે. બાકી, અમારા ધામા હોય ભાષા-સાહિત્ય ભવનમાં. મિત્રો બધા અંગ્રેજી અને ગુજરાતી લિટરેચરવાળા. એમાં એક વખત આ ગઝલ એક મિત્રએ વાંચી. એ વખતે જ હૃદય સોંસરવી ઊતરી ગઈ હતી. પછી થોડાં જ વર્ષોમાં આશિત-હેમા દેસાઈના કંઠે સાંભળીને સખ્ખત મજા પડી ગઈ. એક એક શેર તો વાંચો તમે, સાહેબ અને સાહિબાન! સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે...! નાનકડી આંખની રોશનીને સહારે ર.પા. તમને સીધા સ્મરણોના પાતાળકૂવામાં લઈ જાય. ‘જે દેખાય છે એ હોતું નથી’ એવી દંભી દુનિયાની નરી, નગ્ન વાસ્તવિકતા દરેક શેરમાં પ્રગટે છે. આશિતભાઈનું સ્વરાંકન પણ લાજવાબ. ફક્ત ગુજરાતી સંગીતને સમર્પિત આ યુગલે ર.પા.ની આ રચનાને બાગેશ્રી રાગની સ્વરછટામાં અદ્ભુત બહેલાવી છે. આ ગઝલના સંદર્ભમાં આશિત દેસાઈ કહે છે, "મને હંમેશાં કંઇક અનોખું, અનયુઝવલ કરવું ખૂબ ગમે. કોઈ જુદી પ્રકારનું ગીત કે ગઝલ મારા હાથમાં આવે એટલે મારી પ્રયોગશીલતા ઉદીપ્ત થાય. આ ગઝલ ટૂંકી બહેરની છે પણ મને એનો મૂડ ખૂબ જ ગમ્યો. ગઝલની ખાસિયત છે કે દરેક શેર એકબીજાથી સાવ ભિન્ન હોય. આ ગઝલની ઉડાન અને ઉઠાવ ‘ક્યા બાત હૈ’ પુકારી ઊઠીએ એવાં અદ્ભુત છે. ગઝલનું અર્થઘટન હું એ કરું છું, જે ર.પા.એ પણ માન્ય રાખ્યું હતું, કે તમે કોઈ પણ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે એને હૃદયના કોઇ એક નિશ્ર્ચિત ખાનામાં સ્થાપિત કરી દો. મિત્ર, સ્નેહી, સ્વજન, પ્રિયજન જેવા કોઈ પણ ખાનામાં. પછી પરિચય વધતાં એ વ્યક્તિ ઊઘડવા માંડે. એના વ્યક્તિત્વના અન્ય પાસાં દેખાવા લાગે અને કોકવાર તો એ લાવા થઈને નીકળે. આ વાત મને અસર કરી ગઈ. આમેય રમેશ પારેખમાં લયકારી જબરજસ્ત છે. વાંચતા વાંચતાં જ ગીત-ગઝલ કમ્પોઝ થઈ જાય. આવી ગઝલને આમ તો કોઈ હાથ ના અડકાડે પણ મારી પાસે આવતાં જ એ તરત કમ્પોઝ થઈ ગઈ. ગઝલમાં ડ્યુએટનો ભાવ પ્રમાણમાં ઓછો હોય છે પરંતુ, આ ગઝલ હું ને હેમા હાર્મનાઈઝ કરીને હંમેશાં સાથે જ ગાઈએ છીએ. 35 વર્ષ પહેલાં મેં એ સ્વરબદ્ધ કરી હતી અને આજેય ખાસ્સી લોકપ્રિય છે. ર.પા.ને કોઈ કક્ષામાં મૂકી કે નાણી શકાય એવી અમારી હૈસિયત નથી. પૂ. મોરારિબાપુ કહે છે ને કે ર.પા. એ કશુંક ભાળી ગયેલો માણસ છે. અમારે માટેય રમેશ એટલે રમેશ એટલે રમેશ.

