21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘જેમ છે, જ્યાં છે, જેવી છે’

ગુડ મોર્નિંગ - સૌરભ શાહપ્રેમ કરતાં પહેલાં ચોથી વાત એ ધ્યાનમાં રાખવાની કે જે વ્યક્તિને તમે પ્રેમ કરવા જઈ રહ્યા છો એને એનો ભૂતકાળ હોવાનો છે. અત્યારે તમને એ વ્યક્તિ પ્રેમમાં પડવા જેવી લાગી રહી છે એનું કારણ પણ એનો ભૂતકાળ જ છે. ભૂતકાળના અનુભવો, વિચારોને કારણે એનું વ્યક્તિત્વ ઘડાયેલું છે. એ વ્યક્તિને ભૂતકાળમાં જે વાતાવરણમાં ઉછેર થયેલો છે એ પણ એના વ્યક્તિત્વનો અનિવાર્ય હિસ્સો છે. તમારે એના સમગ્ર ભૂતકાળને સ્વીકારવાની તૈયારી સાથે એના પ્રેમમાં પડવું પડશે. સિલેક્ટિવ બનો તે નહીં ચાલે. ભૂતકાળના જે હિસ્સાઓની તમને ખબર ન હોય પણ વખત જતાં ખબર પડતી જાય તો એ હિસ્સાઓને પણ કોઈ રીતે જજમેન્ટ્લ બન્યા ઉદારતાપૂર્વક સ્વીકારવાની તૈયારી રાખવી પડે. આવું લખવું કે વાંચવું ઘણું સરળ લાગતું હશે, પણ એનું અમલીકરણ ઘણું કપરું છે. આવા કપરા માર્ગે જવાની તૈયારી હોય તો જ પ્રેમમાં પડવું અન્યથા અકેલે હમ, અકેલે તુમ... ગાયા કરવું.

તમને તમારો ભૂતકાળ છે, ભૂતકાળની સિદ્ધિઓ અને ભૂતકાળની ભૂલો છે. સામેની વ્યક્તિ જ્યારે તમને સમગ્રતયા સ્વીકારે છે ત્યારે જ પ્રેમની તમામ રંગછટાઓ, પ્રેમના તમામ શેડ્સ તમારા અંતરતમને મેઘધનુષી બનાવે છે. જો એ સિલેક્ટિવ રહીને તમને ટોક્યા કરશે કે તમે ભૂતકાળમાં આટઆટલી વાતો જે કહી તે મને મંજૂર નથી તો આ મેઘધનુષ ખીલવાનું નથી. તમારા ભૂતકાળની જે વાતો એને મંજૂર ન હોય એ વિશે વર્તમાનમાં તમે શું કરી શકવાના? એને ભૂંસવી તો શક્ય નથી જ. તમારા ભૂતકાળ માટે તમારામાં કોઈ ગિલ્ટ ઊભી કરાવે, કરાવતું જ રહે એવી વ્યક્તિના પ્રેમમાં તમે પડી શકો? પડ્યા તો ઝાઝું ટકી શકો એની સાથે? તો એવું જ સામેની વ્યક્તિ માટે હોવાનું એ પણ તમારે માની લેવું પડે, સ્વીકારી લેવું પડે.

પ્રેમ કરતાં પહેલાં સામેની વ્યક્તિ ‘જેમ છે, જ્યાં છે, જેવી છે’ તે પરિસ્થિતિમાં તેને સ્વીકારવાની તૈયારી રાખવી પડે. તું હવે આ રીતે તારામાં ફેરફારો કર, તું હવે આટલી બદલાઈ જા, ભૂતકાળમાં તેં જે કર્યું તે પણ હવે આવું કરવાનું અને આટલું નહીં કરવાનું એવું તમે એને કહેશો તો શરૂઆતમાં તો ઠીક છે એ તમને રિઝવવા તમારા કહ્યા પ્રમાણે કરશે, પણ વખત જતાં એને તમારા આવા આગ્રહો જોહુકમી લાગવા માંડશે. વિચાર કરો કે એ તમને બદલાવાનું કહે તો? તમે પોતે, તમારી ટેવો, તમારું જીવન-બધું જ તમારા ભૂતકાળના આધારે ઘડાયેલું છે. તમારામાં જ્યાં જ્યાં પરિવર્તન કરવાની, સુધરવાની જરૂર છે ત્યાં તમે એ મુજબના ફેરફારો કર્યા જ છે અને આમ છતાં બદલાવાના કેટલાક પ્રયત્નો સફળ નથી થયા. એના કહેવાથી, એના દબાણથી તમે ફરી પ્રયત્નો કરશો અને કદાચ સફળ જશો, કદાચ ફરી નાકામિયાબ જશો. નિષ્ફળ જશો અને એ તમને ટોક ટોક કર્યા કરે તો તમને કેવું લાગશે? એવું જ એને પણ લાગવાનું છે.

પ્રેમમાં પડતાં પહેલાં ચોથી વાત એ ધ્યાનમાં રાખવાની કે સામેની વ્યક્તિને એના સમગ્રતયા ભૂતકાળ સાથે સ્વીકારવાની તૈયારી હોય તો જ આગળ વધવાનું.

