26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુછ રોઝ યહ ભી રંગ રહા ઇન્તેઝાર કા, આંખ ઉઠ ગઇ જિધર બસ ઉધર દેખતે રહે

બઝમે-શાયરી - ડૉ. એસ. એસ. રાહીમધુર, સરળ અને સાદી ભાષા, પ્રવાહી અભિવ્યક્તિ, મહાન શાયર ‘મીર’સાહેબ જેવી વર્ણનશૈલી અને ભાવકોનાં દિલોને ઓગાળી નાખે તેવી જલન-બળતરા જેમની શાયરીમાં ગૂંથાયેલા છે તે પ્રણયના કેફના શાયર ‘અસર’ લખનવીનો જન્મ લખનૌના સુખી-શિક્ષિત પરિવારમાં ઇ.સ. ૧૮૮૫માં થયો હતો. ‘અસર’ દેહલવી,‘અસર’ સહબાઇ, ‘અસર’ સહરાઇ અને ‘અસર’ હાપુડી જેવા ઉપનામ ધરાવતા શાયરોના કાફલામાં ‘અસર’ લખનવીનું નામ ઊંચું સ્થાન ધરાવે છે.

‘અસર’ લખનવીનું મૂળ નામ મિરઝા જાફર અલીખાન હતું. ઇ.સ. ૧૯૦૬માં તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી અને ૧૯૦૯માં તો ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમની નિમણૂક થઇ હતી. ૧૯૪૦માં નિવૃત્ત થયા પછી તેમણે અલ્હાબાદના એડિશનલ કલેક્ટર તરીકે સેવાઓ આપી હતી. તેઓ કેટલોક સમય કાશ્મીરના ગૃહપ્રધાનપદે પણ રહ્યા હતા. ઉચ્ચ કક્ષાના

રાજકીય હોદ્દા પર કાર્યરત રહેવા છતાં તેમના સર્જનને ક્યારેય આંચ આવી નહોતી.

તેમના પ્રકાશિત ગઝલસંગ્રહોમાં ‘અસરિસ્તાન’, ‘બહારાં’,‘નૌ બહારાં,’ અને ‘રંગબસ્ત’ વિશેષ જાણીતા થયા છે. તેમના સમયમાં તેઓ માન્યતાપ્રાપ્ત ભાષામર્મજ્ઞ હતા. લખનવી ભાષા-બોલીના જાણતલ આ શાયર અંગ્રેજી-ફારસીના મોટા વિદ્વાન હતા.

તેમણે ‘મીર’ની શાયરીનો ઊંડો અભ્યાસ કરી તેમની શાયરીનું સૌંદર્ય કયાં કયાં પડેલું છે તેનો નિચોડ તેમણે વાચકો સમક્ષ મૂકી આપ્યો હતો. તેમણે ‘મીર’ની શાયરી ‘મઝામીર’ના શીર્ષક હેઠળ બે ભાગમાં વિશદ પ્રસ્તાવના સાથે પ્રકાશિત કરી હતી. તેમણે ‘ભગવદ્ ગીતા’નો કાવ્યાનુવાદ ‘નગ્મા-એ-જાવેદ’ ના નામથી પ્રગટ કર્યો હતો. ‘અસર કે મઝામીન’, ‘છાનબીન’ અને ‘અનીસ કી મરસિયા નિગારી’ તેમના અભ્યાસલેખોના પુસ્તકો છે. આ હોનહાર શાયરનું ઇ.સ.૧૯૬૭માં લખનૌ ખાતે અવસાન થયું હતું. ભાવકોનાં હદયમાં લાંબી અસર અને પ્રભાવ મૂકી જનાર ‘અસર’ સાહેબના કેટલાક શે’રનું રસપાન કરીએ.

* ઇધર સે આજ વહ ગુઝરે તો મુંહ ફેરે હુવે ગુઝરે,

અબ ઉન સે ભી હમારી બેકસી દેખી નહીં જાતી.

