21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુડ મોઅઅઅઅઅઅઅરનિંગ જારગ્રામ
પૂર્વનાં રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં બોલાતી સંથાલી ભાષાના કાર્યક્રમોને રેડિયો દ્વારા લાખો લોકો સુધી પહોંચાડવામાં શિખા મંડી નિમિત્ત બની છે અને તેનો તેને ગર્વ પણ છે

અનંત મામતોરાદિલ્હી-મુંબઇ જેવા શહેરોથી પ્રસારિત થતાં અનેક ટી.વી. કે રેડિયો કાર્યક્રમોમાં તમે મીઠી જબાનમાં વાત કરતી અનેક મહિલા જોકી (ઉદ્ઘોષક)ને જોઇ કે સાંભળી હશે, પરંતુ હવે તો ગામડાઓની અને તે પણ એકદમ અંતરિયાળ વિસ્તારોની આદિસમૂહની મહિલાઓ પણ આ ક્ષેત્રે પોતાના પગ, સોરી જબાન પ્રસરાવી રહી છે તે ખરેખર આજના આ મહિલાદિનની ઉજવણીમાં ચાર ચાંદ લગાડી દે તેવી ઘટના છે.

ભારતમાં જેટલા રાજ્યો છે એટલી ભાષાઓ છે. અલબત્ત ભારતમાં રાજ્યોની રચના જ ભાષા પ્રમાણે થઇ છે. ગુજરાત એટલે ગુજરાતીભાષી, મહારાષ્ટ્ર એટલે મરાઠીભાષી વિગેરે વિગેરે. જોકે, આ મૂળ ભાષાઓ ઉપરાંત પણ કેટલીય નામી-અનામી ભાષાઓ કે બોલીઓ દેશમાં બોલાઇ રહી છે. પશ્ર્ચિમ બંગાળમાં બંગાળી ભાષા તો બોલાય જ છે, પણ તેના જારગ્રામ અને મિદનાપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં બોલાતી સંથાલી ભાષા હાલ ખૂબ ચર્ચામાં છે. કેમ ન હોય? જે ભાષા ભુલાતી જતી હોય, જે ભાષા બોલવામાં આજની યુવા પેઢી નાનમ અનુભવતી હોય તે ભાષા રેડિયો પરથી સંભળાય ત્યારે તેઓ કેટલો હર્ષ અનુભવે?

જી..હાં, હાલમાં જ બંગાળના ઉપરોક્ત વિસ્તારો ઉપરાંત ઝારખંડ, ઓરિસ્સા અને ત્રિપુરામાં વસતા સંથાલી જાતિના ૪૨ લાખ લોકો સુધી પહોંચતા સંથાલીભાષી કાર્યક્રમોનું રેડિયો પ્રસારણ શરૂ થયું છે અને તેના પ્રથમ રેડિયો જોકી(ઉદ્ઘોષક) બનવાનું શ્રેય પ્રાપ્ત થયુ છે પોતાના સુરીલા અવાજથી તળપદી સંથાલી ભાષાનું ગૌરવ પ્રસરાવતી શિખા મંડીને. જોહાર જારગ્રામ (નમસ્તે જારગ્રામ) કહીને જારગ્રામ વાસી સંથાલીઓના મન મોહી લેતી, પશ્ર્ચિમ મિદનાપુરમાં નાના ખેડૂતને ત્યાં જન્મેલી શિખા, કોલકતામાં તેના કાકાને ત્યાં ઉછરીને મોટી થઇ છે. તે ત્રણ વર્ષની હતી ત્યારથી જ કલકત્ત્ાામાં રહીને બંગાળી ભાષામાં જ ભણી છે એટલે સંથાલી ભાષામાં પહેલવહેલી વાર રેડિયો પરથી બોલવાનું કામ મળ્યું ત્યારે પોતાની માતૃભાષામાં બોલવાનો આનંદ તો હતો સાથે થોડો ગભરાટ પણ હતો. નાનપણમાં આમ તો ઓલ ઇન્ડિયા રેડિયો,કોલકતા પરથી રજૂ થતાં સંથાલી ભાષાના લોકગીત સંગીત સાંભળવાનો અને પછી એ ગીતો ગણગણવાનો શોખ હતો. ફુરસદના સમયમાં તે સંથાલી ભાષામાં કવિતા પણ લખતી. ત્યારે તેને સપનેય ખ્યાલ ન હતો કે આ જ ભાષા તેના વ્યવસાયિક જીવનનો પણ હિસ્સો બનશે.