પ્રેમ કરતાં પહેલાંની પાંચમી વાત એ કે નિખાલસતા કે પછી ટ્રાન્સપરન્સિ-પારદર્શિતાના નામે તમારે સામેની વ્યક્તિ પર તમારા જીવનના તમામ પ્રસંગોનો બોજ ઠાલવી દેવાની કોઈ જરૂર નથી. સામેની વ્યક્તિ તમારા આ બોજને વેંઢારવા તમારા જીવનમાં પ્રવેશી રહી નથી. નિકટતા જતાવવા ઘણી વખત તમને તમારો આ સાઘળોય બોજ ઠાલવી દેવાનું મન થાય અને એવું કરી લીધા પછી એ પણ એવું કરે એવી અપેક્ષા તમારામાં જન્મે. પણ એ તમારા કરતાં વધારે સમજદાર હોય અને તમારા પર એવો વધારાનો ભાર લાદવા ન માગે ત્યારે તમને થાય કે મારી નિખાલસતાનો, મારી પારદર્શકતાનો પડઘો નથી પડી રહ્યો. કાકા, તમને કોણે કહેલું કે તમારે આ રીતના નિખાલસ થવાનું છે. નિખાલસતા અને પારદર્શકતા એટલે તમે કોઈને તમારી ટ્રુ સેલ્ફ વિશે અંધારામાં ન રાખો તેવી વર્તણૂક. ભૂતકાળના તમારા છબરડાઓને ખુલ્લા પાડવાની એમાં કોઈ શરત છે જ નહીં. નવ્વાણું ટકા આ છબરડાઓ સેક્સ અને પ્રેમસંબંધોને લગતા હોવાના, જે જાણીને સામેની વ્યક્તિ એમાં પોતાની કલ્પનાઓ ઉમેરીને વધુ શોષાવાની. તમારી સાથે એ એવું કરે તો તમારું પણ એ જ થવાનું. જેના ભૂતકાળમાં તમારું સ્થાન હતું જ નહીં અને તમારા ભૂતકાળમાં એવું સ્થાન નહોતું તો પછી એ બધી વાતોનો આજની તારીખે મતલબ શું છે, શા માટે એવા બોજની એકપક્ષીય કે દ્વિપક્ષી આપલે હોવી જોઈએ?

છઠ્ઠી વાત એ કે તમારે તૈયારી રાખવાની કે આજે, આ ઘડીએ તમને એના માટે જે લાગણીઓ છે અને એને તમારા માટે જે લાગણીઓ છે એમાં વધઘટ થવાની, ફેરફારો થવાના. સૂરજ રોજ નિશ્ર્ચિત ગણતરી મુજબ આગલા દિવસ કરતાં થોડોક વહેલો કે મોડો ઊગે છે અને એ પણ એના નિયમ મુજબ થોડોક દક્ષિણ તરફ કે થોડોક ઉત્તર તરફ ખસે છે. ઋતુચક્ર એને કારણે સર્જાય છે. વસંતો પછી પાનખરો અને પાનખરો પછી ફરી વસંતો આવતી રહે છે. લાગણીઓમાં પણ એવું થવાનું. પાનખરને પણ એવું સોંદર્ય હોવાનું. એવા સમયે થતી ગેરસમજોને કે મતભેદોને મોટું સ્વરૂપ આપ્યા વિના, જિંદગીમાં આવા પણ તબક્કા હોવાના એવું માનીને સ્વીકારી લઈએ અને વસંતના પ્રથમ ઈશારાની રાહ જોઈએ. નવું પાંદડું ફૂટવાનું જ છે, નવી કુંપળ આવવાની જ છે. પાનખર આવે ત્યારે એક સમયના તમારા હર્યાભર્યા ઉપવનને ખેદાનમેદાન કરી નાખવાની ચળ ઊપડે તે રોકી લેવાની.

પ્રેમ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની સાતમી અને હાલ પૂરતી છેલ્લી નાનકડી વાત એ કે અહીં પણ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. જેવું કરો છો તેવું પામો છો. જે વાવશો તે જ તમે લણવાના છો એટલું યાદ રાખજો. પ્રેમ કર્યા પછી ધ્યાનમાં રાખવા જેવી વાતો કાલે.

આજનો વિચાર

માનસિક રોગ વિભાગમાં રાઉન્ડ વખતે ડૉક્ટરે દર્દીને પૂછ્યું: ‘કોણ છે તમારી સાથે?’ ઊંચું પણ જોયા વગર પરાણે સ્મિત કરીને દર્દીએ કહ્યું: ‘કોઈ સાથે નથી એટલે તો અહીં છું.’

- વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

મિત્ર: આ વાંચ્યું, ર૦૪૦ની સાલમાં લોકો પાસે પીવા માટે પાણીનું ટીપુંય નહીં હોય.

બકો: જતી ઉંમરે બિયર પીને દિવસો કાઢવા પડશે...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8hD730t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com