આજે તેઓ અહીંથી પસાર થયાં તો મોઢું (ચહેરો)ફેરવીને પસાર થયાં. તે બિચારા હવે મારી વ્યાકુળતા પણ જોઇ શકતાં નથી.

* ઇસ સાદગી પે જાન મેરી ક્યૂં ફિદા ન હો,

જબ દિલ દુખા કે તૂ કહે : "અચ્છા, ખફા ન હો.

મારા હદયને દુભાવીને તું મને કહે છે કે ઠીક ત્યારે, નારાજ ન થાવ. હવે આવી (તારી)સમજની સાદગી પર હું મારો પ્રાણ કેમ ન્યોછાવર ન કરું ?

* ઉન કે આને કી બંધી થી આસ જબ તક હમનશીં,

સુબ્હ હો જાતી થી અકસર જાનિબે દર દેખતે.

ઓ મિત્ર! એમના આવવાની આશા હતી ત્યાં સુધી તો ઘણું ખરું દરવાજા તરફ જોતાં જોતાં જ સવાર પડી જતી હતી.

*ઇક રોઝ દિલ મેં તેરી મોહબ્બત થી જાંગુઝી

અબ તૂ હી તૂ હૈ, તેરી મોહબ્બત નહીં રહી.

એક સમય એવો હતો કે તારા પ્રેમે મારા હદય પર કબ્જો જમાવી દીધો હતો. પણ હવે તેઓ આ હદયમાં માત્ર તું જ છે પણ તારો પ્રેમ રહ્યો નથી.

* ઉન લબોં પર ઝલક તબસ્સુમ કી,

જૈસે નક્હત મેં જાન પડ જાયે.

એના હોઠો પર સ્મિતની ઝલક ! (શું વાત છે!) જાણે સુગંધમાં પ્રાણ ભળી ગયા હોય તેવું લાગે છે!

*અદબ લાખ થા, ફિર ભી ઉસ કી તરફ,

નઝર મેરી અકસર બહકતી રહી.

એમના પ્રત્યે આદર હતો છતાં એમની તરફ મારી નજર ઘણું ખરું બહેકેલી જ રહી.

* અબ આયે બહાર યા ન આયે,

આંખોં સે લહૂ ટપક રહા હૈ.

હવે વસંત આવે તો શું અને ન આવે તો પણ શું? આંખોમાંથી લોહીનાં આંસુઓ ટપકવાં લાગ્યાં છે.

* આગાઝે -મોહબ્બત કી લઝઝત,

અંજામ મેં પાના મુશ્કિલ હૈ,

જબ દિલ કો મસોસે રહતે થે,

અબ હાથ લગાના મુશ્કિલ હૈ.

પ્રેમના શરૂઆતના દિવસોની મજા એના અંતમાં મેળવવી અઘરી છે. તે વખતે તો (અમે) હદયની પીડાના આવેગને પકડી રાખતા હતા. હવે તો હાથ બગાડ્યો પણ મુશ્કેલ છે.

* આ ! મેરે કાટે અબ નહીં કટતી,

બેવફા તેરે હિજ્ર કી ઘડિયાં.

ઓ બેવફા! તું હવે આવી જા. તારા વિયોગની ક્ષણો મારી ઇચ્છા હોવા છતાંય કેમેય કરીને કપાતી નથી.

* અસર તેરે કૂચે સે બચ-બચ કે નિકલા,

અભી હોશ ઇતના હૈ દીવાનગી મેં.

તારી ગલીમાંથી ‘અસર’ સંભાળી-જાળવીને નીકળી ગયો છે. મારા પાગલપણામાં હજુ એટલી સભાનતા તો હજુ બાકી છે જ.

*અદા હૈ યાદ તેરે મુસ્કુરાકે આને કી,

ઔર ઉસકે બાદ વોહ દામન છુડા કે જાને કી.

