21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આરબીઆઇના નવા નિયમને કારણે બૅન્ક શેરોએ બેન્ચમાર્કને નેગેટીવ ઝોનમાં ધકેલ્યા
ફ્રોડ ટ્રાન્ઝેકશને પીએનબીના શેરને પછાડ્યો, માર્કેટ કેપમાં ₹ ૩૮૪૪ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: રિઝર્વ બેન્કે સ્ટ્રેસ્ડ એસેટને લગતો નવો નિયમ જાહેર કર્યો હોવાની નકારાત્મક અસરે બેન્ક શેરોની આગેવાનીએ વેચવાલીનો દોર શરૂ થતાં ખાસ કરીને સત્રના પાછલા તબક્કે જોરદાર પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ ૧૪૪ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્ક પંજાબ નેશનલ બેન્કે ૧.૭૭ અબજ ડોલર (અંદાજે રૂ. ૧૧,૩૩૫ કરોડ)નું છેતરપિંડીયુક્ત ટ્રાન્ઝાકશન પકડી પાડ્યું હોવાની જાહેરાત કરી ત્યારબાદ આ બેન્કના શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને તેમાં ૯.૮૧ ટકાના કડાકો નોંધાયો હતો.

બીએસઇ પર તે રૂ. ૧૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ તરત જ ૧૪૪.૭૦ની નીચી સપાટીએ પટકાયો હતો. એનએસઇ પર તો આ શેરમાં ૧૦.૨૯ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો અને તે રૂ. ૧૪૫.૨૦ની સપાટીએ સ્થિર થયો હતો. આ એક્સચેન્જ પર સત્ર દરમિયાન તે રૂ. ૧૪૫.૧૫ સુધી નીચે ગયો હતો.

શેરના ભાવમાં થયેલા આ ધોવાણને કારણે તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૮૪૪ કરોડના ધોવાણ સાથે રૂ. ૩૫,૩૬૫ કરોડના સ્તરે પહોંચ્યું હતું. પીએમનબીએ એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બેન્કે ૧.૭૭ અબજ ડોલરની છેતરપિંડિ પકડી પાડી છે અને વસૂલી માટે કેસ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીને સોંપવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કે બેડ લોનનો પહાડ હળવો કરવાના પ્રયાસરૂપે બેન્કો માટે નવા કડક નિયમો જાહેર કર્યાં છે, જે મુજબ બેન્કોએ હવે લોનની ચૂકવણીમાં સમસ્યા ઊભી થાય તેવા કેસ ઝડપથી શોધી કાઢી તેનો ઝડપી નિકાલ કરવાનો રહેશે.

આરબીઆઇએ હાલના લગભગ અડધો ડઝન લોન રિસ્ટ્રકચરિંગ મિકેનિઝમ રદ્ કરી નાંખ્યા છે અને તેને સ્થાને બેન્કોને રિઝોલ્યુશન માટે સહમત થવા ૧૮૦ દિવસનો સમય જાહેર કર્યો છે, અન્યથા સંબંધિત ખાતાને બેન્કરપ્સી માટે રિફર કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્ર્વબજારના સારા સંકેત અને સ્થાનિક સંસ્થાઓની લેવાલી વચ્ચે સેન્સેક્સ ૩૪,૪૩૬.૯૮ પોઇન્ટની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૩૪,૪૭૩.૪૩ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ પ્રોફિટ બુકિંગને કારણે ૩૪,૦૨૮.૬૮ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૧૪૪.૫૨ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકાના ઘટાડા સાથે ૩૪,૧૫૫.૯૫ પોઇન્ટની સપાટીએે સ્થિર થયો હતો.

એનએસઇનો પચાસ શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ સત્ર દરમિયાન ૧૦,૫૯૦.૫૫ પોઇન્ટની ઊંચી અને ૧૦,૪૫૬.૬૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૩૮.૮૫ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના ઘટાડા સાથે ૧૦,૫૦૦.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

એ નોંધવું રહ્યું કે, પાછલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સે ૧૦૬૦.૯૯ પોઇન્ટ અથવા તો ૩.૦૨ ટકા અને નિફટીએ ૩૦૫.૬૫ પોઇન્ટ અથવા તો ૨.૮૪ ટકા ગુમાવ્યાં હતાં. એ નોંધવું રહ્યું કે, બજેટના ફટકા અને વૈશ્ર્વિક બજારોના ડહોળાવાને કારણે સાત સત્રમાં સેન્સેક્સે ૨૨૦૦.૫૪ પોઇન્ટ ગુમાવ્યાં હતાં. તેમાં આ સત્રના ૪૦૭ પોઇન્ટનો ઉમેરો થતાં કુલ આંકની સંખ્યા ૨૬૦૦.૬૧ પોઇન્ટ થાય છે.

આ સત્રમાં પણ લાર્જ કેપમાં વેચવાલી વચ્ચે નાના શેરોમાં લેવાલી અને સુધારો જારી રહ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી એક વખત તેજી આગળ વધી રહી છે. રોકાણકારો આ સેગમેન્ટના ઓવર સોલ્ડ શેરો એકત્ર કરી રહ્યાં હોવાનું બજારના સાધનો જણાવે છે. ફેબ્રુઆરી મહિનામાં વૈશ્ર્વિક બજારો પાછળ સ્થાનિક બજારોમાં ઊંચી ઊથલપાથલ જોવા મળી છે, જેમાં મિડ-કેપ્સ અગ્રણી રહ્યા છે.

લાર્જ-કેપ્સ કરતાં અનેકગણી વધઘટ મિડકેપ્સમાં જોવા મળી છે. મિડકેપ્સમાં ઘટાડો જેટલો તીવ્ર હતો એટલો જ પ્રત્યાઘાતી સુધારો પણ ઝડપી જોવાયો છે. કોર્પોરેટ અર્નિંગ્સ સારા આવવા સાથે લાંબા ગાળે અર્થતંત્રમાં સુધારો રહેવાના અહેવાલોએ સેન્ટિમેન્ટ સુધાર્યું છે. અમુક વર્ગ હજુ પણ માને છે કે લાંબા ગાળે તેજી છે, પરંતુ ટૂંકા અને મધ્યમ ગાળે અફડાતફડીથી વિશેષ કશું નથી.

સોમવારના સત્ર બાદ જાહેર થયેલા ડેટા સારા આવ્યાં છે. ઔદ્યોગિક ઉત્પાદન અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં નોંધપાત્ર વધ્યું છે.

કામચલાઉ ધોરણે આ ડેટા બજારના માનસને ટેકો આપી શકે છે, પરંતુ બજારના નિષ્ણાતો કહે છે કે આ કામચલાઉ ટ્રેન્ડને અંતિમ ના ગણી શકાય, કારણ કે બજારની ચાલ પર અસર કરનારા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો પ્રવાહી સ્થિતિમાં છે.

દરમિયાન, એક્સચેન્જ પાસેથી મળેલી કામચલાઉ જાણકારી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૮૧૪.૧૧ કરોડના શેર વેચ્યા હતાં, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૩૪૨.૭૦ કરોના શેર ખરીદ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l6C3s6m5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com