18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોનામાં ₹ ૧૩૫ની અને ચાંદીમાં ₹ ૨૬૦ની તેજી

મુંબઈ: અમેરિકા ખાતે આજે ફુગાવાના આંકડાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનુ વલણ રહેતાં લંડન ખાતે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૬૦ની તેજી આવી હતી, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫ની તેજી આવી હતી. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરોમાં પણ ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈ ઉપરાંત વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રિમાસિકગાળામાં બિલિયોનેર હેજ ફંડ મેનેજર રૅ ડાલિયોએ તેના સોનાના હોલ્ડિંગમાં વધારો કર્યો હોવાના અહેવાલ સાથે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૬ ટકા વધીને ૬ ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ૧૩૩૭.૦૨ ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે ડાલિયોની બ્રિજવૉટર એસોસિયેટ્સે જણાવ્યું હતું કે આગામી ૧૮થી ૨૪ મહિના મંદીનો સમયગાળો રહે તેમ હોવાથી અમે વર્ષ ૨૦૧૭ના છેલ્લા ત્રિમાસિકગાળામાં એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટ અને આઈશૅર્સ ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે.

દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીકળેલી નવેસરથી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૬૦ વધીને રૂ. ૩૮,૧૮૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટોની પાંખી વેચવાલી સામે જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને પ્રવર્તમાન લગ્નસરાની માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૦,૨૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૦,૩૬૦ના મથાળે બંધ રહ્યા હતા.

-------------------

ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા મજબૂત



મુંબઈ: ગત ડિસેમ્બર મહિનાના દેશમાં ફેક્ટરી ઉત્પાદનનો આંક વધીને ૭.૧ ટકા અને રિટેલ ફુગાવાનો દર મંદ પડીને ૫.૦૭ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારના બંધ સામે બાવીસ પૈસા મજબૂત થયો હતો તેમ જ ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજમાં પણ ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાછોતરા સત્રમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૪૪ પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું.

દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગત સોમવારના ૬૪.૩૨ના બંધ સામે મજબૂત અન્ડરટોને ૬૪.૧૫ની સપાટીએ ખૂલ્યો હતો. જોકે, ત્યાર બાદ ડૉલર ઈન્ડેકસની નરમાઈના નિર્દેશ તેમ જ ગત સોમવારે જાહેર થયેલા આર્થિક આંકડાઓ પ્રોત્સાહક આવતા સત્ર દરમિયાન નિકાસકારોની ડૉલરમાં વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હતું અને નીચામાં ૬૪.૧૮ અને ઉપરમાં ૬૪.૦૪ની રેન્જમાં અથડાયા બાદ સત્રના અંતે આગલા બંધથી બાવીસ પૈસા અથવા તો ૦.૩૫ ટકા મજબૂત થઈને ૬૪.૦૯ના મથાળે બંધ રહ્યો હતો.

વધુમાં ડૉલર સામે રૂપિયો મજબૂત થવાને કારણે ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજ જે ગત સોમવારે ૭.૪૯૯ ટકાના સ્તરે હતી તેની સામે ઘટીને ૭.૪૯૧ ટકાની સપાટીએ રહી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૧૮માં અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયો ૦.૪ ટકા નબળો પડ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Q3Gd3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com