તારી હસતાં હસતાં આવવાની છટા અને ત્યારબાદ પાલવ છોડાવીને તારી ચાલ્યાં જવાની છટા (મને) બરાબર યાદ છે.

* ઉસ કી બેદાદ કા નહીં શિકવા,

મેરા હી શૌક મેરા કાતિલ થા.

એનાં જુલ્મોની ફરિયાદ કયાં કરવા બેસું ? મને તો મારી લાલસાઓએ જ મારી નાખ્યો છે.

*ઐસે ભી લમ્હેં ગુઝરે હૈં, હૈરતે-જમાલ પર,

જલવા નઝર કે સામને, દિલ કો મગર યકીં નહીં.

અચરજમાં નાખી દે એવા એમનાં સૌંદર્ય માટે એવી ક્ષણો ગુઝરી છે કે એમનું રૂપ-સૌંદર્ય દૃષ્ટિ સમક્ષ હોય, પણ હદયને વિશ્ર્વાસ બેસતો નથી.

* કિસ તરહ તડપે જિસે યહ ડર લગા હો હમનશીં,

દર્દ મેં શામિલ ન હો જાયે કિસી કી યાદ ભી.

પોતાના દર્દ સાથે કોઇની યાદ ભળી ન જાય તેવા લોકોએ કેવી રીતે તડપવું એ બાબતનો ડર જેના મનમાં ઘર કરી ગયો હોય તેનો શો ઉકેલ? (તે તો જરા મને બતાવી દે.)

* કુછ રોઝ યહ ભી રંગ રહા ઇન્તેઝાર કા,

આંખ ઉઠ ગઇ જિધર બસ ઉધર દેખતે રહે.

આ પ્રતીક્ષાનો રંગ થોડા દિવસ એવો ઘેરો થઇ ગયો કે જ્યાં આંખ ઠરી ત્યાં જ અમોએ (એકીટશે)જોયા કર્યું!

* કોહો-સહરા જહાં બૈઠ કે મૈં રોયા થા,

ઉન મુકામોં સે સુના જાતા હૈ દરિયા નિકલે.

પર્વત અને રણમાં બેસીને હું રડ્યો હતો તે સ્થળોએ હવે ઝરણાનું વહેણ ચાલુ થઇ ગયું છે એવું મને સાંભળવા મળ્યું છે.

* કૌન કેહતા હૈ કિ મૌત અંજામ હોના ચાહિયે,

ઝિન્દગી કા ઝિન્દગી પૈગામ હોના ચાહિયે.

મૃત્યુ એ જીવનનો અંત છે એવું કોણ કહે છે ? જીવનનો સંદેશ તો જીવન જ હોવો જોઇએ.

* ક્યા ક્યા દુઆએં માંગતે હૈં સબ મગર ‘અસર’,

અપની યહી દુઆ હૈ કોઇ મુદ્આ ન હો.

આ લોકો કેવી કેવી પ્રાર્થનાઓ કરે છે એ તો જુઓ! મારી પ્રાર્થના એ છે કે મનમાં કોઇ જાતની ઇચ્છા જ પેદા ન થાય.

*કુછ દિન કી ઔર કશ્મકશે-જીસ્ત હૈ ‘અસર’,

અચ્છી-બુરી ગુઝરની થી, જૈસે ગુઝર ગઇ.

ઓ ‘અસર’! આ જીવનની દ્વિધા તો હવે થોડા દિવસ માટે જ છે. અમારા પર જે કાંઇ સારું-નરસું વીતવાનું હતું તે તો વીતી ચૂક્યું છે. (હવે શાની ચિંતા?)

*કિસી કે કામ ન આયે તો આદમી ક્યા હૈ?

જો અપની ફિક્ર મેં ગુઝરે વો ઝિન્દગી ક્યા હૈ?