સાવ સાચી વાત છે અશિતભાઈની. ર.પા.ધૂની માણસ હતા. આ ધૂનીપણાને લીધે જ કદાચ એમણે કવિતામાં એકેય વિષય બાકી નથી રાખ્યો. આ જુઓને એક કવિતા : ઈશ્ર્વરે કહ્યું : માગ, મેં કહ્યું : ગધેડો આપ. પછી તો કવિતાનો ભાવાર્થ એ છે કે કવિ ગરોળી, વાંદો માગે છે. ઈશ્ર્વર બગાસું ખાઈને કહે છે કે "તું પસંદગી કરવામાં કાચો છે. ત્યારે કવિ કહે છે કે "કાચો નહીં સાચો છું, કારણ કે તું મને સ્વર્ગ આપીશને તોય હું એનાથી ઉબાઈ જઈશ. તારું સ્વર્ગનું વરદાન એકવિધતાના શાપમાં બદલાઈ જશે. એના કરતાં મારું મન જ સમૂળું પાછું લઈ લે, એ જ તમામ ચીજને એકવિધતામાં ફેરવી દે છે. મારે તારી જેમ નરકમાં સબડવું નથી.

"યાર, મારા ગજા બહારનું વરદાન ન માગ. એમ ગળગળા સાદે કહેતાં ઈશ્ર્વર લાચારીથી હાથ ઘસે છે. આવી તો કેટકેટલી રચનાઓ યાદ કરવી? ર.પા. એટલે રંગદર્શિતા, આત્મલક્ષિતાના કવિ, છતાં માંહ્યલો એકાંતપ્રિય. ર.પા.ની લયમાં હિલ્લોળ છે. પોતાની જ રચનાની કડક સમીક્ષા કરી શકે એવા વિવેચક પણ ખરા. હેમાંગિની દેસાઈ ર.પા. સાથેની એમની સ્મૃતિઓ સંકોરતાં કહે છે, "અમને બન્નેને રમેશ પારેખની રચનાઓ બહુ જ ગમે છે. એમની સાથેનું સુખદ સ્મરણ એ છે કે 2006ની 12મી મેએ અમારો રાજકોટમાં શો હતો. એમની સામે ફરી એકવાર હાથને ચીરો તો ગંગા...ગાઈ અને તેઓ ખૂબ પ્રસન્ન થયા હતા. પણ એ વખતે ખબર નહોતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. પાંચ જ દિવસ પછી હાર્ટ ઍટેકમાં તેઓ મૃત્યુ પામ્યા. કાશ, એ વાત પણ અફવા હોત..! બાકી આ ગઝલને કમ્પોઝ કરવા હિંમત જોઈએ. આખી ગઝલનો મુસલસલ થોટ એ જ છે કે માણસ, પરિસ્થિતિ કે સંજોગો જે દેખાય છે નથી હોતાં, એનો ગર્ભિત અર્થ અને સ્વભાવ કંઇક જુદા જ નીકળે.

1940માં 27 નવેમ્બરે જન્મેલા રમેશ પારેખ ગુજરાતી ભાષામાં સંસ્કૃતના કાલિદાસ, અંગ્રેજીના શેક્સપિયર, રશિયાના દોસ્તોવસ્કી, બંગાળના ટાગોર અને ઉર્દૂના ગાલિબ જેવું જ સાહિત્યિક સ્થાન ધરાવે છે છતાં કેટલા ગુજરાતીઓ એમના સાહિત્યથી પરિચિત છે ભગવાન જાણે! ગુજરાતીઓ વસે છે ત્યાં દરેક સ્થળે રમેશ પારેખ મહોત્સવો યોજાવા જોઈએ. એ જ એમને સાચું તર્પણ કહી શકાય.

આ ગઝલ યુટ્યુબ પર સાંભળવાનું યાદ છેને?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7n15d8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com