કોલકતામાં કાકાને ત્યાં રહીને એ તો ઇન્ડસ્ટ્રીયલ એંજિનિયરીંગમાં ભણીને ગ્રેજ્યુએટ થઇ હતી. શિપબિલ્ડિંગ એન્ડ એંજિનિયરિંગ કંપનીમાં એપ્રેન્ટીસશિપ માટે પરીક્ષા આપવાની તૈયારી પણ કરી રહી હતી. બન્યુ એવું કે જે દિવસે પરીક્ષા હતી એ જ દિવસે તેને રેડિયો મિલન ૯૦.૪ તરફથી રેડિયો જોકી (આર.જે.) ના હોદ્દા માટે પણ ઇન્ટરવ્યુનું કહેણ આવ્યું. પરીક્ષા માટેની તૈયારી પૂરી કરી લીધી હોવાથી તેના મા બાપ પણ એવી જ આશા રાખતાં હતાં કે તે એંજિનિયરિંગ કંપનીમાં જ જશે. તે સમય શિખા માટે બહુ મહત્ત્વનો હતો. જે ભણી છે તે જ લાઇનમાં આગળ વધવું કે માતૃભાષાની વહાલસોયી લાગણીમાં તણાઇને રેડિયો જોકીના રૂપમાં આવી પડેલા આ નવા પડકારને ઝીલી લેવો એવી કશ્મકશમાં આખરે તેના પગ રેડિયો કંપની તરફ જ વળ્યા. તેને લાગ્યું કે તે આ ક્ષેત્રમાં જ વધુ સારું કરી શકશે અને બન્યું પણ એમ જ. શિખાનો સંથાલી ભાષાનો શો એટલો બધો લોકપ્રિય થયો કે ડિસેમ્બરમાં એક કલાકના તેના શોનો સમય ફેબ્રુઆરી આવતા સુધીમાં તો બે કલાકનો કરી દેવો પડ્યો. રેડિયોના તંત્રી મિલન ચક્રવર્તી પણ શિખાની પ્રશંસા કરતા કહે છે કે તેનો ભાષા પરનો કાબૂ, સારી વાક્છટા અને સંથાલી સંસ્કૃતિ પરના પ્રેમે આ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા છે. તળપદી ભાષા પરના અમારા કાર્યક્રમને પૂરતા શ્રોતાઓ મળી રહેશે એટલું અનુમાન તો હતું જ,જોકે એ ધારણા કરતાં તો અનેકગણો પ્રતિસાદ અમને મળ્યો. હવે અમે આ રોજ પ્રસારિત થતા કાર્યક્રમને ત્રણ કલાક ફાળવવાનું પણ વિચારી રહ્યા છીએ.

આ કાર્યક્રમ લોકપ્રિય થાય એમાં નવાઇ નથી કારણ કે વિવિધ વિષયવસ્તુ પર આધારિત તેમ જ જાણકારી આપતા કાર્યક્રમો થતાં હોય છે એમ શિખા જણાવે છે. હાલમાં જ એક શો એવો થયો હતો જેમાં સંથાલીઓ દ્વારા વસંતઋતુમાં ઉજવાતા બહા-ઉત્સવ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ભારતના બીજા ભાગોમાં ઉજવાતી વસંતઋતુ કે હોળી અને પશ્ર્ચિમ બંગાળમાં ઉજવાતી ડોલ જાત્રા કરતાં અલગ રીતે પણ આ જ સમયે ઉજવાતા આ બહા-ઉત્સવ વિશે સંથાલી લોકોના વડીલોને પણ પૂરતી જાણકારી ન હતી. આવી વર્ષો પુરાણી પરંપરાનું જ્ઞાન પણ લોકો સુધી પહોંચાડી શકાય છે. ઘણા એવા શ્રોતા હોય છે જે સંથાલી સંસ્કૃતિ વિશે અમારા કરતાં પણ વધુ અને ઉપયોગી માહિતી ધરાવતાં હોય છે તેઓ પણ આ રેડિયો દ્વારા કાર્યક્રમોને વધુ સમૃદ્ધ બનાવે છે, એમ શિખા વધુમાં જણાવે છે. આ ઉપરાંત પોષ સંસ્કૃતિ ઉપરનો અમારો શો પણ બહુ લોકપ્રિય થયો હતો. સાંસ્કૃતિક ઉપરાંત સામાજિક સલાહસૂચન આપતાં કાર્યક્રમોને પણ બહોળો પ્રતિસાદ મળે છે.

શિખાના પિતા દયાલ પણ હવે કહે છે કે તેમની દીકરીએ રેડિયો જોકી બનીને ઉત્તમ કામ જ કર્યું છે. તેને માતૃભાષામાં કાર્યક્રમ આપતી જોઇને હું ખરેખર ગર્વ અનુભવું છું.

વિચાર કરો, કચ્છના ગામવાસીઓ અને ખેડૂતોને ખેતરમાં બેઠાં બેઠાં રેડિયો દ્વારા કચ્છી ભાષામાં જ એમની સંસ્કૃતિ તેમ જ દુનિયાભરની વાતો જાણવા મળે તો ક્ેટલો આનંદ થાય? બસ આવો જ આનંદ હાલ તો પૂર્વના રાજ્યોમાં સંથાલીઓ મેળવી રહ્યા છે, અને તેમાં કડી બની ગઇ છે મોહક અવાજ ધરાવતી આ શિખા મંડી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4j7uR65
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com