કોઇના કામમાં ન આવી શકે એ કાંઇ માણસ ન કહેવાય. જે પોતાની ચિંતામાં જ ક્ષણો પસાર કરે એને વળી જિંદગી શી રીતે કહેવાય ?

*ઇન્સાન કો બેઇશ્ક સલીકા નહીં આતા,

જીના તો બડી ચીજ હૈ, મરના નહીં આતા.

પ્રેમ ન હોય તો માણસને સભ્યતા પણ આવડતી નથી. ખૈર! જીવવું તો મોટી વાત છે પણ માણસને તો મરતાંય આવડતું નથી.

*ઐસી તૌબા સે તો મયખ્વાર હી રહના થા ‘અસર’,

દિલ પે ઇક હાથ હૈ, ઇક હાથ મેં સાગર તૂટા.

‘અસર’! આવા શપથ લેવા કરતાં તો શરાબી રહેવું સારું હતું. પ્રતિજ્ઞા લેવા માટે તેં તારો એક હાથ હદય પર રાખ્યો છે જ્યારે બીજા હાથમાં તૂટેલો પ્યાલો છે તે કેવું બેહૂદું લાગે છે !

* ઇશ્ક હૈ ઇક નિશાતે-બેપાયા,

શર્ત યહ હૈ કિ આરઝૂ ન રહે.

પ્રેમ તો એક પ્રકારનું શાશ્ર્વત સુખ છે. પણ એમાં શરત એટલી છે કે (આપણામાં)કોઇ પણ પ્રકારની લાલસા રહેવી જોઇએ નહીં.

*ઊફ! વો નજર કી સબ કે લિયે દીલનવાજ હૈ,

મેરી તરફ ઉઠી તો તલવાર હો ગઇ.

અરે, એમની નજર તો બધાના દિલને ખુશ કરી દે તેવી છે. પણ એમની નજર મારા તરફ ગઇ તો (કેમ?) તલવાર જેવી થઇ ગઇ ?

* આહ કિસ સે કહેં કિ હમ ક્યા થે ?

સબ યહી દેખતે હૈં ક્યા હૈં હમ !

ઓહ! હું કોને કહેવા જાઉં કે હું કેવો હતો ! હું આજે શું છું એ જ બધા લોકો જોયા કરે છે !

*ખૂગરે-દર્દ હો અગર ઇન્સાં,

રંજ મેં ભી મઝા હૈ રાહત કા.

માણસને જો પીડા એક વખત કોઠે પડી જાય પછી તો એ દુ:ખમાં ય જાણે રાહત હોય એની મજા માણવા માંડે છે.

* ગુઝારી ઉમ્ર સારી રાઝે-હસ્તી કે સમઝને મેં,

પરસ્તિશ તેરી કરતા, ઇતની ફુરસત થી કહાં મુઝકો?

જીવનનું રહસ્ય સમજવામાં આખું જીવતર ગાળી નાખ્યું. એટલા જ માટે તો તારી પૂજા કરવા હું નવરો પડું એટલી મને નવરાશ જ ક્યાં હતી ?

* અબ કરમ કી ભી દિલ કો તાબ નહીં,

કિસ તરહ કુશ્તયે-જફા હૈં હમ.

હું અત્યાચારોનો એટલો બધો ચાહક થઇ ગયો છું કે હવે મારું દિલ (કોઇની)દયા-કરુણા પણ સહન કરી શકતું નથી.

*ઝબાં પે હર્ફે-તમન્ના ‘અસર’ ન આયા થા,

કિ વોહ નિગાહ ફિરી, ક્યોં ફિરી, નહીં માલૂમ.

ઓ ‘અસર’ ! મારી તમન્નાના શબ્દો હજી જીભ સુધી પહોંચ્યા નહોતા કે ત્યાં જ એમણે નજર ફેરવી લીધી. પણ કેમ ફેરવી લીધી એની કોને ખબર?!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

208n8x58
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com